You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દસ વર્ષથી કોમામાં રહેલી મહિલા માતા કેવી રીતે બની ગઈ?
અમેરિકાના એરિઝોના રાજ્યમાં એક ચોંકવનારી ઘટના બની છે. જેમાં છેલ્લાં દસ વર્ષથી કોમામાં રહેલાં મહિલાએ એક બાળકને જન્મ આપ્યો છે.
પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તેઓ એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે બીમાર મહિલાનું યૌન શોષણ તો નથી થયું ને.
પીડિત મહિલા ફીલિક્સ વિસ્તાર નજીક આવેલા હેસીંડા હેલ્થકેરના એક ક્લિનિકમાં સારવાર હેઠળ હતાં.
હેસીંડા હેલ્થકેરે આ અંગે વધુ માહિતી આપી નથી. તેમના તરફથી આ મુદ્દે માત્ર અફસોસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
અમેરિકાની ટીવી ચેનલ સીબીએસના અહેવાલ મુજબ બાળક સ્વસ્થ છે.
સાથે જ કેટલાંક સૂત્રોના જણાવ્યા અનુસાર ક્લિનિકના સ્ટાફને મહિલાના ગર્ભવતી હોવાની જાણકારી નહોતી.
હજુ સુધી મહિલાની ઓળખ જાહેર કરવામાં આવી નથી.
ફીનિક્સ પોલીસના એક પ્રવક્તાના જણાવ્યા અનુસાર આ મામલે તપાસ ચાલે છે. જોકે, તપાસ ક્યારે શરૂ થઈ તે અંગે કંઈ પણ કહેવાથી તેમણે ઇનકાર કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે સીબીએસ ફીનિક્સ સાથે જોડાયેલી ચેનલ કેપીએચઓ ટીવીએ જણાવ્યું કે મહિલાને 29 ડિસેમ્બરના રોજ બાળક જન્મ્યું છે.
પોતાના અહેવાલમાં ચેનલે એક સૂત્રના આધારે માહિતી આપી હતી કે જ્યાં સુધી બાળક જન્મ્યું ત્યાં સુધી ક્લિનિકના સ્ટાફને મહિલા ગર્ભવતી હોવાની જાણકારી નહોતી.
સમાચાર ચેનલના અહેવાલ અનુસાર એ મહિલાને સતત દેખભાળની જરૂર હતી. તેથી તેના રૂમમાં લોકો આવતાં-જતાં રહેતાં.
તમે આ વાંચ્યું કે નહીં?
સૂત્રોના જણાવ્યા અનુસાર આ કિસ્સા બાદ ક્લિનિકે પોતાના કેટલાક નિયમોમાં ફેરફાર પણ કર્યા છે.
નવા નિયમો અનુસાર જો કોઈ પુરુષ મહિલાને મળવા આવે છે તો તેમની સાથે એક સ્ટાફની મહિલા પણ આવશે.
હેસીંડા હેલ્થકેર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે, "અમને આ મુદ્દે તાજેતરમાં જ જાણ થઈ છે અને તેનો અમને ખેદ છે."
"અમારા દર્દીઓના આરોગ્ય અને સુરક્ષાનો ખ્યાલ રાખવો એ અમારા માટે સૌથી અગત્યનું કામ છે."
આ નિવેદનમાં જણાવ્યા અનુસાર કંપનીના પ્રમુખ બિલ થોમસન દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે.
આ નિવેદનમાં કહેવાયું છે કે હેસીંડા હેલ્થકેર આ અંગે ચાલી રહેલી પોલીસ તપાસમાં પુરતો સહકાર આપી રહ્યું છે.
હેલ્થકેરના પ્રવક્તા ડેવિડ લીબોવિટ્ઝે કહ્યું કે તેઓ આ મામલાની તપાસ જલ્દી પૂરી થાય અને સત્ય સામે આવી જાય તેવું ઇચ્છે છે.
જ્યારે એરિઝોનાના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કહેવામાં આવ્યું કે તેમણે આ પ્રકારના દર્દીઓની સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરવા માટે એક ટીમ અન્ય હૉસ્પિટલ્સમાં પણ મોકલી છે.
સીબીએસ ફીનિક્સ સાથે જોડાયેલા કેપીએચઓ ટીવીને એક અજ્ઞાત સૂત્રએ જણાવ્યું હતું કે આ મહિલા કણસતાં હતાં અને સ્ટાફના લોકો સમજી શકતાં નહોતાં કે તેને શું થયું.
"આ મહિલાએ બાળકને જન્મ આપ્યો ત્યાં સુધી કોઈને ખ્યાલ નહોતો કે મહિલા ગર્ભવતી છે."
કંપનીના બોર્ડ કાર્યકારી ઉપાધ્યક્ષ ગૅરી ઓર્મન કહે છે કે આ ઘટનાને એક ભયાવહ ઘટના ગણાવા સિવાય કોઈ બાબતનો સ્વીકાર થઈ શકે તેમ નથી.
તેમણે કહ્યું, "અમે અમારી ક્ષમતા મુજબ દરેક દર્દીની સુરક્ષા સુનિશ્ચિત કરીશું."
ન્યૂ યૉર્ક ટાઇમ્સ અખબારના અહેવાલ મુજબ આ ક્લિનિક પર દુર્વ્યવહારના આરોપ લાગ્યા છે.
જેમાં કહેવાયું છે કે કપડાં વિના કે નહાતા દર્દીઓની અંગત બાબતોનો ખ્યાલ રાખવામાં આવતો નથી.
પોલીસના જણાવ્યા અનુસાર આ મામલો તપાસ હેઠળ હોવાથી તેમાં વિશેષ કોઈ માહિતી આપવી શક્ય નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો