BBC SPECIAL : ભારતને કારણે મારા પર કાર્યવાહી થઈ: હાફિઝ સઈદ

    • લેેખક, શફી નકી જામઈ
    • પદ, બીબીસી સંવાદદાતા

પાકિસ્તાની પક્ષ જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઈદે જણાવ્યું છે કે અમેરિકા અને ભારતના દબાણને કારણે તેમના પક્ષ સામે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

કેટલાક રાજકારણીઓ તેમના વિરુદ્ધ પ્રચાર ઝૂંબેશ ચલાવી રહ્યા હોવાનું પણ હાફિઝ સઈદે જણાવ્યું હતું.

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખુર્રમ દસ્તગીર ખાને બીબીસીને જણાવ્યું હતું કે હાફિઝ સઈદના સંગઠન વિરુદ્ધની કાર્યવાહી 'ઓપરેશન રદ્દ-ઉલ-ફસાદ'નો હિસ્સો છે.

આ સંબંધે બીબીસીના સંવાદદાતાએ હાફિઝ સઈદ સાથે વાતચીત કરી હતી.

હાફિઝ સઈદને પૂછવામાં આવ્યું હતું કે 'ઓપરેશન રદ્દ-ઉલ-ફસાદ' તો આતંકવાદીઓ વિરુદ્ધનું છે. પાકિસ્તાન સરકારે જમાત ઉદ દાવાને કટ્ટરપંથી સંગઠન ગણી લીધું છે?

હાફિઝ સઈદે જણાવ્યું હતું કે તેમને આ બાબતે કોઈ નોટિસ આપવામાં આવી નથી કે તેનો કોઈ આધાર પણ નથી.

હાફિઝ સઈદે કહ્યું હતું કે ''અમેરિકાનું દબાણ છે અને ભારત તરફથી આ બધું કરાવવામાં આવી રહ્યું છે. સંરક્ષણ પ્રધાન પણ તેમની ભાષા બોલી રહ્યા છે.''

હાફિઝ સઈદના જણાવ્યા અનુસાર, તેમને અદાલતોએ હંમેશા માનભેર મુક્ત કર્યા છે, પણ કેટલાક રાજકારણીઓ અન્ય કોઈના એજન્ડા મુજબ કામ કરી રહ્યા છે અને તેમના વિરુદ્ધ ઝૂંબેશ ચલાવે છે.

હાફિઝ સઈદે કહ્યું હતું કે ''અમારું વલણ આખી દુનિયા જાણે છે. પેશાવરમાં બાળકો પર હુમલો કરવામાં આવ્યો ત્યારે મદદ માટે સૌથી પહેલાં અમે પહોંચ્યાં હતાં.''

''એ જ રીતે સમગ્ર દેશમાંથી આતંકવાદને ખતમ કરવા માટે અમે સાહિત્ય છાપ્યું હતું. ઠેકઠેકાણે કામ કર્યું હતું.''

''મને ખબર નથી કે આ લોકો ક્યા એજન્ડા પર કામ કરી રહ્યા છે.''

'અમેરિકા સાથે ઝઘડો નથી'

અમેરિકા હાફિઝ સઈદને ડ્રોન હુમલાનું નિશાન બનાવવા ઈચ્છતું હોવાના સમાચાર પ્રકાશિત થયા હતા.

આ સમાચારને હાફિઝ સઈદે ફગાવી દીધા હતા.

તેમણે કહ્યું હતું કે ''અમેરિકા સાથે અમારે કોઈ ઝઘડો કે વિવાદ નથી. અમે કાશ્મીરની વાત જ કરીએ છીએ.''

''અમારા વિરુદ્ધ જે કંઈ છે તે ભારત તરફથી છે. ભારત અમેરિકાને ઉશ્કેરે એ શક્ય છે.''

જમાત ઉદ દાવાના હક્કાની નેટવર્ક સાથેના સંબંધ બાબતે હાફિઝ સઈદને પૂછવામાં આવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે હક્કાની નેટવર્ક અને અફઘાનિસ્તાનની હાલત સાથે જમાત ઉદ દાવાને કોઈ સંબંધ નથી. અલબત, અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી નીકળી જવું જોઈએ.

હક્કાની નેટવર્ક સાથે પોતાના પક્ષનું નામ જોડવા બાબતે હાફિઝ સઈદે કહ્યું હતું કે ''હક્કાનીઓનો પોતાનો મામલો છે. તેઓ અફઘાનિસ્તાનમાં પોતાની આઝાદીની જંગ લડી રહ્યા છે.''

''જે લોકો કાશ્મીરમાં જંગ લડી રહ્યા છે તેમને અમે યોગ્ય માનીએ છીએ.''

''હક્કાની એમ કહેતા હોય કે અમેરિકાએ તે કબજે ન કરવું જોઈએ, કતલ ન કરવી જોઈએ અને પાછા ચાલ્યા જવું જોઈએ તો અમે એ વાત સમજીએ છીએ, પણ તેની સાથે અમારે સંબંધ નથી.''

'ગડબડ કરે છે ભારત-અમેરિકા'

હાફિઝ સઈદે કહ્યું હતું કે ''અમેરિકાને હક્કાની નેટવર્ક સામે વાંધો છે અને ભારતને અમારી સામે વાંધો છે એવું હું માનું છું.''

''ભારત અને અમેરિકા હાથ મિલાવે છે ત્યારે આ ગડબડ કરે છે.''

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને આપવામાં આવતી મદદ બંધ કરવાની જાહેરાત કરી હતી.

આ બાબતે હાફિઝ સઈદે કહ્યું હતું કે પાકિસ્તાને મુશ્કેલ સમયમાં અમેરિકાને મદદ કરી હતી, પણ અફઘાનિસ્તાનમાં પોતાની નિષ્ફળતાનો આરોપ અમેરિકા પાકિસ્તાન પર મૂકી રહ્યું છે.

તેમણે કહ્યું હતું કે ''અમેરિકા અમારા પર આરોપ મૂકી રહ્યું એ વાતનો અફસોસ છે. નિષ્ફળતા તો અમેરિકાને મળી છે.''

''અફઘાનિસ્તાનમાં અમેરિકા નિષ્ફળ રહ્યું એ માટે તે પાકિસ્તાનને જવાબદાર ઠરાવી રહ્યું છે. જે અફસોસજનક છે.''

'કાશ્મીર વિવાદનું નિરાકરણ થવું જોઈએ'

ભારતના પાકિસ્તાન સાથેના સંબંધ બહેતર બને એવું તમે ઈચ્છો છો કે કેમ, એવા સવાલના જવાબમાં હાફિઝ સઈદે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં યુદ્ધથી કોઈ સમસ્યા ઉકલે નહીં.

તેમણે કહ્યું હતું કે ''પાકિસ્તાન-ભારતના સંબંધ સુધરવા જોઈએ, પણ બુનિયાદી કારણ કાશ્મીર છે. એ વિવાદનું નિરાકરણ થવું જોઈએ.''

''અમે એટલું જ કહીએ છીએ. અમારી આ વાત કોઈ સાંભળતું નથી એ અફસોસજનક છે.''

''આજના સમયમાં યુદ્ધથી સમસ્યાઓનું નિવારણ થતું નથી. આ વાત અમે અમેરિકાને જણાવીએ છીએ, ભારતને જણાવીએ છીએ. મંત્રણા, વાતચીત વડે સમસ્યાનું નિરાકરણ કરો.''

''દરેક દેશની પોતાની સમસ્યાઓ છે. યુદ્ધના વાતાવરણનું નિર્માણ થાય, પાકિસ્તાન પર પ્રતિબંધ લાગે એવું અમે જરાય નથી ઈચ્છતા. ભારત-પાકિસ્તાનના સંબંધ સુધરવા જોઈએ.''

ડોનાલ્ડ ટ્રમ્પનાં ટ્વીટ વિશે શું કહ્યું?

હાફિઝ સઈદે જણાવ્યું હતું કે અમેરિકા તેની નિષ્ફળતા માટે પાકિસ્તાનને જવાબદાર ઠરાવી રહ્યું છે.

હાફિઝ સઈદે કહ્યું હતું કે ''નાટોના સભ્ય દેશો અફઘાનિસ્તાનમાં આવ્યા, પાકિસ્તાનમાં આવ્યા. એટલું જ નહીં અમે તો તેમને અમારા થાણાં પણ આપ્યાં''

''કરાચીથી માંડીને ખુર્રમ સુધીના બધા રસ્તાઓ અને બીજું બધું અમેરિકાને હવાલે કર્યું છે.''

''અમે કામ કર્યું તેમ છતાં પાકિસ્તાનમાં જે આતંકવાદી પ્રવૃત્તિ થઈ રહી છે એનો દોરીસંચાર અફઘાનિસ્તાનમાંથી કરાઈ રહ્યો છે.''

''પાકિસ્તાને તથા પાકિસ્તાનના લોકોએ જે ભૂમિકા ભજવી હતી તેની સજા અમે આજે ભોગવી રહ્યા છીએ.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો