You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અહિંસક સત્યાગ્રહની-અસહકારની શરૂઆત ભારતમાં ગાંધીજીએ કરી?
- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, બીબીસી ગુજરાતી માટે
બંગાળના ભાગલા (૧૯૦૫)ના પગલે ભારતમાં પહેલું સ્વદેશી આંદોલન શરૂ થયું. 'સ્વદેશી'ના આગ્રહમાં વિદેશીનો બહિષ્કાર (બૉયકૉટ) પણ સામેલ હતો.
વિશ્વનાં આંદોલનોની વાત કરીએ તો, આ પહેલાં 'સ્વદેશી' અને 'બહિષ્કાર'ની રીતો અમેરિકા, આયર્લેન્ડ અને ચીનના લોકો અપનાવી ચૂક્યા હતા.
('સ્વાધીનતા સંગ્રામ', બિપનચંદ્ર- અમલેશ ત્રિપાઠી-બરુન દે, પૃ.84) ગાંધીજીએ તો ભક્ત પ્રહલાદ અને મીરાંબાઈને પણ સત્યાગ્રહી ગણાવ્યાં હતાં.
(મહાત્મા ગાંધીની વિચારસૃષ્ટિ, પ્રકાશકઃ મથુદારાસ ત્રિકમજી, પૃ.3) ગાંધીજીના આગમન પહેલાં લોકમાન્ય ટિળક સહિતના નેતાઓ સ્વદેશીના વિકાસ માટે વિદેશીના બહિષ્કારનો પ્રચાર કે ઝુંબેશ કરી ચૂક્યા હતા.
ટિળકને બરાબર સમજાઈ ગયું હતું કે 'હું જો એક લાખની સશસ્ત્ર ફોજ ઊભી કરું, તો અંગ્રેજો આ જ દેશમાં બે લાખની ફોજ ઊભી કરી શકે છે. તેથી આ દેશમાં સશસ્ત્ર ક્રાંતિ નહીં થઈ શકે.'
('મનીષીની સ્નેહગાથા', લે. દાદા ધર્માધિકારી, પૃ. 47) સામાન્ય લોકો પણ આંદોલનમાં ભાગ લઈ શકે એ માટે 1905માં 'બહિષ્કાર'નો રસ્તો સૂચવવામાં આવ્યો.
રાજકારણમાં બહિષ્કારની જેમ ઉપવાસ પણ ગાંધીજીના આવતાં પહેલાં શરૂ થઈ ચૂક્યા હોવાનું દાદા ધર્માધિકારીએ નોંધ્યું છે.
(પૃ.48) તેમણે લખ્યું છે કે ટિળક, અરવિંદ ઘોષ, બિપિનચંદ્ર પાલ અને લાલા લજપતરાય જેવા નેતાઓએ 'સ્વદેશી, રાષ્ટ્રીય શિક્ષણ અને બહિષ્કારના રૂપમાં જનતાને નિઃશસ્ત્ર પ્રતિકારની દીક્ષા દીધી', જ્યારે ગાંધીજીએ 'નિઃશસ્ત્ર પ્રતિકારને અસહકાર, કાનૂનભંગ અને સત્યાગ્રહનું વૈજ્ઞાનિક રૂપ દીધું.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતમાં ગાંધીજીની આગેવાની હેઠળના બધા સત્યાગ્રહો સાથે ચોક્કસ માગણીઓ સંકળાયેલી હતી.
પરંતુ એકેય પ્રસંગે અંગ્રેજ સરકારે એ માગણીઓનો પૂરેપૂરો સ્વીકાર કર્યો નહીં. એટલે, ફક્ત આંકડાકીય દૃષ્ટિએ જોવામાં આવે તો ગાંધીજીની સીધી આગેવાની હેઠળ થયેલા સત્યાગ્રહોને અંશતઃ સફળ જ ગણી શકાય.
પરંતુ નૈતિક દૃષ્ટિએ આ સત્યાગ્રહો અત્યંત સફળ અને નમૂનેદાર ગણાવવામાં આવ્યા. એ ગાંધીજીતરફી પ્રચારનું-ગાંધીજી પ્રત્યેની લોકોની ભક્તિનું પરિણામ હતું? અત્યારે નવેસરથી વિચારતાં તેમને સફળ ગણી શકાય?
તમે આ વાંચ્યું કે નહીં?
વિવિધ સત્યાગ્રહો
ભારતના જાહેરજીવનમાં સક્રિય થયા પછી ગાંધીજીએ સ્થાનિક તેમ જ વ્યાપક, એમ બંને પ્રકારના મુદ્દે સત્યાગ્રહ કર્યા.
અંગ્રેજ જમીનદારો દ્વારા પરાણે કરાવાતી ગળીની ખેતી અને તેના નિમિત્તે થતા અત્યાચાર સામેનો ચંપારણ સત્યાગ્રહ (1917), અમદાવાદમાં મિલમજૂરોના પગારવધારાના મુદ્દે ગાંધીજીએ કરેલો સત્યાગ્રહ-ઉપવાસ (1917), ખેડા જિલ્લામાં વધુ પડતા વરસાદને કારણે પાક ધોવાઈ જતાં, ખેડૂતોનું મહેસુલ માફ કરાવવા માટેનો ખેડા સત્યાગ્રહ (1918)--આ સ્થાનિક કારણોસર થયેલા સત્યાગ્રહ હતા, જેમાં ગાંધીજીની સીધી નેતાગીરી હતી.
એ સિવાય વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળ થયેલા બોરસદ સત્યાગ્રહ અને બારડોલી સત્યાગ્રહમાં ગાંધીજીનું માર્ગદર્શન પૂરેપૂરું, પણ સીધી આગેવાની નહીં.
સરકારને આપખુદ સત્તાઓ આપતા રૉલેટ કાયદા સામેનો સત્યાગ્રહ (1919), ખિલાફતના મુદ્દે મુસ્લિમોને અંગ્રેજ સરકારે કરેલા વચનભંગ માટેનો સત્યાગ્રહ અને અસહકારનું આંદોલન (1920-21), મીઠા પરના અન્યાયી વેરા સામેનો નમક સત્યાગ્રહ અને દાંડીકૂચ (1931), હિંદ છોડો આંદોલન (૧૯૪૨)--આ બધા સત્યાગ્રહો રાષ્ટ્રીય પ્રશ્નોને લઈને થયા હતા.
તેમાં પણ સીધી આગેવાની ગાંધીજીએ લીધી. તેમાંથી ફક્ત 'હિંદ છોડો' આંદોલન એવું હતું કે જેમાં સંપૂર્ણ આઝાદીથી ઓછું કંઈ ખપતું ન હોય.
બાકીના બધા સત્યાગ્રહોમાં ચોક્કસ માગણીઓ મુકાયેલી હતી, જેની સામે અંગ્રેજ સરકારે એક હદથી વધારે (ક્યારેક તો જરાય) નમતું આપ્યું નહીં.
સત્યાગ્રહનો આરંભ
'આત્મકથા'માં ગાંધીજીએ લખ્યું છે કે દક્ષિણ આફ્રિકામાં પહેલાં સત્યાગ્રહની પ્રવૃત્તિ શરૂ થઈ અને પછી તેનું નામ પડ્યું.
શરૂઆતમાં તે ગુજરાતીમાં પણ 'પૅસિવ રિઝિસ્ટન્સ' તરીકે ઓળખાતો હતો. પણ પછી ગાંધીજીને થયું કે એ શબ્દનો અર્થ સાંકડો છે.
એટલું જ નહીં, 'તેને નબળાઓનું જ હથિયાર કલ્પવામાં આવે છે, તેમાં દ્વેષ હોઈ શકે છે, અને તેનું અંતિમ સ્વરૂપ હિંસામાં પ્રગટી શકે છે' ત્યારે લડતનું સાચું સ્વરૂપ સમજાવવા માટે ગાંધીજીને નવા શબ્દની જરૂર પડી.
એ માટે તેમણે તેમના અખબાર 'ઇન્ડિયન ઓપિનિયન'ના વાચકોની હરીફાઈ યોજી. તેમાં ગાંધીજીના ભત્રીજા અને સાથીદાર મગનલાલ ગાંધી 'સદાગ્રહ' (સત્ + આગ્રહ) શબ્દ સૂચવીને ઇનામ જીતી ગયા.
ગાંધીજીને એ શબ્દમાં પણ વધારે સ્પષ્ટતાની જરૂર લાગતાં, તેમણે 'સદાગ્રહ'માંના 'સત્'ને સ્થાને 'સત્ય' મુકીને 'સત્યાગ્રહ' નીપજાવ્યો. (સમીક્ષિત આવૃત્તિ, પૃ. 397)
સત્યાગ્રહનું શાસ્ત્ર
ગાંધીજીએ ભારતના સ્વરાજ આંદોલનમાં ઝંપલાવ્યું તેનાં વર્ષો પહેલાંથી એક વાતે એ સ્પષ્ટ હતા કે ભારતની ગુલામી માટે ફક્ત અંગ્રેજોનો વાંક કાઢી શકાય તેમ નથી.
'હિંદ સ્વરાજ' (1909)માં તેમણે લખ્યું હતું, 'હિંદુસ્તાન અંગ્રેજે લીધું એમ નથી, પણ આપણે તેને દીધું છે...મને ભાંગ પીવાની આદત હોય અને ભાંગ વેચનારો મને ભાંગ વેચે તેમાં મારે વેચનારનો વાંક કાઢવો કે મારો પોતાનો?
વેચનારનો વાંક કાઢવાથી મારું વ્યસન કંઈ જવાનું છે? તે વેચનારને હાંકી કાઢીશું તો શું બીજા મને ભાંગ નહીં વેચે?' (પૃ.19)
આ સમજ ધ્યાનમાં રાખીને, સત્યાગ્રહમાં અન્યાયના વિરોધની સાથોસાથ પ્રજાકીય ઘડતરની-પ્રજાકીય શક્તિને રચનાત્મક માર્ગે વાળવાની પણ વાત હતી.
એ દૃષ્ટિએ જોતાં, તે ફક્ત લડાઈ કે યુદ્ધ જીતી લેવાનું નહીં, પણ જીત્યા પછી કેવી રીતે આગળ વધવું તેનું પણ શાસ્ત્ર હતું.
ગાંધીજીના આવતાં પહેલાંના 'બહિષ્કાર'માં લોકોની ભીરુતાને પારખીને, તેને અનુરૂપ વ્યૂહરચના ગોઠવવાની વ્યવહારુ રીત હતી, જ્યારે ગાંધીજીના સત્યાગ્રહમાં માણસને અહિંસાના રસ્તે ચાલતો કરવાની અને તેનો ડર ખંખેરવાની વાત હતી.
એ ઘણી વાર ફળતી નહીં. છતાં, તેનો આદર્શ માણસની ભીરુતાને છાવરવાનો નહીં, તેને કાઢવાનો હતો.
છેક 1917માં ગાંધીજીએ લખ્યું હતું, 'સત્યાગ્રહીને દુનિયાની અપ્રસન્નતા રોકી શકતી નથી. સત્યાગ્રહનો આરંભ ગણિતના નિયમ ઉપર આધાર નથી રાખતો.
હારજીતના પાસા નાખી, જીતનો પાસો પડે ત્યારે જ સત્યાગ્રહ કરાય એમ માનનાર ભલે રાજ્યનીતિકુશળ હો, વિચારવંત હો, પણ એ સત્યાગ્રહી નથી...' (મહાત્મા ગાંધીની વિચારસૃષ્ટિ, પૃ.4) 'સત્યાગ્રહી દ્વેષ નથી કરતો.
તે રોષમાં મરણને વશ નથી થતો, અને પોતાની દુઃખ સહન કરવાની શક્તિથી શત્રુ કે જુલમગારને તાબે નથી થતો. એટલે સત્યાગ્રહીમાં વીરતા, ક્ષમા અને દયા હોવાં જોઈએ.' (મહાત્મા ગાંધીની વિચારસૃષ્ટિ, પૃ.3)
સત્યાગ્રહીનાં તેમણે તારવેલાં બીજાં કેટલાંક લક્ષણઃ 'સત્યાગ્રહી સરકારને કે કોઈને હેરાન કરવા માગતો નથી...અવિચારી પગલું ભરતો નથી...ઉદ્ધતાઈ વાપરતો નથી. એટલે તે બોયકોટથી અળગો રહે છે, પણ સ્વદેશીવ્રત ધર્મ સમજી અડગ રહી હંમેશાં પાળે છે. સત્યાગ્રહી કેવળ ઇશ્વરથી ડરે છે...તે રાજાના ભયથી કરીને કર્તવ્ય છોડતો નથી.'
(મહાત્મા ગાધીની વિચારસૃષ્ટિ, પૃ.5) સત્યાગ્રહી અન્યાયી કાયદાનું પાલન કરવાને બદલે, તેનો ભંગ કરીને તેની સજા ઉઠાવે છે. આકરામાં આકરી કસોટીથી ડગતો નથી.
સત્યાગ્રહની અસરોનું વિશ્લેષણ
ચંપારણની લડતથી ગાંધીજીના સાથી બનેલા આચાર્ય કૃપાલાણીએ નોંધ્યું છે કે એ લડત 'સત્યાગ્રહની વ્યાવહારિકતા અને શક્તિ બતાવનાર દાખલો' હતી.
'હિંદુસ્તાનની વસતીનાં એક અત્યંત લાચાર અને ભીરુ વર્ગને, કેમ જાણે જાદુથી, પોતાની ભીરુતા ત્યાગી પોતાની શક્તિ અને સ્વમાન વિસે સભાન બનાવી જગાડવામાં આવ્યો હતો.' (આચાર્ય કૃપાલાનીની આત્મકથા, ગુજરાતી અનુવાદ, પૃ.72)
ચંપારણમાં અન્યાયી કાયદાનો ભંગ કરીને, તેનો ખુલ્લેઆમ સ્વીકાર કરવાની સત્યાગ્રહની રીતથી કોંગ્રેસના-દેશના રાજકારણમાં નિર્ણાયક પલટો આવ્યો.
અરજી, રજૂઆતો અને વિનવણીના રાજકારણને બદલે સત્યાગ્રહ સ્વરૂપે અંગ્રેજ સરકારનો મક્કમ, ખુલ્લો છતાં અહિંસક પ્રતિકાર શરૂ થયો. ઢીલા અને શબ્દાળુ રાજકારણથી અળગા રહેતા બૅરિસ્ટર વલ્લભભાઈ પટેલ જેવા લોકો સત્યાગ્રહની ઠંડી તાકાતથી પ્રભાવિત થયા અને ગાંધીજીના સત્યાગ્રહી સાથી બન્યા.
અન્યાયી કાયદાના પ્રતિકારનો, પોલીસનો, મારનો અને જેલનો ડર ઘણા લોકોમાંથી દૂર થયો. આંદોલન થાય ત્યારે જેલો સત્યાગ્રહીઓથી ઊભરાવા લાગી.
દારૂની દુકાનો પર અને વિદેશી કાપડની દુકાનો પર પિકેટિંગના સત્યાગ્રહોમાં મહિલાઓ પણ સામેલ થઈ. આમ, પહેલી વાર લોકસ્વરાજ માટેની લડત લોકો સુધી પહોંચી અને લોકો તેમાં સામેલ થયા.
સત્યાગ્રહમાં ફક્ત વિરોધ નહીં, પ્રજાકીય ઘડતરના રચનાત્મક કાર્યક્રમો પણ સંકળાયેલા હતા. અંગ્રેજોને ગાળ દેવાથી સત્યાગ્રહી થઈ જવાય નહીં, એવી સ્પષ્ટ સમજ હતી.
જેનો વિરોધ કરતા હોઈએ, તેના પ્રત્યે આદર રાખવો અને સત્યાગ્રહ પૂરો થયે વિરોધીની પણ નૈતિક ભૂમિકા ઊંચી આવે, એવો પ્રયાસ તેમાં રહેતો હતો.
દાંડીકૂચ જેવા શિરમોર સત્યાગ્રહ વખતે માર્ગમાં રોકાણ દરમિયાન ગાંધીજીએ આપેલાં પ્રવચનોમાં તેમણે સફાઈ અને સ્વચ્છતાથી માંડીને ખાદી-રેંટિયો, અસ્પૃશ્યતાનિવારણ, હિંદુ-મુસલમાન એકતા જેવાં અનેક રચનાત્મક કામોની વાત કરીને લોકશક્તિને એ માર્ગે વાળવાનો પ્રયાસ કર્યો.
સત્યાગ્રહ તેના આદર્શના માર્ગેથી ફંટાતો લાગ્યો, ત્યારે તેને પાછો ખેંચી લેવામાં તેમણે જરાય ખચકાટ અનુભવ્યો નહીં. લોકોની ટીકા વહોરીને પણ તેમણે સત્યાગ્રહની પવિત્રતા જાળવી રાખવા પ્રયાસ કર્યો.
આ બધાં કારણસર સત્યાગ્રહોમાં મુકાયેલી માગણીઓ અને તેમાંથી અંગ્રેજ સરકારે કેટલી સ્વીકારી-ન સ્વીકારી તેનો હિસાબ ગૌણ બની ગયો.
સત્યાગ્રહની સફળતાના મૂલ્યાંકન માટે સામાન્ય જનતામાં આવેલી જાગૃતિ અને તેમને ચીંધાયેલો મૂલયનિષ્ઠ, અહિંસક લડતનો રસ્તો મુખ્ય માપદંડ બન્યો.
સત્યાગ્રહે ભારતના ફક્ત રાજકીય જ નહીં, સમગ્રતયા જાહેર જીવનમાં જે અનેકવિધ પ્રવાહો પ્રગટાવીને વહેતા કર્યા, એ યોગ્ય રીતે જ સૌથી મહત્ત્વની બાબત ગણાઈ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો