મા બનતાંની સાથે જ અહીં મહિલાઓને હોટલમાં શા માટે મોકલી દેવાય છે

    • લેેખક, એંટોનેટા રૉસી અને મૈટ્ટિયો લોનાર્ડી
    • પદ, બીબીસી કેપિટલ

ડેનમાર્કની રાજધાની કોપનહેગન. અહીંની બેબી હોટલની લોબીમાંથી પસાર થતી વખતે બાળકોની કિલકારીઓ અને રડવાના અવાજો સંભળાય છે.

એ ગલીઓમાં બાળકોની સંભાળ લેતી પરિચારિકાઓ દેખાય, ત્યારે એ સમજવું મુશ્કેલ હોય છે કે આ મૅટરનિટી વોર્ડ છે કે બેબી હોટલ.

હેડ નર્સ ટીના હોમ નિલ્સન આ કોયડાને ઉકેલી આપે છે. તેણી જણાવે છે, "જેમણે પોતાના પહેલાં બાળકને જન્મ આપ્યો છે એ તમામ મહિલાઓ, બે દિવસ માટે અહીંયા રોકાય છે."

"જો મા અથવા બાળકને કોઈ સમસ્યા હોય તો તેમને જરૂર જણાય ત્યાં સુધી તેઓ અહીંયા રોકાઈ શકે છે."

ડેનમાર્કનો આ મૅટરનિટી હોટલ પ્રોગ્રામ સરકારી ભંડોળથી ચાલે છે. આ તમામ બાળકોને તેમની જિંદગીના પહેલા દિવસે બરાબરીનો અધિકાર અને સમાન સાર-સંભાળનો અવસર પૂરો પાડે છે.

બાળકનાં માતાપિતા ભલે કોઈ પણ સામાજિક અથવા આર્થિક વર્ગનાં હોય, તેઓ અમીર હોય કે ગરીબ, તેમને અહીં સરખો અધિકાર મળે છે.

હોટલ જેવી હૉસ્પિટલ

આ પબ્લિક પ્રોગ્રામ કોપનહેગનની હિવ દ્રોવે હૉસ્પિટલમાં ચાલે છે અને આ ડેનમાર્કની ઉદાર ચાઇલ્ડકૅર નીતિઓનો હિસ્સો છે.

ડેનમાર્ક સરકારનો આ પ્રોગ્રામ તમામ માતાઓને પોતાના નવજાત શિશુના સારા સ્વાસ્થ્ય અને તેને જિંદગી માટે તૈયાર કરવા પહેલા બે દિવસ સૌથી બહેતર કાળજી મેળવી શકે તેનો અધિકાર આપે છે.

પહેલીવાર મા બનેલી મહિલાઓ હૉસ્પિટલના મૅટરનિટી વૉર્ડ અથવા હોટલમાં વિના મૂલ્યે રહી શકે છે.

અહીંની નર્સો તેમની દેખરેખ રાખે છે અને કોઈ પ્રશ્ન હોય તો તેનો જવાબ આપે છે.

તમે આ વાંચ્યું કે નહી

હેડ નર્સ ટીના કહે છે, 'ડેનમાર્કમાં આ રીતની સેવા માટે કોઈ પૈસા લેવામાં આવતા નથી.

યુરોપના મોટાભાગના દેશોની જેમ ડેનમાર્કમાં પણ વસતી વયસ્ક થઈ રહી છે. સરકાર મહિલાઓને મા બનવા માટે પ્રોત્સાહન આપે છે.

આ માટે પહેલાં બાળક માટે ફ્રી-વિટ્રો ફર્ટીલાઇઝેશન જેવા કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે.'

હિવદ્રોવે હૉસ્પિટલમાં પોતાના પહેલા બાળકને જન્મ આપનારી માતા સારા વાંગ ઇપ્સેન કહે છે, "આ મારું પહેલું બાળક નાનકડો દીકરો છે."

હું એકલી શું કરત?

સારા કહે છે, "હું પોતાને ભાગ્યશાળી માનું છું કે મને અહીં હૉસ્પિટલમાં કેટલાક દિવસ રહેવાની તક મળી છે."

"હું એકલી છું એટલે તેના જન્મના ચાર કલાક પછી જ તેને લઈને ઘેર જવામાં થોડી તકલીફ થઈ જાત. મારાથી એકલા તેની દેખરેખ થઈ શકે નહીં."

સારા કહે છે, "બની શકે કે હું તેને સાંભળી પણ લેત પરંતુ મને લાગે છે કે અહીં રહેવું તેના માટે એકદમ યોગ્ય શરૂઆત છે."

કોપનહેગનની આ હૉસ્પિટલ-કમ-હોટલમાં ખાવા-પીવાની તમામ વસ્તુઓ ઉપલબ્ધ છે.

ઇપ્સેન કહે છે, "અહીં મેન્યૂમાં તમામ પ્રકારની વાનગી છે અને 60થી 90 ટકા વસ્તુઓ ઓર્ગેનિક છે. હું ફોન કરીને ભોજનનો ઑર્ડર આપી શકું છું."

હિવદ્રોવે હૉસ્પિટલમાં આવનારા નવા માતા પિતાને બંનેની મળીને 52 સપ્તાહની રજાઓ મળી શકે છે.

આ રજાઓ દરમિયાન માતાઓને 18 સપ્તાહના સંપૂર્ણ વેતનની ખાતરી આપવામાં આવે છે.

કૈસાંદ્રા ગ્રેના લુટ્ઝૉફે પણ પોતાના પહેલા બાળકને અહીંયા જન્મ આપ્યો છે.

મેટર્નિટી હોમના બેડ ઉપર સુઈને તેઓ પોતાના નવજાત બાળકને દૂધ પીવડાવી રહ્યાં છે.

કૈસાંદ્રા કહે છે, "અહીં ડેનમાર્કમાં અમે બહુ જ ખુશનસીબ છીએ કે અમારે મોટા પરિવાર નથી અથવા પરિવાર કોઈક કારણસર મદદ કરી શકે એમ નથી તો અમારી પાસે સરકાર છે જે અમારી સહાયતા કરી શકે છે. આ ખૂબ જ ફાયદાકારક છે."

કૈસાંદ્રાનું બાળક તેની માનાં પેટ ઉપર જ સુઈ ગયું છે. તેના ચહેરા ઉપર નિશ્ચિંતતાનો ભાવ છે.

તેઓ કહે છે, "ટૅક્સ પેયર્સના રૂપમાં અમે ખુશીથી અમારો ટૅક્સ ભરીએ છીએ. અમે ખુશનસીબ છીએ કે અમે અહીં જોઈ શકીએ છીએ કે અમારો પૈસો ક્યાં જાય છે."

કૈસાંદ્રાના પતિ પહેલા દિવસથી તેણીની સાથે છે. બેબી હોટલમાં તેમના માટે પણ વ્યવસ્થા છે. અહીંની દીવાલો ઉપર બાળકોની હસતી-રમતી તસવીરો લગાવવામાં આવી છે.

જેથી માતા પિતાના ચહેરા ઉપર આનંદ છવાયેલો રહે.

સમાન સુવિધા

હિવદ્રોવે હૉસ્પિટલની નર્સ ડિઝાઇરી વિંથર હૈનસેન કહે છે, "આ આખા પરિવાર માટે બહુ જ સારું છે. તેઓ અહીં આ રીતે હૉસ્પિટલમાં રહીને વધુ સુરક્ષિત અનુભવે છે."

તેઓ કહે છે, હું સ્તનપાન કરાવવાના ફાયદાઓ વિશે પણ વિચારું છું. જ્યારે મા બાળકને પોતાનું દૂધ પીવડાવે છે ત્યારે ઇન્ફેકશન થવાનો ભય રહે છે. અહીંયા અમે તેને પણ અટકાવી શકીએ છીએ."

સારા વાંગ ઇપ્સેન કહે છે, "બની શકે છે કે બીજા દેશોમાં ઘણાં માતા પિતાની પાસે આટલા પૈસા ના હોય કે બાળકને જન્મ સમયે બહેતર બર્થ-કેર મેળવી શકે. બની શકે છે કે તેમનાં બાળકોને જીવનની શરૂઆતમાં આવો સમાન અવસર ન મળતો હોય."

"બાળકના જન્મના પહેલા દિવસની અસમાનતા સમાજનું વિભાજન કરે છે, જયારે અહીંયા આ સૌને માટે સુવિધા છે."

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો