વિક્રમ સારાભાઈ : દેશને દિશા ચીંધનાર એક પ્રૉગ્રેસિવ, બૌદ્ધિક, રૉમેન્ટિક ગુજરાતી

    • લેેખક, જય મકવાણા
    • પદ, બીબીસી ગુજરાતી

ચંદ્રયાન જેવી વૈશ્વિક સિદ્ધિ હોય કે એકસાથે અનેક ઉપગ્રહોને અવકાશમાં મોકલવાની વિક્રમજનક ઘટનાઓ, અંતરીક્ષ વિજ્ઞાનમાં આજે ઈસરોએ જે મુકામ હાંસલ કર્યો છે, એની પાછળ એક 'ગુજરાતી'ની મહેનત અને સૂઝ જવાબદાર છે.

ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા વિશે અનેક વાતો જાણવા જેવી છે.

વિકમ સારાભાઈને તમે ઓળખો છો?

12મી ઑગસ્ટ 1919ના રોજ અમદાવાદમાં જન્મેલા વિક્રમ સારાભાઈને ભારતીય 'અવકાશ-વિજ્ઞાનના પિતા' તરીકે ઓળખવામાં આવે છે.

ભારતે અવકાશ વિજ્ઞાન અને સંશોધનમાં આજે જે ગજું કાઢ્યું છે, એનો સૌથી વધુ શ્રેય આઝાદીની લડત સાથે જોડાયેલા પરિવારના ફરજંદ વિક્રમભાઈને જાય છે.

અંબાલાલ સારાભાઈ અને સરલાબહેન સારાભાઈના પુત્ર વિક્રમે અમદાવાદની ગુજરાત કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ફિઝિક્સનો ઉચ્ચઅભ્યાસ કર્યો હતો.

'વિક્રમ સારાભાઈ : અ લાઇફ' નામે તેમનું જીવન ચરિત્ર લખનારાં અમૃતા શાહ વિક્રમ સારાભાઈને એક બહુમુખી વ્યક્તિ તરીકે રજૂ કરતા 'ધનવાન, દેખાવડા, વિજ્ઞાનના માણસ, ઉદ્યોગપતિ, સંસ્થાઓના સ્થાપક, બૌદ્ધિક અને પ્રેરણાપુરૂષ' ગણાવે છે.

શાહ તેમને 'પ્રૉગ્રેસિવ અને રૉમેન્ટિક આઇડલિસ્ટ' તરીકે પણ ઓળખાવે છે.

બહુ ઓછા લોકો આવી બહુમુખી પ્રતિભા ધરાવતા હોય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન, ઑપરેશન રિસર્ચ ગ્રૂપ, ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી અને અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ ઍસોસિયેશન...અમદાવાદ અને ભારતનું નામ દુનિયામાં રોશન કરતી આ સંસ્થાઓ વિક્રમ સારાભાઈની દેણ છે.

અમૃતા શાહ એટલે જ તેમને 'મેની ફેસિટેડ નેશનલિસ્ટ' ગણાવે છે. જોકે, એમનું સૌથી મોટું પ્રદાન ભારતીય અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં છે.

ભારતની વૈશ્વિક પ્રતિભા

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે વિક્રમ સારાભાઈ વિશે કહ્યું હતું, ''વિક્રમ સારાભાઈએ મારી અંદર રહેલી પ્રતિભાને ઓળખી. મારો આત્મવિશ્વાસ જ્યારે સૌથી નીચલા સ્તરે હતો ત્યારે તેમણે એ સુનિશ્ચિત કર્યું કે હું મારા કામમાં સફળ રહું.”

તેમણે કહ્યું, “જો હું અસફળ રહ્યો હોત તો પણ મને વિશ્વાસ હતો કે તેઓ મારી સાથે જ રહેતા.”

યુરોપમાં વિજ્ઞાનના વધુ અભ્યાસ દરમિયાન વિક્રમ સારાભાઈ ભારત આવ્યા અને બેંગ્લોરમાં 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ' સાથે જોડાઈ ગયા.

અહીં જ તેમની મુલાકાત વૈજ્ઞાનિક હોમી ભાભા સાથે થઈ. પચાસના દાયકામાં વિશ્વમાં અણુ અને અંતરિક્ષ ક્ષેત્રે સંશોધનોની જે શરૂઆત થઈ હતી તેમાં ભારતનું નેતૃત્વ કરવા માટે આ બન્ને સક્ષમ લોકો હતા.

'સરો'ની સ્થાપના

1957માં સોવિયત યુનિયને વિશ્વના પ્રથમ ઉપગ્રહ 'સ્પૂતનિક'ને પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત કર્યો અને એ સાથે જ વિશ્વમાં અવકાશ સંશોધન અંગે પચાસથી વધુ દેશો જોડાયાં.

વિક્રમ સારાભાઈ ઇચ્છતા હતા કે ભારત પણ આ દેશો સાથે જોડાય. આ અંગે તેમણે એ વખતના ભારતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુને એક પ્રસ્તાવ મોકલ્યો. સરકારે પ્રસ્તાવ સ્વીકારી લીધો.

તેમની સલાહનું પરિણામ એ આવ્યું કે 1962માં સરકારે ઇન્ડિયન નૅશનલ કમિટી ફૉર સ્પેસ રિસર્ચ (ઇન્કૉસ્પર) બનાવી. જેની જવાબદારી પણ નહેરુએ તેમને જ સોંપી. આ જ સંસ્થા બાદમાં 'ઇસરો'માં પરિવર્તિત થઈ.

ટીવી ક્ષેત્રે પ્રદાન

વિક્રમ સારાભાઈ ટેલિવિઝનનો ઉપયોગ કરીને દેશના દૂરના વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવા માગતા હતા.

જોકે, સિત્તેરના દાયકામાં ભારતના દુર્ગમ વિસ્તારો સુધી ટીવીને પહોંચતું કરવા માટે કૉમ્યુનિકેશન સેટેલાઇટની જરૂર હતી.

આ એ જ સમય હતો જ્યારે અમેરિકાની અંતરીક્ષ સંસ્થા 'નાસા' પોતાના કૉમ્યુનિકેશન સેટેલાઇટ ATS-6નું પરીક્ષણ કરવા માગતી હતી.

વિક્રમ સારાભાઈએ નાસાને ભારતમાં પરીક્ષણ કરવા તૈયાર કરી લીધી.

જેને પરિણામે ભારતમાં 2500 જેટલાં ગામોમાં પ્રથમ વખત ટીવી પ્રસારણ પહોંચ્યું. આ કાર્યક્રમને 'સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શન ટેલિવિઝન ઍક્સપેરિમેન્ટ' એટલે કે 'સાઇટ' નામ અપાયું.

'સાઇટ'નું જ્યારે આકલન કરાવાયું ત્યારે સરકારને જાણવા મળ્યું કે જે ગામોમાં ટીવી પ્રસારણ પહોચ્યું હતું એ ગામોમાં સકારાત્મક અસર પહોંચી હતી.

'સાઇટ'નો અન્ય ફાયદો એ પણ થયો કે ભારતીય વૈજ્ઞાનિકો કૉમ્યુનિકેશન સેટેલાઇટની કાર્યપદ્ધતિથી એટલા વાકેફ થઈ ગયા કે 1982માં ભારતે પોતાનો સ્વદેશી ઉપગ્રહ 'ઇનસેટ-1' અવકાશમાં તરતો મૂકી દીધો.

વિક્રમ સારાભાઈ અને 'વિકાસ'

થોડા સમય પહેલાં ઈસરોએ 'સતિષ ધવન સ્પેસ સ્ટેશન' પરથી 'GSLV-F08' નામના રૉકેટ સાથે 'GSAT-6A' નામનો ઉપગ્રહ લૉન્ચ કર્યો હતો.

આ રોકેટમાં પ્રથમ વખત દેશમાં જ બનેલા સ્વદેશી ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરાયો હતો.

જોકે, રસપ્રદ વાત એ છે કે આ એન્જિનને ઈસરોએ વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના નામ પરથી 'વિકાસ (વિક્રમ અંબાલાલ સારાભાઈ)' નામ આપ્યું હતું.

ઈસરોના વડપણ હેઠળ ચાલતા 'લિક્વિડ પ્રૉપ્યુલઝન સિસ્ટમ્સ સેન્ટર' દ્વારા વિકસાવાયેલા 'લિક્વિડ ફ્યુલ્ડ રૉકેટ એન્જિન' શ્રેણીના ક્રાયોજેનિક એન્જિનનું ઇસરોએ રાખેલું નામ 'વિકાસ' હતું.

વિક્રમ અંબાલાલ સારાભાઈના નામ પરથી આ ક્રાયોજેનિક એન્જિનને 'વિકાસ' (Vikram Ambalal Sarabhai) તરીકે ઓળખ આપવામાં આવી હતી.

સ્વદેશી ક્રાયોજેનિક એન્જિન વિકસાવવા માટે ભારત વર્ષોથી મહેનત કરી રહ્યું હતું. આ મહેનતનું પરિણામ આખરે 'વિકાસ' નામે આવ્યું.

ક્રાયોજેનિક એન્જિન એ રૉકેટને અવકાશમાં મોકલવા માટે આધારભૂત વિવિધ એન્જિનો પૈકીનું એક છે.

રૉકેટને વધુ દૂરના અંતરે મોકલવા માટે આવા એન્જિનમાં ઇંધણને અત્યંત નીચા તાપમાને સંગ્રહિત કરવામાં આવે છે.

શંકાસ્પદ મૃત્યુ?

1971ની 30મી ડિસેમ્બરે વિક્રમ સારાભાઈ કેરળના થુમ્બામાં રશિયન રૉકેટનું પરીક્ષણ કરવા પહોંચ્યા હતા. અહીંના જ એક રિસૉર્ટમાં નિંદ્રા દરમિયાન જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક નમ્બી નારાયણે પોતાની આત્મકથા 'ઓરમાકાલુદે બ્રહ્માનપદમ્'માં વિક્રમ સારાભાઈના મૃત્યુ અંગે શંકા સેવી હતી.

તેમણે એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો કે, ''શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયું હોવા છતાં સારાભાઈના મૃતદેહનું પૉસ્ટમાર્ટમ કેમ ના કરાયું?''

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો