You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
છેલ્લાં 45 વર્ષની તુલનામાં સૌથી વધારે બેરોજગારી? નીતિ આયોગે આપી સ્પષ્ટતા
નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે દેશમાં બેરોજગારીની સ્થિતિ દર્શાવાતા આ રિપોર્ટને ફાગાવી દીધો છે. આ રિપોર્ટને બિઝનેસ સ્ટૅન્ડર્ડ અખબારે પ્રકાશિત કર્યો હતો.
આ ખબરમાં દાવો કરાયો છે કે નેશનલ સૅમ્પલ સર્વે ઑફિસના એક સર્વેમા બહાર આવ્યું છે કે વર્ષ 2017-18માં બેરોજગારીનો દર છેલ્લાં 45 વર્ષોની તુલનામાં સૌથી વધારે રહ્યો હતો.
અખબારે દાવો કર્યો છે કે સરકારે આ રિપોર્ટને જાહેર થવા દીધો નથી. આ રિપોર્ટને ભારતના રાષ્ટ્રીય સ્ટૅટિસ્ટિક્સ કમિશને પણ મંજૂરી આપી દીધી હતી.
આ અઠવાડિયાની શરૂઆતમાં એનએસઓ સાથએ જોડાયેલા બે અધિકારીઓએ રાજીનામા આપતા કહ્યું હતું કે સરકાર તેમના રિપોર્ટને જાહેર કરવાની ના પાડી રહી છે.
આ સમાચાર બહાર આવતાની સાથે જ વિપક્ષ સરકાર પર હાવી થઈ ગયો હતો.
પણ હવે નીતિ આયોગના ઉપાધ્યક્ષે સ્પષ્ટતા કરી છે. તેમનું કહેવું છે કે જે રિપોર્ટ વિશે વાત થઈ રહી છે તે રિપોર્ટની ખરાઈ થઈ નથી અને આ રિપોર્ટ માટે ઉપયોગમાં લેવાયેલા ડેટાની પણ ખરાઈ થઈ નથી.
રાજીવ કુમારે કહ્યું કે સરકાર માર્ચ સુધી રોજગારી અંગે રિપોર્ટ જાહેર કરશે.
આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં સામાન્ય ચૂંટણી યોજાનાર છે, એવામાં બેરોજગારી સાથે જોડાયેલા આ પ્રકારના આંકડા મોટો મુદ્દો બની શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
બિઝનેસ સ્ટૅન્ડર્ડના સમાચાર બહાર આવતાની સાથે જ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના ટ્વિટર હૅન્ડલ પર આ સમાચાર શૅર કર્યા હતા.
તેમણે લખ્યું, "નમો જૉબ્સ! એક વર્ષમાં બે કરોડ લોકોને નોકરી આપવાનો વાયદો કર્યો હતો. પાંચ વર્ષ બાદ રોજગારી સાથે જોડાયેલો આ રિપોર્ટ રાષ્ટ્રીય હોનારતની માફક જાહેર થાય છે. છેલ્લાં 45 વર્ષોમાં સૌથી વધારે બેરોજગારી હમણાં છે. માત્ર 2017-18માં જ 6.5 કરોડ યુવકો બેરોજગાર થયા છે."
રિપોર્ટમાં બીજું શું છે?
બિઝનેસ સ્ટૅન્ડર્ડે જે રિપોર્ટ છાપ્યો છે, એ પ્રમાણે ભારતમાં વર્ષ 2017-18માં બેરોજગારીનો દર 6.1 ટકા રહ્યો, જે વર્ષ 1972-73 પછીનો સૌથી ઊંચો બેરોજગારી દર હતો.
રિપોર્ટ પ્રમાણે 2017-18માં બેરોજગારીનો દર ગ્રામીણ ક્ષેત્રોમાં 5.3 ટકા અને શહેરી ક્ષેત્રોમાં સૌથી વધારે 7.8ટકા રહ્યો.
બેરોજગારોમાં યુવાનો સૌથી વધારે હતા, જેમની સંખ્યા 13 થી 27 ટકા હતી.
શહેરી વિસ્તારમાં 15 થી 29ની વય વચ્ચેના લોકોમાં બેરોજગારીનો દર સૌથી વધારે છે.
શહેરોમાં 15 થી 29 વર્ષના વયજૂથમાં 18.7 ટકા પુરુષ અને 27.2 ટકા મહિલાઓ નોકરી શોધી રહ્યાં છે.
આ જ વયજૂથમાં ગ્રામીણ વિસ્તારમાં 17.4ટકા પુરુષો અને 13.6ટકા મહિલાઓ બેરોજગાર છે.
2011-12માં બેરોજગારીનો દર 2.2ટકા હતો. જ્યારે 1972-73માં આ સૌથી વધારે હતો. વીતેલાં વર્ષોમાં કામદારોની જરૂર ઓછી થવાથી વધારે લોકોને કામથી હટાવાયા છે.
નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016ના દિવસે દેશમાં નોટબંધી લાગુ કરી હતી, જે અંતર્ગત એક હજાર અને પાંચ સોની જૂની નોટો બંધ કરી દેવાઈ હતી.
ત્યારે કૉંગ્રસ સહિતના વિરોધી પક્ષોએ રોજગારી પર નકારાત્મક અસર થવાનો આક્ષેપ કર્યો હતો.
આ રિપોર્ટ માટે જુલાઈ 2017થી જૂન 2018 વચ્ચે આંકડા એકઠા કરવામાં આવ્યા હતા. નોટબંધી અને જીએસટી પછી રોજગારી સાથે જોડાયેલો આ પ્રથમ સર્વે હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો