માત્ર અંગ્રેજી શીખવાથી વિદેશમાં નોકરી નહીં મળે, જાણો કેમ?

    • લેેખક, મૅડી સાવેજ
    • પદ, બીબીસી કેપિટલ

અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા છે. આ ભાષા આખી દુનિયાને એક સાથે જોડવાનું કામ કરે છે. જે લોકો વિદેશમાં નોકરી કરવા ઇચ્છે છે, એમને માટે તો અંગ્રેજી શીખવું એમ પણ જરૂરી છે.

મલ્ટિનૅશનલ કંપનીઓએ અંગ્રેજીને પ્રોત્સાહન આપવામાં સૌથી અગત્યનો ભાગ ભજવ્યો છે.

એટલે સુધી કે જે દેશોમાં અંગ્રેજી બોલવામાં નથી આવતી, ત્યાંના લોકો પણ એને શીખી રહ્યા છે. ખાસ કરીને યુવા પેઢીમાં તો અંગ્રેજી બોલવાનો શોખ ગાંડપણ જેવો છે.

ભારત જેવો દેશ જ્યાં ઓછેવત્તે અંશે દરેક રાજ્યની પોતાની ભાષા છે, ત્યાં પણ લોકો અંગ્રેજી વધુ પ્રમાણમાં બોલવા લાગ્યા છે. બલકે જે લોકો અંગ્રેજી નથી બોલી શકતા તેમને નિમ્ન સ્તરના સમજવામાં આવે છે.

એકવીસમી સદીની પેઢી અંગ્રેજી બોલવાને લીધે જ અગાઉની પેઢીઓની તુલનામાં કોઈ પણ દેશના લોકો સાથે સરળતાથી એકરૂપ થઈ જાય છે.

બ્રિટિશ કાઉન્સિલ અનુસાર વર્ષ 2020 સુધીમાં દુનિયાની ચોથા ભાગની વસ્તી અંગ્રેજીનો ભરપૂર ઉપયોગ કરવા માંડશે.

એક જમાનો હતો જ્યારે લોકો વિદેશ જઈને કામ કરવાને ખરાબ ગણતા હતા. લોકોની વિચારધારા રહેતી કે પોતાના જ દેશમાં પરિવારની પાસે રોજગારી મળવી એ સદનસીબ છે.

પરંતુ આજની પેઢીના વિચારો અલગ છે. તેઓ દુનિયાભરમાં જઈને કામ કરવા માટે તૈયાર છે. એવું ફક્ત પૈસા કમાવાના દૃષ્ટિકોણને લીધે નથી.

બલકે, આજની પેઢી વધુમાં વધુ લોકો સાથે હળવામળવા ઇચ્છે છે. દુનિયાને સમજવા ઇચ્છે છે.

વર્ષ 2017માં કરાવવામાં આવેલા ગ્લોબલ શેપર્સ વાર્ષિક સર્વે અનુસાર 18થી 35 વર્ષની ઉંમરના લગભગ 81 ટકા લોકો બીજા દેશમાં જઈને કામ કરવા ઇચ્છે છે.

આ સર્વે વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમે કરાવ્યો હતો અને આ સર્વે 180 દેશોમાં કરવામાં આવ્યો હતો.

આઈટી કન્સલ્ટન્ટ શ્રી કેસનકુર્થી દુબઈમાં નોકરી કરી રહ્યા છે. તેમણે સિંગાપોર, સ્ટૉકહોમ અને બ્રસેલ્સમાં કામ કર્યું છે.

તમે આ વાંચ્યું કે નહીં?

તેમના મુજબ જો કોઈ લાંબા સમય માટે વિદેશમાં રહેવા ઇચ્છે છે, તો એમના માટે જરૂરી છે કે તેઓ ત્યાંના વિસ્તારોમાં ફરે, સ્થાનિક લોકો સાથે હળવા-મળવાનું વધુ રાખે. ઉપરાંત ત્યાંના સંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ ભાગ લે.

આ કામમાં એ દેશમાં અગાઉથી રહેતા વિદેશી લોકો પણ મદદ કરી શકે છે.

'લીડિંગ વિદ કલ્ચરલ ઇન્ટેલિજન્સ ધ ન્યૂ સિક્રેટ ટુ સક્સેસ'ના લેખક ડેવિડ લિવરમોરે લગભગ દસ વર્ષ સુધી 30 દેશોમાં કલ્ચરલ ઇન્ટેલિજન્સ ઉપર રીસર્ચ કર્યું છે. તેને તેમણે (CQ)નું નામ આપ્યું.

રિસર્ચ અનુસાર સ્થાનિક ભાષા શીખવાની પોતાની આગવી અગત્યતા છે. પરંતુ એનાથી વધુ અગત્યનું છે, ત્યાંના માહોલ સાથે તાલમેલ સાધવો.

લિવરમોર કહે છે કે કેટલાક દેશોની સ્થાનિક ભાષા શીખ્યા વગર કામ ચાલી શકે છે.

પરંતુ, કેટલીક જગ્યાઓ એવી છે જ્યાંની ભાષા અને સંસ્કૃતિ જાણ્યા વગર કામ નથી ચાલી શકતું. બની શકે કે ઘણી જગ્યાએ તમને પોતાના દેશની સંસ્કૃતિ સાથે મળતાં આવતા રીતિ-રિવાજ મળી જાય.

દુનિયામાં ઘણા બધા દેશ એવા પણ છે, જેના ખાનપાન, રહેણીકરણી, બોલચાલ સાવ અલગ છે. ત્યાં અંગ્રેજી પણ મોટાપાયે નથી બોલવામાં આવતી.

દાખલા તરીકે જો ભારતનો કોઈ નાગરિક બાંગ્લાદેશ અથવા પાકિસ્તાન જઈને રહે તો, એ એને એટલી તકલીફ નહીં પડે.

કારણકે આ દેશોનું કલ્ચર અને ભાષા ભારત કરતાં બહુ જુદાં નથી. પરંતુ જો રશિયા અથવા કોઈ આફ્રિકન દેશમાં જઈને રહેવું પડી જાય તો મુશ્કેલી પડી શકે છે.

જાપાનમાં ભાષા કરતાં અગત્યનું છે સાંસ્કૃતિક જ્ઞાન

આ જ રીતે જાપાન એવો દેશ છે જેને ઇમિગ્રન્ટ્સનો ગઢ કહેવામાં આવે છે. પરંતુ અહીં આવનારા ઇમિગ્રન્ટ્સને મોટો સાંસ્કૃતિક ઝટકો લાગે છે.

કેમ કે અહીંના લોકો શાંત મિજાજ, સમય બાબતે નિયમિત, મહેનતુ અને શિષ્ટાચારી હોય છે. અહીં કામના કલાકો પણ વધુ હોય છે. અહીંના માહોલમાં પોતાને ઢાળવું સરળ નથી.

જાપાનમાં કામ કરવા માટે જાપાની ભાષા કરતાં અહીંની રીત-ભાત શીખવાનું વધુ જરૂરી છે. જો એમ ના કરો તો અહીંના લોકો ક્યારેય વિદેશી નાગરિકોને પોતાની સાથે જગ્યા નહીં આપે.

ઘણા દિવસથી જાપાનમાં રહેતા અમેરિકન રિયૂ મિયામોતોએ પોતાનું નામ પણ જાપાની રાખી લીધું છે.

તેમના અનુસાર જે લોકો જાપાનના લોકોની રહેણીકરણી સાથે મેળ નથી ખાતા તેમને તેઓ 'ગણજિન' એટલેકે 'બહારના નિવાસી'ની સંજ્ઞા આપે છે.

પરંતુ રિયૂએ જાપાનની રીતભાતને એટલી હદે અપનાવી લીધી છે કે કોઈ તેમને ગણજિન નથી કહેતા.

જાપાની નામ ધારણ કરવાથી તેમને વ્યવસાયી સંબંધો બનાવવામાં પણ ઘણી મદદ મળી.

જાપાની ભાષા શીખવાની સાથે તેઓ અહીંના રીતિ-રિવાજ અને પકવાન બનાવતા પણ શીખ્યા. મિયામોતોએ પોતાને જાપાની સંસ્કૃતિમાં એટલી હદે ઢાળી દીધા છે કે તેમની અમેરિકન ઓળખ ઝાંખી થઈ ગઈ છે.

સ્વિડનમાં કયા મુદ્દાઓ ઉપર લોકો વાત નથી કરતા

પશ્ચિમ યુરોપમાં એવા ઘણા દેશ છે જ્યાં અંગ્રેજી ખૂબ બોલાય છે.

અહીં અંગ્રેજી બોલનારા ઇમિગ્રન્ટ્સને સ્થાનિક ભાષા શીખવાની વધુ જરૂર નથી હોતી.

પરંતુ સ્વિડનમાં કલ્ચરલ અને સ્થાનિક ભાષાઓનો કોર્સ કરાવનારા કૅરોલિન વર્નરનું કહેવું છે કે સ્થાનિક રીતભાત શીખીને લોકો મોટી ભૂલ કરે છે.

તેઓ પોતાના કોર્સમાં લોકોને ખાવાપીવાથી માંડીને વાતચીતની રીત શીખવે છે.

ઉદાહરણ તરીકે સ્વિડનમાં ધર્મ, રાજનીતિ અને કમાણી વિશે વાત કરવી એ યોગ્ય માનવામાં નથી આવતું.

જે લોકો આ વાતોથી વાકેફ નથી હોતા તેઓ ભૂલ કરી બેસે છે. કૅરોલિન સલાહ આપે છે કે તમે જ્યાં પણ જાઓ, ઓછામાં ઓછી એક સ્થાનિક ભાષા ચોક્કસ શીખો.

વિદેશોમાં કામ કરવું, ત્યાંની ભાષા અને સંસ્કૃતિ સાથે તાલમેલ બેસાડવો સહેલું કામ નથી.

વિદેશને જ પોતાનું વતન બનાવવાની નોબત

કેટલાક લોકો માટે પોતાનો દેશ છોડીને વિદેશને જ પોતાનું વતન બનાવવાની નોબત આવતી હોય છે.

આપણે જ્યાં રહેવા લાગીએ છીએ ત્યાંની ભાષા અને કલ્ચર શીખવા છતાં આપણે એ દેશના નિવાસી નથી બની શકતા.

આપણે જે જગ્યાએ જન્મ લઈએ છીએ ત્યાંની ઘણી વાતો આપણા વર્તનમાં જન્મથી સામેલ થઈ જાય છે.

એટલે આપણે ગમે ત્યાં રહીએ, ત્યાંના જીવનની સંપૂર્ણ રીતભાત ભલે શીખી લઈએ, છતાં પણ ક્યાંક ને ક્યાંક કોઈ ઊણપ ચોક્કસ રહી જાય છે જે આપણને પોતાના મૂળ દેશના નાગરિક બનાવી રાખે છે.

જોકે, જે જગ્યાએ લોકો રહેવા લાગે છે, ત્યાંની રીતભાત શીખવી ત્યાંની ભાષા શીખવા જેટલી જ જરૂરી બની જાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો