You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એક નાનકડી ગોળીએ બદલ્યું સ્ત્રીઓનું જીવન
- લેેખક, ટીમ હાર્ફડ
- પદ, બીબીસી સંવાદદાતા
ગર્ભનિરોધક ગોળી વિશે ચર્ચા કરવામાં આજે પણ આપણો રૂઢિચુસ્ત સમાજ સંકોચ અનુભવે છે, પરંતુ આ નાનકડી ગોળીએ દુનિયાની બધી જ સ્ત્રીઓનાં જીવનમાં ધરખમ પરિવર્તન લાવ્યું છે.
આ ગોળી સામાજિક ઉપરાંત આર્થિક ક્રાંતિ લાવવા માટે નિમિત બની છે.
23મી જૂન 1960ના દિવસે અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશને (USFDA) ગળી શકાય તેવી ગર્ભ નિરોધક ગોળી 'ઍન્વૉઇડ'ને માન્યતા આપી હતી.
ગોળીની શોધ કોણે કરી ?
અમેરિકાની કુટુંબ નિયોજન કાર્યકર્તા માર્ગારેટ સેન્જરે આજથી 65 વર્ષ પહેલાં આ પ્રકારની ગોળી બનાવવાની હિમાયત કરી હતી.
મહિલાઓ માત્ર બાળક પેદા કરવાનું સાધન ના બની જાય, લિંગ ભેદથી મુક્ત બની શકે અને સામાજિક બંધનોમાંથી બહાર નીકળી શકે, એટલા માટે તેમણે આ ગોળી બનાવવાની માંગ કરી હતી.
માર્ગારેટ દ્વારા સૂચવાયેલી આ ગોળીએ માત્ર સામાજિક જ નહીં, પરંતુ આર્થિક ક્રાંતિ પણ પેદા કરી છે. કદાચ 20મી સદીનાં અંતમાં આ સૌથી નોંધપાત્ર આર્થિક પરિવર્તન સાબિત થશે.
આપને આ પણ વાંચવું ગમશે
આધુનિક વિકલ્પ કૉન્ડોમ પણ ગોળી સામે અસફળ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સદીઓથી પ્રેમી યુગલો એ ગર્ભાવસ્થા અટકાવવા માટે અસંખ્ય પ્રયાસો કર્યા છે. આ બધાંમાં આધુનિક વિકલ્પ છે - કૉન્ડોમ.
જો કે કૉન્ડોમ પણ જોઇએ એટલું સફળ નથી થયું, કારણ કે લોકો તેનો ઉપયોગ બરાબર રીતે કરી શકતા નથી.
વપરાશનાં સમયે તે ક્યારેક ફાટી જાય છે, જેથી કૉન્ડોમ વાપરતી દર 100 મહિલાઓમાંથી 18 ગર્ભવતી બને છે.
પરંતુ ગોળીનો નિષ્ફળતા દર કૉન્ડોમની સરખમાણીમાં માત્ર છ ટકા છે, એ જોતા ગોળી કૉન્ડોમ કરતાં ત્રણ ગણી વધારે સુરક્ષિત છે.
ગોળીએ કરી આર્થિક ક્રાંતિ
1960 માં અમેરિકામાં આ ગોળીને સૌપ્રથમ વાર મંજૂરી મળી હતી.
પાંચ વર્ષમાં, કુટુંબ નિયોજન માટે લગભગ 50 ટકા વિવાહિત મહિલાઓએ તેનો ઉપયોગ કર્યો હતો.
જ્યારે કુંવારી છોકરીઓને ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ કરવાની મંજૂરી મળી, ત્યારે આ ક્રાંતિએ અસલ રંગ પકડ્યો.
ત્યારબાદ ગોળીની માંગ એટલી બધી વધી કે વર્ષ 1970 ની આસપાસ, અમેરિકાને કુંવારી મહિલાઓ માટે ગોળીનો ઉપયોગ સરળ બનાવવો પડ્યો.
ત્યાંની કોલેજોમાં કુટુંબ નિયોજન કેન્દ્રો ખોલવામાં આવ્યા. 18 થી 19 વર્ષની મહિલાઓમાં આ ગોળી સૌથી વધુ લોકપ્રિય બની ગઈ.
ગોળીનું વેચાણ રાતોરાત વધી ગયું અને આર્થિક ક્રાંતિની શરૂઆત થઈ.
ગોળીએ ખોલ્યા નવા રસ્તા
ગોળી આવ્યા બાદ અમેરિકામાં મહિલાઓએ લૉ, મેડિકલ, ડેન્ટલ અને એમબીએ જેવા ખાસ પ્રકારનાં પુરૂષવાદી ડિગ્રી કોર્સમાં પ્રવેશ લેવાનું શરૂ કર્યું.
એ દાયકામાં અમેરિકામાં તબીબી ડિગ્રીમાં 90 ટકા પુરૂષો હતા. લૉ અને એમબીએમાં 95 ટકા અને દંતચિકિત્સામાં 99 ટકા પુરુષો હતા.
પરંતુ ગોળીની મદદથી સ્ત્રીઓએ આ તમામ કોર્સમાં આગળ વધીને પ્રવેશ લીધો. એની અસર એ હતી કે 1980 સુધીમાં યુનિવર્સિટીમાં આ પ્રકારનાં કોર્સમાં સ્ત્રીઓની સંખ્યા ત્રણ ગણી વધી ગઈ.
વ્યાવસાયિક પ્રગતિ
આ ગોળીનાં કારણે મહિલાઓને વ્યસાયમાં આગળ વધવાની તક મળી.
ગોળીના આગમન પહેલાં, ડૉક્ટર અથવા વકીલ બનવું તેમના માટે મુશ્કેલ હતું, કારણ કે આ માટે પાંચ વર્ષનો સમય લાગતો.
લગ્ન પછી બાળક અને સાથે પાંચ વર્ષ સુધી અભ્યાસ કરવો મહિલાઓ માટે શક્ય નહોતો, પરંતુ ગોળીનાં કારણે મહિલાઓ પોતાની ગર્ભાવસ્થા પર અંકૂશ લગાવી શકી અને કારકિર્દીમાં આગળ વધી શકી.
આજે આ નાનકડી ટીકડી માત્ર અમેરિકા જ નહીં વિશ્વની બધી જ મહિલાઓ માટે આશીર્વાદ સમાન છે.
એટલું જ નહીં જે રીતે દુનિયાનાં બજારમાં આ ગોળીની માંગ વધી રહી છે એ જોતાં લાગે છે કે અર્થતંત્ર પર પણ તેની પ્રચંડ પકડ બની રહેશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો