કિમ જોંગ-ઉન, મારી પાસે વધારે મોટું પરમાણુ બટન છે: ડોનાલ્ડ ટ્રમ્પ

'જો તું શેર છે, તો હું સવા શેર.' આવી સ્થિતિ થઈ રહી છે, ઉત્તર કોરિયા અને અમેરિકાના વડાઓ વચ્ચે. એકના હાકલા પડકારાની સામે બીજાની દમદાટી આવી રહી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉનને વધુ આક્રમક ભાષામાં જવાબ આપ્યો છે.

જ્યારે કિમ જોંગ-ઉને કહ્યું કે, તેમના ટેબલ પર જ પરમાણુ બોમ્બનું બટન છે, તો તેના જવાબમાં ટ્રમ્પે ટ્વિટર પર લખ્યું કે, "કિમ જોંગને કોઈ કહો કે એક પરમાણુ બટન મારી પાસે પણ છે અને મારું બટન કામ પણ કરે છે."

તમને આ વાંચવું પણ ગમશે:

આ પહેલા નવા વર્ષની શરૂઆતમાં જ કિમ જોંગ-ઉને અમેરિકાને ચેતવણી આપતા કહ્યું હતું કે, પરમાણુ બોમ્બ લોન્ચ કરવાનું બટન હંમેશા તેમની ડેસ્ક પર જ રહે છે, એટલે કે 'અમેરિકા ક્યારેય યુદ્ધ શરૂ નહીં કરી શકે.'

આ ચેતવણીના બે દિવસ બાદ ટ્રમ્પે ટ્વીટ કર્યું, "ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉને કહ્યું છે કે, તેમની ડેસ્ક પર હંમેશા એક ન્યૂક્લિઅર બટન જ રહે છે. તેમના નબળા અને ભોજન માટે ટળવળી રહેલા સામ્રાજ્યમાંથી કોઈ તેમને કહો કે મારી પાસે પણ એક પરમાણુ બટન છે જે તેમના બટનથી ખૂબ મોટું અને શક્તિશાળી છે. અને મારું પરમાણુ બટન કામ પણ કરે છે."

શું કહ્યું હતું કિમ જોંગ-ઉને?

કિમ જોંગ-ઉને પોતાના ભાષણમાં કહ્યું હતું કે, સમગ્ર અમેરિકા ઉત્તર કોરાના પરમાણુ હથિયારોની પહોંચમાં છે અને "તે ધમકી નહીં, વાસ્તવિકતા છે."

ઉત્તર કોરિયા પર સંખ્યાબંધ મિસાઇલ પરીક્ષણો અને પરમાણુ કાર્યક્રમને કારણે વિવિધ પ્રકારના પ્રતિબંધો લાગેલા છે.

વિશ્વના ઘણા રાષ્ટ્રોએ ઉત્તર કોરિયાથી અંતર રાખ્યું છે, પરંતુ તેની દરકાર કર્યા વિના ઉત્તર કોરિયા છ ભૂમિગત પરમાણુ પરીક્ષણ કરી ચૂક્યો છે.

નવેમ્બર 2017માં ઉત્તર કોરિયાએ હવાસોંગ-15 મિસાઇલનું પરીક્ષણ કર્યું. આ મિસાઇલ 4 હજાર 475 કિલોમીટર સુધી પહોંચી જે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનથી પણ દસ ગણું વધુ ઊંચાઈ છે.

કિમ જોંગ-ઉને પોતાના ભાષણમાં તેમની શસ્ત્ર નીતિનો ઉલ્લેખ પણ કર્યો હતો.

તેમના જણાવ્યા અનુસાર, "ઉત્તર કોરિયાને મોટાં પ્રમાણમાં પરમાણુ શસ્ત્રો અને બેલિસ્ટિક મિસાઈલ બનાવવાં જોઈએ અને તેમને ગોઠવવાનું કામ ઝડપથી કરવું જોઈએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો