Top news : હવે તમારા ACનું રિમોટ કંટ્રોલ સરકાર પાસે રહેશે?

‘ધ ઇકોનોમિક ટાઇમ્સ’ના અહેવાલ પ્રમાણે ઊર્જા મંત્રાલયે ઊર્જા કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે ડિફોલ્ટ એર કંડિશનર (એસી) સેટિંગ્સ નિશ્ચિત કરવા માટે કંપનીઓને સલાહ આપી છે.

આવનારા દશકોમાં વૈશ્વિક સ્તરે વીજ પુરવઠાની માગ વધવાની છે. આ સંદર્ભે ઊર્જા મંત્રાલયે એર કંડિશનર બનાવતી કંપનીઓને આ પગલું લેવા કહ્યું છે.

ઊર્જા મંત્રાલયનાં નિવેદન પ્રમાણે એસીનું ઉત્પાદન કરતી કંપનીઓને એસીનું તાપમાન 24 ડિગ્રી નિર્ધારિત કરવા માટે કહેવામાં આવ્યુ છે. એટલે કે એસીનું તાપમાન 24 ડિગ્રીથી ઓછું નહીં કરી શકાય.

જોકે હાલમાં આ અંગે ફક્ત સલાહ આપી છે. પણ મંત્રાલય ફરજિયાત એસી સેટીંગ્સ ડિફૉલ્ટ કરવાની જાહેરાત પણ કરી શકે છે.

આર. કે. સિંઘે જણાવ્યુ હતુ કે, એક ડિગ્રી તાપમાન વધારવાથી 6 ટકા વીજળી વધારે વપરાય છે.

સ્વતંત્ર ન્યાયતંત્ર ન હોય તો લોકશાહીને જોખમ : નિવૃત્ત જસ્ટિસ જે. ચેલમેશ્વર

‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ની વેબસાઇટના અહેવાલ પ્રમાણે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે સાત વર્ષ સુધી જવાબદારી સંભાળ્યા બાદ જે. ચેલમેશ્વર શુક્રવારે નિવૃત્ત થયા હતા.

12 જાન્યુઆરીએ તેમણે સુપ્રીમ કોર્ટના અન્ય ત્રણ જસ્ટિસ સાથે મળીને પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સામે આક્ષેપ કર્યા હતા. જેના કારણે તેઓ ચર્ચામાં રહ્યા હતા.

હવે તેઓ નિવૃત્ત થઈ ગયા છે ત્યારે પત્રકાર સાથેની વાતચીતમા જણાવ્યું હતું કે, એ પત્રકાર પરિષદમાં ખોટું કંઈ જ નહોતું.

તમે આ વાંચ્યું કે નહીં?

તેઓ કહે છે, "દેશના લોકો પ્રત્યે મારી જવાબદારી હતી, જે મેં નિભાવી છે. સ્વતંત્ર ન્યાયતંત્ર વગર લોકશાહી ટકી જ ન શકે.”

“અમે જ્યારે પત્રકાર પરિષદનું આયોજન કર્યુ, ત્યારે અમને એવું લાગ્યું કે ન્યાયતંત્રની સ્વતંત્રતા જોખમમાં છે."

ગુનાની તપાસ માટે 'આધાર'નો ઉપયોગ ન કરી શકાય : બાયૉમેટ્રિક આઈડી ઑથૉરિટી

‘એનડીટીવી’ની વેબસાઇટના અહેવાલ પ્રમાણે બાયૉમેટ્રિક આઈડી ઑથૉરિટીએ જણાવ્યું છે કે, ગુનાની તપાસ માટે 'આધાર' ડેટાનો ઉપયોગ ન કરી શકાય.

ઉલ્લેખનીય છે કે ગુનેગારોને શોધવા કે પકડવામાં મદદ મળે એ માટે પોલીસને ચોક્કસ મર્યાદામાં આધાર ડેટા આપવાની માગ નેશનલ ક્રાઇમ રેકર્ડ્સ બ્યૂરો (એનસીઆરબી)ના ડિરેક્ટર ઇશ કુમારે ગુરુવારે કરી હતી.

જોકે તેમની આ માગ બાદ શુક્રવારે બાયૉમેટ્રિક આઈડી ઑથૉરિટીએ સ્પષ્ટતા કરી હતી કે, 2016ના આધાર કાયદાની કલમ 29 પ્રમાણે ગુનાની તપાસ માટે 'આધાર'નો ઉપયોગ કરવાની પરવાનગી નથી.

એનસીઆરબીના ડિરેક્ટરનું કહેવું છે કે, 80 થી 85 ટકા ગુનાઓમાં ગુનેગાર પહેલી વખત જ ગુનો કરતો હોય છે. જેના કારણે ગુનેગારોની ઓળખ કરવામાં 'આધાર' ડેટા મદદરૂપ થઈ શકે છે.

ઉત્તર અને દક્ષિણ કોરિયા ઓગસ્ટમાં વિખૂટા પડેલા પરિવારોની મુલાકાત કરાવવા સહમત

‘ધ હિન્દુ’ની વેબસાઇટના અહેવાલ પ્રમાણે 1950-53 દરમિયાન કોરિયા યુદ્ધમાં વિખૂટા પડેલા પરિવારજનોનું રીયુનિયન યોજવા અંગે ઉત્તર તથા દક્ષિણ કોરિયાના પ્રતિનિધિ મંડળે સંમતિ દર્શાવી છે.

આ રીયુનિયન 20 થી 26 ઓગસ્ટ દરમિયાન યોજવા અંગે બન્ને દેશો તૈયાર થયા છે.

કુમગાંગ ખાતે આયોજિત આ રીયુનિયનમાં બન્ને દેશોના 100-100 લોકો સરહદપાર રહેતા પોતાના પરિવારજનોને મળી શકશે.

પહેલું રીયુનિયન 1985ના વર્ષમાં યોજાયું હતું અને 20 વર્ષ બાદ 2015માં ફરીથી રીયુનિયન યોજાયું હતું.

વર્ષ 2000થી આશરે કોરિયાના 23 હજાર લોકો સરહદપાર રહેતા પરિવારજનો સાથે વીડિયો લિંક મારફતે વાત કરી શક્યા છે, જે આ બન્ને દેશો દ્વારા આ દિશામાં કરાઈ રહેલાં પ્રયાસોનો ભાગ છે.

વડોદરાની શાળામાં 16 વર્ષના કિશોરે 14 વર્ષના કિશોરની હત્યા કરી

‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત અહેવાલ પ્રમાણે શુક્રવારે વડોદરાની ભારતી વિદ્યાલયમાં એક 16 વર્ષીય વિદ્યાર્થીએ ધો.9માં ભણતા 14 વર્ષ વિદ્યાર્થી દેવ તડવીની હત્યા કરી હતી.

અહેવાલમાં એવું પણ લખ્યું છે કે, હત્યા કરનાર બાળક પૂર્વ તૈયારી સાથે આવ્યો હતો. તેની બેગમાંથી ત્રણ મોટી છરી, બે મૂઠ, મરચાંવાળા પાણીની બોટલ મળી આવ્યાં હતાં.

સ્કૂલ છૂટ્યાં બાદ ઝઘડો થતાં શાળાના બાથરૂમમાં જ દેવની હત્યા કરાઈ હતી. હત્યા કરવા માટે વિદ્યાર્થીને 31 ઘા ઝીંકવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનાના બાદ રાજ્યના મુખ્યમંત્રીની ઓફિસે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી પાસે ઘટનાની વિગતો મંગાવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો