પાકિસ્તાન વિરૂદ્ધ અમેરિકાના કડક વલણનો ભારતને કેટલો ફાયદો મળશે?

પાકિસ્તાન પર આતંકવાદીઓને આશરો આપવાનો આરોપ લગાવતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવા વર્ષના પહેલા જ દિવસે પાકિસ્તાનને મળતી નાણાંકીય મદદ પર સવાલ ઉઠાવ્યા હતા.

તેમણે પાકિસ્તાનને દગાબાજ અને જૂઠું ગણાવ્યું હતું.

ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું, "અમેરિકાએ છેલ્લા 15 વર્ષોમાં પાકિસ્તાનને 33 અબજ ડોલર કરતા પણ વધારે મદદ કરી છે."

"તેના બદલામાં પાકિસ્તાને અમેરિકાના નેતાઓ મૂર્ખ છે એમ માનીને જૂઠ અને છળ સિવાય બીજું કંઈ આપ્યું નથી."

"અમે અફઘાનિસ્તાનના જે આતંકીઓને શોધી રહ્યા છીએ, તેમને પાકિસ્તાને આશરો આપ્યો છે. બસ, હવે નહીં."

તમને આ વાંચવું પણ ગમશે:

અમેરિકી રાષ્ટ્રપતિના આ ટ્વીટ પર પાકિસ્તાને પણ પ્રતિક્રીયા આપી હતી.

શું કહે છે, પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફે પોતાના ટ્વીટમાં કહ્યું કે જલદી રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટ્વીટનો જવાબ આપવામાં આવશે.

તેમણે કહ્યું, "અમે દુનિયાને સત્યતા જણાવી દઈશું. તથ્યો અને કલ્પના વચ્ચે તફાવત બતાવી દઈશું."

ભારતને શું ફાયદો?

પાકિસ્તાન મામલે અમેરિકાના આ વલણ બાદ કૂટનીતિક સ્તરે શું ભારતને ફાયદો મળી શકે છે ? અને જો હા, તો કેટલો ફાયદો અને કેવી રીતે?

આ જ સવાલોનો જવાબ શોધવા માટે બીબીસી સંવાદદાતા બ્રજેશ મિશ્રએ યુદ્ધ-નીતિવિષયક મામલાના જાણકાર સુશાંત સરીન સાથે વાતચીત કરી. વાંચો તેમનો દૃષ્ટિકોણ.

ભારતને એ ફાયદો ચોક્કસ પહોંચી શકે છે કે પાકિસ્તાન પર આતંકવાદ પર નિયંત્રણ લાવવા દબાણ વધી શકે છે.

અમેરિકા તરફથી પાકિસ્તાન પર જે દબાણ બની રહ્યું છે તેનું અસલ મૂળ અફઘાનિસ્તાન છે.

અમેરિકાનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરૂદ્ધ તેમનું સૈન્ય અભિયાન એ માટે સફળ નથી થઈ રહ્યું, કેમ કે પાકિસ્તાન ગુપ્ત રીતે આ આતંકવાદીઓને મદદ કરે છે.

પરંતુ 'ગુડ અને બેડ ટેરરિસ્ટ'ની જે પરિભાષા પાકિસ્તાન અત્યાર સુધી સમજાવતું આવી રહ્યું છે, તે હવે આગળ નહીં ચાલે.

જો પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠનો પર નિયંત્રણ મૂકે અને તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરે તો તે ભારત અથવા તો કાશ્મીરમાં સક્રિય સંગઠનોને આતંકવાદ ફેલાવવાની છૂટ ન આપી શકે.

ભારત સતત દુનિયાને જણાવી રહ્યું છે કે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો ભારતની જમીન પર આતંક ફેલાવે છે.

એટલું જ નહીં, ભારતે પાકિસ્તાન સાથે સીધી વાતચીતની પણ એ શરત મૂકી છે કે પહેલા પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને આશરો આપવાનું બંધ કરે.

હવે પાકિસ્તાન અમેરિકાના કહેવાથી અથવા તેના દબાણમાં, ભારત ઇચ્છે છે એ તમામ પગલાં લેવાનું શરૂ કરી દે, તો બન્ને દેશો વચ્ચે સંવાદ ન થવાની મોટી મુશ્કેલી ટળી જશે અને સંબંધ સુધરી શકે.

કેવી હશે પાકિસ્તાનની પ્રતિક્રિયા?

હું માનું છું કે એ પાકિસ્તાન પર પણ નિર્ભર કરે છે કે તે ટ્રમ્પની વાતને કેવી રીતે માને છે.

ફંડીંગ જ એકમાત્ર એવી વસ્તુ નથી, જેનાંથી પાકિસ્તાન આ કાર્યવાહી કરવા મજબૂર થઈ જાય.

પાકિસ્તાન પોતાનો બચાવ કરશે, આરોપોને નકારશે અને અમેરિકાને લલકારી પણ શકે છે કે તમે ફંડ રોકી દો, અમે તેના વગર પણ જીવીત રહી શકીએ છીએ.

જો આ એક ચેતવણી છે અને અમેરિકાનું આ પહેલું પગલું છે તો એ માની શકાય છે કે આગળ આ પ્રકારના બીજા પગલાં પણ ઉઠાવવામાં આવશે અને તેનાથી પાકિસ્તાનની ડગમગતી અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડશે.

તેવામાં પાકિસ્તાને એ વિચારવું પડશે કે તે ઘાસ ખાવા તૈયાર છે.

બીજી વસ્તુ તેમણે વિચારવી પડશે કે તાલિબાન અને આતંકવાદ મામલે તેમની નીતિ શું છે.

શું તે દુનિયાની મજબૂત અર્થવ્યવસ્થાઓ અને બીજા દેશો સાથે પોતાના સંબંધ જાળવી રાખવા માગે છે કે પછી તાલિબાન જેવા એક મધ્યકાલીન વિચાર અને આતંકવાદી સંગઠનો સાથે સંબંધ જાળવી રાખવામાં તેને રસ છે.

પાકિસ્તાને આ મામલે નિર્ણય લેવો પડશે. તેના માટે અમેરિકાએ હજુ બે-ચાર પગલાં ઉઠાવવા પડશે.

અમેરિકાનો શું સ્વાર્થ છે?

અમેરિકા પાકિસ્તાન મામલે જે પગલાં ઉઠાવી રહ્યું છે, તે પોતાના હિતો માટે કરી રહ્યું છે.

અમેરિકાએ પાકિસ્તાનને જે ફંડ આપ્યું છે તેના બદલે આશા હતી કે તે આતંકવાદી સંગઠનો વિરૂદ્ધ કાર્યવાહી કરશે. પણ એવું થયું નહીં.

એ વાત યાદ રાખવી પડશે કે અમેરિકા પોતાના હિત માટે જ પગલાં ઉઠાવશે.

તેનો ફાયદો જો ભારતને પહોંચે છે તો તે માત્ર સંયોગની વાત હશે.

કેટલીક વસ્તુઓમાં ભારત અને અમેરિકાના હિત એક જેવા છે જ્યાં તાલમેલ બેસાડવામાં આવે તો ભારતને ફાયદો મળી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો