#WorldEnvironmentDay: શું પ્લાસ્ટિક વગરનું જીવન વિચારી શકાય ખરું?

    • લેેખક, ક્રિસ્ટીન જીવાંસ
    • પદ, બીબીસી ન્યૂઝ

આજથી લગભગ દસ વર્ષ પહેલાં મેં પ્લાસ્ટિક વગર જીવન જીવવાનો પ્રયાસ કર્યો હતો.

આજે લગભગ એક દાયકા પછી દુનિયાના તમામ દેશો પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાની કે પછી એને સંપૂર્ણ નાબૂદ કરી દેવાની હિમાયત કરી રહ્યા છે.

એના માટે જરૂરી પગલાં પણ ઉઠાવી રહ્યા છે. તો એક પ્રશ્ન એ ઊભો થાય કે શું આજે એક દાયકા પછી પ્લાસ્ટિક વગર જીવન જીવવું શક્ય છે ખરું?

આજથી દસ વર્ષ પહેલાં એટલે 2008માં જબરદસ્ત ગરમી પડી રહી હતી.

મને આ ગરમી એટલા માટે યાદ છે કારણ કે મારા રસોડામાંથી પ્લાસ્ટિકની દૂધની બૉટલો અને દહીંના ખાલી ડબ્બાઓ ગરમ થતા તેની વાસ આવતી હતી.

જૂલાઈના એ મહિનામાં મેં, મારા આખા કુટુંબ એટલે કે મારા પતિ અને નાનાં બાળકોએ વાપરેલી પ્લાસ્ટિકની 603 જેટલી ચીજ-વસ્તુઓને ભેગી કરી.

પછીના મહિને એટલે કે ઑગસ્ટ 2008માં મેં એ અનુભવ કરવાનો પ્રયાસ કર્યો કે શું પ્લાસ્ટિક વગર જીવન જીવી શકાય ખરું?

તમે આ વાંચ્યું કે નહીં?

મારા આ પ્રોજેક્ટનું કારણ બીબીસીનો એક અહેવાલ હતો, જેમાં પ્રશાંત મહાસાગરની મધ્યમાં પ્લાસ્ટિકના કારણે થયેલાં પ્રદૂષણ અંગે જણાવાયું હતું.

આનાથી મારા મનમાં એક સવાલ પેદા થયો કે શું એ શક્ય છે ખરું કે આપણે એક વાર વાપરીને ફેંકી દેવાતી પ્લાસ્ટિકની વસ્તુઓને આપણાં જીવનમાંથી દૂર કરી શકીએ.

મારા એ વર્ષના પ્રયાસનો જવાબ હતો, આમ કરવું સરળ નથી.

પરંતુ ઑગસ્ટ 2008માં અમારા કુટુંબે પોતાના વપરાશની પ્લાસ્ટિકની વસ્તુઓની સંખ્યા 603 થી ઘટાડીને 116 કરી દીધી હતી. આમાંથી 63 તો ફેંકી દેવામાં આવતી નેપી હતી.

આજે એક દાયકા બાદ અમારા ઘરમાં પ્લાસ્ટિકની નેપીનો ઉપયોગ થતો નથી.

આજે અમારા ઘરમાં બે બાળકો છે, તો એ સ્પષ્ટ છે કે અમારા શૉપિંગ કાર્ટમાં એમના માટે જરૂરી વસ્તુઓ હોય.

એમાંથી મોટા ભાગની વસ્તુઓનું પૅકિંગ પ્લાસ્ટિકનું હોય છે. આનું કારણ સ્પષ્ટ છે.

પ્લાસ્ટિક હલકું હોય છે. વધારે દિવસ સુધી ચાલે છે. આમાં પૅક થયેલી ખાવાની વસ્તુઓ લાંબા સમય સુધી તાજી રહે છે. આને લાવવી-લઈ જવી અને ખાવી સરળ હોય છે.

આજે પ્લાસ્ટિકના વપરાશને ઘટાડવાની લોકોની ઇચ્છાને ધ્યાનમાં રાખી, મેં મારા 2008ના પ્રયાસને પુનઃ અમલી બનાવવાનું વિચાર્યુ.

મેં વિચાર્યું કે શું એક મહિના સુધી, એવી વસ્તુઓ પર ના જીવી શકાય કે જેમાં કોઈ પણ પ્રકારે પ્લાસ્ટિકનો ઉપયોગ થયેલો ના હોય.

પહેલું અઠવાડિયુઃસવારના નાસ્તાનું રમખાણ

સૌથી પહેલાં તો મેં અમારા સવારના નાસ્તાના દૈનિક કાર્યક્રમમાંથી પ્લાસ્ટિકને દૂર કરવાનો પ્રયત્ન કર્યો.

આજે અમે ઊઠીએ છીએ ત્યારે અમારા ઘરના દરવાજે દૂધની કાચની બૉટલો મૂકેલી હોય છે.

પહેલાં આને લેખિત ઑર્ડરથી મંગાવવી પડતી હતી પણ આજે ઑનલાઈન ખરીદી શકાય છે.

બાળકોને આ નવો અનુભવ ઘણો પસંદ પડ્યો. મારી આઠ વર્ષની દિકરીને મેં એના મિત્રોને કહેતાં સાંભળી કે અમારા દરવાજા પર તો રાત્રે એની મેળે જ દૂધની બૉટલો આવી જાય છે.

વર્ષ 2018માં પ્લાસ્ટિકની કોથળીઓમાં બંધ દૂધની જગ્યાએ દૂધની બૉટલો ખરીદનારા માત્ર અમે એકલા નથી.

બ્રિટનમાં આવા દૂધનો પૂરવઠો પૂરો પાડનારી કંપની મિલ્ક ઍન્ડ મૉર જણાવે છે કે જાન્યુઆરીથી અત્યાર સુધી એના દસ હજારથી વધુ ઑનલાઇન ગ્રાહક વધ્યા છે.

આવું ત્યારે બન્યું છે કે જ્યારે 2008ની સરખામણીમાં દૂધનો વપરાશ લગભગ 7 ટકા જેટલો ઘટ્યો છે.

જે દૂધ ઘરે પહોંચાડવામાં આવે છે તે મોંઘુ પડે છે, પરંતુ આમાં આપણે વારંવાર દૂધ લેવા જવાના ધક્કામાંથી બચી જઈએ છીએ.

દૂધની પ્લાસ્ટિકની બૉટલોને સૌથી વધુ રિસાઇકલ કરવામાં આવે છે.

આજના સમયે પ્લાસ્ટિકની કોથળીઓ કે ડબ્બાઓને બંધ કરવામાં વપરાતાં કવર, અમારા ઘરમાં ઉપલબ્ધ કુલ પ્લાસ્ટિકના એક ચતૃથાંશ જેટલાં હોય છે.

નાસ્તામાં અમે મોટાભાગે ગોળ બ્રેડનો ઉપયોગ કરીએ છીએ, જે પ્લાસ્ટિકમાં પૅક થઈને આવે છે.

સિવાય અમે જે અનાજનો ઉપયોગ કરીએ છીએ, તે પણ પ્લાસ્ટિકનાડબ્બામાં પેક થઈને આવે છે.

પ્લાસ્ટિક વગર જીવન જીવવાના પ્રયાસના ભાગરૂપે મેં બ્રેડ બહારથી મંગાવવાને બદલે ઘરમાં જ બનાવવાની શરુઆત કરી.

હાં,જોવામાં બ્રેડ એટલી સુંદર નહોતી, જેટલી બજારની હોય છે.

હવે રહી વાત અનાજની તો એ પ્લાસ્ટિકના પૅકેટમાં આવે છે.

મેં મારા કુટુંબને કહ્યું કે તેઓ અનાજના પૅકેટને બદલે શીરા વડે કામ ચલાવે. બધાનાં મોઢાં આ વાતે ચઢી ગયાં.

પછી મેં નજીક એક દુકાન શોધી કાઢી. જેમાં પ્લાસ્ટિકના પૅકિંગ વગર અનાજ મળતું હતું.

ત્યાં પોતાના ડબ્બાઓ લઈને જવું પડતું હતું. જેથી એમાં સામાન ભરીને લાવી શકાય.

આ પ્રયાસો વડે સવારના નાસ્તાનું યુદ્ધ મેં જીતી લીધું.

બીજું અઠવાડિયું- સુપર માર્કેટ

એમાં કોઈ શંકાને સ્થાન નથી કે અલગ-અલગ સામાન માટે અલગ-અલગ દુકાનોમાં જવાની પ્રકિયા ખૂબ થકાવી દેનારી હતી.

સમયનો પણ વ્યય થતો, આને બદલે એક જ વખત સુપર માર્કેટમાં જઈ ખરીદી કરવી સરળ હતી.

મેં પ્લાસ્ટિકરહિત જીવનના અભિયાન સાથે સુપર માર્કેટ જવાનો નિર્ણય લીધો.

અત્યારે બધો જ સામાન પ્લાસ્ટિકમાં પૅક થઈને આવે છે એટલે પ્લાસ્ટિકરહિત સામાન શોધવો ખૂબ મુશ્કેલ હતો.

સલાડથી લઈ પાસ્તાં અને કાચા શાકભાજી સુધી પ્લાસ્ટિકરહિત શોધવું મુશ્કેલ હતું.

આના બદલે ટિનના ડબ્બામાં બંધ વસ્તુઓ ખરીદવામાં આવી. ઘરેથી થેલી લઈ જઈ છૂટક ચીજ-વસ્તુઓ પણ ખરીદી.

મુશ્કેલી એ હતી કે બાળકો માટેનો કેટલાક સામાન જેવો કે જામ, ચૉકલેટ, હેઝલનેટ સ્પ્રેડવગેરેનું પેકિંગ તો કાચનું હતું પણ તેનાં ઢાંકણાં પ્લાસ્ટિકનાં હતાં. આથી મેં બાળકોની પસંદગીની કોઈ ચીજ લીધી નહીં.

મોટા ભાગના સંજોગો પહેલાં જેવા જ હતા, ખાણી-પીણીની બધી જ વસ્તુઓ હજુય પ્લાસ્ટિકના પૅકિંગમાં જ આવતી હતી. કામ કપરું હતું.

જોકે, ઘણી કંપનીઓએ પ્લાસ્ટિકરહિત વસ્તુઓ બજારમાં ઊતારી છે છતાંય એની સંખ્યા ઘણી ઓછી છે.

હવે ટૉમેટો કેચપ પાઉચમાં આવે છે. અત્યારે માંસ તેમજ ફ્રૉજન ફુડ પણ અન્ય વસ્તુઓમાંથી બનેલી થેલીઓમાં પૅક કરવામાં આવે છે.

આઇસલૅન્ડ નામની બ્રિટિશ કંપનીએ 2023 સુધી પોતાના પૅકિંગમાં પ્લાસ્ટિકનો ઊપયોગ સંપૂર્ણપણે નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે.

ત્રીજું અઠવાડિયું- દરિયાઈ તટ પર અસર

મારા અનુભવનો અડધો સમય પસાર થઈ ગયો હતો. એ વખતે અમે લંડનથી કૉર્નવાલ જવાનો નિર્ણય કર્યો.

હું રસ્તામાં મારા કપ અને બૉટલ મૂકવાનું ભૂલી ગઈ.પરિણામે આખા રસ્તે અમારે પ્લાસ્ટિકમાં પૅકિંગ થયેલો હોય એવો સામાન લેવો પડ્યો.

બ્રિટનમાં દરરોજ 2 કરોડ દસ લાખ પાણીની બૉટલો અને 68 લાખ કૉફીના કપ એક વખત વાપરી ફેંકી દેવામાં આવે છે.

મેં સોશિયલ મીડિયાની મદદ લીધી અને પ્લાસ્ટિકમુક્ત જીવનનું મારું અભિયાન પાછું માર્ગ પર આવ્યું.

આજે સોશિયલ મીડિયા પર તમામ હૅશટૅગ સાથે પ્લાસ્ટિક મુક્તિનું અભિયાન ચલાવાઈ રહ્યું છે.

2014માં બ્રિટનનાં સમુદ્રી વ્યૂડરિજૉર્ટમાં પ્લાસ્ટિક પ્રદૂષણથી મુક્તિ માટે #2minutesbeachclean હૅશટૅગ સાથે અભિયાન ચલાવવામાં આવ્યું.

અભિયાન સાથે સાથે જોડાયેલાં એવરિલ સૈન્સબરી જણાવે છે, "આજે લોકો ઘણા જાગૃત થયા છે. પહેલાં ઘરોમાં પ્લાસ્ટિકનો સામાન ભરેલો રહેતો, અત્યારે એની સંખ્યા ઘણી ઘટી ગઈ છે. લોકો પ્લાસ્ટિકને આમ તેમ ફેંકવામાં પણ અચકાય છે."

પરંતુ વ્યૂડરિજૉર્ટની એક ખાસિયત છે. ત્યાં તમે કોઈ પણ દુકાનમાં પહોંચી જાવ, તો લોકો તમારી પાણીની બૉટલ ભરી આપશે.

આનાથી પ્લાસ્ટિકની બૉટલમાં પાણી ખરીદવાનું ચલણ ઘટ્યું છે. દરિયા કિનારા પર કચરાનું પ્રમાણ પણ ઓછું થયું છે.

આજે સમગ્ર બ્રિટનમાં પાણી ભરવાના 7800 નળ લગાડવામાં આવ્યા છે.

ચોથું અઠવાડિયું- નિર્ણયની પળ

મારા પ્રયાસના અંતિમ તબક્કામાં મેં જોયું કે હજી પણ પ્લાસ્ટિકના પૅકમાં ટૉઇલેટની વસ્તુઓ મારા ઘરમાં આવતી હતી.

જોકે, મેં વાંસનાં બ્રશ ખરીદ્યાં હતાં પણ મને ખબર હતી કે એના રેસાં પ્લાસ્ટિકનાં હતાં.

હાં,પ્લાસ્ટિકની શૅમ્પૂની બૉટલને બદલે મેં શૅમ્પૂ બાર ખરીદ્યો હતો.

મહિનાના અંતમાં મેં જોયું કે ભલે અમારા જીવનમાંથી પ્લાસ્ટિકનું અસ્તિત્વ સંપૂર્ણપણે નાબૂદ થયું નહોતું છતાં પણ એનું પ્રમાણ ઘટાડવામાં અમે ઘણે અંશે સફળ થયાં હતાં.

હાં,આમ કરવામાં સમય ઘણો વપરાતો છતાં પણ આ ફાયદાનો સોદો હતો.

આમ જોતા ઘણો સામાન હજુ પણ અમારે ઘરે આવતો હતો જે પ્લાસ્ટિકમાં બંધ હોય. એમાં ખાવા-પીવાની વસ્તુઓ વધુ હતી.

એ 48 પ્લાસ્ટિકની વસ્તુઓ જે અમારે એક મહિના દરમિયાન વપરાય છે.

આજે તો અમારી ઑફિસમાં ફરી વાપરી શકાતા કૉફીના મગ અને પાણીના ગ્લાસ વાપરવામાં આવે છે.

બધું મળીને, આજે મને લાગે છે કે પ્લાસ્ટિક મુક્ત જીવન અશક્ય અને બિન વ્યવહારિક છે.

હાં,પરિવર્તન જરૂર આવી રહ્યું છે. તમામ કંપનીઓ પોતાનો સામાન એવા પૅકિંગમાં લાવી રહી છે જેમાં પ્લાસ્ટિક વપરાયું ના હોય.

દુકાનોમાં લોકો ફરીથી થેલીઓ સાથે પહોંચી રહ્યા છે. કૉફી અને પાણી પીવા માટે એવા કપ અને બૉટલો વાપરવામાં આવી રહ્યાં છે જેનો ફરીથી ઉપયોગ કરી શકાય.

મતલબ અત્યારે ભલે અશક્ય જણાય પણ આવનારાં થોડાં વર્ષોમાં આપણે પ્લાસ્ટિક વગર જીવન જીવવાનું શીખી લઈશું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો