‘ઝીરો’ ફિલ્મ માટે શાહરુખ ખાન કઈ ટેકનિકની મદદથી બન્યા ઠિંગુજી?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

શાહરુખ ખાનની ફિલ્મ 'ઝીરો' શુક્રવારે રિલીઝ થઈ, જેમાં તેઓ ઠિંગુજીનું પાત્ર ભજવી રહ્યા છે.

ફિલ્મ વિશ્લેષક તરણ આદર્શના કહેવા પ્રમાણે, ફિલ્મે એક દિવસમાં રૂ. 20 કરોડ 14 લાખનો વકરો કર્યો છે, જે અપેક્ષા કરતાં ઓછું છે.

ફિલ્મ માટે આગામી બે દિવસનો વકરો વધુ મહત્ત્વપૂર્ણ બની રહેશે.

ફિલ્મના વકરાની વચ્ચે લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શાહરુખ ખાનની હાઇટને કઈ રીતે ઓછી કરીને દેખાડવામાં આવી, અથવા તો તે માટે કઈ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ ફિલ્મના ટ્રેલર લોન્ચ વખતે શાહરુખે જણાવ્યું હતું કે આ પાત્ર માટે ઍડવાન્સ્ડ વિઝ્યૂઅલ ઇફેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમાં બે વર્ષનો સમય લાગ્યો હતો.

આનંદ એલ. રાયની આ ફિલ્મમાં અનેક પ્રકારના વિઝ્યૂઅલ ઇફેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એ કામ શાહરુખની કંપની રેડ ચિલિઝ વીએફએક્સે કર્યું છે.

ફિલ્મોમાં વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (વીએફએક્સ) મારફત પાત્રોને નાનાં-મોટાં દર્શાવવામાં આવતાં રહ્યાં છે.

'જાનેમન' ફિલ્મમાં અનુપમ ખેર અને 'અપ્પુ રાજા'માં કમલ હાસન ઠિંગુજીનું પાત્ર ભજવી ચૂક્યા છે.

એ ઉપરાંત હોલીવૂડની અનેક ફિલ્મોમાં પણ પાત્રોને ઠીંગણા દેખાડવા માટે ઈફેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવતો રહ્યો છે.

તેમાં એકથી વધુ લોકોને ઠીંગણા દર્શાવવામાં આવ્યા હતા.

ફિલ્મોમાં ઠીંગણા પાત્રો દર્શાવવા માટે કેટલીક ખાસ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે.

એ ટેકનિક વિશે જાણવાનું રસપ્રદ થઈ પડશે.

આપને આ પણ વાંચવું ગમશે

ફોર્સ્ડ પરસ્પેક્ટિવ

આ ટેકનિકમાં ઑપ્ટિકલ ઈલ્યુઝન (દૃષ્ટિ ભ્રમણા)ની મદદ વડે કોઈ પણ વસ્તુને નાની, મોટી, પાસે કે દૂર દર્શાવી શકાય છે.

કોઈની હથેળીમાં ઊંચી ઇમારત જોવા મળે એવું આ ટેકનિકને લીધે શક્ય બને છે. તેમાં ઇમારત નાની જોવા મળે છે, જ્યાર હથેળીનો આકાર સામાન્ય હોય છે.

શાહરુખને પણ આ ફિલ્મમાં એ ટેકનિકનો ઉપયોગ કરીને તેની આસપાસના લોકો તથા વસ્તુઓ કરતાં નાનો દેખાડી શકાય છે.

વિદેશી નિષ્ણાતોની મદદ

શાહરુખની ફિલ્મ માટે વિદેશથી નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

હોલીવુડની 'ધ હોબિટ' અને 'લૉર્ડ ઑફ ધ રિંગ્ઝ' જેવી ફિલ્મોમાં પણ આ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ઘણાં લોકોનું કદ તેમના વાસ્તવિક કદ કરતાં નાનું દર્શાવવામાં આવ્યું હતું.

'લૉર્ડ ઑફ ધ રિંગ્ઝ'માં નાનાં અને મોટાં પાત્રોનું શૂટિંગ ખાસ રીતે કરવામાં આવ્યું હતું.

બન્ને પ્રકારનાં કદના લોકોનું શૂટિંગ અલગ-અલગ કરવામાં આવ્યું હતું. પછી એ દૃશ્યોને એકમેકની સાથે મિક્સ કરવામાં આવ્યાં હતાં.

ક્રોમા કી ટેકનિક

આ પ્રકારના ફિલ્મોમાં ક્રોમા કી ટેકનિકનો ઉપયોગ પણ કરવામાં આવે છે.

આ ટેકનિકમાં ગ્રીન સ્ક્રીનમાં સીન શૂટ કરીને તેનું બેકગ્રાઉન્ડ બદલી શકાય છે.

શાહરુખ ખાને 'ઝીરો'નું ટ્રેલર લૉન્ચ કરતાં પહેલાં ફિલ્મના શૂટિંગનો એક ફોટોગ્રાફ ટ્વીટ કર્યો હતો.

ફિલ્મનું શૂટિંગ ગ્રીન સ્ક્રીન સાથે કરવામાં આવ્યું હોવાનું એ ફોટોગ્રાફને જોતાં જાણવા મળે છે.

બે વર્ષ કરી મહેનત

ટ્રેલર લૉન્ચની પત્રકાર પરિષદમાં શાહરુખ ખાને કહ્યું હતું કે ''આ ઘણી મુશ્કેલ ફિલ્મ હતી. તેને બનાવવામાં બે વર્ષ લાગ્યાં છે.''

શાહરુખે ઉમેર્યું હતું, ''બે બાબતનો મને ગર્વ છે. આ વિશ્વની સૌથી ઍડવાન્સ્ડ વિઝ્યૂઅલ ઇફેક્ટવાળી ફિલ્મ છે. તેથી તેમાં વધુ સમય લાગ્યો હતો.''

''આવી ફિલ્મો વારંવાર બનતી નથી. વિઝ્યૂઅલની દૃષ્ટિએ આ હેવી ફિલ્મ છે. તેમાં ઘણો ખર્ચ પણ થયો છે.''

આ ફિલ્મમાં શાહરુખ ખાન સાથે અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ પણ મુખ્ય ભૂમિકામાં છે.

ફિલ્મમાં શાહરુખનું પાત્ર ઘણું દિલચસ્પ હોવાનું ટ્રેલર જોતાં સમજાય છે.

1965ની ફિલ્મ 'જબ-જબ ફૂલ ખીલે'ના 'હમકો તુમ પે પ્યાર આયા' ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 'ઝીરો'માં શાહરુખ એ ગીત પર ડાન્સ કરતો જોવા મળે છે.

ગયા વર્ષે રજૂ થયેલી 'બાહુબલી-2'માં પણ વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ માટે ફિલ્મ બહુ વખણાઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો