ગાંધીજીએ કૉંગ્રેસનું વિસર્જન કરવાનું કેમ કહ્યું હતું?

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

'ગાંધીજીએ કૉંગ્રેસનું વિસર્જન કરવા કહ્યું હતું' એ વાત પછીના દાયકાઓના રાજકારણમાં જુદી જુદી તોડમરોડ સાથે સંભળાતી રહી છે.

ગાંધીજીએ એ બાબતે ખરેખર શું કહ્યું હતું? અને એ એક વાત પાછળ કયા સંજોગો, પરિબળો અને ભાવના જવાબદાર હતાં?

કૉંગ્રેસનું વિસર્જન કર્યા પછી સ્વતંત્ર ભારતના રાજકારણ અને રાજતંત્રનું શું થાય? આવા કેટલાક સવાલના જવાબ.

ગાંધીજીઃ નિવૃત્તિના વિચાર

ભારતમાં આવ્યા પછી ગાંધીજી કૉંગ્રેસ સાથે સંકળાયા ત્યારે કૉંગ્રેસ મહદ્ અંશે અંગ્રેજી બોલતા વકીલ-બૅરિસ્ટરોની સંસ્થા હતી.

ગાંધીજીના ઠરાવના આધારે ૧૯૨૦ના નાગપુર અધિવેશન પછી કૉંગ્રેસના દરવાજા સામાન્ય લોકો માટે ખુલ્લા થયા.

વર્ષે ચાર આના આપીને કૉંગ્રેસનું સભ્યપદ મેળવવાનું શક્ય બન્યું.

કોંગ્રેસને અસરકારક કામગીરી કરતી સંસ્થા બનાવવા માટે તેનું આંતરિક માળખું ઊભું કરવામાં આવ્યું.

પછીના વર્ષે ૧૯૨૧ના અમદાવાદ અધિવેશનમાં ગાંધીજીને કૉંગ્રેસના સર્વસત્તાધીશ નીમવામાં આવ્યા.

જૂની પેઢીના કૉંગ્રેસી નેતાઓએ મતભેદો સાથે તેમનો પ્રભાવ સ્વીકાર્યો અને કેટલાક નેતાઓ આગળ જતાં કૉંગ્રેસથી અલગ પણ પડ્યા.

આંતરિક મતભેદો વધતાં ગાંધીજીના સાથી (અને સગપણમાં તેમનાં ઓરમાન બહેનના દૌહિત્ર) મથુરાદાસ ત્રિકમજીએ છેક ૧૯૨૪માં તેમને કૉંગ્રેસ છોડીને, 'નવો સંઘ ઊભો કરીને સ્વરાજનું કાર્ય પોતાની રીતે' આગળ વધારવા લખ્યું હતું. (બાપુની પ્રસાદી, મથુરાદાસ ત્રિકમજી, પૃ.૭૩)

જવાબમાં ગાંધીજીએ બે વાક્યો લખ્યાં, 'કૉંગ્રેસ મને કાઢી મૂકે તો મારે તે નમ્રભાવે સાંખી લેવું જોઈએ. પણ મારાથી એકે પક્ષ ઉપર પ્રહાર ન કરાય.'

મથુરાદાસે નોંધ્યું છે કે 'બાપુના દિલમાં મંથન ચાલુ રહ્યું. તેમણે એક મહિનામાં જ કૉંગ્રેસ સંસ્થા (ચિત્તરંજન દાસ-મોતીલાલ નહેરુ વિ. જૂની પેઢીના નેતાઓએ સ્થાપેલા) સ્વરાજ પક્ષને સોંપવાની ઇચ્છા કરી અને પોતે કૉંગ્રેસ બહાર રહી શાંતિ, ખાદી, સંપ અને હરિજનકાર્યમાં રોકાઈ જવા વિચાર કર્યો અને તે માટે જુદી સંસ્થા ઊભી કરવા ધાર્યું.' (બાપુની પ્રસાદી, પૃ.૭૩)

એ વિશે કશો આખરી નિર્ણય થયો નહીં.

દસ વર્ષ પછી, ૧૯૩૪માં ગાંધીજીની દેશવ્યાપી હરિજનયાત્રા પછી મહાદેવભાઈએ એક પત્રમાં લખ્યું હતું, 'કૉંગ્રેસમાં દેખાતો બગાડો અને સર્વત્ર નજરે આવતો નિયમનનો અભાવ' ગાંધીજીને વ્યથિત કરતાં હતાં.

'જે પક્ષ ગાંધીવાદમાં માને છે તેની પાસે એ માન્યતાને અમલમાં મૂકવા જેટલી સંપત્તિ નથી. જે પક્ષ વિરોધ કરે છે એ વિરોધ કરતા દબાય છે.'

'પરિણામે બંને પક્ષોની ઉન્નતિ અટકે છે, બાપુની પોતાની પાંખ કપાય છે. જો એમને છૂટા કરવામાં આવે તો કામ તો જે કરતા હતા તે કરે, પણ પૂરેપૂરી શક્તિથી જ્યાં સુધી ઉડવું હોય ત્યાં સુધી એ ઉડી શકે...આ પગલાથી કોઈ પણ રીતે જવાહરને અન્યાય થાય એમ આ મિત્રો બાપુને સિદ્ધ કરી આપે તો બાપુ આ પગલું લેવાનું માંડી વાળે.' (બાપુની પ્રસાદી, પૃ.૧૫૧)

ગાંધીજીને કૉંગ્રેસ છોડાવવા માટે ઉત્સુક મથુરાદાસે ૧૯૩૪માં પણ તેમને તાર કર્યો,

'આપના જીવનકાર્યની સફળતા અને દેશની પ્રગતિ આપ કૉંગ્રેસમાંથી ફારેગ થાઓ તો થાય એમ મને ચોક્કસ લાગે છે. સૌ ગૂંગળાઈ રહ્યા છે. તેમને છૂટા કરો.' (બાપુની પ્રસાદી, પૃ.૧૫૧)

તેમના બીજા પત્રના જવાબમાં ગાંધીજીએ લખ્યું, 'કૉંગ્રેસમાંથી કાઢવા જેટલો તું ઉત્સુક થઈ રહ્યો છે તેના કરતાં હું નીકળવા વધારે ઉત્સુક થઈ રહ્યો છું. એટલે એ કામ સહેજે થઈ શકે એવા ઉપાયો જ આપણને રચવાપણું રહે છે.' (બાપુની પ્રસાદી, પૃ.૧૫૩)

આખરે, ઑક્ટોબર ૧૯૩૪માં ગાંધીજી કૉંગ્રેસમાંથી નિવૃત્ત થયા.

ત્યાર પછી 'હિંદ છોડો' ચળવળ વખતે (૧૯૪૨માં) તે ફરી કૉંગ્રેસના સંચાલક થયા અને સત્યાગ્રહ કરવો પડે તો તેમની આગેવાની હેઠળ જ કરવો એવું નક્કી થયું.

આપને આ પણ વાંચવું ગમશે

વિસર્જનના વિચાર

૧૯૪૨ની 'હિંદ છોડો' ચળવળના થોડા સમય પહેલાં સરદાર પટેલે પ્રખ્યાત અંગ્રેજી ફિલ્મમાસિક 'ફિલ્મ ઇન્ડિયા'ના તંત્રી બાબુરાવ પટેલને ઇન્ટરવ્યૂ આપ્યો હતો.

તેમાં એમણે કૉંગ્રેસ વિશે ફિલ્મ બનાવવાનું સૂચન કરીને છેલ્લે કહ્યું હતું,

'આપણે આઝાદ થઈશું ત્યાર પછી કૉંગ્રેસના વિસર્જનની કાર્યવાહીનું એક રીલ પણ ફિલ્મમાં ઉમેરી દઈશું. કારણ કે ત્યારે કૉંગ્રેસનું કામ પૂરું થઈ ગયું હોવાથી તેની જરૂર રહેશે નહીં.' (ફિલ્મ ઇન્ડિયા, ઑક્ટોબર ૧૯૪૨)

આઝાદીના થોડા મહિના પહેલાં, 'પંદરમી ઑગસ્ટ પછી કૉંગ્રેસનું શું થશે? અને ભારત-પાકિસ્તાનમાં તે અલગઅલગ રહેશે કે કેમ?'

એવા સવાલનો જવાબ આપતાં ગાંધીજીએ લખ્યું હતું કે 'અત્યાર સુધી કૉંગ્રેસની જરૂર હતી તેના કરતાં ૧૫મી ઑગસ્ટ પછી વધારે રહેશે. અલબત્ત, તેનું કામ જુદા પ્રકારનું રહેશે ખરું.' (બિહાર પછી દિલ્હી, મનુબહેન ગાંધી, પૃ.૪૩૬)

આઝાદી પછી કૉંગ્રેસના વિસર્જન અંગે ગાંધીજી અને સરદાર વચ્ચે કોઈ વાત થઈ હશે કે નહીં, તે જાણવા મળતું નથી.

ગાંધીજીના સચિવ પ્યારેલાલે નોંધ્યા પ્રમાણે, '૧૯૪૭ના નવેમ્બરમાં કૉંગ્રેસની મહાસમિતિની બેઠક મળી તેના થોડા દિવસ પહેલાં ગાંધીજીએ એવો વિચાર રજૂ કર્યો કે સ્વતંત્રતા મળી જતાં કૉંગ્રેસનું રાજકીય ધ્યેય સિદ્ધ થયું હોવાથી કૉંગ્રેસે સ્વેચ્છાએ પોતાનું વિસર્જન કરવું.' (પુર્ણાહુતિ-૪, પ્યારેલાલ. અનુ. મણિભાઈ ભ. દેસાઇ, પૃ. ૩૨૭)

ગાંધીજીનો તર્ક હતો કે એવું કરવાથી સંસ્થાકીય મતભેદોને કારણે (કૉંગ્રેસ પ્રત્યેના વાંધાને કારણે) જે શક્તિશાળી લોકોનો લાભ દેશને મળતો ન હોય, એ મળતો થાય.

કૉંગ્રેસના નેતાઓ (નહેરુ-સરદાર અને બીજા) સ્વાભાવિક રીતે જ ખચકાટ અનુભવતા હતા.

તેમને લાગતું હતું કે રાજકીય તંત્રના સંગઠન વિના (કૉંગ્રેસી) નેતાઓ મતદારો પરનો કાબૂ ગુમાવી બેસશે અને લોકશાહી જોખમાશે.

ગાંધીજી એવા વિચારને દુર્બળતાની નિશાની ગણતા હતા. તે માનતા હતા કે સ્વતંત્રતાનાં પહેલાં પાંચ વરસ દરમિયાન આખા દેશની તાકાત દેશના ઘડતરમાં નહીં જોતરાય, તો ત્રીસ વરસની લડત પર પાણી ફરી જશે.

મહાસમિતિની બેઠક પછી ગાંધીજીએ ફરી કહ્યું, 'મને ખાતરી થઈ ચૂકી છે કે કોઈ પણ અરધાપરધા ઈલાજો કૉંગ્રેસને ઉગારી શકે એમ નથી. એથી તો ઊલટી વેદના લંબાશે. રોગ આગળ વધવા પામે તે પહેલાં કૉંગ્રેસ પોતે જ પોતાનું વિસર્જન કરે, એ તેને માટે ઉત્તમ માર્ગ છે. તેનું સ્વેચ્છાપૂર્વકનું વિસર્જન દેશના રાજકીય વાતાવરણને વિશુદ્ધ અને ચેતનવંતું બનાવશે. પરંતુ હું જોઉં છું કે આ બાબતમાં કોઈને પણ મારી સાથે મળતા કરી શકતો નથી.' (પુર્ણાહુતિ-૪, પૃ.૩૨૭-૩૨૮)

ગાંધીજીનો વાંધો કૉંગ્રેસની નવી રાજકીય ભૂમિકા સામે હતો.

બાકી, કૉંગ્રેસને દેશની 'જૂનામાં જૂની રાજકીય સંસ્થા' ગણાવીને ગાંધીજીએ લખ્યું હતું,

'અનેક લડતો લડીને તેણે અહિંસાના માર્ગે આઝાદી મેળવી. એવી સંસ્થાને મરવા ન દેવાય. એ તો રાષ્ટ્ર મરે તો જ મરી શકે. જીવંત સંસ્થા ચેતનવાળા પ્રાણીની જેમ વધતી અને વિકાસ પામતી રહે. તેમ ન થાય તો તે મરી જાય.'

એટલે રાજકીય આઝાદી મળી ગયા પછી આર્થિક, સામાજિક, નૈતિક સ્વતંત્રતા માટે કૉંગ્રેસે કામ કરવાનું છે અને એ રાજકીય નહીં, પણ રચનાત્મક માર્ગે, ગામડાંમાં રહીને જ થઈ શકે, એવું ગાંધીજીને લાગતું હતું.

તે ઇચ્છતા હતા કે કૉંગ્રેસ સત્તાના રાજકારણથી બહાર રહીને બધી શક્તિ ફક્ત પ્રજાની અહિંસક તાકાત ઊભી કરવામાં કામે લગાડે. તો તે પ્રજાની સ્વતંત્રતાની રખેવાળ અને વાલી બની શકશે. (પુર્ણાહુતિ-૪, પૃ.૩૨૯-૩૩૦)'

આપને આ પણ વાંચવું ગમશે

ગાંધીજીનું છેલ્લું વસિયતનામું

હત્યાના આગલા દિવસે, ૨૯ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ ગાંધીજીએ એક નોંધ તૈયાર કરી, જે પછીથી તેમના છેલ્લા વસિયતનામા તરીકે ઓળખાઈ.

તેમાં એમણે 'કૉંગ્રેસની વર્તમાન સંસ્થા વિખેરીને તેને લોક સેવક સંઘ સ્વરૂપે ફરી પ્રગટ કરવાનું' લખ્યું હતું.

તેમાં ગામડાંના સ્તરથી સ્થાનિક આગેવાની ઊભી કરીને, નીચેથી ઉપર જતું હોય એવું રાષ્ટ્રીય સંગઠન બનાવવાનો ખ્યાલ હતો.

તેમની ભાવના એવી હતી કે લોકશાહીની દિશામાં ગતિ દરમિયાન, લશ્કરી શાસન સર્વોપરી ન થઈ જાય અને સત્તા લોકો પાસે રહે, એ માટે કૉંગ્રેસે લોકોને ઘડવાનું કામ કરવાનું છે.

જો કૉંગ્રેસ (અગાઉની જેમ રાષ્ટ્રીય સંસ્થાને બદલે) રાજકીય પક્ષ બનીને રહી જાય તો તે બીજા રાજકીય પક્ષો અને કોમી સંસ્થાઓ સાથેની હરીફાઈમાં પડી જાય અને લોકોને ઘડવાનું કામ બાકી રહી જાય. (પુર્ણાહુતિ-૪, પૃ.૩૩૩)

પરંતુ તેમની આ યોજના કાગળ પર જ રહી.

તેમની હત્યાના માંડ દોઢ મહિના પછી યોજાયેલી વિવિધ ક્ષેત્રના ટોચના ગાંધીજનોની અભૂતપૂર્વ બેઠકમાં વડા પ્રધાન પંડિત નહેરુએ કહ્યું હતું કે 'ગાંધીજીની લોક સેવા સંઘની યોજના તો બરાબર હતી, પણ એ રાજકીય સંસ્થા ન હતી. મતલબ, કૉંગ્રેસને ખતમ કર્યા પછી નવી રાજકીય સંસ્થા પણ બનાવવી પડે.'

'તેમાં એવું થાય કે ફક્ત નામ બદલાય, પણ લોકો એ જ હોય—અને નામ બદલાઈ જતાં તે બેકાબૂ પણ બની જાય. એટલે એવો વિચાર કર્યો કે કૉંગ્રેસનું રાજકીય અસ્તિત્ત્વ ચાલુ રાખવું, જેથી સભ્યો પર કાબૂ રહી શકે. ('ગાંધી ગયાઃ હવે માર્ગદર્શન કોણ આપશે' ગોપાલકૃષ્ણ ગાંધી, અનુ. રમણ મોદી, પૃ.૬૧-૬૨)

વિશ્લેષણ

ગાંધીજીએ કૉંગ્રેસનો રાજકીય આંદોલન માટે ઉપયોગ કર્યો, પણ તેને માત્ર રાજકીય સંસ્થા ગણવાને બદલે રાષ્ટ્રીય સંસ્થા તરીકે જોઈ.

આઝાદી મળી ગયા પછી લોકોના ઘડતરની જવાબદારી કૉંગ્રેસની છે, એવું તેમને લાગતું હતું.

બીજી તરફ નહેરુ-સરદાર અને બીજા કેટલાક કૉંગ્રેસી નેતાઓના માથે શાસન ચલાવવાની જવાબદારી ને પડકારો એટલા મોટા હતા અને બીજા ઘણા નેતાઓ માટે સત્તાનો સ્વાદ એટલો લલચામણો હતો કે લોકઘડતરનું જરૂરી કામ બાકી રહી ગયું.

સાથોસાથ, એ પણ નોંધવું રહ્યું કે કૉંગ્રેસનું રાજકીય અસ્તિત્ત્વ ચાલુ રહ્યું અને પંડિત નહેરુની લગભગ દોઢ દાયકાની નેતાગીરી મળી, તેના કારણે રાજકીય ક્ષેત્રે લોકશાહી ટકી રહી.

એ અરસામાં આઝાદ થનારા બીજા દેશોની જેમ ભારત સરમુખત્યારશાહીમાં ન ધકેલાયું. પછીનાં વર્ષોમાં લોકશાહી વધુ ને વધુ પ્રમાણમાં (નાગરિકલક્ષીને બદલે) ચૂંટણીલક્ષી બનતી રહી અને ગાંધીજીકલ્પિત 'લોક સેવક સંઘ'નું કામ બાકી જ રહ્યું.

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો