અવકાશમાં ભારતે 100મો સેટેલાઇટ છોડ્યો, એકસાથે 31 ઉપગ્રહોનું પ્રક્ષેપણ

ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઇસરો) આજે શ્રી હરિકોટાથી પીએસએલવી-સી 40 દ્વારા એક સાથે 31 ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલ્યા છે.

ભારત માટે આ બહુ મોટી સિદ્ધિ છે. ગયા વર્ષે ઑગસ્ટમાં પીએસએલવી-સી 39નું મિશન નિષ્ફળ રહ્યું હતું.

ત્યારબાદ પ્રક્ષેપણ યાન પીએસએલવીને ફરીથી તૈયાર કરવામાં આવ્યું છે.

કોઈ રૉકેટ ફેલ થઈ જાય તો તેને ફરીથી રિપેર કરીને બીજી વખત નવા જેવું બનાવી લૉન્ચિંગ પૅડ પર ઉતારવું ખૂબ મોટી વાત છે.

આ ભારતનું 'વર્કહૉર્સ રૉકેટ' છે. જે ફેલ થઈ જવાથી ભારતની મુશ્કેલીઓ અનેકગણી વધી જાય છે.

આ રૉકેટની ખાસ વાત એ છે કે 30 મિનિટના મિશનમાં ઉપગ્રહોને છોડ્યા બાદ વધુ બે કલાક ચાલશે.

આ બે કલાકોમાં રૉકેટની ઊંચાઈ ઓછી કરવામાં આવશે અને એક નવી કક્ષામાં નવો ઉપગ્રહ છોડવામાં આવશે. આ એક જુદી જ રીતનું મિશન છે.

આ વખતે પીએસએલવી સાથે ભારતનો એક માઇક્રો અને એર નેનો ઉપગ્રહ પણ છે. આ બંને ઉપગ્રહોને ઇસરોએ તૈયાર કર્યા છે.

જેમાં સૌથી મોટો ભારતનો કાર્ટોસેટ-2 સીરિઝનો ઉપગ્રહ પણ છે.

28 અન્ય ઉપગ્રહો આમાં સહપ્રવાસીની જેમ છે. જેમાં અમેરિકા, બ્રિટન, ફિનલૅન્ડ, દક્ષિણ કોરિયાના ઉપગ્રહો સામેલ છે.

અન્ય દેશોના ઉપગ્રહો છોડવાથી ઇસરોને કમાણી પણ થાય છે.

આકાશમાંથી બાજનજર

શુક્રવારના લૉન્ચમાં ભારતનો એક ખાસ ઉપગ્રહ પણ છોડવામાં આવી રહ્યો છે જેનું નામ કાર્ટોસેટ-2 છે. જેને આકાશની આંખ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ એક અર્થ ઇમેજિંગ ઉપગ્રહ છે જે પૃથ્વીની તસવીરો ખેંચે છે. જેનો ઉપયોગ ભારતની પૂર્વ અને પશ્વિમ સરહદ પરના વિસ્તારોમાં દુશ્મનો પર નજર રાખવા માટે કરવામાં આવે છે.

આ પ્રકારના ભારત પાસે ઘણા ઉપગ્રહ છે. કાર્ટોસેટ-2 તેમાં વધારો કરશે.

આ ઉપગ્રહનો જ એક ભાઈ અવકાશમાં હાલ કામ કરી રહ્યો છે.

તેના દ્વારા જે તસવીર મળી હતી તેની મદદથી લાઇન ઑફ કન્ટ્રોલ પર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. કાર્ટોસેટ-2 એક મોટા કેમેરાની જેમ કામ કરશે.

(પલ્લવ બાગલા સાથે બીબીસી સંવાદદાતા માનસી દાશની વાતચીત પર આધારિત)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો