You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દૃષ્ટિકોણઃ ‘ભારતનો મુસલમાન કેવો હોવો જોઈએ એ હિંદુઓ નક્કી કરે તે યોગ્ય નથી’
- લેેખક, શેષનારાયણ સિંહ
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
દેશમાં ઉદારમતવાદી રાજકારણ અને ચિંતનનો દાયરો સંકડાઈ ગયો છે, પણ ખતમ થયો નથી. ઉદારમતવાદી બુદ્ધિજીવીઓ પોતાની વાત બહુ સંભાળીને કહી રહ્યા છે એ વાત પણ સાચી છે. જાહેર જીવનમાં ઘટતી ઉદારતા વિશે ચર્ચા સુદ્ધાં કરવાનું મુશ્કેલ બની ગયું છે.
દેશમાં લગભગ 18 કરોડ મુસલમાનો અને એમની સમસ્યાઓ વિશે રાજકીય ચર્ચા કરવાનું કામ એકલા અસદુદ્દીન ઓવૈસી પર છોડી દેવામાં આવ્યું છે.
કોંગ્રેસી હોય કે સમાજવાદી, મુસલમાનોનું નામ લેતાંની સાથે જ બધા કતરાવા લાગે છે પણ પાકિસ્તાન, ઉગ્રવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ અને આતંકવાદના નામે મુસલમાનો પર નિશાન તાકવામાં સૌથી મોખરે હોય છે.
દેશના મુસલમાનો કેવા હોવા જોઈએ, તેમણે કેવા દેખાવું જોઈએ, શું પહેરવું જોઈએ, શું ખાવું જોઈએ વગેરેની ચર્ચામાં આજકાલ દેશના ઘણા ગંભીર બુદ્ધિજીવીઓ સામેલ થઈ ગયા છે.
ગૌમાંસ પર પ્રતિબંધ બાદ હવે ચર્ચા મોટાભાગે તેમની દાઢી અને બુરખા વિશે થવા લાગી છે.
નફરતને રાજકીય પૂંજી બનાવવાના પ્રયાસ વર્ષોથી ચાલતા હતા, જે હવે સફળ થતા દેખાઈ રહ્યા છે.
વાતાવરણ એવું બનાવી દેવામાં આવ્યું છે કે મુસલમાન એટલે એવી વ્યક્તિ જેની દેશનિષ્ઠા બાબતે શંકા છે.
1857થી 1947 સુધી દેશ માટે પ્રાણ આપી ચૂકેલા હજ્જારો મુસલમાનો વિશે આવો માહોલ એ લોકોએ બનાવ્યો જેમણે આઝાદીની લડાઈમાં સામેલ નહીં થવાનું નક્કી કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1947માં પાકિસ્તાન જવાનો વિકલ્પ હોવા છતાં આ વતન પ્રત્યેનો પ્રેમ હતો અને હિંદુઓ પર વિશ્વાસ હતો કે લાખો લોકો પાકિસ્તાન ગયા ન હતા.
દેશભક્તિનું સર્ટિફિકેટ
હિંદુઓના નેતૃત્વનો દાવો કરતાં સંગઠનોએ દેશભક્તિનું પ્રમાણપત્ર આપવાની જવાબદારી હવે પોતાના પર લઈ લીધી છે.
દાઢી રાખતા, નમાઝ પઢતા, ટોપી પહેરતા મુસલમાન આપોઆપ અયોગ્ય જાહેર થઈ જાય છે.
તેમને એપીજે અબ્દુલ કલામ જેવા મુસલમાનો જોઈએ છે, જે ગીતા વાંચે અને વીણા વગાડે પણ પોતાના ધર્મનું કોઈ લક્ષણ જાહેર થવા ન દે.
બીજી તરફ ભજન-કિર્તન, તીર્થયાત્રા, ધાર્મિક જયજયકાર અને તિલક વગેરે લગાવવાને દેશભક્તિનું લક્ષણ ગણાવવામાં આવી રહ્યું છે.
તેનો અર્થ એ છે કે જે વ્યક્તિ આવું નહીં કરી એ દેશભક્ત નહીં હોય. તેથી મુસલમાનો તો આપોઆપ હાંસિયા પર રહી જશે.
સરકારની કોઈ નિષ્ફળતા બહાર આવે છે ત્યારે કોઈ દુશ્મન શોધી લેવામાં આવે છે અને સરકાર પ્રાયોજિત રાષ્ટ્રવાદ તેને ઉશ્કેરવા લાગે છે એવું બનતું રહ્યું છે.
દુશ્મન વિરુદ્ધ લોકોને એકઠાં કરવાનું બહુ આસાન હોય છે.
સ્થાપિત સત્તાને કોઈ પણ સ્વરૂપે પડકારી શકે તેવી શંકા હોય એવી એવી વ્યક્તિ કે સંગઠનને આ પ્રકારનો રાષ્ટ્રવાદ શત્રુના સ્વરૂપમાં પ્રસ્તુત કરી દે છે.
એ કોઈ ટ્રેડ યુનિયન, કોઈ વિદ્યાર્થી સંગઠન, કોઈ બિનસરકારી સંગઠન, જન આંદોલન કે અન્ય કોઈ સંગઠન હોઈ શકે છે.
સરકારી રાષ્ટ્રવાદી જમાતોએ આ ખાંચામાં મુસલમાનોને ફિટ કરી દીધા છે. ટીવી ચેનલો પર થતી ચર્ચાઓમાં આ વાત લગભગ રોજ રેખાંકિત થતી રહે છે.
લક્ષ્યની ઓળખ કરીને નિશાનબાજી કરવામાં આવતી હોવાનું સ્પષ્ટ દેખાય છે, જેને કારણે મુસલમાન હોવું અને શાંતિથી રહેવાનું મુશ્કેલ બનતું જાય છે.
આ સંદર્ભે હર્ષ મંદરના એક લેખનો ઉલ્લેખ કરવો ઉપયોગી સાબિત થશે.
એ લેખમાં હર્ષ મંદરે લખ્યું હતું, એક દલિત રાજનેતાએ મુસલમાનોને કહ્યું હતું કે તમે મારી સભામાં જરૂર આવજો, પણ ખાસ પ્રકારની ટોપી કે બુરખો પહેરીને આવશો નહીં.
આ વાત સાથે રામચંદ્ર ગુહા અસહમત છે. તેમની દલીલ એ છે કે આ યોગ્ય નથી. આ તો મુસલમાનોને એક ખૂણામાં ધકેલી દેવાનું કાવતરું છે, તેમના વિકલ્પ છીનવી લેવાનું કાવતરું છે.
મુકુલ કેશવન એવું જણાવે છે કે બુરખો ત્યાગવાનું સૂચન કરીને એ નેતા તેમને પ્રગતિશીલ એજન્ડામાં સામેલ થવાનું આમંત્રણ આપી રહ્યા છે.
મુસલમાનો પર દબાણ
અત્યારે સરકારનું ધ્યાન માત્ર મુસલમાનોમાં સામાજિક સુધારા પર કેન્દ્રીત છે.
ટ્રિપલ તલાક, હજ સબ્સિડી અને હલાલા વગેરે મુદ્દાઓ પર જે જોશભેર ચર્ચા થઈ રહી છે તેથી મુસલમાનો પર એવું દબાણ સર્જાયું છે કે તેઓ આ દેશમાં કઈ રીતે રહેશે તેનો નિર્ણય બહુમતી હિંદુઓ કરશે.
હર્ષ મંદર, રામચંદ્ર ગુહા અને મુકુલ કેશવન બુદ્ધિજીવી વિદ્વાન છે. તેમની વિદ્વતા બાબતે સવાલ ઉઠાવવાનો કોઈ અર્થ નથી, પરંતુ તેમની વાતો સંપૂર્ણપણે સાચી નથી એ પણ સંપૂર્ણપણે સત્ય છે.
હકીકત એ છે કે સામાજિક સ્તરે મુસલમાનો સાથે હળવા-મળવાથી કે તેમના વિસ્તારોમાં થોડો સમય વીતાવી લેવાથી મુસ્લિમ મનોદશા અને સામાજિક મર્યાદાનાં વિવિધ પાસાંને સમજવાનું મુશ્કેલ છે.
ઇન્ડિયન એક્સપ્રેસ અખબારમાં ચાલી રહેલી આ ચર્ચામાં નવી એન્ટ્રી બ્રાઉન યુનિવર્સિટીના પ્રોફેસર આશુતોષ વાષ્ણેયની થઈ છે.
આશુતોષ વાષ્ણેયએ રાષ્ટ્રવાદને સમજવા માટે ભૌગૌલિક અને ધાર્મિક કે જ્ઞાતિસંબંધી મર્યાદાઓનો ઉલ્લેખ કર્યો છે તેમજ વાતને એ સંદર્ભમાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.
આ વિષય બહુ ગૂંચવણભર્યો છે અને મુસલમાનોની અસ્મિતાના મુદ્દાને અત્યંત ગંભીરતા સાથે સમજવાની જરૂર છે.
દેશપ્રેમ અને ગાંધીજી
રાષ્ટ્ર અને માનવતાના કોઈ મુદ્દાને યોગ્ય રીતે સમજવાની જરૂર પડે છે ત્યારે એક વ્યક્તિ એવી છે જેની વાતો સો ટચના સોના જેવી છે.
તેથી રાષ્ટ્રવાદ, દેશપ્રેમ અને માનવતા વિશે મહાત્મા ગાંધીએ શું કહ્યું હતું એ જાણવાની જરૂરી છે.
'મારાં સપનાનું ભારત'માં ગાંધીજીએ લખ્યું હતું, "મારા માટે દેશપ્રેમ અને માનવતા વચ્ચે કોઈ ભેદ નથી. બન્ને એકજ છે. હું દેશપ્રેમી છું, કારણ કે હું માનવપ્રેમી છું."
"દેશપ્રેમની જીવનનીતિ કોઈ કુળ કે કબીલાના અધિપતિની જીવનનીતિથી અલગ નથી."
"કોઈ દેશપ્રેમી એટલો જ ઉત્કટ માનવપ્રેમી ન હોય તો કહેવું જોઈએ કે તેના દેશપ્રેમમાં એટલી ઓછપ છે."
ગાંધીજીએ લખ્યું હતું, "વ્યક્તિએ પરિવાર માટે, પરિવારે ગામ માટે, ગામે જિલ્લા માટે અને જિલ્લાએ પ્રદેશ માટે મરવા-જીવવાનું શિખવું જોઈએ એવું દેશપ્રેમનો ધર્મ આપણને આજે શિખવાડે છે."
"એવી જ રીતે કોઈ દેશે એટલા માટે સ્વતંત્ર થવું જોઈએ કે જેથી જરૂર પડે ત્યારે એ સંસારના કલ્યાણ માટે પોતાનું બલિદાન આપી શકે."
"તેથી રાષ્ટ્રવાદની મારી કલ્પના એવી છે કે જરૂર પડ્યે આખો દેશ માનવજાતિના રક્ષણ માટે સ્વૈચ્છાપૂર્વક મોતને આલિંગન કરી શકે એટલા માટે મારો દેશ સ્વાધીન થવો જોઈએ."
"એ દેશમાં જાતિદ્વેષને કોઈ સ્થાન નથી. મારી અપેક્ષા છે કે આપણો રાષ્ટ્રપ્રેમ પણ એવો જ હોવો જોઈએ."
રાષ્ટ્રવાદનું સાચું ચિત્ર
મહાત્મા ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું, "આપણો રાષ્ટ્રવાદ બીજા દેશો માટે મુશ્કેલીનું કારણ ન બની શકે, કારણ કે જે રીતે આપણે ખુદનું શોષણ નહીં થવા દઈએ તેમ આપણે કોઈ પણ પ્રકારનું શોષણ પણ નહીં કરીએ. સ્વરાજ્ય વડે આપણે સમગ્ર માનવજાતની સેવા કરીશું."
મહાત્મા ગાંધીની વાત રાષ્ટ્રવાદના નિશ્ચયને સંકીર્ણતાથી બહુ દૂર લઈ જાય છે અને ખરા અર્થમાં રાષ્ટ્રવાદની સાચી તસ્વીર છે.
મહાત્મા ગાંધી સારી રીતે સમજતા હતા કે દેશભક્તિનો આધાર ધર્મ હોઈ શકે નહીં અને કોઈ પણ ધર્મમાં પરિવર્તનનો અવાજ તેની અંદરથી આવતો જોઈએ. બહારથી આવનારા અવાજ સામે હકારાત્મક પ્રતિસાદ મળવાની શક્યતા નથી.
દાખલા તરીકે, કેટલા હિંદુઓ તેમના ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક જીવન બાબતે મુસલમાનો કે ખ્રિસ્તીઓની ટીકા-ટિપ્પણી સાંભળવાનું પસંદ કરશે?
ગાંધીજીને નૈતિક બળમાં વિશ્વાસ હતો, પણ દેશનું રાજકારણ હાલ સંખ્યાબળ પર ચાલી રહ્યું છે.
(આ લેખકના અંગત વિચાર છે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો