ઉત્તર કોરિયા શાંત રહે નહીં તો સૈન્ય કાર્યવાહી થશે: અમેરિકા

ઉત્તર કોરિયા દ્વારા કરાયેલા પરમાણુ પરીક્ષણ પર અમેરિકા એ કડક પ્રતિક્રિયા આપી છે.

અમેરીકી સંરક્ષણ મંત્રી જેમ્સ મૈટિસે કહ્યું છે કે અમેરિકા અને તેમના સહયોગી દેશો પર ઉત્તર કોરિયા તરફથી કોઈપણ ખતરાનો જવાબ સૈન્ય કાર્યવાહીથી આપવામાં આવશે.

જેમ્સે આ વાત ઉત્તર કોરિયા તરફથી થયેલા પરમાણુ બોંબના પરીક્ષણ મામલે અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થયેલી મુલાકાત બાદ કહી હતી. ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે શું અમેરિકા કોરિયા પર હુમલો કરશે.

તો ટ્રમ્પે જવાબ આપ્યો, 'અમે જોઈશું.'

ટ્રમ્પ ચેતવણી આપી ચૂક્યા છે કે તે એવા કોઈપણ દેશ સાથે વ્યાપારી સંબંધો તોડી નાખશે, જે ઉત્તર કોરિયા સાથે વેપાર કરશે. આ પરીક્ષણ ઉશ્કેરણીજનક કાર્યવાહી છે અને અમેરિકા માટે ખતરનાક છે.

વ્હાઈટ હાઉસની બહાર પત્રકારો સાથે વાત કરતા મૈટિસે કહ્યું, અમેરિકા એટલું સક્ષમ છે કે તે પોતાની અને સહયોગી દક્ષિણ કોરિયા તથા જાપાનની રક્ષા કરી શકે.

ઉત્તર કોરિયાએ રવિવારે કહ્યું હતું કે તેણે બૅલેસ્ટિક મિસાઈલ પર લગાવી શકાય તેવો ઉચ્ચકક્ષાનો પરમાણુ બોમ્બ વિકસિત કરી લીધો છે.

ઉત્તર કોરિયાની સરકારી સમાચાર સેવાએ દેશના નેતા કિમ-જોંગ-ઉનની પરમાણુ બોમ્બ નિરીક્ષણ કરતા હોય તેવી તસવીર જાહેર કરી હતી.

ઉત્તર કોરિયા સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવતા ચીને પણ સલાહ આપી છે કે તે એવા કોઈપણ પગલાં ન ભરે જેનાથી પરિસ્થિતિ વધારે વણસી શકે.

પરમાણુ પરીક્ષણ પર ભારતની પ્રતિક્રિયા

આ પરમાણુ પરીક્ષણની ભારત સહિત વિશ્વના અનેક દેશોએ ટીકા કરી છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે ઉત્તર કોરિયાનું આ પગલું કોરિયાઈ પ્રાયદ્વીપને પરમાણુ હથિયારથી મુક્ત કરવાની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાનું ઉલ્લંઘન છે.

આ પરીક્ષણને લઈને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સોમવારે એક ઈમરજન્સી મિટિંગ બોલાવાઈ છે.

પરમાણુ પરીક્ષણને કારણે ભૂકંપ

આ પરમાણુ પરીક્ષણને કારણે ઉત્તર કોરિયામાં ભૂકંપનો આંચકો નોંધવામાં આવ્યો હતો.

અમેરિકાના ભૂસ્તરશાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે 6.3 રિક્ટર સ્કેલની તીવ્રતાનો આ ભૂકંપ પરીક્ષણના ધમાકાને કારણે આવ્યો હતો.

જે વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો ત્યાં ઉત્તર કોરિયા પહેલાં પણ પરમાણુ પરીક્ષણ કરી ચૂક્યું છે.

ઉત્તર કોરિયાના આ પરીક્ષણની વિશ્વભરમાં નિંદા કરવામાં આવી રહી છે. ત્યારે ઉત્તર કોરિયાએ પરમાણુ પરીક્ષણ કરીને સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય દબાવને પડકાર ફેંક્યો છે.