જેના કારણે પાપા જોનના સ્થાપકે આપ્યું રાજીનામું, એ N-વર્ડ શું છે?

    • લેેખક, ડેવ લી
    • પદ, નોર્થ અમેરિકન ટેક્નોલોજી સંવાદદાતા

દુનિયાભરમાં જાણીતી પિત્ઝા ચેન પાપા જોનના સ્થાપક જ્હોન સ્કૅન્ટરે કંપનીના બોર્ડના ચેરમેનપદેથી રાજીનામું આપી દીધું છે. એક કોન્ફરન્સ કોલમાં 'N-વર્ડ'નો ઉપયોગ કરવા બદલ તેમણે રાજીનામું આપવું પડ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, મે મહિનામાં એક ટ્રૅનિંગ સેશન દરમિયાન જ્હોને રંગભેદી ટિપ્પણી કરી હતી અને બાદમાં માફી પણ માગી હતી.

કંપનીના નિવેદન પ્રમાણે, તમામ પ્રકારની 'રંગભેદી તથા અસંવેદનશીલ ભાષા'ને કંપની નકારે છે.

જ્હોનનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં નવા ચેરમેનની જાહેરાત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છેકે પાપા જોન્સ એ વિશ્વની ત્રીજા ક્રમાંકની સૌથી મોટી પિત્ઝા ચેન છે, જેના 4900થી વધુ આઉટલેટ્સ છે.

ગત વર્ષે વિવાદાસ્પદ ટિપ્પણી બાદ જ્હોને કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરપદેથી રાજીનામું આપવું પડ્યું હતું.

શું છે N-વર્ડ?

ઑક્સફર્ડ ડિક્ષનરી મુજબ કે નિગર. આ શબ્દ અશ્વેત કે શ્યામવર્ણી ત્વચા ધરાવતા લોકો માટે અપમાનજનક ગણાય છે.

અત્યંત નકારાત્મક અર્થછાયા ધરાવતો આ અપમાનકારક શબ્દ કમસેકમ અઢારમી સદીથી અશ્વેત લોકો માટે વાપરવામાં આવે છે.

આજે આ શબ્દ વાંશિક સંદર્ભમાં સૌથી વધુ તિરસ્કારભર્યા શબ્દો પૈકીનો એક છે. ક્યારેક અશ્વેત લોકો અન્ય અશ્વેતો માટે તટસ્થ સંદર્ભમાં પણ આ શબ્દનો ઉપયોગ કરતા હોય છે.

નેટફ્લિકસમાં પણ ઘટી હતી ઘટના

આ પહેલાં ગત મહિને નેટફ્લિક્સના કૉમ્યુનિકેશન વિભાગના વડા જોનાથન ફ્રાઇડલૅન્ડને અશ્વેતો માટેનો અપમાનજનક શબ્દ વાપરવા બદલ પાણીચું આપવામાં આવ્યું છે.

કંપનીના ચીફ એક્ઝિક્યૂટિવ રીડ હેસ્ટિંગ્ઝે આ સંબંધે તત્કાળ પગલાં ન લેવા બદલ એક ઇન્ટરનલ મેમોમાં અન્ય કર્મચારીઓની માફી માગી હતી.

તેમણે જણાવ્યું હતું કે કૉમ્યુનિકેશન્શ વિભાગના વડાએ કરેલી કૉમેન્ટ્સ "સમજદારીનો અભાવ" દર્શાવે છે.

જોનાથન ફ્રાઇડલૅન્ડે એક ટ્વીટમાં જણાવ્યું હતું, "હું જે કંપનીને ચાહું છું તેના કર્મચારીઓને આ ભૂલને કારણે થયેલી પીડાનું મને બહુ દુઃખ છે."

જોનાથન ફ્રાઇડલૅન્ડ વીડિયો સ્ટ્રીમિંગ કંપની નેટફ્લિક્સમાં 2011થી કાર્યરત હતા.

તેમણે જણાવ્યું હતું, "આપણે જે દાખલો બેસાડ્યો છે તેમાં આગેવાનનું વર્તન તિરસ્કારયુક્ત ન હોવું જોઈએ અને એ માપદંડને અનુસરવામાં હું કમનસીબે ઊણો ઊતર્યો છું.

"મેં મારી ટીમ સાથે વાત કરતી વખતે જે શબ્દનો ઉપયોગ કર્યો હતો એ અપમાનજનક હતો."

રીડ હેસ્ટિંગ્ઝે પાઠવેલો મેમો સૌપ્રથમ ધ હોલીવૂડ રિપોર્ટરે પ્રકાશિત કર્યો હતો અને બીબીસીએ એ મેમો ખરો હોવાની ચકાસણી કરી છે.

રીડ હેસ્ટિંગ્ઝે પાઠવેલા કર્મચારીઓને પાઠવેલા મેમોમાં જણાવવામાં આવ્યું હતું, "તેઓ (જોનાથન ફ્રાઇડલૅન્ડ) ઓફિસમાં કમસેકમ બે વખત N-વર્ડ બોલ્યા હતા. એ દર્શાવે છે કે તેઓ વાંશિક બાબતો પ્રત્યે અત્યંત ઓછા જાગૃત અને સંવેદનશીલ છે."

'ગંભીર ભૂલ'

જોનાથન ફ્રાઇડલૅન્ડે જે બે પ્રસંગે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો તેની વિગત રીડ હેસ્ટિંગ્ઝે આપી હતી.

સેન્સિટિવ શબ્દો બાબતે ચર્ચા કરવા જનસંપર્ક ટીમ સાથે યોજાયેલી બેઠકમાં પહેલીવાર તેમણે એ શબ્દ વાપર્યો હતો.

રીડ હેસ્ટિંગ્ઝે મેમોમાં લખ્યું હતું, "N-વર્ડનો ઉપયોગ કેટલો અયોગ્ય અને પીડાજનક છે એ વાત ઘણા લોકોએ બેઠક બાદ જોનાથનને જણાવી હતી.

"જોનાથને એ બેઠકમાં હાજર રહેલા લોકોની માફી માગી હતી.

"અમને આશા હતી કે આવી ગંભીર ભૂલ ફરી નહીં થાય."

જોકે, થોડા દિવસ પછી તેમણે કંપનીના અશ્વેત કર્મચારીઓની બેઠકમાં એ શબ્દનો ઉપયોગ ફરીવાર કર્યો હતો.

બીજી ઘટનાની જાણ પોતાને તાજેતરમાં જ થઈ હોવાનું રીડ હેસ્ટિંગ્ઝે જણાવ્યું હતું.

યોગદાનની પ્રશંસા

આજે 180 અબજ ડોલરના મૂલ્યની ગણાતી કંપનીના વિકાસમાં જોનાથન ફ્રાઇડલૅન્ડે આપેલા યોગદાનની રીડ હેસ્ટિંગ્ઝે પ્રશંસા પણ કરી હતી.

રીડ હેસ્ટિંગ્ઝે લખ્યું હતું, "જોનાથને મોટું યોગદાન આપ્યું છે. તેમણે નેટફ્લિક્સ વિશે જાગૃતિ ફેલાવતી ટીમો દુનિયાભરમાં બનાવી હતી.

"વિશ્વમાં અમારી પ્રતિષ્ઠા મજબૂત બનાવી હતી અને કંપની આજે જે સ્થાને છે ત્યાં પહોંચાડવામાં મદદ કરી હતી.

"અમારા પૈકીના ઘણાએ જોનાથન સાથે લાંબા સમય સુધી કામ કર્યું છે અને તેમના પ્રત્યે મિશ્ર લાગણી અનુભવીએ છીએ. કમનસીબે તેમણે મોટી ભૂલ કરી છે."

બાદમાં ડિલિટ કરી નાખવામાં આવેલી એક ટ્વીટમાં જોનાથન ફ્રાઇડલૅન્ડે જણાવ્યું હતું, "જેટલી ઝડપથી ઊંચાઈ હાંસલ કરો, એટલી ઝડપથી પતન થાય છે, એ પણ કેટલાક શબ્દોને લીધે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો