અમદાવાદીઓએ કેવી રીતે એક સાથે મળીને બચાવ્યું વડનું ઝાડ?

    • લેેખક, કલ્પિત ભચેચ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

સોશિયલ મીડિયાનો ઘણી વખત દુરુપયોગ, તો ઘણી વખત સદ્ઉપયોગ પણ થઈ જાય છે.

તેનું જ ઉદાહરણ પુરૂં પાડ્યું છે અમદાવાદીઓએ જેમણે 70 વર્ષના વડના વૃક્ષને કપાતું બચાવવા માટે સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ કર્યો.

સોશિયલ મીડિયા પર શરૂ થયેલાં આ અભિયાનની એવી અસર પડી કે અંતે કૉર્પોરેશન તંત્રએ વૃક્ષ કાપવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે.

શું હતો મામલો?

પખવાડિયા પૂર્વે અમદાવાદના વસ્ત્રાપુરમાં રસ્તો પહોળો કરવા મ્યુનિસિપલ કોર્પોરેશને અહીં આવેલા તોતિંગ વડલાને હટાવી દેવાની ગતિવિધિ શરૂ કરી હતી.

તેને ધ્યાનમાં રાખતા સ્થાનિક રહીશ અને પર્યાવરણ જાળવણી માટે કાર્યરત યાત્રી બક્ષી અને મધુ મેનને વડ બચાવવાની ઝુંબેશ શરૂ કરી હતી અને વૃક્ષને બચાવવા અનોખો સત્યાગ્રહ હાથ ધર્યો હતો.

તમને આ પણ વાંચવું ગમશે

'વસ્ત્રાપુર વડ સિટીઝન મૂવમેન્ટ'ના નેજા હેઠળ દરેક વય જૂથના સ્થાનિક રહીશો ઉપરાંત સંવેદનશીલ નાગરિકો સુખદ આશ્ચર્ય વચ્ચે અભિયાનમાં જોડાતા ગયા.

વાત સોશિયલ મીડિયામાં પણ વેગવંતી બનતા આ સિટીઝન મૂવમેન્ટ પ્રબળ બની ગઈ.

ઇકૉલોજિકલ બેલેન્સની સમસ્યાનો સર્જાવાનો ડર

તેમના આ સકારાત્મક આંદોલન અંગે યાત્રી કહે છે "આ વડ ઉપરાંત આસપાસ આવેલા કેટલાક વૃક્ષો પર પોપટ સહીત અન્ય પક્ષીઓ રહે છે. જો આ વડને તોડી પાડવામાં આવે તો આ પક્ષીઓ ઘર વિહોણા બની જશે અને 'ઇકૉલોજિકલ બેલેન્સ'ની સમસ્યા સર્જાશે."

વધુમાં તેમણે ઉમેર્યું, "ઘટાદાર વડ વાતાવરણમાં મોટા પ્રમાણમાં ઓક્સિજન આપી સૌ કોઈને છાંયો પણ આપે છે."

કેવી રીતે વડને કપાતા બચાવાયું?

યાત્રી જણાવે છે, "અમે મ્યુનિસિપલ કૉર્પોરેશન સમક્ષ રજૂઆત કરી કે વડને બચાવી રસ્તાનો વિકાસ કેવી રીતે કરી શકાય તે અંગે અમારી ડિઝાઇન કૉર્પોરેશન સમક્ષ મૂકવા અમે તૈયાર છીએ."

પર્યાવરણ અંગે ચિંતા વ્યક્ત કરતા મધુ મેનનએ જણાવ્યું, "અમદાવાદનું ગ્રીન કવર ખૂબ ઓછું છે તેમાં પણ વડનું વૃક્ષ તો જવલ્લેજ જોવા મળે છે. જો આ વૃક્ષનું ટ્રાન્સલોકેશન કરવામાં આવે તો આ વડ બચી નહીં શકે.”

આ અંગે જ્યારે મ્યુનિસિપલ ગાર્ડન વિભાગના નિયામક જીગ્નેશ પટેલને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું, "કોર્પોરેશન દ્વારા વડનું વૃક્ષ બચાવી લેવાનો નિર્ણય લેવાયો છે."

2030 સુધી અમદાવાદમાં હશે માત્ર 3% ઝાડ પાન!

એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે વર્ષ 2030 સુધી અમદાવાદીઓને શુદ્ધ હવા પણ નહીં મળે. અને તેનું કારણ છે વર્ષ 2030 સુધી અમદાવાદમાં ઝાડ પાન માત્ર 3% જ બચ્યાં હશે.

બેંગ્લૉરના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સના રિપોર્ટ પ્રમાણે 2030 સુધી અમદાવાદના કુલ વિસ્તારમાંથી માત્ર 3 ટકા વિસ્તારમાં ઝાડ પાન હશે.

રિપોર્ટ પ્રમાણે વર્ષ 2011માં 55 ટકા વસતી સાથે ભારતનું છઠ્ઠું સૌથી મોટું શહેર હતું અને વિકાસ મામલે આગળ વધવાની રેસમાં પણ અમદાવાદનો ક્રમ ત્રીજા નંબરે હતો.

વર્ષ 1990થી 2010 વચ્ચે અમદાવાદના શહેરી વિસ્તારમાં 132%નો વિકાસ થયો હતો.

વર્ષ 1990માં 7.03 ટકા જમીન પર બાંધકામ થયું હતું. વર્ષ 2010માં આ આંકડો વધીને 16.34 ટકા થયો હતો.

હવે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે 2024 સુધી 38.3 ટકા જમીન પર બાંધકામ થઈ જશે. જેની સીધી અસર શહેરમાં આવેલા ઝાડ પાન પર પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો