ગાંધીજી જ શું વિચારતા હતા 'ગાંધીવાદ' વિશે?

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

જાણીતી વ્યંગોક્તિ છે કે ઈસુ ખ્રિસ્ત ખ્રિસ્તી ન હતા અને કાર્લ માર્કસ માર્કસવાદી ન હતા. તો ગાંધીવાદ સંદર્ભે ગાંધીજીની કેવી સ્થિતિ હતી? અને ગાંધીવાદ વિશે તે શું વિચારતા હતા?

વાદનો વિવાદ

કોઈ પણ 'વાદી'ની જેમ 'ગાંધીવાદી'ઓના પણ મુખ્ય બે પ્રકાર પાડી શકાય : (1) ગાંધીજીના જીવનકાર્યને સમજીને, પોતાની સમજ-શક્તિ પ્રમાણે, ગાંધીજીએ ચીંધેલાં એક કે વધુ મૂલ્યો પ્રમાણે જીવવાનો પ્રામાણિક પ્રયાસ કરનારા.

(2) ગાંધીજીએ ચીંધેલાં કે તેમનાં જીવનમાંથી નીપજતાં મૂલ્યોને આત્મસાત્ કરવાને બદલે, તેમની કેટલીક બાબતોનું જડતાભર્યું-સમજવિહોણું અનુકરણ કરનારા.

હવે તો ગાંધીવાદની બોલબાલા કે ફેશન સુદ્ધાં રહ્યાં નથી, પણ જ્યારે એવો જમાનો હતો ત્યારે બીજા પ્રકારના ગાંધીવાદીઓ બહુમતીમાં હતા. (કોઈ પણ વિચાર 'વાદ' બની જાય પછી એવું જ થતું જોવા મળે છે.)

ફરક એટલો કે પહેલા પ્રકારના જાણીતા કે અજાણ્યા ગાંધીવાદીઓ ત્યારે નોંધપાત્ર સંખ્યામાં હતા. એટલે ગાંધીજીની જુદી જુદી હકારાત્મક લાક્ષણિકતાઓ સામાન્ય લોકો સુધી પહોંચતી હતી.

વાદોની વાસ્તવિકતા બરાબર સમજતા ગાંધીજીએ અનેક પ્રસંગોએ 'ગાંધીવાદ' જેવો કોઈ વાદ હોવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો.

આચાર્ય કૃપાલાણીએ જડ-કંઠીબંધા-અનુકરણીયા 'ગાંધીવાદ'ની ટીકા કરી ત્યારે ગાંધીજીએ પોતે જ એ ટીકાને ટેકો આપ્યો હતો.

એક પ્રસંગે ગાંધીજીએ કહ્યું હતું, 'ગાંધીવાદ જેવી કોઈ વસ્તુ છે જ નહીં, અને મારે મારી પાછળ સંપ્રદાય મૂકી જવો નથી. મેં કંઈ નવું તત્ત્વ કે નવો સિદ્ધાંત શોધી કાઢ્યો છે એવો મારો દાવો નથી.

મેં તો માત્ર જે શાશ્વત સત્યો છે તેને આપણા નિત્યના જીવન અને પ્રશ્નને લાગુ પાડવાને મારી ઢબે નમ્ર પ્રયાસ કર્યો છે.' (હરિજનબંધુ, 29-3-1936, પૃ.17)

'ગાંધીવાદ' એટલે?

ગાંધીજીની ગમે તેટલી સ્પષ્ટતાઓ છતાં ગાંધીવાદ અને ગાંધીવાદીઓ બનીને જ રહ્યા.

ગાંધીજીનાં જીવનમૂલ્યો દર્શાવતી વિચારધારાને સહેલાઈ ખાતર કોઈ 'ગાંધીવાદ' તરીકે ઓળખવા માગતું હોય, તો ઠીક છે.

શબ્દને વળગવાને બદલે વિચાર અને ભાવની સ્પષ્ટતા થવી જરૂરી છે. કેમ કે, એ પણ એક ગાંધીમૂલ્ય છે. ગાંધીજી કદી ભાવ કે આચરણ વગરના શબ્દોનાં ખોખાંને વળગી રહ્યા નહીં.

સત્ય, અહિંસાથી માંડીને બીજાં અનેક મૂલ્યો અને વ્રત પાળવા તેમણે આજીવન પ્રયાસ કર્યો.

તેમની મહત્તા આ કસોટીમાંથી સો ટકા પાર ઊતરવામાં નહીં પણ પૂરી નિષ્ઠાથી આ કસોટીઓ આપવામાં- સતત આપતા રહેવામાં છે.

આદર્શ એવો જ હોય કે જે આંબી ન શકાય, પણ તેની તરફ જોઈને, તેને માર્ગદર્શક ગણીને, તેના સુધી પહોંચવામાં જીવન ખર્ચી શકાય.

એ અર્થમાં ગાંધીજીનું જીવન અને તેમણે સેવેલા આદર્શો- આ બંને વચ્ચે પણ તફાવત હતો.

ગાંધી સેવા સંઘના કાર્યકરો સમક્ષ આપેલા એક પ્રવચનમાં તેમણે કહ્યું હતું, 'કોઈ એમ ન કહે કે હું ગાંધીનો અનુયાયી છું.

હું એકલો જ મારો અનુયાયી બનું એટલું બસ છે. મારો પોતાનો પણ હું કેવો નબળો અનુયાયી છું એ હું જ જાણું છું.

કારણ હું મારી માન્યતાઓને અનુસરતું આચરણ કરી શકતો નથી.' (હરિજનબંધુ, 3-3-1940, ગાંધીજીનો અક્ષરદેહ-71, પૃ.291)

પોતાના નબળા અનુયાયી હોવું એટલે પોતે મનમાં સેવેલા આદર્શોથી વાસ્તવિક જીવનમાં દૂર હોવું.

આમ, 'ગાંધીવાદ' પ્રમાણે એટલે કે પોતે મનમાં બાંધેલા આદર્શ પ્રમાણે, સંપૂર્ણપણે તેને અનુરૂપ જીવન જીવવાનો દાવો ગાંધીજીએ પણ કદી કર્યો નહીં.

આદર્શો સુધી પહોંચવાનો તેમનો ઝઝૂમાટ છેવટ સુધી રહ્યો. આ લડાઈ દરેકની વ્યક્તિગત હોઈ શકે.

તેમાં સફળતા નિષ્ફળતાનું માપ પણ ગાંધીજીએ ચીંધેલા આદર્શોની સરખામણીએ નહીં, તેમાંથી પોતે આત્મસાત્ કરેલા અને પહોંચવા ધારેલા આદર્શોની સરખામણીએ જ થઈ શકે.

એને બદલે, ઘણા કિસ્સામાં ગાંધીજીના નામે ઘડી કઢાયેલા કાલ્પનિક દુરાગ્રહો ગાંધીવાદનો પર્યાય બની બેઠા અને એવો એકાદ દુરાગ્રહ જડતાપૂર્વક સેવનારા પણ ગાંધીવાદી તરીકે ઓળખાયા.

પરિણામે, ખાદી, ગાંધીટોપી જેવાં ગાંધીપ્રતિકો ઝડપથી લોકોના આદરને બદલે લોકોની ટીકા, શંકા અને રોષનું કારણ પણ બનતા રહ્યા.

ગાંધીજીના-ગાંધીવાદના નામે ખોટી રીતે ચડેલી સૌથી મોટી લાક્ષણિકતા એટલે સોગીયાપણું- મુક્ત હાસ્યનો અભાવ.

દુન્યવી આનંદોને લગતી કેટલીક બાબતોમાં ગાંધીજીના આકરા અભિપ્રાયોને કારણે તેમના બીજા પ્રકારના અનુયાયીઓએ એવું ઠોકી બેસાડ્યું કે ગાંધીવાદીએ તો ચોવીસે કલાક ગંભીર મોં રાખીને જ ફરવું જોઈએ.

તેનાથી ગાંધીવાદીઓ, ગાંધીવાદ અને સરવાળે ગાંધી વિશે ખોટી છાપ ઊભી થઈ. બાકી, આઝાદીની લડાઈમાં ભાગ લેનારા બધા નેતાઓમાં ગાંધીજીની હાસ્યવૃત્તિ કદાચ સૌથી વધારે ખીલેલી, તેજ હતી.

સોગીયા મોઢે દુનિયાનાભરનાં પોટલાં ખોટેખોટાં માથે લઈને ફરનારા, પ્રસન્નતાવિરોધી ગાંધીવાદીઓએ પણ ગાંધીજી અને ગાંધીવાદ વિશે ગેરસમજણો ફેલાવવામાં ઘણો ફાળો આપ્યો.

સ્વરાજ અને પરાધીનતા

લોકો આંખ મીંચીને કે શરમાશરમીમાં અનુસરે તે ગાંધીજીને બિલકુલ નાપસંદ હતું.

એક વાર જેલમાં ચર્ચા વખતે ગાંધીજીએ કાકા કાલેલકરને કહ્યું હતું, 'તમને એનાલિટીકલ રીતે વિચાર કરવાની ટેવ છે. એ સારું નથી. વિચાર કરતી વખતે સિન્થેટિકલ રીતે જ કરાય. પાણીનું દરેક ટીપું તપાસવા બેસ્યે પાર આવે?'

પછી કાકાએ તેમની પાસેથી જે વિચાર લીધા હોય તે સ્વતંત્ર રીતે ખીલવવાનું અને આત્મવિશ્વાસ રાખવાનું કહ્યું અને ઉમેર્યું, 'હું મરી જઈશ ત્યારે કોને પૂછવા બેસશો?' (મીઠાને પ્રતાપે, કાકા કાલેલકર, પૃ.101)

વલ્લભભાઈ 1920ના દાયકાથી માનતા કે ગાંધીજીએ આપણને આપવા જેવું આપી દીધું છે અને તેનો અમલ કરવાની જવાબદારી આપણી છે.

પરંતુ સરદારની આ વાતનો અમલ ત્યારે જ થઈ શકે, જ્યારે વ્યક્તિ પોતાની રીતે ગાંધીજીના વિચાર સમજે અને તેને પોતાનાં કાર્યોમાં ઉતારવા પ્રયાસ કરે.

'બાબા બોલ્યા એ સત્ય' એવી અંધશ્રદ્ધા ગાંધીજીના મામલે ન ચાલે. કારણ કે પોતાના બદલાતા વિચારો વિશે તેમણે ઘણી વાર લખ્યું હતું.

'ગમે તેવા આગ્રહપૂર્વક જેને હું વળગી રહ્યો હોઉં તે વિચાર પણ તેમાંનો દોષ હું જોઈ જાઉં અથવા મને બીજા કોઈ બતાવે કે તરત એનો ત્યાગ કરતાં મને વાર લાગતી નથી.' (બાપુની પ્રસાદી, મથુરાદાસ ત્રિકમજી, પૃ.114)

ગાંધીજીના સાથી અને કુટુંબી મથુદારાસ ત્રિકમજીએ એક પ્રસંગે તેમને લખ્યું, 'આપ ઝીણી ઝીણી બાબતમાં ક્યાં સુધી સલાહ આપશો? એમાં ભૂલ થવાનો પણ સંભવ રહે છે.' (તા.12-8-1924, બાપુની પ્રસાદી, પૃ.74)

ત્યારે ગાંધીજીએ મથુદારાસ પર ખિજાવાને બદલે તેમને લખ્યું, 'દરેક બાબતમાં મારી પાસેથી ફતવા મેળવવા એ ભૂલ છે ને ભયંકર છે, એ તદ્દન માનું છું. જે ઢબથી મને પૂછ્યું હોય તે ઢબથી જવાબ નીકળે, તેમ જવાબ દેતાં મારી ભૂલ પણ થાય. સિદ્ધાંતોમાંથી ઉપસિદ્ધાંતો સહુએ ઘટાવી લેવા જોઈએ.' (તા. 13-8-1984, બાપુની પ્રસાદી, પૃ.74)

બંધન અને છૂટછાટ

ગાંધીજીની સામાન્ય અને ખોટી છાપ સિદ્ધાંતજડ નેતા તરીકેની છે. ઘણી બાબતોમાં ગાંધીજી સિદ્ધાંતોના ચુસ્ત આગ્રહી હતા, લીધેલી વાત મૂકતા ન હતા, તેમના ઘણા આગ્રહો આપણી દૃષ્ટિએ સમજાય એવા ન હતા.

તેની સાથોસાથ તેમનામાં એટલી સ્થિતિસ્થાપકતા હતી કે આકરામાં આકરા આગ્રહો તે જરૂર લાગ્યે છોડી શકતા.

એ જરૂર પોતાની નહીં, બીજાની રહેતી. જેમ કે તે દર સોમવારે (રવિવારની સાંજથી સોમવારની સાંજ સુધી) મૌન રાખતા.

પરંતુ અતિશય શારીરિક પીડા થાય કે બીજા કોઈના દુઃખને દૂર કરવા માટે જરૂરી લાગે ત્યારે મૌન તોડવાની છૂટ તેમણે રાખી હતી.

આશ્રમના કેન્દ્રસ્થાને રહેલા તેમના જૂના સાથી-ભત્રીજા મગનલાલ ગાંધીનું અવસાન થયું ત્યારે તેમના પરિવારને સાંત્વના આપવા માટે ગાંધીજીએ મૌન છોડ્યું હતું.

એવી જ રીતે, એક વાર મહાદેવ દેસાઈ ગંભીર રીતે બિમાર પડ્યા ત્યારે તેમને સાંત્વના આપવા માટે તેમણે મૌનમાં અપવાદ કર્યો હતો.

કાકા કાલેલકરે નોંધ્યું છે કે શરૂઆતમાં ગાંધીજીએ રોજ પાંચ કુદરતી વસ્તુઓ ખાવાનું જ વ્રત લીધેલું. 'થોડા વખત પછી તેમને સમજાયું કે દક્ષિણ આફ્રિકાની જેમ ભારતમાં ફળ સહેલાઈથી મળતાં નથી.

એટલે તેમણે શેકેલી મગફળી શરૂ કરી. તે જ્યાં જાય ત્યાં સાથે લઈ જાય. નાળિયેર મળે તો તેનું દૂધ પણ લેતા.

ઘણો વિચાર કર્યા પછી તેમને લાગ્યું કે ભારતમાં અનાજ લીધા વિના નહીં ચાલે. ત્યારથી ભાત રોટલી કે ખીચડી ખાવા લાગ્યા. મીઠું પણ શરૂ કર્યું.' (બાપુની ઝાંખી, કાકા કાલેલકર, પૃ. 24)

લખેલા કાગળનો પાછળનો ભાગ વાપરનારા ગાંધીજી વખત આવ્યે રૂપિયા ખર્ચી પણ જાણતા હતા.

એક વાર તે પહાડી વિસ્તારમાં મુસાફરીમાં હતા ને પહાડ ધસી પડતાં આગળનો કાર્યક્રમ ખોરવાતો હતો.

એટલે લોકોને આપેલો સમય પાળવા માટે ગાંધીજીએ સ્પેશ્યલ ટ્રેન કરવાનું સૂચન સ્વીકારી લીધું અને રૂ. 1140 ભાડું ચૂકવ્યું.

તેમની દલીલ હતી કે 'વાઇસરૉયને આપેલો સમય હું જેટલી સખ્તાઈથી પાળું છું તેટલી જ સખતાઈથી આપણા લોકોને આપેલો સમય પણ પાળવો જોઈએ.' (બાપુની ઝાંખી, પૃ. 104)

વિશ્લેષણ

ગાંધીજીનાં મૂલ્યો પ્રમાણે જીવવાનો પ્રયાસ કરનારા ખાદી પહેરે કે કાંતે તે સમજી શકાય, પણ કેવળ ખાદી કે કાંતણના જોરે ગાંધીવાદી તરીકે ખપવાના ધમપછાડાને ગાંધીજી કે તેમનાં મૂલ્યો સાથે કશો સંબંધ નથી.

ગાંધીવાદ કે ગાંધીવાદીઓ પરથી ગાંધીજીનું કે તેમની સફળતા-નિષ્ફળતાનું માપ કાઢી ન શકાય.

તે ઇચ્છતા હતા કે લોકો તેમના 'અનુયાયી નહીં પણ સહાધ્યાયી, સહયાત્રી, સહશોધક અને સાથી' બને. (હરિજનબંધુ, 3-3-1940, ગાંધીજીનો અક્ષરદેહ-71, પૃ.291) વર્તમાન અને ભવિષ્યની પેઢી માટે ગાંધીમૂલ્યોના સહયાત્રી, સહશોધક બનવાના દરવાજા ખુલ્લા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો