ગુજરાત: 'દલિત થઈને અમારી સામે ખુરશી પર બેસે છે? કહી મને માર માર્યો'

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદથી માત્ર ૪૦ કિલોમીટર દૂર આવેલા ધોળકા તાલુકાના વાલથેરા ગામ ખાતે એક દલિત પરિવાર હુમલો થયો હતો.

દલિતોનું કહેવું છે કે સવર્ણો ખુરશી પર બેસવાના કારણે તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.

થોડા મહિનાઓ અગાઉ પીડિત જાદવ પરિવારના એક સંબંધીએ નામ સાથે 'સિંહ' લખાવતા વિવાદ થયો હતો, પરંતુ પોલીસની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો હતો.

આ મામલે દરબાર જ્ઞાતિના ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

તપાસનીશ પોલીસ અધિકારીનું કહેવું છે કે નામ સાથે 'સિંહ' લખવાની બાબત અને આ કેસને કોઈ સંબંધ નથી.

છઠ્ઠી જૂને ધોલેરા તાલુકાના વાલથેરા પંચાયત દ્વારા સ્થાનિક શાળામાં આધાર કાર્ડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આંગણવાડીનાં બહેનોને આધાર કાર્ડ બનાવવાની કામગીરી સોંપવામાં આવી હતી.

કામગીરી દરમિયાન દલિત સમુદાયના પલ્લવીબહેન જાદવે કથિત રીતે સવર્ણ સમુદાયના બાળકની આંગળીની પ્રિન્ટ યોગ્ય રીતે આવે તે માટે સ્કેનર પર હાથ મૂકાવ્યો હતો, જેણે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું.

બીબીસી સાથે વાત કરતા પલ્લવીબહેને કહ્યું,"અસ્પૃશ્યતામાં માનતા કેટલાક લોકોએ આ વાતનો વિરોધ કર્યો અને જોતજોતામાં મોટું ટોળું એકઠું થઈ ગયું."

"એવામાં જયરાજસિંહ વેગડ અને તેમના સાથીઓ સ્કૂલે પહોંચી ગયા. તેમણે મને જાતિસૂચક ગાળો ભાંડવા માંડી."

"હું કાંઈ વિચારું તે પહેલા ખુરશીને લાત મારીને મને નીચે પાડી અને લાકડીથી મારવા લાગ્યા."

સ્કૂલમાં માથાકૂટ થઈ હોવાની વાત જોતજોતામાં આખા ગામમાં વાયુવેગે ફેલાઈ ગઈ હતી.

આ અંગે જાણ થતાં પલ્લવીબહેનના પતિ ગણપતભાઈ (ઉંમર વર્ષ 48) અને પુત્ર જિગર (ઉંમર વર્ષ 25) પણ સ્કૂલે પહોંચ્યા હતા.

ગણપતભાઈના કહેવા પ્રમાણે, "હું અને મારો દીકરો સ્કૂલે પહોંચ્યા હતા. ત્યાં જઈને અમે જોયું તો મોટું ટોળું એકઠું થઈ ગયું હતું."

"એ લોકો બિભત્સ ગાળો બોલીને મારી પત્નીને માર મારી રહ્યા હતા. હું તેને છોડાવવા ગયો તો મને અને મારા પુત્રને માર મારવાનું શરૂ કરી દીધું."

હાલમાં ખાનગી હોસ્પિટલમાં જાદવ પરિવારનાં ત્રણેય સભ્યોની સારવાર ચાલી રહી છે.

નામ સાથે 'સિંહ'નો વિવાદ?

પરિવારનું કહેવું છે કે થોડા સમય પહેલાં દરબારો સાથે થયેલી એક માથાકૂટની અદાવત રાખીને હુમલો કરવામાં આવ્યો છે.

પલ્લવીબહેનના દીકરા જિગરે બીબીસી સાથે વાતચીતમાં કહ્યું, "થોડા સમય અગાઉ મારા એક સગાએ પોતાના નામ સાથે 'સિંહ' લખાવ્યું હતું."

"જેનાં કારણે દરબારો નારાજ થયા હતા, પરંતુ પોલીસે દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો."

"પરંતુ અમને કલ્પના ન હતી કે અમારા સગાએ નામ સાથે 'સિંહ' લખાવ્યું તો તેની સજા અમને મળશે."

આ વિશે કોઠ ગામના પોલીસ સ્ટેશનમાં દરબાર જ્ઞાતિના જયરાજસિંહ વેગડ, કાણુ ચાવડા, રણુસિંહ ચાવડા, સંજય તથા ભરત વેગડ સહિત દસ લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

ફરિયાદ મુજબ આરોપીઓએ 'લાકડી, પાઇપ અને ધારિયાથી હુમલો કર્યો હતો.'

જોકે, આ ઘટનામાં આરોપી રણુસિંહ ચાવડાના પિતરાઈ ભાઈ બાબુસિંહ ચાવડાના કહે છે, "પલ્લવીબહેને રાજપૂત જ્ઞાતિના એક વિધવા બહેના ચારિત્ર્ય વિશે અપશબ્દો બોલ્યા હતા."

"જેથી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, ગામ નાનું હોવાથી જોત જોતામાં લોકો એકઠાં થઈ ગયાં અને મામલો બિચક્યો હતો."

તેમના કહેવા પ્રમાણે આ મામલે પલ્લવીબહેન અને તેમના પરિવાર સામે તેઓ ફરિયાદ નોંધાવવાની તૈયારી કરી રહ્યા છે.

સાત આરોપીઓ ફરાર

અમદાવાદ રૂરલના એ.એસ.પી (એડિશનલ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ) મલ્હારસિંહ જાડેજાએ બીબીસી સાથે વાતચીતમાં કહ્યું, "એટ્રોસિટી એક્ટ અને કલમ 307 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

"મે મહિનાના અંત ભાગમાં વાલથેરા ગામમાં દલિતો દ્વારા નામ સાથે 'સિંહ' લખવા બાબતે ઘર્ષણ થયું હતું, પરંતુ તાજેતરની ઘટનાને એ ઘટના સાથે કોઈ સંબંધ નથી. ટૂંક સમયમાં આરોપીઓને પકડી લેવામાં આવશે."

હાલ આ કેસમાં સાત આરોપીઓ ફરાર છે.

સવર્ણની સરખામણીએ દલિત મહિલા

તાજેતરમાં નૅશનલ ફેમિલી હૅલ્થ સરવે દ્વારા એક ડેટા રજૂ કરવામાં આવ્યો હતો. તારણ મુજબ દેશમાં કામ કરતી મહિલાઓની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.

સરવેનાં તારણ પ્રમાણે, કામકાજ કરતી સવર્ણ મહિલાઓની સરખામણીએ દલિત મહિલાઓનું મૃત્યુ વહેલું થાય છે.

ઉચ્ચ જ્ઞાતિની મહિલાઓ સરેરાશ 54.1 વર્ષ જીવે છે, જ્યારે દલિત મહિલાઓ સરેરાશ 39.5 વર્ષની ઉંમરે મૃત્યુ પામે છે.

આમ સવર્ણની સરખામણીએ કામકાજ કરતી દલિત મહિલાઓ 14.6 વર્ષ ઓછું જીવે છે.

આ મહિલાઓ મોટાભાગે કુપોષણ, એનિમિયા તથા સ્વાસ્થય સંબંધિત સુવિધાઓના અભાવ જેવી સમસ્યાઓથી પીડાતી હોવાનું બહાર આવ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો