શું ટ્રમ્પે કહ્યું એ રીતે તેમની પાસે ખરેખર પરમાણુ બટન છે?

ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચે શબ્દયુદ્ધ ચાલી રહ્યું છે. બન્ને નેતાઓ એકબીજાને બટન દબાવીને પરમાણુ હુમલો કરવાની ધમકી આપી રહ્યા છે.

ટ્વિટર પર શરૂ થયેલા આ 'બટન યુદ્ધ' વચ્ચે એ જાણવું જરૂરી છે કે એક બટન દબાવવાથી પરમાણુ હથિયાર લૉન્ચ થઈ જાય અને હથિયારો વિનાશ વેરવાનું શરૂ કરી દે?

અને જો એવું થાય છે તો શું ટ્રમ્પ પાસે ખરેખર એક પરમાણુ બટન છે?

પરમાણુ હથિયારને લૉન્ચ કરવું એ રિમોટ પર બટન દબાવીને ચેનલ બદલવા જેવું કામ નથી. આ પ્રક્રિયા ખૂબ જટીલ છે.

રસપ્રદ વાત એ છે કે તેમાં 'બિસ્કિટ' અને 'ફૂટબૉલ' જેવી વસ્તુઓનાં નામો પણ સામેલ છે.

એટલે કે 'ન્યૂક્લિઅર બટન' ભલે જાણીતો શબ્દ હોય, પરંતુ એ વાત પણ સાચી છે કે ટ્રમ્પ માત્ર એક બટન દબાવીને પરમાણુ હથિયાર છોડી શકતા નથી.

તમને આ પણ વાંચવું ગમશે

તો ટ્રમ્પ પાસે શું છે?

ગત વર્ષે 20 જાન્યુઆરીના રોજ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સાથે સેનાના એક અધિકારી લેધર બ્રિફકેસ સાથે હાજર હતા.

શપથ લેતા જ તે સૈન્યકર્મી બ્રિફકેસ સાથે ટ્રમ્પ પાસે જતા રહ્યા હતા.

એ બ્રિફકેસને 'ન્યૂક્લિઅર ફૂટબોલ' કહેવામાં આવે છે. પરમાણુ હથિયારને ફાયર કરવા માટે આ ફૂટબૉલની જરૂર હોય છે.

આ ન્યૂક્લિઅર ફૂટબૉલ હંમેશા રાષ્ટ્રપતિની આસપાસ જ રહે છે.

ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં એક જાણકારે અમેરિકાની ન્યૂઝ ચેનલ CNNને જણાવ્યું હતું કે, "ટ્રમ્પ જ્યારે ગૉલ્ફ રમે છે તો પણ આ 'ફૂટબોલ' નાની ગાડીમાં તેમની પાછળ જ હોય છે."

ન્યૂક્લિઅર ફૂટબૉલ શું છે?

જો કોઈને ક્યારેય આ 'ફૂટબૉલ'ને ખોલીને જોવાનો મોકો મળે તો તેને ખૂબ નિરાશા મળશે.

'ફૂટબૉલ'માં ન તો કોઈ બટન છે અને ન તેમાં હૉલિવુડની ફિલ્મ 'આર્માગેડન'ની જેમ કોઈ ઘડિયાળ લાગેલી છે.

આ 'ફૂટબૉલ'ની અંદર કૉમ્યુનિકેશન ટૂલ્સ અને થોડાં પુસ્તકો છે, જેમાં યુદ્ધની તૈયાર યોજના છે.

આ યોજનાઓની મદદથી તરત જ કોઈ નિર્ણય લઈ શકાય છે.

બિસ્કિટ શું છે?

બિસ્કિટ એક કાર્ડ હોય છે જેમાં કેટલાક કોડ હોય છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ હંમેશા આ કોડ પોતાની પાસે રાખવા પડે છે. એ 'ફૂટબૉલ'થી અલગ હોય છે.

જો રાષ્ટ્રપતિએ પરમાણુ હુમલો કરવા આદેશ આપવો હોય, તો તેઓ એ કોડનો જ ઉપયોગ કરીને અમેરિકી સેના સમક્ષ પોતાની ઓળખ છતી કરે છે.

રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ એબીસી ન્યૂઝે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે, ' આપ 'બિસ્કિટ' મળ્યાં બાદ કેવું અનુભવો છો?'

ટ્રમ્પે જવાબ આપ્યો હતો કે, "જ્યારે હું જણાવીશ કે બિસ્કિટ શું છે અને તેનાથી કેવી રીતે વિનાશ સર્જાઈ શકે છે, ત્યારે તમને તેની ગંભીરતા સમજાશે. આ ખૂબ જ ખતરનાક છે."

જ્યારે ''બિસ્કિટ્સ' ખોવાઈ ગયાં

પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના પૂર્વ સહયોગી રૉબર્ટ "બઝ" પૈટરસને જણાવ્યું હતું કે 'ક્લિન્ટને એક વખત કોડ ખોઈ નાખ્યા હતા.'

પૈટરસનના જણાવ્યા અનુસાર, "ક્લિન્ટન બિસ્કિટને પોતાના ક્રેડિટ કાર્ડ સાથે રબરબેન્ડ લગાવીને, પેન્ટના ખિસ્સામાં રાખતા હતા.

"જે સવારે મોનિકા લેવિન્સ્કીનો મામલો સામે આવ્યો, ક્લિન્ટને જણાવ્યું કે તેમને ખબર નથી કે કોડ ક્યાં રાખ્યો છે."

સેનાના વધુ એક અધિકારી હ્યૂ શેલ્ટને પણ જણાવ્યું કે રાષ્ટ્રપતિ મહિનાઓ સુધી પોતાનો કોડ ભૂલી જતા હતા.

રાષ્ટ્રપતિ પરમાણુ હથિયાર કેવી રીતે લૉન્ચ કરે છે?

પરમાણુ હથિયાર માત્ર રાષ્ટ્રપતિ લૉન્ચ કરી શકે છે. કોડની મદદથી સેના સમક્ષ પોતાની ઓળખ પુરવાર કરી રાષ્ટ્રપતિ જૉઇન્ટ-ચીફ-ઑફ સ્ટાફના ચેરમેનને આદેશ આપે છે.

ચેરમેન અમેરિકી સેનાના સૌથી મોટા અધિકારી હોય છે.

ત્યારબાદ આ આદેશ નેબ્રાસ્કાના ઑફટ એરબેઝમાં બનેલા સ્ટ્રેટજિક કમાન્ડના મુખ્યાલય પાસે જાય છે.

ત્યાંથી આ આદેશ ગ્રાઉન્ડ ટીમોને મોકલવામાં આવે છે. (તે સમુદ્રની વચ્ચે અથવા તો પાણીની અંદર ગમે ત્યાં હોઈ શકે છે.)

પરમાણુ હથિયારને ફાયર કરવાના આદેશ કોડના માધ્યમથી આપવામાં આવે છે. આ કોડ લૉન્ચ ટીમ પાસે સુરક્ષિત રાખેલા કૉડ સાથે મળતા હોવા જોઈએ.

આદેશનો અનાદર થઈ શકે છે?

રાષ્ટ્રપતિ અમેરિકી સેનાઓના કમાન્ડર-ઇન-ચીફ હોય છે. એટલે કે સેનાએ તેમનો આદેશ માનવો પડે છે.

પરંતુ તેનો ક્યાંક વિરોધ પણ થાય છે.

40 વર્ષોમાં પહેલી વખત ગત વર્ષે નવેમ્બરમાં કોંગ્રેસે રાષ્ટ્રપતિના પરમાણુ હથિયારને લૉન્ચ કરવાના અધિકારની તપાસ કરી હતી.

તેમાં 2011-13માં અમેરિકી સ્ટ્રેટેજિક કમાન્ડના કમાન્ડર રહી ચૂકેલા સી રૉબર્ટ કેહલર પણ સામેલ હતા.

તેમણે તપાસ કમિટીને કહ્યું હતું કે તેઓ ટ્રેનિંગના આધારે રાષ્ટ્રપતિના પરમાણુ હથિયાર લૉન્ચ કરવાનો આદેશ કાયદા પ્રમાણે હોય તો જ માન્યો હોત.

તેમણે જણાવ્યું, "કેટલીક સ્થિતિઓમાં હું કહી શકતો હતો કે હું તૈયાર નથી."

એક સેનેટરે પૂછ્યું કે, "ત્યારબાદ શું થતું?" ત્યારે કેહલરે કહ્યું, "ખબર નહીં."

તેના જવાબમાં કમિટીના સભ્યો હસી પડ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો