ગ્રાઉન્ડ રિપોર્ટ: દલિત યુવકને ઢોરમાર મારી વીજળીનો કરંટ અપાયો

    • લેેખક, જસબીર શેત્રા
    • પદ, બીબીસી પંજાબી, મુક્તસર

પંજાબના થાંદેવાલ ગામનો એક કાચો અને જર્જરિત થઈ ચૂકેલો રસ્તો ઈંટોના એક રૂમ ધરાવતા કાચા મકાન સુધી જાય છે. આ મકાનમાં જગસીર સિંહ રહે છે જેઓ હાલમાં ચર્ચામાં છે.

ઘરમાં તો અત્યારે તાળું મારેલું છે પરંતુ આંગણામાં નજર કરીએ તો એક ચૂલો દેખાય છે જેની પરથી લાગે છે કે પરિવાર અહીં ખુલ્લામાં જમવાનું બનાવતો હશે. તેની બાજુમાં કામચલાઉ બાથરૂમ પણ જોવા મળી રહ્યું છે.

એક નાના ગામમાં દરેક લોકોને એકબીજાના ઘરના સરનામાની જાણ હોય છે. પરંત અહીં એવું જોવા મળતું નહોતું.

એક દુકાનદારે જગસીરના ઘરનું સરનામું ચીંધ્યું પરંતુ તેના અંગે પૂછતા તેમણે જાણે સાંભળ્યું જ ના હોય તેવું વર્તન કર્યું. ગામના લોકોનો આ વ્યવહાર થોડો અજીબ હતો.

યુવકને માર મારી કરંટ અપાયો

થોડા દિવસો પહેલાં જગસીરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો જેમાં અમુક લોકો તેને ઢોરમાર મારી રહ્યા હતા અને બાદમાં વીજળીનો કરંટ આપ્યો હતો.

વીડિયોમાં દેખાતો સગીર દલિત હતો. વીડિયો વાઇરલ થયા બાદ મીડિયા અને તંત્રનું ધ્યાન આ ઘટના તરફ ગયું હતું.

ત્યાં એક કિશોર ઊભો હતો જેણે મને નિર્દોષતા સાથે તમામ વાસ્તવિકતા જણાવી અને જગસીરનું ઘર બતાવ્યું. બાદમાં તે મને જગસીરના કાકાના ઘરે લઈ ગયો.

દરવાજા પર ગરબડિયા અને અસ્પષ્ટ અક્ષરે 'સતપાલ' અને દસ આંકડાનો નંબર લખેલો હતો. મારી સાથે આવેલા માસૂમ બાળકે કહ્યું કે આ જગસીરનો પિતરાઈ ભાઈ છે.

મેં સતપાલને બોલાવ્યા. તેમના ચહેરા પર ભયની રેખાઓ ચોખ્ખી નજરે પડતી હતી.

શું તમે આ વાંચ્યું?

બીબીસીના પત્રકાર હોવાનું જાણીને તેઓ થોડા સ્વસ્થ થયા અને મને જગસીર પાસે લઈ ગયા.

17 વર્ષના જગસીરના ચહેરા પર તેની સાથે બનેલી ભયાનક ઘટના દેખાઈ આવતી હતી.

શું હતી ઘટના?

ગામની ઊંચી જાતિના લોકોએ થોડા દિવસ પહેલાં જગસીરને કોક અને ચોખા ચોરવાના આરોપસર ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો હતો.

ત્યારબાદ તેને વીજળીનો કરંટ આપ્યો અને પોલીસ હવાલે કરી દેવાયો હતો. ત્યારબાદ ઘટનાનો વીડિયો આરોપીઓમાંથી એક વ્યક્તિએ વાઇરલ કર્યો.

ઘટનાની જાણ થતા દલિત સમુદાયના લોકોએ મુક્તસર પોલીસ સ્ટેશન બહાર વિરોધ કર્યો જ્યાં કોઈ ફરિયાદ વિના જ જગસીરની અટકાયત કરવામાં આવી હતી.

લોકના વિરોધના પગલે જગસીરને પોલીસ સ્ટેશનના પાછલે બારણેથી મુક્ત કરી દેવામાં આવ્યો હતો.

વાઇરલ વીડિયોને પગલે સોશિયલ મીડિયામાં ઘટના અંગે જોરદાર આક્રોશ ભડકી ઉઠ્યો અને રાજ્ય અનુસૂચિત જાતિ-જનજાતિ આયોગે આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી.

સતપાલે જગસીરના પરિવારની સ્થિતિ અંગે જણાવતા કહ્યું, "જગસીરનો પરિવાર ખૂબ ગરીબ છે. તેના પિતા કડિયાકામ કરે છે. તેના માતા ઘણા વર્ષોથી ઘર છોડીને જતાં રહ્યાં છે.”

“જગસીર અને તેનો નાનો ભાઈ પિતા સાથે રહે છે બકરાં ચરાવવાનું કામ કરે છે."

જગસીરની પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે તે કંઈ બોલી શકવા સમર્થ નહોતો. એટલા માટે તેના બદલે તેના પિતરાઈએ કહ્યું, "તેનું એક ઘેટું રસ્તો ભૂલી જતા જગસીર તેને શોધવા માટે ગયો હતો. ફરતા-ફરતા તે ઉચ્ચ જાતિના વ્યક્તિની મિલકતમાં ઘૂસી ગયો હતો જ્યાં તેની પર ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો."

"માણસ સાથે આવું વર્તન કેવી રીતે કરી શકાય?"

જગસીર અંગે વાત કરતી વખતે સતપાલ ધ્રૂજી રહ્યા હતા. તેમણે પૂછ્યું, "જો તેણે ચોખા અને કોક ચોરી પણ હોય તો શું આવું વર્તન કરવું વાજબી છે? તમે એક માણસ સાથે આવો વ્યવહાર કેવી રીતે કરી શકો?"

જગસીર પીડામાં કણસી રહ્યો હતો. તેના એક સંબંધી કુલદીપે ફરિયાદ કરતા કહ્યું, "અમારા નિર્દોષ બાળક સાથે આવી હિંસા કરવામાં આવી પરંતુ ઉચ્ચ જાતિના લોકો માત્ર મૂક-બધિર બનીને જોતા રહ્યાં. તેમનામાંથી કોઈ પણ અમારી પાસે સહાનુભૂતિ બતાવવા પણ ના આવ્યું."

કુલદિપ તેમના ગામના સરપંચ જેઓ વિરોધ પક્ષના કાર્યકર્તા પણ છે તેમનાથી નારાજ છે.

તેમની માગણી છે કે જાતિવાચક શબ્દોથી બોલાવતા સરપંચ વિરુદ્ધ પણ એસસી/એસટી ઍક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે.

રાજ્ય અનુસૂચિત જાતિ-જનજાતિ આયોગના ચેરમેન ડૉ. રાજ કુમાર ચાબેવાલ અને વાઇસ ચેરમેન રવિન્દર રોઝીએ થાંદેવાલની મુલાકાત લીધી હતી અને ઘટનાની તપાસ કરી હતી.

ડૉ. ચાબેવાલે જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી અમરીન્દર સિંહે ઘટનાની નોંધ લીધી છે અને આરોપીઓ વિરુદ્ધ એસસી/એસટી ઍક્ટ હેઠળ કાર્યવાહી કરવાનું દબાણ કર્યુ છે. સાથે જવાબદાર પોલીસ અધિકારીઓ વિરુદ્ધ પણ પગલાં ભરવાનું જણાવ્યું છે.

"21મી સદીમાં પણ જાતિ હિંસાઓ થઈ રહી છે"

રવિન્દર રોઝીએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મુક્તસરના એસએસપી સુશીલ કુમારે તપાસના આદેશ આપી દીધા છે. હાલમાં તમામ આરોપીઓ ફરાર છે.

રવિન્દર રોઝીએ ઉમેર્યું, "21મી સદીમાં પણ જાતિના ભેદભાવને કારણે હિંસા થઈ રહી છે. એટલે સુધી કે નવી પેઢી પણ આ જૂની ઢબને અનુસરી રહી છે."

ગામાના ભૂતપૂર્વ સરપંચ સિમરજીત સિંહે ગામની સામાજિક વ્યવસ્થા અંગે જણાવતા કહ્યું, "ગામની વસતી 5 હજારની છે જેમાં 3 હજાર દલિતો છે. આ સમુદાય ખૂબ જ ગરીબ અને ઉચ્ચ વર્ણના લોકો પર નિર્ભર છે.”

"આ સમુદાયની રોજગારી અને બીજી જરૂરિયાતો ઉચ્ચ વર્ણના લોકોના દ્વારા પૂરી પાડવામાં આવે છે એટલા માટે તેઓ હિંસાનો ભોગ બને છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો