You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'માસિક દરમિયાન હું મંદિરમાં જાઉં છું'
માસિકચક્ર એક એવો શબ્દ છે જે બેઠક રૂમમાં બોલાય તો ઘડિયાળના કાંટા થોભી જાય છે અને ચારેબાજુ મૌન છવાઈ જાય છે. માસિકચક્ર એ કાળી બેગ છે, જે દર મહિને કેમિસ્ટની દુકાનેથી કંઈ લઈને ઘરે આવે છે. આ મૌનના લીધે ઘણી માન્યતાઓ અને ગેરસમજણો પ્રવર્તે છે. બીબીસી ગુજરાતી આજથી શરૂ કરી રહી છે વિશેષ ચર્ચા #LetsTalkPeriods.
આ ચર્ચામાં આજે અમારી સાથે જોડાયાં છે જાણીતાં લેખિકા કાજલ ઓઝા વૈદ્ય.
''માસિક દરમિયાન હું મંદિરમાં જાઉં છું. મારા શરીરનો ધર્મ મને ઇશ્વરે આપ્યો છે. શા માટે ના જાઉં?" જે લોકો માને છે કે માસિકચક્ર દરમિયાન મહિલાઓ અપવિત્ર થઈ જાય છે, એમને મારી સલાહ છે કે તમે સૌથી પહેલાં મંદિરો ચોખ્ખાં કરો.
મને જ્યારે મન થાય, ત્યારે ભગવાન પાસે જાઉં છું. તેમાં મને કોઈ પણ પ્રકારનો અપરાધભાવ થતો નથી.
મારા ઉછેર દરમિયાન મારા ઘરમાં માસિકચક્ર પાળવાની કોઈ જ વ્યવસ્થા મેં જોઈ નથી. મારી મમ્મી, મામી કે ફોઇઓને મેં ક્યારેય માસિકચક્ર વખતે ખૂણામાં બેસતાં જોયા નથી.
બહુ જ યાદ કરું તો મારી એકાદ બહેનપણીનાં મોઢે સાંભળ્યું હતું કે એણે ઘરે જઈને રસોઈ બનાવવી પડે છે કારણ કે એણે એની મમ્મીને અડવાનું નથી.
એ વખતે એ વાત બહુ ગંભીરતાથી લીધી નહોતી. થોડીક મોટી થઈ અને વાંચવાનું શરુ કર્યું ત્યારે આ વિશે ઊંડાણમાં ખબર પડી.
એમાં પણ એવું લાગ્યું કે આપણી સમાજ-વ્યવસ્થામાં મહિલાઓને આરામ બહુ ઓછો મળે છે. એવામાં જો એમને 4-5 દિવસ આ બહાને પણ આરામ મળતો હોય તો ખોટું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમને આ પણ વાંચવું ગમશે
હા, કંતાન પર સૂવાનું, ગાદલા વગર ખાટલામાં સૂવાનું કે પછી એ દિવસોમાં તમને ઘરનાં એક ખૂણામાં પટકી દેવામાં આવે, સાવ અજુગતો વ્યવહાર કરાય એ ખોટું છે.
પ્રાચીન સમયથી જ માસિકચક્ર અને ધાર્મિક માન્યતાઓને એક સાથે જોડી દેવામાં આવી છે, એટલે મહિલાઓનાં મગજમાં આ બાબતે દુવિધા રહે છે.
પરંતુ ખુલ્લા મન અને મગજથી મહિલાઓએ જાતે જ આ વિશે બોલવું પડશે. તો જ સમાજ બદલાશે.
ઇન્ટર્વ્યૂ બાદ ધમકી
લેખિકા કાજલ ઓઝા વૈદ્યે #BBCNewsGujaratiને માસિકચક્ર અંગે આપેલા ઇન્ટરવ્યૂ પર એક ફેસબુક યુઝરે અભદ્ર અને બદનક્ષીપૂર્ણ ટિપ્પણી કરી હતી.
જેની સામે લેખિકા કાજલ ઓઝા વૈદ્યે અમદાવાદ સાયબર સેલમાં ફરિયાદ દાખલ કરાવી છે.
આ ઇન્ટરવ્યૂ બાદ અજ્ઞાત કોલરે ફોન કરી તેમના પુત્રને મારી નાખવાની ધમકી પણ આપી હતી.
કાજલ ઓઝા વૈદ્યે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "ઘણા લોકોને આ ઇન્ટરવ્યૂ પસંદ આવ્યો હતો. જ્યારે બીજા કેટલાકે આની ટીકા પણ કરી હતી.
પરંતુ એક ફેસબુક યુઝરે અભદ્ર અને વાંધાજનક ટિપ્પણી તેની ફેસબુક વોલ પર મૂકી હતી."
ફેસબુક પર અભદ્ર ટિપ્પણી કરનારે કાજલ ઓઝા વૈદ્યની સરખામણી લેખિકા શોભા ડે તથા ગૌરી લંકેશ સાથે કરી, તેઓ હિન્દુ ધર્મ વિરૂદ્ધ કામ કરતાં હોવાનો આરોપ મૂક્યો હતો.
કાજલ ઓઝા વૈદ્યના કહેવા પ્રમાણે, "પોસ્ટ મૂક્યા બાદ વહેલી સવારે 'પ્રાઇવેટ નંબર' પરથી ફોન આવ્યો હતો. કોલરે મને પાપી તથા હિન્દુ ધર્મને બદનામ કરતી હોવાનું કહી, મારા પુત્રની હત્યા કરી નાખવાની ધમકી આપી હતી."
પોલીસે ફેસબુક યુઝર 'Vijaysingh Zala' સામે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ તથા ભારતીય દંડ સંહિતાની અલગલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
સાયબર ક્રાઇમ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એસ ગેડમનું કહેવું છે, "ફેસબુક પાસેથી યુઝરનું આઈપી એડ્રેસ માંગ્યું છે. ઉપરાંત તેની અન્ય ડિજિટલ ફૂટપ્રિન્ટ્સની પણ તપાસ થઈ રહી છે."
કાજલ ઓઝા વૈદ્યે 26 સપ્ટેમ્બરે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, તેમણે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી ત્યારબાદ બે સપ્તાહ જેટલો સમય વીતી ગયો છે.
આમ છતાં પોલીસ હજી સુધી તેમને ધમકી આપનારને પકડી શકી નથી.
બીબીસી ગુજરાતીએ #LetsTalkPeriods શ્રેણી શરૂ કરી છે. જેમાં આ વિષય પર સમાજનાં વિવિધ ક્ષેત્રોની વિખ્યાત હસ્તીઓ પોતાનો અભિપ્રાય આપી રહી છે.
(અર્ચના પુષ્પેન્દ્ર સાથે કરેલી વાતને આધારે)
(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)