સિંગાપોર: આ કારણે ગોરખા જવાનોને સોંપવામાં આવી ટ્રમ્પ અને કિમની સુરક્ષા

અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન વચ્ચે ભારે અટકળો બાદ આખરે સિંગાપોરમાં ઐતિહાસિક બેઠક મળશે.

દુનિયાના કોઈ પણ નેતાઓની બેઠક મળતી હોય ત્યારે સુરક્ષાનો પ્રશ્ન પ્રાથમિક બાબત છે.

બંને નેતાઓની સુરક્ષાને ધ્યાને રાખતા સિંગાપોર પોલીસમાં સૌથી નિડર ગણાતી અને ચપળતા માટે પ્રખ્યાત ગોરખા ટુકડીને આ જવાબદારી સોંપવામાં આવી છે.

ન્યૂઝ એજન્સી રૉયટર્સના અહેવાલ મુજબ, આ પહેલાં પણ ગોરખા ટુકડીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરીકાના ડિફેન્સ સેક્રેટરી જિમ મેટ્ટીસ વચ્ચે સાંગરી-લા હોટલમાં મળેલી બેઠક દરમિયાન પણ સુરક્ષાની જવાબદારી સંભાળી હતી.

ટ્રમ્પ અને કિમ સાથે પોતાના સુરક્ષા સૈનિકો તો હશે જ પરંતુ સિંગાપોર પોલીસની ગોરખા ટુકડી તેની આગવી ઓળખ સમી ખુખરી અને રાઇફલથી તૈનાત હશે.

ઉલ્લેખનીય છે કે સિંગાપોર પોલીસ નેપાળના ગોરખા સૈનિકોની ભરતી કરે છે.

ગોરખા સૈનિકોને 18થી 19 વર્ષની ઉંમરે નેપાળના પહાડી વિસ્તારોમાંથી ભરતી કરવામાં આવે છે અને 45 વર્ષની વયે તેઓ નિવૃત્ત થાય છે.

ગોરખા સ્થાનિક મહિલા સાથે લગ્ન પણ નથી કરી શકતા. જોકે, નિવૃત્તિ બાદ અમેરિકા, કેનેડા તથા અનેક યુરોપિયન રાષ્ટ્રોમાં વસવાનું પસંદ કરે છે.

ગોરખા ટુકડીની ખાસિયત અંગે વાત કરવામાં આવે તો તેમનો દરેક સૈનિક બૉડી આર્મર, બેલ્જિયન મૅડ રાઇફલ અને પિસ્તોલથી સજ્જ હોય છે.

અત્યારના ઍડવાન્સ્ડ હથિયારો કરતાં ગુરખા સૈનિકો ખુખરી જે તેમનું સાંસ્કૃતિક હથિયાર છે તેમને લડાઈમાં વધુ પ્રાધાન્ય આપે છે.

ગોરખા રિવાજ પ્રમાણે, તે જ્યારે પણ મ્યાનમાંથી બહાર નીકળે ત્યારે તેને લોહી ચડાવવું ફરજિયાત છે.

ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સ્ટ્રેટેજીક સ્ટડીઝ(IISS)માં સિંગાપોર આર્મ્ડ ફોર્સના જાણકાર કહે છે, "સિંગાપોર સરકાર આ બેઠકમાં તેમની શ્રેષ્ઠ સુરક્ષા પૂરી પાડશે."

ઉલ્લેખનીય છે કે સિંગાપોર પોલીસના પ્રવક્તાએ ગોરખા ટુકડીની આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં સુરક્ષા માટે તહેનાત કરી હોવા મુદ્દે ટિપ્પણી કરી ન હતી.

આઈઆઈએસએસ મિલિટરી બૅલેન્સના રિપોર્ટ મુજબ, સિંગાપોર પોલીસ જેમાં પૅરામિલિટરી કંપનીનો પણ સમાવેશ થાય છે, તેમાં 1800 ગોરખા સૈનિકો નોકરી કરે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

19મી સદીમાં થયેલા ઍન્ગ્લો-નેપાલીઝ વૉરમાં ગુરખા સૈનિકોએ પોતાની વીરતા અને કુશળતાનો શ્રેષ્ઠ પરચો બતાવ્યો હતો. ત્યારબાદ બ્રિટિશરોએ ઉપનિવેશોમાં તેમની ભરતી કરવાનું શરૂ કર્યું હતું.

અત્યારે ગોરખા સૈનિકો ઇંગ્લૅન્ડ, ભારત નેપાળ, બ્રુનેઈ અને સિંગાપોરની આર્મીમાં સેવા આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગોરખા સૈનિકો બંને વિશ્વ યુદ્ધમાં પણ લડ્યા છે. અફઘાનિસ્તાન યુદ્ધમાં પણ તેઓએ નોંધપાત્ર ફાળો આપ્યો હતો.

ખાસ જગ્યાએ રહે છે ગોરખા સૈનિકો

સિંગાપોર પોલીસની વેબસાઇટ પર નજર કરીએ તો ગોરખા ટુકડીને 'ખડતલ, સચેત અને મક્કમ' તરીકે ઓળખાવવામાં આવી છે.

આઝાદી બાદ સિંગાપોરમાં પ્રાદેશિક તણાવ વખતે ગોરખા સૈનિકોએ કૉમ્યુનિસ્ટ, ચાઇનિઝ તથા મલય ઉગ્રપંથીઓને નાથવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ગોરખા સૈનિકો પોતાના પરિવારો સાથે શહેરની બહાર પર્વત પર વેર્નન કૅમ્પમાં રહે છે. ત્યાં સિંગાપોરના સામાન્ય નાગરિકોને જવાની મનાઈ છે.

ગોરખા સૈનિક સાથે પરણેલી એક મહિલાએ જણાવ્યું કે ત્યાં જિંદગી ખૂબ જ મર્યાદિત છે.

તેમણે કહ્યું, "અમારે ત્યાં રાત્રે 12 વાગ્યે કર્ફ્યૂ જેવી સ્થિતિ હોય છે."

"દરરોજ અમારે રાત્રે 10.30 વાગ્યે સૂઈ જવાનો નિયમ બનાવેલો છે. અમે ગીતો પણ નથી સાંભળી શકતા. અમે પાર્ટીઓનું આયોજન પણ નથી કરી શકતા."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો