You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મારું પેન્શન અટકાવી દે તો પણ મને કોઈ ફરક નથી પડતો : જસ્ટિસ ચેલમેશ્વર
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા
સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ ચેલમેશ્વરના કહેવા પ્રમાણે, હાલમાં ભારત સરકાર કે સુપ્રીમ કોર્ટ બરાબર રીતે કામ કરે છે કે નહીં, તેનાથી તેમને કોઈ ફેર નથી પડતો.
બીબીસી સાથેની વાતચીત દરમિયાન (રિટાયર્ડ) જસ્ટિસ ચેલમેશ્વરે કહ્યું હતું કે તેઓ આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં તેમના પૈતૃક ગામમાં શાંતિપૂર્ણ જિંદગી જીવે છે, જ્યાં 'ન તો સંસદ છે કે ન તો સુપ્રીમ કોર્ટ.'
ગત વર્ષે 12મી જાન્યુઆરીના દિવસે ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસમાં અભૂતપૂર્વ ઘટના ઘટી હતી.
જસ્ટિસ (રિટાયર્ડ) ચેલમેશ્વર ઉપરાંત સુપ્રીમ કોર્ટના ત્રણ અન્ય જજોએ વર્તમાન મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, જસ્ટિસ કુરિયન જોસેફ તથા જસ્ટિસ મદન બી. લોકૂરે પત્રકાર પરિષદ સંબોધી હતી.
આ જજોએ તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની કાર્યશૈલી ઉપર ગંભીર સવાલ ઉઠાવ્યા હતા.
ભારતીય ન્યાયપાલિકાના ઇતિહાસમાં સુપ્રીમ કોર્ટના વર્તમાન જજોએ વર્તમાન મુખ્ય ન્યાયાધીશની કાર્યપદ્ધતિ ઉપર સવાલ ઉઠાવ્યા હોય તેવી આ પ્રથમ ઘટના હતી.
ખેતી કરે છે ચેલમેશ્વર
કાર્યકાળ પૂર્ણ થયો ત્યારે પણ ફરી એક વખત જસ્ટિસ ચેલમેશ્વર ચર્ચામાં આવ્યા હતા.
તેમણે રિટાયરમૅન્ટ બાદ સુપ્રીમ કોર્ટ બાર કાઉન્સિલ દ્વારા આપવામાં આવતા વિદાય સમારંભમાં ભાગ લીધો ન હતો અને સીધા જ તેમના પૈતૃક ગામ જતા રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલ જસ્ટિસ ચેલમેશ્વર ત્યાં પૈતૃક જમીન ઉપર ખેતી કરે છે. તેમનું કહેવું છે, "મારા માટે ભોજનની સમસ્યા નથી. ખેતી કરીને એટલું ઉગાડી લઉં છું કે મારું પેન્શન અટાવી દે તો પણ મને કોઈ ફેર ન પડે."
જસ્ટિસ ચેલમેશ્વરના કહેવા પ્રમાણે, વિરોધનો સૂર વ્યક્ત કરવા બદલ તેમની ઉપર 'બળવાખોર' હોવાનો આરોપ લાગ્યો હતો. ઉપરાંત જે મુદ્દે તેમણે અવાજ ઉઠાવ્યો હતો, તે મુદ્દા યથાવત્ જ છે.
જેમ કે, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદે રહેલા એક જજ જાહેરમા એવું કહેતા ફરે છે કે તેઓ સુપ્રીમ કોર્ટમાંથી ઇચ્છિત ચુકાદો મેળવી શકે છે.
આપને આ પણ વાચવું ગમશે
જજોની પસંદગી પ્રક્રિયા
જસ્ટિસ ચેલમેશ્વર ઉમેરે છે, "એ પૂર્વ મુખ્ય ન્યાયાધીશની સીબીઆઈએ ધરપકડ કરી હતી અને તેમની સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હતી."
"બીજા દિવસે જ એ જજને જામીન મળી ગયા હતા. બીજી બાજુ, ભારતમાં હજારો લોકો જેલમાં બંધ છે અને તેમને જામીન પણ મળતા નથી."
"હું સવાલ પૂછું એટલે મને બળવાખોર ઠેરવી દેવામાં આવે છે. એકે તો મને 'દેશદ્રોહી' પણ કહ્યો હતો."
જસ્ટિસ ચેલમેશ્વર ઉમેરે છેકે સીબીઆઈએ હજુ સુધી હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયધીશપદે રહેલી એ વ્યક્તિની સામે આરોપનામું દાખલ નથી કર્યું.
જસ્ટિસ ચેલમેશ્વર જ્યારે સુપ્રીમ કોર્ટમાં હતા, ત્યારે તેમણે જજોની પસંદગી માટેની 'કૉલિજિયમ વ્યવસ્થા' ઉપર સવાલ ઉઠાવ્યા હતા.
તેમણે ફરી એક વખત જજોની નિમણૂક પ્રક્રિયામા પારદર્શકતા લાવવાની માગ કરી હતી.
જસ્ટિસ ચેલમેશ્વરનું કહેવું હતું, "એવું નથી કે મારી કહેલી દરેક વાત ખરી હોય, પરંતુ જે કાંઈ ખોટું છે, તેના પ્રત્યે ધ્યાન દોરવું મારી ફરજ છે. મેં એ જ કર્યું."
"રાષ્ટ્રપતિ, વડા પ્રધાન - આ દરેક પદની જવાબદારી નક્કી છે ત્યારે મુખ્ય ન્યાયાધીશના પદ સાથે કેમ નહીં?"
જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેમણે 'મૌન' ધારણ કરી લીધું છે? તેના જવાબમાં જસ્ટિસ ચેલમેશ્વરે કહ્યું કે તેમને કૉલેજીસ તથા યુનિવર્સિટીઝમાંથી વક્તવ્ય આપવા માટે આમંત્રણ મળે છે.
વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાની તક મળે છે, ત્યારે તેઓ દિલ ખોલીને વાત કરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો