You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બજેટ 2019 : હાર્દિક પટેલે કહ્યું મહિને 500 રૂપિયામાં ખાતરની થેલી પણ ન આવે
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
કેન્દ્ર સરકારે આજે શુક્રવારે સામાન્ય બજેટ જાહેર કર્યું છે, આ બજેટમાં ખેડૂતો માટે પણ જાહેરાત કરવામાં આવી છે. આ બજેટ અંગે ગુજરાતના યુવા નેતા હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી અને આ બજેટને ચૂંટણીલક્ષી ગણાવ્યું હતું
બજેટમાં કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે 'પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ' અંતર્ગત 2 હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતને 6 હજાર રૂપિયા દર વર્ષે સહાય પેટે આપવામાં આવશે, જે ખેડૂતોના બૅન્ક ખાતમાં જમા થશે.
12 કરોડ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. ખેડૂતોને ત્રણ હપ્તામાં 2 હજાર રૂપિયા આપવામાં આવશે.
ખેડૂતો માટે 6 હજારની સહાય અંગે કરેલી જાહેરાત પર હાર્દિક પટેલે બીબીસીને જણાવ્યું કે આ આંકડાકીય માયાજાળ છે અને બધી ચૂંટણીલક્ષી વાતો છે. ખેડૂતોને વર્ષે 6 હજારની નહીં પણ પણ એમના પાકના યોગ્ય ભાવની જરુર છે.
પટેલે કહ્યું, "હું અર્થશાસ્ત્રી નથી પણ દેશી ભાષામાં કહું તો આમાં ખાતરની થેલી પણ ના આવે."
"વર્ષે રૂપિયા 6 હજારને ગણીએ તો મહિને માંડ 500 રુપિયા થયા, દેશી ગણતરી કરીએ તો સરકારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખાતરની બે-ચાર થેલી આપી એમ કહી શકાય."
ખેડૂતોને મૂળ સમસ્યા પાકવીમાની છે એવું જણાવતા હાર્દિક કહે છે, "જોકે, મુખ્ય સવાલ જે પાકના ભાવનો છે અને પાકવીમાનો છે એનું શું, ખેડૂતોની ખરી સમસ્યા તો એ છે કે એ મહેનત કરીને પકવે છે પણ એમને પાકના ભાવ નથી મળતા."
પટેલે ઉમેર્યું કે 'ખેડૂતોની બીજી સમસ્યા એ છે કે પાક જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે પાકનો વીમો નથી મળતો. વીમા કંપનીઓ વર્ષે રૂપિયા 50 હજાર કરોડ કમાય છે અને ખેડૂતો દુઃખી છે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
હાર્દિક પટેલના કહેવા પ્રમાણે, "ખાતરની સબસિડી બંધ કરેલી છે. થેલીનું વજન ઘટાડ્યું છે અને ભાવ વધાર્યા છે ત્યારે મહિને 500 રુપિયાની રાહત અને એ લેવા માટે જે ધક્કા ખાવા પડશે એ ગણીએ તો આ ખેડૂતો માટે રાહત નહીં પણ એમની મહેનતની મજાક છે."
"ખેડૂતોની સમસ્યા કૅનાલોમાં પાણી નથી, જળસંગ્રહની વ્યવસ્થા નથી એ છે."
"ખેડૂતો માટે કામ કરવા માટે સરકાર પાસે સાડા ચાર વર્ષ હતા પણ કંઈ ન કર્યુ."
હાર્દિકે સરકારની નીતિ વિશે કહ્યું, "12 કરોડ ખેડૂતોની વાત કરે છે પણ ખેડૂતો મહેનતું છે ખેડૂતોને ખેરાત કરતાં વધારે સહકારની જરુર છે, સાચી ખેતીની નીતિની જરુર છે પણ ભાજપ પાસે નથી નીતિ, નથી દાનત, નથી વિચાર."
"એમની પાસે માર્કેટિંગ છે અને આ જોગવાઈ ચૂંટણીલક્ષી માર્કેટિંગ છે."
લોકસભાની ચૂંટણી પર શું અસર પડશે?
બજેટની આ જોગવાઈની લોકસભાની ચૂંટણી પર શું અસર થશે? આ પ્રશ્નના જવાબમાં હાર્દિક પટેલ કહે છે, "ગુજરાતમાં સરકારની ખેડૂતોની નીતિ વીસ વર્ષથી ખેડૂતો જુએ છે અને હવે સમજવા પણ માંડ્યા છે."
"દેશમાં પણ સાડા ચાર વર્ષમાં ખેડૂતોની શું દશા કરવામાં આવી એ જોઈ લીધું છે."
"ચાર દિન કી ચાંદની હોય એમ આ ચાર મહિનાની ચાંદની લાગે છે, પણ લોકો હોંશિયાર છે મને નથી લાગતું કે તેઓ મહિને 500ની આ સહાયથી લલચાઈ જાય."
શિંગડા પૂંછડા વગરનું બજેટ - જિગ્નેશ મેવાણી
વડગામની બેઠક પરથી ધારાસભ્ય અને યુવા નેતા જિગ્નેશ મેવાણીએ પણ બજેટ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.
જિગ્નેશ મેવાણીએ કહ્યું, "આ બજેટ શિંગડાં-પૂંછડાં વગરનું છે. નથી એ વોટ ઑન અકાઉન્ટ કે નથી એ ફૂલ બજેટ. મોદી સાહેબ મુંઝાઈ ગયા છે કે લોકસભા સામે છે, ત્યારે લોકોને ખુશ કઈ રીતે કરવા."
"દેશને ઍક્સ આર્મીમૅન કમિશનની જરુર છે એના બદલે કાઉ-કમિશન જાહેર કરે છે. તો શું મોદી સાહેબ અને ભાજપ માટે જવાનો કરતાં પણ ગાયો વધારે જરુરી છે?"
"જેમને પૅકેજની જરૂર છે, એમને (સવર્ણોની) અનામત આપી અને જેમને સામાજિક ન્યાયની જરુર છે એમને પૅકેજ આપે છે. ઉનામાં ન્યાય નહીં, ભીમા કોરેગાંવમાં ન્યાય નહીં, ન્યાયને બદલે પૅકેજ આપ્યું."
મેવાણીએ ઉમેર્યું, "15 લાખ આપવાના હતા એને બદલે રૂપિયા 6 હજાર આપવાની વાત કરે છે. ખેડૂતો માટે કંઈ નથી. રૂપિયા 6000ની વાત છે, ખેડૂતોની આત્મહત્યાની કોઈ વાત નથી."
"બે કરોડ રોજગારી તો ન જ આપી અને અત્યારે બેરોજગારી 45 વર્ષની ટોચે છે તો એના વિશે તો કોઈ વાત જ નથી."
"કરોડો આદિવાસીઓ માટે જે જોગવાઈ કરે છે એ એમની સંખ્યા જોતા ચણા-મમરા જેવી છે."
"આદિવાસીઓ જંગલની જમીન માટે લડે છે, વિકાસને નામે એમનું વિસ્થાપન થઈ રહ્યું છે એની સામે આ જોગવાઈ સાવ તુચ્છ અને દેશના વિકાસ માટે બલિદાન આપનારા હજારો આદિવાસીઓનું અપમાન છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો