You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટ્ર્મ્પના ટ્વીટ બાદ પાકિસ્તાની મીડિયામાં શું છે ચર્ચા?
- લેેખક, વસીમ મુસ્તાક
- પદ, બીબીસી મૉનિટરીંગ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવાર (1 જાન્યુઆરી, 2018)ના રોજ પાકિસ્તાનને અપાતી નાણાકીય મદદને મૂર્ખતાપૂર્ણ નિર્ણય ગણાવ્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર પાકિસ્તાનની સરકારે કડક વિરોધ દર્શાવ્યો છે. તો આ તરફ પાકિસ્તાની મીડિયામાં પણ આ અંગે પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
ઉર્દૂ મીડિયાએ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર ચિંતા વ્યક્ત કરી છે.
નવા વર્ષના પ્રથમ દિવસે જ ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું, "અમેરિકાએ છેલ્લા 15 વર્ષોમાં પાકિસ્તાનને 33 અબજ ડોલર કરતા પણ વધારે મદદ કરી છે."
"તેના બદલામાં પાકિસ્તાને અમેરિકાના નેતાઓ મૂર્ખ છે એમ માનીને જૂઠ અને છળ સિવાય બીજું કંઈ આપ્યું નથી."
તમને આ પણ વાંચવું ગમશે
"અમે અફઘાનિસ્તાનના જે આતંકીઓને શોધી રહ્યા છીએ, તેમને પાકિસ્તાને આશરો આપ્યો છે. બસ, હવે નહીં."
ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટ મામલે ઉર્દૂ ટીવી પર ખૂબ ચર્ચાઓ ચાલી. તેમાં જોવા મળ્યું કે વિશ્લેષકો માને છે કે ટ્રમ્પનું આ ટ્વીટ અમેરિકાની નવી પૉલિસીમાં પરિવર્તિત થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમાચારપત્રોમાં છપાયેલા રિપોર્ટ અનુસાર પાકિસ્તાન ફરી અમેરિકા સાથે પોતાના સંબંધોની સમીક્ષા કરી કડક વલણ અપનાવી શકે છે.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, પાકિસ્તાન રાજકીય જૂથ સમક્ષ આતંકવાદ વિરોધી યુદ્ધમાં પોતાના ત્યાગ અને ભોગને પ્રકાશિત કરશે.
અને જો અમેરિકા પાકિસ્તાનને આપવામાં આવતી મદદ ઘટાડે છે અથવા તો રોકે છે, તો પાકિસ્તાન અમેરિકા સાથે પોતાના સંબંધો પર ફરી નજર ફેરવશે.
પાકિસ્તાનના વિદેશ વિભાગે અમેરિકી રાજદૂત ડેવિડ હેલને સમન્સ પાઠવ્યા છે અને ટ્રમ્પના ટ્વીટ મામલે વિરોધ વ્યક્ત કર્યો છે.
અમેરિકાની વિદેશનીતિમાં ધરખમ ફેરફાર
ટીવી એન્કર મોહમ્મદ જુનૈદે પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફ સાથે ટ્રમ્પના ટ્વીટ મામલે વાત કરી હતી.
ખ્વાજા આસિફે આ વાતચીતમાં જણાવ્યું હતું કે અમેરિકાએ પાકિસ્તાનને કોઈ મદદ નથી કરી અને પાકિસ્તાનને અમેરિકાની મદદથી જરૂર પણ નથી.
'જિઓ ટીવી' પર પ્રસારિત થનારા કાર્યક્રમ "આજ શાહઝેબ ખાનઝાદા કે સાથ"માં ખ્વાજા આસિફે કહ્યું હતું કે પાકિસ્તાને અમેરિકાને સેવાઓ આપી હતી તેના બદલામાં અમેરિકાએ તેને ફંડ આપ્યું હતું.
પાકિસ્તાની પત્રકાર તલત હુસૈને આ જ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આ ધમકીઓ કોઈ નવી વાત નથી, પણ હવે એવું લાગે છે કે અમેરિકા આ ધમકીઓને પૉલિસી તરીકે દર્શાવી રહ્યું છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે આ વાત પાછળ કોઈ યોજના ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે કેમ કે નવા વર્ષના પ્રારંભ પર જ આ ટ્રમ્પનું પહેલું ટ્વીટ હતું.
"દુનિયા કમરાન ખાન કે સાથ" નામના કાર્યક્રમમાં ટીવી એન્કર મસૂદ રઝાએ પણ એ વાત પર ધ્યાન દોર્યું કે ટ્રમ્પે પોતાના નવા વર્ષની શરૂઆત પાકિસ્તાન વિરોધી ટ્વીટ કરીને કરી.
'દુનિયા ટીવી' ચેનલ પર વૉશિંગટન સ્થિત વિશ્લેષક મોઇદ યુસુફે જણાવ્યું કે આ મામલે પાકિસ્તાને સાવધાનીપૂર્વક પ્રતિક્રિયા આપવી જોઈએ. અને એ પણ જોવાની જરૂર છે કે શું આ ટ્વીટ પૉલિસીમાં પરિવર્તિત થાય છે કે નહીં.
આ તરફ 'ARY ન્યૂઝ' પર "ઑફ ધ રેકોર્ડ" નામના શોમાં એન્કર કાશિફ અબ્બાસીએ કહ્યું કે ટ્રમ્પના નિવેદને પાકિસ્તાનીઓને ચિંતામાં મૂકી દીધા છે.
અમેરિકામાં પાકિસ્તાનના પૂર્વ રાજદૂત રહી ચૂકેલા શેરી રહેમાને કહ્યું કે આ કોઈ વ્યક્તિએ આપેલું સામાન્ય નિવેદન નથી, પણ અમેરિકાની વિદેશનીતિમાં ફેરફાર થઈ રહેવાની નિશાની છે.
'ગંભીર ખતરો'
ટીવી કાર્યક્રમ 'રિપોર્ટ કાર્ડ'માં વિશ્લેષક હસન નિસારે કહ્યું, "આ આપણી હિંમત અને પાકિસ્તાન- ચીનની મિત્રતાની પરીક્ષા છે."
'જિઓ ન્યૂઝ' પર પ્રસારિત થયેલા કાર્યક્રમમાં હસન નિસારે કહ્યું હતું કે ટ્રમ્પના નિવેદનની અવગણના ન કરી તેને ગંભીરતાથી લેવું જોઈએ.
તો રાજકીય વિશ્લેષક ઇમ્તિયાઝ આલમે કહ્યું કે આ માત્ર એક ટ્વીટ નથી, આ એક ગંભીર ખતરો છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે પાકિસ્તાને અફઘાન- તાલિબાન મામલે પોતાની પૉલિસી પર ફરી એક વખત નજર ફેરવવી જોઈએ.
દૈનિક સમાચારપત્ર 'દુનિયા'માં પણ લેખ પ્રકાશિત થયો છે કે જેમાં લખવામાં આવ્યું છે કે અમેરિકાએ ઉશ્કેરણીજનક નિવેદનો આપવાથી બચવું જોઈએ કેમ કે તેનાથી પાકિસ્તાનના લોકોને ગુસ્સો આવે છે.
આ લેખમાં એવી સલાહ પણ આપવામાં આવી છે કે આ ટ્વીટ મામલે પાકિસ્તાને રાજકીય યુદ્ધ છેડવાની જરૂર નથી. ઇસ્લામાબાદે વિનમ્રતાપૂર્વક વૉશિંગટન સાથે વાત કરવી જોઈએ.
'ઉમ્મત'માં છપાયેલા એક લેખ અનુસાર પાકિસ્તાને અમેરિકા દ્વારા લેવામાં આવતા સંભવિત પગલાં વિરૂદ્ધ યોજના બનાવી લીધી છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જો અમેરિકા પાકિસ્તાનને મદદ આપવાનું બંધ કરી દે, તો પાકિસ્તાન ચીન અને સાઉદી અરેબિયા પાસે મદદ માગશે.
તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો પાકિસ્તાન પર હુમલો કરવા અમેરિકા ભારતનો ઉપયોગ કરે છે, તો પાકિસ્તાન યોગ્ય પ્રતિક્રિયા આપવા માટે તૈયાર છે.
અફઘાન મીડિયાએ કર્યું ટ્રમ્પના નિવેદનનું સ્વાગત
આ તરફ અફઘાનિસ્તાનના સમાચારપત્ર 'ડારી'એ ટ્રમ્પના નિવેદનનું સ્વાગત કર્યું છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પના નિવેદનથી એવી આશા જાગી છે કે પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપવાના મામલે ફરી વિચાર કરશે.
અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઈએ પણ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને સમર્થન આપ્યું છે.
અફઘાનિસ્તાનના સમાચારપત્ર 'એતિલાત-એ-રોઝ'માં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પના ટ્વીટે પાકિસ્તાનની અસાધારણ રીતે નિંદા કરી છે.
આ ટ્વીટથી એવી આશા જાગી છે કે નવા વર્ષમાં પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય આતંકવાદને પ્રોત્સાહન આપતા પહેલા ફરી વિચાર કરશે.
ખાનગી સમાચારપત્ર 'ધ ડેઇલી અફઘાનિસ્તાન'માં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પની પાકિસ્તાન વિરોધી કઠોર અને અસાધારણ ટિપ્પણી પાકિસ્તાન માટે અમેરિકાની પૉલિસીમાં ગંભીર બદલાવની નિશાની સાબિત થઈ શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો