શું છે રશિયાના જહાજમાં કે અમેરિકાની ઊંઘ હરામ થઈ ગઈ!

લશ્કરી તાકાતની બાબતમાં અમેરિકા તથા ચીનને જોરદાર ટક્કર આપતું રશિયા તેના આધુનિક હથિયારો અને દુશ્મનો પર નજર રાખતા શક્તિશાળી ઉપગ્રહો માટે જાણીતું છે.

રશિયાની લશ્કરી તાકાતમાં હવે એક વધુ જાસૂસી જહાજનો ઉમેરો થયો છે.

એ જહાજને રશિયાના સેટેલાઇટ કાર્યક્રમ 'યનતાર'નું નામ આપવામાં આવ્યું છે.

રશિયાના નૌકાદળ પાસે ઘણાં જાસૂસી જહાજ છે, પણ 'યનતાર' એ બધાથી અલગ અને શક્તિશાળી છે.

રિમોટ વડે ચાલતા અન્ડરવોટર વીઇકલની શ્રેણીનું 'યનતાર' કોઈ પણ સ્થળેથી ઓપરેટ કરી શકાય છે.

બ્રિટિશ સેનાએ ગયા મહિને એક ચેતવણી બહાર પાડી હતી.

એ ચેતવણીમાં જણાવવામાં આવ્યું હતું, ''રશિયાએ યનતાર મારફત કોમ્યુનિકેશનને રોકવાની કે તેમાં વિક્ષેપ સર્જવાની ક્ષમતા હાંસલ કરી લીધી છે.''

''તેનું કારણ એ છે કે યનતાર દરિયામાં બિછાવવામાં આવેલા કેબલ્સ કાપી શકે છે.''

બ્રિટનના ડિફેન્સ સ્ટાફના વડા એર ચીફ માર્શલ સર સ્ટુઅર્ટ પીચના જણાવ્યા અનુસાર, ''ઇન્ટરનેટ અને કૉમ્યુનિકેશનના બીજા કેબલ્સ પરનો આવો હુમલો પ્રલય સમાન સાબિત થઈ શકે છે.''

નાટોએ સમુદ્રમાં સૈન્યના કામ માટે કેબલ બિછાવ્યા છે. એ ઉપરાંત ધરતી દરેક તરફથી ઑપ્ટિક ફાઇબર કેબલ્સથી ઘેરાયેલી છે.

સમુદ્રમાં બિછાવેલા કેબલ્સ પર જોખમ

લંડનમાં રહેતા ઈગોર સૂચૈગેન રશિયન સૈન્યના જાણકાર છે.

ઈગોર સૂચૈગેને કહ્યું હતું, ''રશિયા પાસે આવા કેબલ્સની છેડછાડ કરવાની ક્ષમતા છે. અલબત, રશિયાએ એવું કર્યાના કોઈ પુરાવા મળ્યા નથી.''

બીબીસી સાથે વાત કરતાં ઈગોર સૂચૈગેને એમ પણ કહ્યું હતું, ''ઑપ્ટિકલ ફાઇબર કેબલ થોડા જટિલ હોય છે.''

''તેમાં છેડછાડ કરવાનું મુશ્કેલ છે એટલે તેને કાપી નાખવા વધારે આસાન તરકીબ છે.''

ઈગોર સૂચૈગેને ઉમેર્યું હતું, ''1970માં શીત યુદ્ધ દરમ્યાન અમેરિકન નૌકા દળને ઍટલૅન્ટિક સમુદ્રમાંની તેની પોસ્ટમાંથી જાણકારી મળતી બંધ થઈ ગઈ હતી.''

''એ પોસ્ટ અવાજ મારફતે કરવામાં આવતા કૉમ્યુનિકેશન પર નજર રાખતી હતી.''

અમેરિકન નૌકા દળના જણાવ્યા અનુસાર, એક સોવિયેટ સબમરીને કેબલ કાપી નાખ્યા હોવાથી આવું થયું હતું.

છૂપાઈને ઘણા કામ કરી શકે છે 'યનતાર'

રશિયાના એક સંસદીય અહેવાલમાં જણાવ્યા અનુસાર, ''યનતાર તેની સબમરીન મારફત છૂપાઈને ઘણાં કામ કરી શકે છે.''

ગયા વર્ષે ઓક્ટોબરમાં છપાયેલા સંસદીય ગેઝેટમાં જણાવવામાં આવ્યું હતું કે ''સમુદ્રમાં છેક ઊંડે સુધી જઈને નજર રાખવાનાં ઉપકરણો યનતાર પાસે છે.''

''એ ઉપરાંત ટોપ સિક્રેટ કૉમ્યુનિકેશન કેબલ સાથે જોડી શકાય એવું એક યંત્ર પણ છે.''

2015માં કાર્યરત થયેલું 'યનતાર' 354 ફૂટ લાંબુ જહાજ છે. તેના પર એકસમયે એકસાથે 60 લોકો ફરજરત હોય છે.

બાલ્ટિક સમુદ્રમાં બનાવવામાં આવેલું 'યનતાર' પ્રોજેક્ટ 22010નો એક ભાગ છે. તેમાં 'અલ્માઝ' નામનું એક વધુ જહાજ પણ ટૂંક સમયમાં સામેલ થવાનું છે.

રશિયા પાસેના ઘણા જાસૂસી જહાજો પૈકીનું એક જહાજ ગયા વર્ષે એપ્રિલમાં તુર્કીમાં થયેલી દુર્ઘટનામાં ડૂબી ગયું હતું.

'યનતાર' પાસે 'રુસ' તથા 'કન્સોલ' નામની બે સબમરીન છે. તેમાં ત્રણ લોકો બેસી શકે છે.

આ સબમરીનો સમુદ્રમાં 20,000 ફૂટની ઊંડાઈ સુધી પહોંચી શકે છે.

અમેરિકા-યુરોપની જાસૂસી?

રશિયાના સંસદીય અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ''2015ના ઉનાળામાં યનતારને અમેરિકાના જ્યોર્જિયા નેવલ બેઝ પાસે તહેનાત કરવામાં આવ્યું હતું.''

અહેવાલ અનુસાર, અમેરિકાના સંરક્ષણ વિભાગના પેન્ટાગનના અધિકારીઓ માને છે કે ''યનતાર મારફત રશિયા અમેરિકન સબમરીન અને સમુદ્રી સેન્સર સંબંધી માહિતી એકઠી કરતું હતું.''

નેવલ ટેક્નોલૉજી વેબસાઇટ પર એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે.

એ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે, ''જ્યોર્જિયાના કિંગ્ઝ બે નેવલ બેઝમાં છ બેલેસ્ટિક મિસાઇલ સબમરીન રાખવામાં આવી છે અને એ પૈકીની દરેકમાં 24 અણુ મિસાઇલ્સ છે.''

ઈગોર સૂચૈગેનના જણાવ્યા અનુસાર, ''કિંગ્ઝ બેમાંનું સમુદ્રી સેન્સર રશિયન સેના માટે ઘણું રસપ્રદ હોઈ શકે છે. રશિયા અમેરિકાની ટેક્નોલૉજીની નકલ કરવા ઇચ્છતું હોય એ પણ શક્ય છે.''

વોશિંગ્ટન ટાઇમ્સ અખબારે પણ કેબલ કાપી શકવાની 'યનતાર'ની ક્ષમતા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. 2016માં 'યનતાર' સીરિયાના સમુદ્ર કિનારા નજીક જોવા મળ્યું હતું.

કોવર્ટ શોર્સ નામની એક વેબસાઇટે 'યનતાર'ની ભેદી ગતિવિધિની માહિતી મેળવી હતી.

કોવર્ટ શોર્સના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું ,''યનતાર કેબલના માર્ગ પર ઠેરઠેર રોકાયું હતું, જે દર્શાવે છે કે તે સમુદ્રમાં બિછાવવામાં આવેલા કેબલ્સની તપાસ કરતું હતું.''

તપાસ અને બચાવ માટે પણ ઉપયોગ

આર્જેન્ટિનાની એક ખોવાયેલી સબમરીનને શોધવાના કામમાં 'યનતાર' હાલ મદદ કરી રહ્યું છે.

એ સબમરીન ગયા વર્ષે 15 નવેમ્બરે ગૂમ થઈ ગઈ હતી. તેમાં 44 લોકો હતા. એ લોકો વિશે પણ કોઈ માહિતી મળી નથી.

શોધ અને બચાવના કામમાં 'યનતાર'નો આ પહેલાં પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

રશિયાના સંસદીય અહેવાલમાં જણાવ્યા અનુસાર, ''2016માં સીરિયાના યુદ્ધ દરમ્યાન ભૂમધ્ય સમુદ્રમાં તૂટી પડેલા રશિયાના બે યુદ્ધ વિમાનોને પણ યનતારે શોધી કાઢ્યાં હતાં.''

''યનતારને કારણે બન્ને ફાઇટર જેટનાં કેટલાંક ગુપ્ત યંત્રો બચાવી શકાયાં હતાં.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો