'નશામાં ધૂત પ્રિયંકા ગાંધી'ના વાઇરલ વીડિયોની હકીકત શું છે?

    • લેેખક, ફૅક્ટ-ચેક ટીમ
    • પદ, બીબીસી

સોશિયલ મીડિયા પર કૉંગ્રેસનાં નવાં મહાસચિવ પ્રિયંકા ગાંધીનો એક વીડિયો શૅર કરવામાં આવી રહ્યો છે, જેને ટાંકીને એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ શરાબના નશામાં ધૂત હાલતમાં દેખાઈ રહ્યાં છે.

લગભગ 10 સેકન્ડના આ વીડિયોમાં પ્રિયંકા ગાંધી મીડિયા પર આક્રોશ ઠાલવતાં દેખાઈ રહ્યાં છે.

કેટલાક લોકોએ આ વીડિયોનો 6 સેકન્ડનો ભાગ જ શેર કર્યો છે કે જેમાં પ્રિયંકા ગાંધીને કહે છે , "તમે હવે ચૂપચાપ જતા રહો ત્યાં સુધી."

બધી જગ્યાએ પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો એટલો ધૂંધળો છે કે એને જોતાં લાગે છે કે પ્રિયંકા ગાંધીની આંખો નીચે કાળા ડાઘા પડી ગયા હોય.

'આઈએમ વીથ યોગી આદિત્યનાથ', 'રાજપૂત સેના' અને 'મોદી મિશન 2019' સહિત ઘણાં મોટાં પેજ્સ અને ગ્રૂપમાં આ વીડિયો વારંવાર શૅર કરવામાં આવી રહ્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ તમામ ગ્રૂપમાં આ વીડિયો શેર કરતાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રિયંકા ગાંધીએ શરાબના નશામાં મીડિયાના લોકો સાથે ગેરવર્તણૂક કરી.

પણ તપાસમાં આ તમામ દાવાઓ ખોટા જણાયા છે.

જ્યારે પ્રિયંકા ગાંધી ઊકળી પડ્યાં....

રિવર્સ ઇમેજ સર્ચથી જાણવા મળે છે કે આ વીડિયો ગુરુવાર 12 એપ્રિલ 2018નો છે.

12 એપ્રિલના રોજ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોતાના ફૉલોઅર્સને કઠુઆ અને ઉન્નાવ રેપ કેસ સામે દિલ્હીના ઇન્ડિયા ગેટ પર 'મિડનાઇટ પ્રોટેસ્ટ' માં સામેલ કરવાની અપીલ કરી હતી.

જાન્યુઆરી 2018માં જમ્મુના કઠુઆ જિલ્લાના બકરવાલ સમુદાયની એક સગીર યુવતી પર સામુહિક બળાત્કાર બાદ તેની હત્યા કરી નાખવામાં આવી હતી.

તો ઘટનાના થોડા સમય પહેલાં ભાજપના નેતા કુલદીપ સિંહ સેંગર પર ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં એક સગીર બાળકી સાથે કથિત રીતે બળાત્કાર કરવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો.

બન્ને મુદ્દા ચર્ચામાં હતા અને એને લઈને દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શન થયાં હતાં.

આ અનુસંધાનમાં 12 એપ્રિલના રોજ થયેલાં વિરોધ પ્રદર્શનમાં રાહુલ ગાંધીનાં નાનાં બહેન પ્રિયંકા ગાંધી પોતાના પતિ રોબર્ટ વાદ્રા અને પુત્રી મિરાયા સાથે સામેલ થયાં હતાં.

આ વિરોધ પ્રદર્શનનું મુખ્ય સૂત્ર હતું - મોદી ભગાડો , દેશ બચાવો.

તમે આ વાંચ્યું કે નહીં?

રાહુલ અને પ્રિયંકા બન્ને આ પ્રદર્શનમાં સામેલ થતાં કાર્યકર્તાઓએ એમની નજીક જવાની હોડ શરૂ કરી દીધી હતી, પ્રિયંકા ગાંધીને ઇન્ડિયા ગેટ પાસેના મુખ્ય પ્રદર્શન સ્થળ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડી હતી.

કેટલાક અહેવાલો અનુસાર પ્રિયંકા ગાંધી પોતાની પુત્રી મિરાયા સાથે થયેલી ધક્કામુક્કીને કારણે નારાજ થઈ હતી.

એમણે મુખ્ય પ્રદર્શન સ્થળ સુધી પહોંચી પક્ષના કાર્યકર્તા અને મીડિયાવાળાઓને કહ્યું હતું, "તમે હવે ચૂપચાપ જતા રહો ત્યાં સુધી. અને જેને ધક્કો મારવો હોય તે ઘેર ચાલ્યા જાય."

12-13 એપ્રિલ 2018ના તમામ અહેવાલ અનુસાર એ કહેવું તો યોગ્ય છે કે પ્રિયંકા ગાંધી પક્ષના કાર્યકર્તા અને મીડિયાવાળાઓ પર ગુસ્સે થઈ હતી પણ કોઈ પણ અહેવાલમાં તે શરાબના નશામાં ધૂત હાલતમાં હોવાની વાત કહેવાઈ નથી.

પ્રિયંકા ગાંધીને સત્તાવાર રીતે કૉંગ્રેસ પક્ષના મહાસચિવ બનાવ્યાં બાદ એમની સામે ખોટો પ્રચાર કરવા આ માહિતી શૅર કરવામાં આવી રહી છે.

કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર પ્રિયંકા ગાંધીનો આ જૂનો વીડિયો ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીની વિવાદિત ટિપ્પણી સાથે જોડીને પોસ્ટ કર્યો છે.

રાજ્ય સભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું, "પ્રિયંકા ગાંધીને બાયપૉલર બીમારી છે. તેઓ હિંસક વર્તણૂક કરે છે. એટલે તેઓ જાહેર જીવનમાં કામ કરવા નથી માંગતાં."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો