મોદી સરકાર પર જિગ્નેશ મેવાણીએ અવાજ રુંધવાનો આક્ષેપ કેમ કર્યો?

    • લેેખક, માનસી દાશ
    • પદ, બીબીસી સંવાદદાતા, નવી દિલ્હી

"જો મુસ્લિમો સત્તા વિરુદ્ધ ઊભા થાય તો તેમને જેહાદી-આતંકવાદી કહી દો, જો દલિત કે આદિવાસી અવાજ ઉઠાવે તો તેને નક્સલવાદી કે માઓવાદી કહી દો."

ગુજરાતમાં દલિત આંદોલનનો ચહેરો બની ચૂકેલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ દિલ્હી પ્રેસ ક્લબમાં શનિવારે આ વાત કરી. સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ વિવિધ મુદ્દે વાત કરવા માટે એકઠા થયા હતા.

દેશના લગભગ 30 સંગઠનોએ એક સ્વરે કહ્યું કે હાલની સરકાર કાયદાનો દુરુપયોગ કરે છે.

તેમણે એવું પણ કહ્યું કે નબળા વર્ગના હકની વાત કરનાર લોકો અને બુદ્ધિજીવીઓના અવાજને સરકાર દબાવી રહી છે, જેને રોકવું જરૂરી બની ગયું છે.

ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું, "ઊના, ભીમા કોરેગાંવ, સહરાનપુરમાં 2 એપ્રિલના રોજ ભારત બંધ દરમિયાન ઘણી વખત દલિતો પોતાના મુદ્દાઓને લઈને વિરોધ કરતા દેખાયા."

"નારાજ અને સરકાર સામે લડતાં લોકોને કાયદાની મદદથી અમુક મહીના કે વર્ષ માટે જે રીતે જેલમાં નાખવામાં આવે અને કઈ રીતે સરકારને સહાનુભૂતિ મળે તેના માટે એક ઝુંબેશ ચાલી રહી છે."

"2019ની ચૂંટણી સુધી અને તેના પછી અમે સમગ્ર દેશમાં ફરીને જનસાધારણમાં ચેતના જગાવીશું અને આ વાતને દોહરાવીશું."

"સરકારની દમનકારી નીતિઓ, સજા મુક્તિ અને ધરપકડ" અંગે ચેતવવા માટે યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં ભીમા કોરેગાંવ મુદ્દે જેમની ધરપકડ કરાઈ છે એ સામાજિક કાર્યકરોની મુક્તિ, લઘુમતી, દલિતો અને આદિવાસીઓ પર થતા અત્યાચારોને રોકવા માટે પગલાં લેવાં સાથે દેશમાં ડરના માહોલ અંગે પણ ચર્ચા થઈ હતી.

સાથે જ હાલના કાયદાઓનો દુરુપયોગ રોકવાની પણ માગ પણ ઊઠી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

'કિસ કિસ કો કૈદ કરોગે' નામના આ કાર્યક્રમનું આયોજન રિહાઈ મંચ, એઆઈએસએ, ભીમ આર્મી, બિગુલ મજદૂર દસ્તા, મજદૂર એકતા સંગઠન અને સમાજવાદી જનપરિષદ સહિતની 30 જેટલી સંસ્થાઓએ સાથે મળીને કર્યું હતું.

લાંબા સમયથી બસ્તરમાં કામ કરી ચૂકેલા માનવ અધિકાર કાર્યકર હિમાંશુ કુમારે કહ્યું, "ભીમા કોરેગાંવમાં સામાજિક કાર્યકરોને એવું કહીને જેલમાં નાખી દીધા કે તેઓ મોદી સરકારને મારવા માગે છે, આ હાસ્યાસ્પદ આરોપ છે."

તેમણે કહ્યું, "હું સુધા ભારદ્વાજને ઓળખું છું. સૈન્યના લોકો દ્વારા આદિવાસી મહિલાઓ પર કરાયેલા બળાત્કારનો કેસ તેઓ ફી લીધા લગર લડે છે."

"તેમણે વિદેશમાં અભ્યાસ કર્યો અને પછી ભારતમાં આવીને કામ કરવાં લાગ્યાં. તેમના માટે કહેવાય છે કે તેઓ વડા પ્રધાનને મારવા માગે છે."

'આજની સ્થિતિ ચિંતાનો વિષય'

દલિતો, આદિવાસીઓ અને મુસલમાનો વિરુદ્ધ કથિત અત્યાચારો અંગે દલિત ચિંતક અનિલ ચમડિયાએ કહ્યું, "હાલની સ્થિતિ લોકશાહી માટે સારી નથી."

તેમણે આક્ષેપ કર્યો છે કે હાલની સરકારનો સમય લઘુમતીઓને ડરાવવાનો અને કોર્ટ પર અસર કરવાનો હેતુ દર્શાવે છે.

ભારતીય ઇતિહાસકાર ઉમા ચક્રવર્તીએ સરકારની નીતિઓ તરફ સંકેત કરતાં કહ્યું કે સરકાર એક અલગ પ્રકારની કટોકટી લાદી રહી છે. જે રાષ્ટ્રીય કટોકટી નહીં પણ સૅક્શનલ ઇમરજન્સી છે.

તેમણે એવું પણ કહ્યું, "તેમણે હવે શીખી લીધું છે કે લોકોને ગણીગણીને જેલમાં નાખો અને આપણાં માટે આ ચિંતાનો વિષય છે."

"હું સમજું છું કે આજની સ્થિતિ ખાસ છે, કારણ કે તેમાં તેઓ વકીલો અને બુદ્ધિજીવીઓને ચૂપ કરાવવાના પ્રયત્નો કરે છે."

"જે મુસ્લિમો, દલિતો અને આદિવાસીઓને તેમણે જેલમાં નાખ્યા છે, તેમના માટે બોલવાવાળા આ બે જ પ્રકારના લોકો છે."

ઉમા ચક્રવર્તી જણાવે છે કે તેઓ વકીલોને નહીં ડરાવે તો શું કરશે.

તેમણે કહ્યું"કહેવાય છે કે ઇમરજન્સી વખતે ન વકીલ હતા ન અપીલ."

"આજે સરકારે વકીલોને ચૂપ કરી દીધા. તમે અપીલનો ઇતિહાસ જોશો તો સમજાશે કે અપીલ થઈ રહી છે, એક કોર્ટમાંથી બીજી કોર્ટ, ફરી બીજી કોર્ટ.. "

તમે આ વાંચ્યું કે નહીં?

પ્રેસ કૉન્ફરન્સમાં વકીલ વૃંદા ગ્રોવરે જણાવ્યું કે પુણેની એક કોર્ટે ગોવા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટના પ્રોફેસર આનંદ તેલતુંબડેને છોડવાનો પોલીસને હુકમ કર્યો છે.

તેમણે તેલતુંબડેની ધરપકડને ગેરકાયદેસર કિડનેપિંગ ગણાવીને કહ્યું, "આ ઘટના સ્પષ્ટ દર્શાવે છે કે કાયદા અને સુપ્રીમ કોર્ટનું માન નથી જળવાતું."

પ્રોફેસર તેલતુંબડેને પ્રતિબંધિત માઓવાદીઓ સાથે સંબંધ હોવાની શંકાના આધારે શનિવારે સવારે 4 વાગ્યે મુંબઈ ઍરપૉર્ટ પરથી તેમની ધરપકડ થઈ હતી.

જોકે, આ જ વર્ષે 14 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે તેમને એક મહિનાની સુરક્ષા પૂરી પાડી હતી.

પોલીસનું કહેવું હતું કે ભીમા કોરેગાંવની હિંસા પહેલાં યોજાયેલી યલગાર પરિષદની બેઠક સંદર્ભે તેમની ધરપકડ કરાઈ હતી.

ધ વાયરના સ્થાપક અને તંત્રી સિદ્ધાર્થ વરદરાજને આ પ્રસંગે કહ્યું, "પત્રકાર એ ભ્રમમાં રહે છે કે સામાજિક કાર્યકરો સરકાર વિરુદ્ધ કંઈકને કંઈક કરતાં રહે છે."

"પણ તમે જોઈ શકો છો કે કઈ રીતે પત્રકારોના અવાજને પણ દબાવવાના પ્રયત્ન થાય છે."

વર્ષ 1967માં અનલૉફૂલ ઍક્ટિવિટીઝ પ્રિવેન્શન ઍક્ટ(યૂએપીએ) એટલે કે ગેરકાયદેસર ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકતો કાયદો સંસદમાંથી પસાર થયો.

આ જ કાયદા પ્રમાણે 2009માં જાણીતા માઓવાદી નેતા કોબાડ ગાંધી અને 2007માં ઇન્ડિયન ઍસોસિયેશન ઑફ પીપલ્સ લૉયર્સના ખજાનચી અરૂણ ફરેરાની પોલીસે ધરપકડ કરી હતી.

2012માં કોબાડ ગાંધી વિરુદ્ધ ગેરકાયદેસર ગતિવિધિઓમાં સામેલ હોવાના કડક આરોપ લગાવવાની કોર્ટે મનાઈ ફરમાવી હતી.

અરૂણ ફરેરાને 2010માં નાગપુરની એક કોર્ટમાં દરેક આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ પોલીસે તેમની ફરી એકવખત અન્ય કોઈ ગુનામાં ધરપકડ કરી. જેલમાં 5 વર્ષ ગાળ્યા બાદ તેમને 2012માં જામીન પર છોડવામાં આવ્યા.

દિલ્હી યુનિવર્સિટીમાં રાજનીતિ શાસ્ત્રના પ્રોફેસર ઉજ્જવલે જણાવ્યું, "2004માં પોટા કાયદાને રદ કરવામાં આવ્યો. હાલનો જે યૂએપીએ છે તે પોટાને રદ કરીને આવેલો કાયદો છે."

"તેની કેટલીક જોગવાઈઓને યૂએપીએમાં ઉમેરી દેવામાં આવી હતી. પછી 2008 અને 2012ના મુંબઈ હુમલા બાદ તેમાં સુધારા કરવામાં આવ્યા હતા."

"તેમાં માત્ર કાયદેસર રીતે એક સભા કરવાની વાત નથી, તેમાં આતંકવાદ અને આતંકવાદી જૂથોની પણ વાત છે."

"પોટા અને ટાડાથી અલગ એ રીતે છે કે તેમાં પોલીસ સામે જે કબૂલાત કરવામાં આવી હોય તેને કોર્ટમાં માન્ય રાખવામાં આવતી. યૂએપીએમાં એ નથી."

"લેખક અને માનવ અધિકાર કાર્યકર સુભાષ ગાતાડે કહે છે, "આ એવો કાયદો છે કે તમે કોઈ પણ નિર્દોષ વ્યક્તિની પણ ધરપકડ કરી શકો છો અને તેમને વર્ષોના વર્ષો રાખી શકો છો."

પ્રોફેસર ઉજ્જવલ કહે છે કે યૂએપીએ સાથે જાડેયેલી સૌથી મોટી જે વાત પરેશાન કરે છે એ છે કે, કોર્ટમાં સરકારી વકીલને સાંભળવાની જોગવાઈ છે, જો એ કહેશે કે જે તે વ્યક્તિ પર આરોપ છે તો ત્યાં જામીન નહીં મળે.

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો