You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દૃષ્ટિકોણઃ જાણો ભારતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં 10 પ્રદાન
- લેેખક, જ્ઞાનેન્દ્ર નાથ બરતરિયા
- પદ, બીબીસી ગુજરાતી માટે
1925માં દશેરાના દિવસે ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી હતી.
કોમવાદી હિંદુવાદી, ફાસીવાદી અને એવા બીજા શબ્દોથી જેને ઓળખાવાય છે એવા સંગઠને ટીકાઓનો સામનો કરતા કરતા આઠ દાયકા કાઢી નાખ્યા છે.
દુનિયામાં ભાગ્યે જ કોઈ સંગઠનની આટલી બધી ટીકા થઈ હશે અને તે પણ કોઈ કારણ વિના.
સંઘની સામે લાગેલા દરેક આરોપો છેલ્લે કપોળ કલ્પિત અને ખોટા સાબિત થયા છે.
એ બાબતમાં કોઈ શંકા નથી કે સંઘને લોકો આજે પણ નહેરુવાદી દૃષ્ટિએ જ જુએ છે.
જોકે ખુદ નહેરુ માટે, 1962માં દેશ પર ચીનનું આક્રમણ થયું ત્યારે પોતાના જીવતેજીવત અભિગમ બદલવાનો પ્રસંગ આવ્યો હતો.
તે વખતે પંચશીલ અને લોકતંત્ર જેવા આદર્શોની વાતો કરનારા જવાહરલાલ પોતાને કે પછી દેશની સરહદોને સંભાળી શકે તેમ નહોતા. તે સંજોગોમાં પણ સંઘ પોતાનું કામ કરતો રહ્યો હતો.
સંઘના કેટલાક ઉલ્લેખનીય કાર્યો
1) કાશ્મીર સરહદે ચોકી, નિરાશ્રિતોને આશ્રય
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંઘના સ્વયંસેવકોએ ઓક્ટોબર 1947થી જ કોઈ તાલીમ ના હોવા છતાં સરહદ પર પાકિસ્તાની સેના પર નજર રાખવાનું કામ કર્યું હતું.
તે કામ નહેરુ-માઉન્ટબેટનની સરકાર કે હરિસિંહની સરકાર પણ નહોતી કરી રહી.
તે વખતે પાકિસ્તાની સેનાએ કશ્મીરની સરહદમાં ઘૂસવાની કોશિશ કરી હતી.
તે વખતે સૈનિકોની સાથે કેટલાય સ્વયંસેવકોએ પણ પોતાની માતૃભૂમિની રક્ષા ખાતર લડાઈ લડીને પોતાના પ્રાણ આપ્યા હતા.
વિભાજન પછી રમખાણો થયા ત્યારે નહેરુ સરકાર અસ્તવ્યસ્ત હતી. પાકિસ્તાનથી જીવ બચાવીને આવેલા શરણાર્થીઓ માટે સંઘે 3000થી વધુ રાહત શિબિરો ખોલી હતી.
2) 1962નું ચીન સાથેનું યુદ્ધ
સેનાની મદદ માટે દેશભરમાંથી સંઘના સ્વયંસેવકો ઉત્સાહ સાથે સરહદે પહોંચી ગયા હતા. સમગ્ર દેશે તે જોયું હતું અને તેની પ્રસંશા કરી હતી.
સ્વયંસેવકોએ સરકારી કાર્યોમાં અને ખાસ કરીને જવાનોને મદદ કરવામાં પોતાની શક્તિ કામે લગાવી દીધી હતી.
સૈનિકોના આવવા-જવાના માર્ગો પર ચોકી, સરકારી તંત્રની મદદ, સામગ્રી પહોંચાડવામાં મદદ કરી હતી અને શહીદોના પરિવારોની પણ ચિંતા કરી હતી.
તેના કારણે જવાહરલાલ નહેરુને 1963માં 26 જાન્યુઆરીની પ્રજાસત્તાક પરેડમાં સામેલ થવા માટે સંઘને આમંત્રણ આપવું પડ્યું હતું.
પરેડ માટે મહિનાઓ સુધી તૈયારી કરવી પડતી હોય છે. જોકે માત્ર બે દિવસ પહેલાં જ આમંત્રણ મળ્યું તેમ છતાં 3500 સ્વયંસેવકો ગણવેશ સાથે ઉપસ્થિત થઈ ગયા હતા.
સંઘને નિમંત્રણ આપવા બદલ ટીકા થઈ ત્યારે નહેરુએ કહેલું કે, "1963માં પ્રજાસત્તાક દિને પરેડમાં સંઘને તાત્કાલિક આમંત્રણ એટલા માટે આપવામાં આવ્યું હતું કે જેથી એ દર્શાવી શકાય કે માત્ર લાકડીના સહારે પણ બોમ્બ અને ચીની સેનાના સશસ્ત્ર દળોની સામે લડી શકાય છે."
3) કશ્મીરનું જોડાણ
કશ્મીરનું ભારત સાથે જોડાણ કરવા અંગેનો નિર્ણય મહારાજા હરિસિંહ કરી શકતા નહોતા. બીજી બાજુ કબિલાના વેશમાં પાકિસ્તાની સૈનિકો સરહદમાં ઘૂસી ગયા હતા.
આપણે શું કરીશું - એવી વિમાસણમાં નહેરુની સરકાર હાથ જોડીને બેઠી રહી હતી ત્યારે સરદાર પટેલે ગુરુ ગોળવલકરની મદદ માગી હતી.
ગુરુજી શ્રીનગર પહોંચ્યા અને મહારાજાને મળ્યા હતા. ત્યારબાદ મહારાજાએ કશ્મીરનું ભારત સાથે જોડાણ કરવાના દસ્તાવેજ પર સહી કરીને દિલ્હી મોકલી આપ્યો.
શું બાદમાં મહારાજા હરિસિંહ સામે નહેરુએ નફરત દેખાડી હતી તેનું કારણ આ હતું?
4) 1965ના યુદ્ધ વખતે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ
પાકિસ્તાન સામે યુદ્ધ થયું ત્યારે લાલબહાદુર શાસ્ત્રીએ પણ સંઘને યાદ કર્યો હતો.
શાસ્ત્રીજીએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળવા માટે તથા દિલ્હીમાં ટ્રાફિક સંભાળવાનું કામ પોતાના હાથમાં લઈ લેવા માટે સંઘને વિનંતી કરી હતી.
આ કામમાંથી પોલીસ મુક્ત થાય તો તેમને સેનાની મદદમાં મોકલી શકાય તેવો વિચાર હતો.
ઘાયલ જવાનો માટે સૌપ્રથમ રક્તદાન કરનારામાં પણ સંઘના સ્વયંસેવકો જ હતા. યુદ્ધ વખતે કાશ્મીરમાં એરપોર્ટમાં રનવે પરથી બરફ હટાવવાનું કામ પણ સ્વયંસેવકોએ કર્યું હતું.
5) ગોવાની મુક્તિ
દાદરા, નગર હવેલી અને ગોવાને ભારતમાં ભેળવી દેવામાં આવે તેમાં પણ સંઘની નિર્ણાયક ભૂમિકા હતી. 21 જુલાઈ 1954માં દાદરાને પોર્ટુગીઝો પાસેથી મુક્ત કરાવી લેવાયું હતું.
28 જુલાઈએ નરોલી અને ફિપારિયા મુક્ત કરાવી લેવાયા અને બાદમાં રાજધાની સિલવાસાને પણ મુક્ત કરી લેવાઈ હતી.
સંઘના સ્વયંસેવકોએ 2 ઓગસ્ટ, 1954ના રોજ સવારે પોર્ટુગીઝ ધ્વજ હટાવીને ભારતના તિરંગો લહેરાવ્યો હતો. સંપૂર્ણ દાદરા નગર હવેલીને મુક્ત કરાવીને ભારત સરકારને સોંપી દેવાયા હતા.
સંઘના સ્વયંસેવકોએ 1955માં ગોવાના મુક્તિ સંગ્રામમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ગોવાને મુક્ત કરાવવા લશ્કરી પગલું લેવાનો નહેરુ ઇન્કાર કરી રહ્યા હતા, પણ જગન્નાથ રાવ જોષીની આગેવાનીમાં સંઘના કાર્યકરો ગોવા પહોંચી ગયા.
ત્યાં જઈને તેમણે આંદોલન શરૂ કરી દીધું હતું. જોશી તથા કાર્યકરોને પકડીને તેમને દસ વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી હતી.
સ્થિતિ આખરે બગડી તે પછી ભારતે સેનાને મોકલી અને તે રીતે 1961માં ગોવા આઝાદ થયું હતું.
6) કટોકટીનો વિરોધ
1975થી 1977 દરમિયાન કટોકટીનો વિરોધ કરવામાં અને જનતા પાર્ટીની સ્થાપના કરવામાં સંઘે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ તાજો ઇતિહાસ ઘણા બધા લોકો જાણે છે.
કટોકટીના વિરોધને કારણે હજારો સ્વયંસેવકોની ધરપકડ થઈ હતી. તે પછી સ્વયંસેવકોએ ભૂગર્ભમાં ઊતરીને આંદોલન ચલાવ્યું હતું.
કટોકટીના વિરોધમાં પોસ્ટરો તૈયાર કરીને લગાવવા, લોકોને માહિતી પહોંચાડવી અને જેલમાં રહેલા જુદા જુદા રાજકીય નેતાઓ અને કાર્યકરો વચ્ચે સંદેશા પહોંચાડવાનું કામ સંઘના કાર્યકરોએ સંભાળી લીધું હતું.
મોટા ભાગના નેતાઓ જેલમાં હતા ત્યારે બધા જ રાજકીય પક્ષોએ ભેગા કરીને જનતા પક્ષ બનાવવાના પ્રયાસો સંઘની મદદથી જ થઈ શક્યા હતા.
7) ભારતીય મઝદૂર સંઘ
1955માં ભારતીય મઝદૂર સંઘની સ્થાપના થઈ હતી. દુનિયાનું તે પહેલું એવું ટ્રેડ યુનિયન હતું, જે વિનાશના બદલે સર્જનના વિચાર પર ચાલતું હતું.
કારખાનામાં વિશ્વકર્મા જયંતિની ઉજવણી ભારતીય મઝદૂર સંઘે જ શરૂ કરાવી હતી.
આજે પણ તે વિશ્વનું સૌથી મોટું, શાંતિપૂર્ણ અને રચનાત્મક કામદાર સંગઠન છે.
8) જમીનદારી પ્રથાની નાબુદી
રાજસ્થાનમાં મોટા પ્રમાણમાં જમીનદારો હતા. તે વખતે ખુદ સીપીએમે એમ કહેવું પડ્યું હતું કે ભૈરોંસિહ શેખાવત રાજસ્થાનની પ્રગતિશિલ શક્તિઓનું નેતૃત્ત્વ કરનારા છે.
સંઘના સ્વયંસેવક રહેલા શેખાવત બાદ જતા ભારતના ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા.
9) શિક્ષણના ક્ષેત્રમાં સંઘનું પ્રદાન
ભારતીય વિદ્યાર્થી પરિષદ, શિક્ષા ભારતી, એકલ વિદ્યાલય, સ્વદેશી જાગરણ મંચ, વિદ્યા ભારતી, વનવાસી કલ્યાણ આશ્રમ, મુસ્લિમ રાષ્ટ્રીય મંચ જેવી સંસ્થાઓની સ્થાપના કરાઈ છે.
વિદ્યા ભારતી આજે 20 હજારથી વધારે શાળાઓ ચલાવે છે. આ ઉપરાંત બે ડઝન જેટલી બીએડ કોલેજો, દોઢ ડઝન કોલેજો અને 10થી વધુ વ્યવસાયલક્ષી શિક્ષણ આપતી સંસ્થાઓ તેના નેજા હેઠળ ચાલે છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા માન્ય કરાયેલા સરસ્વતી શિશુ મંદિરોમાં લગભગ 30 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમાં એક લાખથી પણ વધુ શિક્ષકો કામ કરે છે.
માત્ર સંખ્યાની રીતે નહીં, પરંતુ આ સંસ્થાઓ ભારતીય સંસ્કારો આપવાનું પણ કામ કરે છે તે અગત્યનું છે.
માત્ર સેવા ભારતીમાં એક લાખથી વધુ લોકો અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં જઈને કામ કરી રહ્યા છે.
લગભગ 35 હજાર એકલ વિદ્યાલયો છે, જેમાં 10 લાખથી વધારે વિદ્યાર્થીઓનું ભાવી ઘડાઈ રહ્યું છે.
સેવા ભારતીએ જમ્મુ અને કશ્મીરમાં આતંકવાદને કારણે અનાથ થયેલાં 57 બાળકોને આશ્રય આપ્યો છે. તેમાંથી 38 મુસ્લિમ અને 19 હિંદુ બાળકો છે.
10) સેવાનાં કાર્યો
1971માં ઓડિશામાં ભયાનક વાવાઝોડું આવ્યું હતું, ત્યાંથી શરૂ કરીને ભોપાલ ગેસ દુર્ઘટના વખતે અને 1984માં દિલ્હીમાં શીખ વિરોધી રખમાણો વખતે અને ગુજરાતમાં ભૂકંપ બાદ સંઘ સેવા કાર્યો કરતો રહ્યો છે.
સુનામી આવી ત્યારે અને ઉત્તરાખંડમાં ભયંકર પૂર પછી થયેલી તબાહી વખતે કે પછી કારગીલમાં ઘાયલ થયેલા સૈનિકોની સારવાર કરવાની આવી ત્યારે સંઘે હંમેશા રાહત કાર્યોમાં આગેવાની લીધી હતી.
માત્ર ભારતમાં નહીં, નેપાળ, શ્રીલંકા અને સુમાત્રામાં પણ મદદ પહોંચાડી હતી.
(અહીં વ્યક્ત થયેલા વિચારો લેખકના પોતાના છે. આ લેખ બીબીસી હિન્દી પર ઓક્ટોબર 2015માં પ્રગત થયો હતો.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો