પરમાણુ બૉમ્બનું બટન મારા ડેસ્ક પર જ લાગેલું છે : કિમ જોંગ ઉન

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનએ અમેરિકાને ચેતવણી આપી છે.

કિમ ઉન જોંગે કહ્યું છે કે પરમાણુ બૉમ્બ લોંચ કરવાનું બટન હંમેશા તેમના ડેસ્ક પર જ રહે છે એટલે કે 'અમેરિકા ક્યારેય યુદ્ધ શરૂ જ કરી શકશે નહીં'.

ટીવી પર પોતાના નવા વર્ષનાં ભાષણમાં કિમ જોંગ ઉને જણાવ્યું કે આખું અમેરિકા ઉત્તર કોરિયાના પરમાણુ હથિયારોની રેન્જમાં છે અને "આ ધમકી નથી વાસ્તવિકતા છે."

જોકે, પાડોશી દેશ દક્ષિણ કોરિયા મામલે કિમ જોંગે થોડું નરમ વલણ અપનાવ્યું.

તેમણે સંકેત આપ્યા કે તેઓ દક્ષિણ કોરિયા સાથે વાતચીત કરવા માટે તૈયાર છે.

કિમ જોંગે જણાવ્યું કે ઉત્તર કોરિયા સિઓલૃમાં યોજાનારા વિન્ટર ઑલિમ્પિકમાં ટીમ મોકલી શકે છે.

તમને આ પણ વાંચવું ગમશે

છ પરમાણુ પરીક્ષણ

ઉત્તર કોરિયા પર ઘણી મિસાઇલોનાં પરીક્ષણ તેમજ પરમાણુ કાર્યક્રમના પગલે અલગ અલગ પ્રકારના પ્રતિબંધો લાગ્યા છે.

દુનિયાના ઘણા દેશો એવા છે કે જેમણે ઉત્તર કોરિયા સાથે પોતાના સંબંધો તોડી નાખ્યા છે.

પરંતુ તેની ચિંતા કર્યા વગર ઉત્તર કોરિયા છ અંડરગ્રાઉન્ડ મિસાઇલ પરીક્ષણ કરી ચૂક્યું છે.

નવેમ્બર 2017માં ઉત્તર કોરિયાએ હવાસોંગ-15 મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલ 4,475 કિલોમીટરનું અંતર કાપી શકી હતી.

આ અંતર આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન કરતાં પણ દસ ગણું વધારે છે.

ઉત્તર કોરિયાનો દાવો છે કે તેની પાસે લૉન્ચ માટે તૈયાર પરમાણુ હથિયાર છે.

પરંતુ આંતરરાષ્ટ્રીય સમુદાયમાં એવી ચર્ચા છે કે શું ખરેખર ઉત્તર કોરિયા પાસે એવા હથિયાર છે જેનો તે દાવો કરે છે?

'મોટા પાયે હથિયાર બનાવવા જોઈએ'

નવા વર્ષના અવસર પર આપેલાં ભાષણમાં કિમ જોંગે હથિયારો મામલે પોતાની નીતિ પર ફરી ભાર મૂક્યો હતો.

તેમણે કહ્યું, "ઉત્તર કોરિયાએ ભારે માત્રામાં પરમાણુ હથિયાર અને બેલેસ્ટીક મિસાઇલ બનાવવી જોઈએ. તેમને તહેનાત કરવાનું કામ પણ ઝડપથી થવું જોઈએ."

કિમે આ વર્ષે દક્ષિણ કોરિયા સાથે સંબંધ સુધરવાની આશા વ્યક્ત કરી છે.

2018 ઉત્તર અને દક્ષિણ કોરિયા માટે મહત્ત્વનું વર્ષ છે.

ઉત્તર કોરિયા પોતાના 70 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે અને દક્ષિણ કોરિયા વિન્ટર ઓલિમ્પિકનું આયોજન કરવાનું છે.

દક્ષિણ કોરિયા મામલે વલણ બદલ્યું

ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે સંબંધ સામાન્ય નથી. તેવામાં કિમ જોંગ ઉનના બદલાયેલાં વલણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

કિમ જોંગ ઉને કહ્યું છે કે ફેબ્રુઆરીમાં વિન્ટર ઓલિમ્પિકમાં તેઓ એક ગ્રુપ મોકલવા પર વિચાર કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ કોરિયા કહી ચૂક્યું છે કે આવા કોઈ પગલાંનું સ્વાગત કરવામાં આવશે.

કિમે કહ્યું, "વિન્ટર ઓલિમ્પિકમાં ઉત્તર કોરિયાની ભાગીદારી એકજૂથતા બતાવવા માટે એક સારી તક સાબિત થશે."

"અમે પ્રાર્થના કરીએ છીએ કે આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થાય."

પાડોશી દેશ વિશે વાત કરતા કિમ જોંગે આગળ કહ્યું, "બન્ને કોરિયાઈ દેશોના અધિકારીઓએ સંભાવનાઓની શોધમાં તુરંત મળવું જોઈએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો