You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'જ્યારે મારી અંદર જીવ જ નહોતો અને હું પાંચ મિનિટ માટે મરી ગઈ હતી'
"મારા હોઠ સૂકા પડી ગયા હતા, મેં શ્વાસ લેવાનું બંધ કરી દીધું હતું, મારા હૃદયના ધબકારા બંધ થઈ ગયા હતા."
લૉરા ડાલેસિયો કહે છે, "તે સમયે લાગ્યું કે મારી અંદર જીવ જ બચ્યો નથી. હું પાંચ મિનિટ માટે મરી ગઈ હતી. ડૉક્ટર મને જીવતી કરવાના પૂરતા પ્રયાસ કરી રહ્યા હતા."
27 વર્ષીય લૉરા ત્રણ વર્ષ પહેલાં જ્યારે નોકરી પરથી ઘરે પરત ફર્યાં ત્યારે અચાનક બેભાન થઈને જમીન પર પડી ગયાં હતાં.
વ્યવસાયે નર્સ એવાં લૉરાને કાર્ડિએક અરેસ્ટ થયો હતો. તેમણે આ અંગે બીબીસી સાથે વાત કરી.
તમે આ વાંચ્યું કે નહીં?
બ્રિટનમાં 80 હજાર કરતાં વધારે યુવાન એવાં છે કે જેઓ જાણે છે કે તેઓ હૃદય સાથે જોડાયેલી બીમારીઓ સાથે જીવી રહ્યાં છે.
બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશને આ અંગે ચેતવણી જાહેર કરી છે. ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર આ પ્રકારના લોકો માટે હૃદયની બીમારી ખતરનાક સાબિત થઈ શકે છે.
બીજા યુવાનોને જેમ લૉરા પણ એ વાતની અજાણ હતાં કે તેઓ હૃદય સંબંધિત ગંભીર બીમારી સાથે જીવી રહ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કાર્ડિએક અરેસ્ટ થવા પર લૉરાનાં એક મિત્રએ તેમને હૉસ્પિટલ પહોંચાડ્યાં હતાં. ઇમર્જન્સી સેવાઓના કારણે તેમનો જીવ બચ્યો હતો.
હૉસ્પિટલમાં તેઓ ત્રણ દિવસ સુધી કોમામાં રહ્યાં હતાં. તેઓ જણાવે છે, "જ્યારે મને ભાન આવ્યું ત્યારે મને કંઈ સમજાઈ રહ્યું નહોતું. હું રડવા લાગી."
તપાસ બાદ ખબર પડી કે લૉરા લૉન્ગ ક્યૂટી સિન્ડ્રોમથી પીડિત છે. આ એક આનુવંશિક બીમારી છે, જે હૃદયના ધબકારાને પ્રભાવિત કરે છે.
લૉરા કહે છે, "તે સમયે મારી ઉંમર માત્ર 24 વર્ષની હતી. મને લાગ્યું, આ ઉંમરમાં મને આ બીમારી કેવી રીતે થઈ શકે છે!"
"મેં વૃદ્ધોને હૃદયની બીમારીના કારણે મૃત્યુ પામતા જોયા હતા, પરંતુ યુવાનોની સાથે તો આવું થતું નથી."
જીવલેણ બીમારીથી બચાવ
બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના નવા સંશોધન પ્રમાણે 15થી 25 વર્ષની ઉંમર ધરાવતા આશરે 83 હજાર લોકો પર આનુવંશિક કારણોસર હૃદયની બીમારીનું જોખમ તોળાઈ રહ્યું છે.
ઘણી વખત નાની ઉંમરે જ તે લોકોનું મૃત્યુ થઈ શકે છે.
એ લોકોમાં કોઈ પ્રકારના લક્ષણ પણ જોવા મળતા નથી, પરંતુ કેટલાક લોકોને કાર્ડિએક અરેસ્ટના સમયે સમસ્યા અંગે જાણકારી મળે છે.
ઘણાં ઓછા લોકોને પોતાની બીમારી અંગે જાણકારી મળી જાય છે, મોટા ભાગના લોકોને તો બીમારી અંગે ખબર જ પડતી નથી.
સેન્ટ જ્યૉર્જની યુનિવર્સિટી ઑફ લંડનમાં હૃદયના ડૉક્ટર પ્રોફેસર ઍલિઝાહ બેહર કહે છે કે ઘણા ઓછા લોકોને આનુવંશિક કારણોસર હૃદયની બીમારી હોય છે.
પરંતુ જો આ બીમારીથી પીડિત લોકોની કુલ સંખ્યા જોવામાં આવે તો તે ખૂબ વધારે છે.
ડૉક્ટર બેહર કહે છે, "આ પ્રકારની હૃદયની બીમારીના કારણે બ્રિટનમાં દર વર્ષે આશરે 1500 યુવાનો મૃત્યુને ભેટે છે. એવા પીડિતોની ઓળખ કરીને તેમનો જીવ બચાવવો મોટો પડકાર છે."
પ્રોફેસર બેહર હવે આનુવંશિક કારણોસર આવતા હૃદયરોગના હુમલા પર સંશોધન કરી રહ્યા છે. તેમને આશા છે કે આ જાણકારી અચાનક થનારા મૃત્યુને રોકવામાં મદદરૂપ સાબિત થશે.
કેટલાક ડૉક્ટરનું માનવું છે કે બીમારી અંગે જાણકારી મેળવવા માટે યુવાનોએ અનિવાર્ય રૂપે સ્ક્રીનિંગ કરાવવું જોઈએ.
આ તરફ બીજા કેટલાક ડૉક્ટર જણાવે છે કે આ ક્ષેત્રે વધારે સંશોધનની જરૂર છે.
વર્ષ 2016માં બૅરી અને ગિલ વિલ્કિંસનના દીકરા ડૅન વિલ્કિંસન ફૂટબૉલ રમતી વખતે અચાનક જમીન પર પડી ગયા હતા અને તેમનું મૃત્યુ થયું.
તે સમયે ડૈનની ઉંમર માત્ર 24 વર્ષની હતી અને તેમની જીવનશૈલી ખૂબ જ સક્રીય હતી. તેઓ હુલ સિટીની યુવા ટીમ માટે રમતા હતા.
ડૈનના પિતાએ જણાવ્યું, "તેને હૃદયની ગંભીર બીમારી હતી, પરંતુ અમને અને તેને આ અંગે ખબર જ ના પડી."
"24 કલાક પહેલાં જ અમે તેમની સાથે વીડિયો ચૅટ પર વાત કરી હતી અને તે સામાન્ય જણાઈ રહ્યો હતો."
ત્યારબાદ ખબર પડી કે ડૅનને એક પ્રકારની હૃદયની બીમારી છે, જેનાથી વ્યક્તિના હૃદયની આસપાસનો ભાગ નબળો પડી જાય છે. તેને કાર્ડિએક અરેસ્ટ આવે છે.
ડૅન રમતા રમતા અચાનક જમીન પર પડી ગયા હતા.
બૅરી યાદ કરે છે, "તેમની ટીમના બીજા કેટલાક યુવાનોએ જ મને ફોન કર્યો હતો. તેમણે જણાવ્યું કે ડૈન બેભાન થઈ ગયો છે, તેઓ અમને ત્યાં પહોંચવા માટે કહી રહ્યા હતા."
"જ્યાં સુધી તેઓ ડૅનને લઇને હૉસ્પિટલ પહોંચ્યા, ત્યાં સુધી તેનું મૃત્યુ થઈ ગયું હતું."
"તે અમારા માટે એક મોટો ઝટકો હતો." આટલું કહેતા જ ડૅનનાં માતા-પિતાની આંખો ભીની થઈ જાય છે.
બૅરી અને ગિલએ ચૅરિટીથી પૈસા ભેગા કરી ફૂટબૉલ રમતા યુવાનો માટે ડિફિબ્રિલેટર ખરીદ્યા છે.
આ ઉપકરણને કાર્ડિએક અરેસ્ટ સમયે વાપરી શકાય છે.
આ ઉપકરણની મદદથી તેઓ 14 વર્ષીય એક કિશોરનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા.
'નસીબદાર છું કે હું બચી ગઈ'
લૉરા કહે છે કે તેઓ પોતાનો અનુભવ શેર કરીને લોકો વચ્ચે જાગરુકતા ફેલાવવા માગે છે.
તેઓ કહે છે, "હું યુવાનોને જણાવવા માગું છું કે આવું તેમની સાથે ગમે ત્યારે થઈ શકે છે. હૃદયની બીમારી ગમે તેને થઈ શકે છે."
લૉરાની છાતી પર એક ડિફિબ્રિલેટર અને પૅસમૅકર લગાવવામાં આવ્યા છે, જેથી જરૂરિયાતના સમયે તેઓ તેમનો ઉપયોગ કરી શકે.
લૉરા કહે છે, "હવે હું મારા મિત્રો સાથે ખૂબ ફરું છું, કેમ કે મને ખબર નથી કે ફરી ક્યારે મારી તબીયત બગડી જાય અને આ વખતે હું બચી ન શકું."
"હવે હું દિલ ખોલીને જીવન જીવું છું. હું નસીબદાર છું કે બચી ગઈ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો