મહાત્મા ગાંધી ઔરંગઝેબ અને મુઘલોનાં વખાણ શા માટે કરતા?

    • લેેખક, અવ્યક્ત
    • પદ, લેખક અને ગાંધીના વિદ્યાર્થી, બીબીસી ગુજરાતી માટે

પહેલી નવેમ્બર 1931ની સવારે લંડનમાં ગુલાબી ઠંડી પડી રહી હતી. કેમ્બ્રિજ યુનિવર્સિટીની પેમ્બ્રોક કૉલેજમાં સવારથી જ ભીડ હતી કેમ કે મહાત્મા ગાંધી પ્રવચન આપવા આવવાના હતા.

ગાંધીજીને સાંભળવા આવનારાઓમાં બ્રિટિશ ઇતિહાસકાર જેમ્સ એલિસ બાર્કર, બ્રિટનના રાજદ્વારી, વિજ્ઞાની અને વિચારક ગોલ્ડસવર્ધી લાવિઝ ડિકિન્સન, જાણીતા સ્કૉટિશ ધર્મશાસ્ત્રી ડૉ. જ્હૉન મરે અને બ્રિટિશ લેખક એવલિન રેન્ચ વગેરેનો સમાવેશ થતો હતો.

ગાંધીજીના સહયોગી મહાદેવભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર ગાંધીજી સાથેની ચર્ચાનો આ કાર્યક્રમ નિશ્ચિત સમય કરતાંય વધુ લાંબો ચાલ્યો હતો.

ગાંધીજીએ મોકળા મને ભાષણ આપ્યું હતું. ભાષણમાં તેમણે વચ્ચે એક જગ્યાએ કહ્યું, "હું એ જાણું છું કે દરેક ઇમાનદાર અંગ્રેજ ભારતને સ્વતંત્ર જોવા ઇચ્છે છે."

"જોકે, બ્રિટિશ સેના હટી જશે તે સાથે જ ભારતમાં મુશ્કેલી ઊભી થશે તેમ માનવું દુઃખની વાત નથી?"

"બીજા દેશોનો હુમલો થશે અને દેશમાં અંદરોઅંદર કાપાકાપી શરૂ થઈ જશે તેવું માનવું દુઃખની વાત નથી?"

"તમારા વિના અમારું શું થશે તેની આટલી બધી ચિંતા તમને લોકોને કેમ છે? અંગ્રેજો આવ્યા તે પહેલાંનો ઇતિહાસ તમે જુઓ."

"તેમાં અત્યારે છે તેનાથી વધારે રખમાણો હિંદુ-મુસ્લિમો વચ્ચે થયેલા જોવા નહીં મળે. ઔરંગઝેબના શાસનકાળમાં રમખાણો થયાનો કોઈ ઉલ્લેખ મળતા નથી."

અંગ્રેજોએ ઔરંગઝેબને બદનામ કર્યા

તે જ દિવસે બપોરે કેમ્બ્રિજમાં 'ઇન્ડિયન મજલિસ'ની પણ એક સભા હતી.

તેમાં ગાંધીજીએ સ્પષ્ટપણે કહ્યું હતું, "ભારતમાં બ્રિટનનું રાજ નહોતું. કોઈ અંગ્રેજ હાજર નહોતો, ત્યારે શું હિન્દુ, મુસ્લિમ અને શીખ અંદરોઅંદર લડતા જ રહેતા હતા?"

"હિન્દુ અને મુસ્લિમ ઇતિહાસકારોએ લખેલાં વિસ્તૃત્ત અને તટસ્થ વર્ણનોના આધારે કહી શકાય કે આજની સરખામણીએ ત્યારે આપણે વધારે શાંતિથી રહેતા હતા."

"ગામડાંમાં આજે પણ હિંદુઓ અને મુસલમાનો વચ્ચે કોઈ ઝઘડા નથી. તે વખતે પણ તેમની વચ્ચે ઝઘડાનું નામોનિશાન પણ નહોતું."

તમે આ વાંચ્યું કે નહીં?

"એક હદે સારા ઇતિહાસકાર એવા મૌલાના મોહમ્મદ અલી મને ઘણીવાર કહેતા હતા કે અલ્લા લાંબું આયુષ્ય આપે તો પોતાનો ઇરાદો ભારતમાં મુસ્લિમ શાસનનો ઇતિહાસ લખવાનો છે."

"તેઓ કહેતા કે 'હું દસ્તાવેજી પુરાવા સાથે એવું સાબિત કરીશ કે અંગ્રેજોએ ખોટું કર્યું છે."

"ઔરંગઝેબ એટલો ખરાબ નહોતો, જેટલો અંગ્રેજ ઇતિહાસકારોએ તેને દેખાડ્યો છે."

"મોગલ શાસન એટલું ખરાબ નહોતું, જેટલું અંગ્રેજ ઇતિહાસકારોએ તેનું વર્ણન કર્યું છે.'"

"આવું હિંદુ ઇતિહાસકારોએ પણ લખ્યું છે. આ ઝઘડો જૂનો નથી. અમે ગુલામીની શરમજનક સ્થિતિમાં મુકાયા તે પછી આ ઝઘડો શરૂ થયો છે."

ગાંધીજીએ પોતાના હિંદ સ્વરાજ પુસ્તકમાં પણ આ વિશે વિગતવાર લખ્યું છે.

તત્કાલિન વિદેશી ઇતિહાસકારોએ ભારતનો ઇતિહાસ લખવામાં બદઇરાદા રાખ્યા હતા અને રાજનીતિ દાખવી હતી.

મોગલ બાદશાહથી માંડીને ટીપુ સુલતાન સુધીના શાસકોનો ઇતિહાસ તોડીમરોડીને લખાયો હતો અને હિંદુ વિરોધી દેખાડવાની કોશિશો થઈ હતી.

અંગ્રેજોના આવા પ્રયાસોને ગાંધીજીએ અનેકવાર ઉઘાડા કરી દીધા હતા.

ઔરંગઝેબ જાતે ટોપીસીવતો હતો

મહાત્મા ગાંધીજીને ઔરંગઝેબની સૌથી આકર્ષતી વાત લાગતી તેમની સાદગી અને શ્રમનિષ્ટા.

21 જુલાઈ, 1920માં 'યંગ ઇન્ડિયા'માં 'ચરખાનું સંગીત' શિર્ષક સાથે તેમણે લેખ લખ્યો હતો.

તેમાં ગાંધીજીએ લખ્યું હતું, "પંડિત માલવીયજીએ કહ્યું હતું કે જ્યાં સુધી ભારતની રાણી-મહારાણીઓ સૂતર નહીં કાંતે અને રાજા-મહારાજા રાષ્ટ્રનિર્માણ માટે કાપડ વણવાનું શરૂ નહીં કરે, ત્યાંસુધી તેમને સંતોષ થવાનો નથી."

"આ સૌ લોકો માટે ઔરંગઝેબ એક ઉદાહરણ છે જે પોતાની ટોપી જાતે સીવતો હતો."

આ જ રીતે 'નવજીવન' અખબારમાં તેમણે 20 ઑક્ટોબર 1921ના રોજ લખ્યું હતું, "ધનવાન હોય તે વ્યક્તિએ શ્રમ ના કરવો જોઈએ એવો વિચાર આપણા મનમાં આવવો જ ના જોઈએ."

"આવા વિચારથી આપણે આળસુ અને ગરીબ થઈ ગયા છીએ. ઔરંગઝેબને કામ કરવાની કોઈ જરૂર નહોતી."

"આમ છતાં તે ટોપી સીવતો હતો. આપણે તો ગરીબ થઈ ગયા છીએ એટલે મહેતન કરવાની બેવડી જવાબદારી બને છે."

આ જ વાત તેમણે 10 નવેમ્બર, 1921માં 'યંગ ઇન્ડિયા'માં લખી હતી.

"બીજાને મારીને પેટ ભરવાનું કામ કરવાના બદલે ચરખો ચલાવીને ગુજરાન ચલાવવું એ વધારે બહાદુરીનું કામ છે. ઔરંબઝેબ ટોપીઓ સીવતો હતો. શું તે ઓછો બહાદુર હતો?"

મોગલ શાસનમાં હતું સ્વરાજ

ઔરંગઝેબ વિશે ગાંધીજીએ બીજી એક જોરદાર વાત કરી હતી.

ઓડિશાના કટકમાં એક જાહેર સભામાં તેમણે આ વાત કરી હતી. તે સભામાં વકીલો અને વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં હતા.

સભામાં ગાંધીજીએ જણાવ્યું કે અંગ્રેજોના શાસનમાં ભારતીયો માનસિક રીતે ગુલામ થઈ ગયા છે.

ભારતીયોની નિર્ભયતા અને રચનાત્મકતા જતી રહી છે.

તેની સામે મુઘલ શાસનમાં ભારતીયોની સાંસ્કૃતિક સ્વતંત્રતા અને મુક્ત સ્વભાવમાં ક્યારેય કમી આવી નહોતી.

24 માર્ચ, 1921ના રોજ યોજાયેલી આ સભામાં મહાત્મા ગાંધીના શબ્દો હતા, "અંગ્રેજોની પહેલાંનો સમય ગુલામીનો સમય નહોતો."

"મોગલ શાસનમાં આપણને એક પ્રકારનું સ્વરાજ્ય મળેલું હતું."

"અકબરના સમયમાં મહારાણા પ્રતાપ પેદા થઈ શકતા હતા, જ્યારે ઔરંગઝેબના શાસનમાં શિવાજી ફુલીફાલી શકતા હતા."

"જોકે, 150 વર્ષના બ્રિટિશ શાસનમાં શું એક પણ પ્રતાપ કે શિવાજી પેદા થયો ખરો?"

"કેટલાંક દેશી રજવાડાં છે ખરાં પણ તે બધા જ અંગ્રેજો સામે ઘૂંટણીયે પડે છે અને પોતાનું દાસપણું સ્વીકારે છે."

આઝાદ ભારતનાં સૌથી દુ:ખદ રમખાણો

હાલમાં જ વિપક્ષના એક નેતા વિશે ટીકા કરીને ઔરંગઝેબની વાત કરવામાં આવી ત્યારે ગાંધીજી ઔરંગઝેબ વિશે શું માનતા હતા તે યાદ આવી ગયું.

ઔરંગઝેબ સાદગી અને શ્રમનિષ્ઠાનો પ્રતીક હતો અને તેના શાસનમાં ક્યારેય રમખાણો થયાં નહોતાં.

ફાટેલાં વસ્ત્રોથી ઢંકાયેલા ગરીબ ભારતીયો આજના ભારતના નેતાઓને સજીધજીને ફરતા જોતા હશે ત્યારે ઔરંગઝેબની સાદગી સાથે તેની કેવી રીતે સરખામણી કરતા હશે તે પણ સમજવા જેવું છે.

શું આજના શાસકોના દરબારમાં સાચી વાત કહેતા ગભરાતો ના હોય, તેવો મોંફાટ બીરબલ જેવો દરબારી મળે ખરો? શું આ જનક અને યાજ્ઞવલ્ક્યનું ભારત છે? આપણામાં શું એટલી નિર્ભયતા રહી છે ખરી?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો