નેટફ્લિક્સ : ભાડે ડીવીડીથી ઓનલાઇન સ્ટ્રીમિંગ સુધીની સફર

નેટફ્લિક્સના 2017ના વર્ષમાં 117 મિલિયન એટલે કે લગભગ 11.7 કરોડ લોકો તેના સબસ્ક્રાઇબર્સ નોંધાયા હતા.

1998માં અમેરિકામાં ઓનલાઇન ડીવીડી ભાડે આપતી કંપની આજે આ મુકામ સુધી પહોંચી છે. એ સમયે ડીવીડી પસંદ કરી અમેરિકાના લોકો તેની ઘરબેઠા ડિલિવરી મેળવતા હતા.

તે સમયે નેટફ્લિક્સની સ્પર્ધા 'બ્લૉકબસ્ટર' નામની કંપની સાથે હતી. જે ફિલ્મ, ગેમ્સ અને ટીવી બોક્સ સેટ ભાડે આપતી હતી.

નેટફ્લિક્સ જેવી ઓનલાઇન વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસીસને કારણે 'બ્લૉકબસ્ટર' એ લગભગ તમામ સ્ટોર 2013માં બંધ કરી દેવા પડ્યા હતા.

1997માં નેટફ્લિક્સ કંપનીની સ્થાપના રીડ હેસ્ટિંગ્સ અને માર્ક રૅન્ડોલ્ફે કરી હતી. જેના પછીના વર્ષે તેમણે તેમની 'netflix.com' વેબસાઇટ લૉન્ચ કરી હતી.

2002માં તેના સાત લાખ સબસ્ક્રાઇબર્સ હતા. જે વધીને 2005માં 36 લાખ સુધી પહોંચ્યા હતા. આ તો ડીવીડીની વાત થઈ.

બે વર્ષ બાદ 2007માં અમેરિકામાં નેટફ્લિક્સે 'સ્ટ્રીમિંગ' ફિચર લૉન્ચ કર્યું. આ રીતે ભાડે ડીવીડી લેવાની 'પરંપરાગત પ્રથા'ના અંતના મંડાણ થયા.

મનાય છે કે આ કંપનીના સંસ્થાપકોને સ્ટ્રીમિંગનો વિચાર તો બહુ પહેલેથી આવ્યો હતો, પરંતુ ધીમી ઇન્ટરનેટ સ્પીડને લીધે એ અગાઉ શક્ય નહોતું બન્યું.

2007 પછી ત્રણ વર્ષ સુધી કંપનીની સ્ટ્રીમિંગ સુવિધા અલગઅલગ ગેમ્સ કોન્સોલ્સ, હેન્ડહેલ્ડ ડિવાઇસ અને ટીવી પર મળતી રહી.

એટલે આ સમય સુધી માત્ર અમેરિકનો જ આ સ્ટ્રીમિંગની મજા માણી રહ્યા હતા.

વૈશ્વિક સ્તર પર નેટફ્લિક્સ

2010માં નેટફ્લિક્સની સેવા કેનેડામાં ઉપલબ્ધ બની. જે બાદ લેટિન અમેરિકામાં પણ સ્ટ્રીમિંગની સુવિધા શરૂ થઈ. 2012માં યુકેમાં સેવા ઉપલબ્ધ બની હતી.

2014 પછી ભારતમાં નેટફ્લિક્સની સુવિધા ઉપલબ્ધ બની હતી. 2016થી વૈશ્વિક સ્તરે તેની સુવિધા મળી રહી છે. નેટફ્લિક્સ હાલમાં 190 દેશોમાં તેની સર્વિસ પૂરી પાડે છે.

2010ના વર્ષથી નેટફ્લિક્સે પોતાનું કન્ટેન્ટ બનાવવાનું શરૂ કર્યું. સૌથી પહેલું નેટફ્લિક્સનું ઑરિજિનલ કન્ટેન્ટ 'હાઉસ ઑફ કાર્ડ્સ' હતું. જે 2013માં લૉન્ચ થયું.

'સ્ટ્રેન્જર થિંગ્સ', 'ગ્લૉ', 'ઓરેન્જ ઇઝ ધ ન્યૂ બ્લૅક' અને 'ધ ક્રાઉન' જેવા બીજા પણ કેટલાક સફળ પ્રોગ્રામ્સ નેટફ્લિક્સે બનાવ્યાં છે.

નેટફ્લિક્સનો 'રેડ ઇન્વેલપ ઍન્ટર્ટેઇનમેન્ટ'ના નામથી એક પ્રોડક્શન વિભાગ પણ હતો પણ તે 2008માં બંધ થઈ ગયો.

આ વર્ષે ફેબ્રુઆરીમાં જ નેટફ્લિક્સે ભારતમાં ત્રણ નવી ઑરિજિનલ સીરિઝ બનાવવાની જાહેરાત કરી હતી.

નેટફ્લિક્સના હરીફો

નેટફ્લિક્સની સ્પર્ધામાં બીજા પણ ઘણા વીડિયો સ્ટ્રીમિંગ વિકલ્પો છે.

જેમાંનું એક છે 'એમેઝોન પ્રાઇમ'. એમેઝોને તેની પ્રાઇમ મેમ્બરશિપમાં આ વીડિયો સ્ટ્રીમિંગનું ફિચર લૉન્ચ કર્યું હતું.

'એમેઝોન પ્રાઇમ' પણ પોતાનું ઑરિજનલ કન્ટેન્ટ તૈયાર કરે છે, જેને પણ એટલી જ સફળતા મળી રહી છે.

એમેઝોનના જણાવ્યા પ્રમાણે, તેમના પણ 'લાખો' સબસ્ક્રાઇબર્સ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો