ઓસામા બિન લાદેનના પૌત્રની હત્યા

    • લેેખક, બીબીસી મોનિટરિંગ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ચરમપંથી સંગઠન અલ-કાયદાના એક જેહાદી સમર્થકે ઓસામા બિન લાદેનના 12 વર્ષના પૌત્ર ઓસામા હમજા બિન લાદેનની હત્યાની જાણકારી આપી છે.

અલ-કાયદાના ઑનલાઇન સમર્થકોમાં આ વિશેનો પત્ર શેર કરાઈ રહ્યો છે. જેને હમજા બિન લાદેને લખ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

એક હાઈ-પ્રોફાઇલ ઑનલાઇન જેહાદી અલ-વતીક બિલ્લાહે 31 ડિસેમ્બરના રોજ મેસેજિંગ એપ ટેલિગ્રામ પર ઓસામા બિન લાદેનના પૌત્રના મરવાની ખબર આપી હતી.

જે બાદથી હાઈ-પ્રોફાઇલ અલ-કાયદા ઇનસાઇડર શાયબત-અલ-હુકમા સહિત કેટલાય અન્ય મુખ્ય અલ-કાયદા સમર્થકોએ પણ ટેલિગ્રામ પર આ ખબર શેર કરી હતી.

અલ-વતીકે ઓસામા બિન લાદેનના પૌત્રના મૃત્યુની તારીખ નથી કહી.

પરંતુ એક બીજા અલ-કાયદા સમર્થક અબુ-ખલ્લાદ અલ-મુહનદીસે કહ્યું છે કે તેની હત્યા રમઝાન મહિનામાં થઈ હતી. જે 26 મેથી 24 જૂન સુધીનો હતો.

અબુ-ખલ્લાદ અલ-મુહનદીસે આ પૌત્રની મા અને પરિવારને લખાયેલો એક પત્ર રજૂ કર્યો છે.

જેને કથિત રીતે હમજા બિન લાદેને લખ્યો હોવાનું મનાય છે.

આ પત્રમાં હમજા બિન લાદેને કહ્યું છે કે આ બાળક હંમેશાં એક શહીદની જેમ મરવા માંગતો હતો.

વર્ષ 2011માં ઓસામા બિન લાદેનનાં મૃત્યુ વખતે પણ તે ઘણો દુઃખી હતો.

હમજા બિન લાદેને કથિત રીતે પોતાના ભત્રીજાઓને ઓસામા બિન લાદેન, ઓસામા હમજા બિન લાદેન અને પોતાના ભાઈઓની હત્યાઓનો બદલો લેવા માટે જેહાદ કરવાની અપીલ કરી છે.

અલ-વતીક લાંબા સમયથી ઑનલાઇન જેહાદી છે. અલ-કાયદા સાથે જોડાયેલી તેની જાણકારીઓને ભરોસાલાયક ગણવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો