You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના મુસ્લિમો આખરે ક્યાં જાય?
- લેેખક, રજનીશ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા, મણિનગર
નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મણિનગર વિધાનસભા બેઠકથી ચૂંટણી લડતા હતા.
મણિનગરથી તેઓ વર્ષ 2002, 2007 અને 2012માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
જ્યારે તમે મણિનગર આવશો તો વિકાસના માપદંડ અહીં બિલકુલ બંધબેસતા છે.
તમને આ પણ વાંચવું ગમશે
પરંતુ તેની નજીક જ મુસ્લિમ વસતી ધરાવતા વિસ્તાર શાહઆલમમાં જાઓ તો લાગે છે કે અહીં રહેતા નાગરિકો અને વિસ્તાર બીજા કોઈ દેશ સાથે સંબંધ ધરાવે છે.
અહીં રહેતી મહિલાઓ જણાવે છે કે તેમનાં વિસ્તારમાં પાણીની પાઇપ લાઇન તો છે પણ તેમને પાણી નથી મળતું.
આ વિસ્તારમાં એક તળાવ પણ છે જ્યાં વર્ષ 2002નાં તોફાનો પછી કેટલાક મતદેહો મળ્યા હતા.
સ્થાનિક પત્રકાર પણ વિકાસમાં ભેદભાવની વાત સ્વીકારે છે. અહીં ઝાડુ બનાવવાનું કામ દિવસ-રાત ચાલે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સફાઈકામમાં ઉપયોગમાં લેવાતા ઝાડુથી પણ આ વિસ્તારની ગંદકી સાફ થઈ શકે એમ નથી. આવી ગંદકીમાં આ લોકો રહે છે.
અહીં 14 ડિસેમ્બરના રોજ મતદાન થશે. જોકે, શાહ આલમના લોકોને ભાજપ કે કોંગ્રેસ પાસેથી કોઈ અપેક્ષા નથી.
કહકશા પઠાણના પતિનું 2002નાં રમખાણોમાં પોલીસ ગોળીબારથી મૃત્યુ થયું હતું. તેઓ કહે છે કે ગમે તે પાર્ટી જીતે, શું ફરક પડે છે.
સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ આ વખતે એકપણ મુસ્લિમને વિધાનસભા બેઠકના ઉમેદવાર બનાવ્યા નથી.
ભાજપે 1980થી અત્યાર સુધી 1998ની વિધાનસભા ચૂંટણીમાં માત્ર એક મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી હતી.
કોંગ્રેસે આ વખતે માત્ર 6 મુસ્લિમ ઉમેદવારોને જ ટિકિટ આપી છે.
ગુજરાતમાં મુસ્લિમ વસતી 9.97 ટકા છે. જો વસતિના સાપેક્ષમાં જોવામાં આવે તો ઓછામાં ઓછા 18 મુસલિમ ધારાસભ્યો હોવા જોઈએ. જોકે, આવું ક્યારેય બન્યું નથી.
ગુજરાતમાં 1980માં સૌથી વધારે 12 મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયા હતા.
ગુજરાતની 182 બેઠકોવાળી વિધાનસભામાં 25 વિધાનસભા બેઠકો પર મુસ્લિમો મોટી સંખ્યામાં છે.
મુસ્લિમોને અલ્પસંખ્યક રૂપે નથી જોવાતા
ગુજરાતમાં મોદી મુખ્યમંત્રી બન્યા બાદ મુસ્લિમોને અલ્પસંખ્યકના રૂપે જોવામાં આવ્યા નથી.
મોદીએ રાજ્યમાં અલ્પસંખ્યક વિભાગ પણ બનાવ્યો નથી. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારોને માત્ર 2.37 ટકા મત જ મળ્યા હતા.
ગુજરાતના મુસ્લિમોમાં રાજકીય રીતે એકતા જોવા મળતી નથી. તે શું દર્શાવે છે?
મુસ્લિમોને ટિકિટ ન આપવા મામલે ભાજપના શાયના એનસીને પૂછયું તો તેમણે જવાબમાં કહ્યું કે સૌનો સાથ, સૌનો વિકાસ.
87 સમુદાયોમાં વહેંચાયા ગુજરાતના મુસ્લિમો
જાણીતા રાજકીય વિશ્લેષક અચ્યુત યાજ્ઞિક કહે છે, "સ્વતંત્રતા બાદ ગુજરાતમાં નિયમિત સમયગાળા દરમિયાન ઘણી વખત તોફાનો થયાં હતાં."
"આ રમખાણો બાદ મુસ્લિમોએ માની લીધું કે તેઓ અહીં બીજા વર્ગના નાગરિક છે."
"બીજી તરફ જે શિક્ષિત મુસ્લિમો છે તેઓ વેપારમાં રસ ધરાવે છે. તેમના માટે ગમે તે સરકાર હોય કોઈ ફેર પડતો નથી."
ઘણા લોકો એ વાત માને છે કે રાજ્યમાં ભાજપનો જેવી રીતે વિકાસ થયો, તેમ તેમ મુસ્લિમોનું રાજકીય પ્રતિનિધિત્વ ઘટતું ગયું.
અચ્યુત યાજ્ઞિક કહે છે કે ગુજરાતના મુસ્લિમોમાં જે ઉપજાતિઓ છે તે યુપી અને કાશ્મીરના મુસ્લિમો કરતાં ઘણી વધારે છે.
અહીં મુસ્લિમો 87 સમુદાય વચ્ચે વહેંચાયેલા છે.
સત્તા મેળવવા માટે કોંગ્રેસ મુસ્લિમો પર નિર્ભર!
વર્ષ 2010માં ભાજપે ગુજરાતની નગરપાલિકાઓની ચૂંટણીઓમાં મુસ્લિમોને ટિકિટ આપી હતી અને તેમને જીત પણ મળી હતી.
વર્ષ 2015ની મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં ભાજપમાંથી 350 મુસ્લિમ ઉમેદવાર જીત્યા હતા.
વર્ષ 1985માં કોંગ્રેસના માધવસિંહ સોલંકીએ 'ખામ' થિયરી બનાવી હતી અને તેમાં મુસ્લિમ પણ સામેલ હતા.
ગુજરાતમાં સત્તા મેળવવા માટે કોંગ્રેસ હંમેશાં મુસ્લિમો પર નિર્ભર રહી છે.
આખરે હવે એવું શું થઈ ગયું?
સુરતમાં સોશિઅલ સાયન્સ સ્ટડી સેન્ટરના પ્રોફેસર કિરણ દેસાઈ કહે છે, "આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસનું જે વલણ છે તેનાથી સ્પષ્ટ છે કે કોંગ્રેસ કોઈપણ હિસાબે ગુજરાતમાં ચૂંટણી જીતવા માગે છે."
"એવું લાગે છે કે ગુજરાતમાં કોંગ્રેસ ભાજપની 'બી' ટીમની જેમ કામ કરી રહી છે."
દેસાઈનું કહેવું છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસે પોતાને ભાજપ જેવી બનાવી લીધી છે.
તેમણે કહ્યું, "રાહુલ ગાંધી મંદિરોની મુલાકાત લઈ રહ્યા છે અને જે રીતે તેઓ પોતાને રજૂ કરી રહ્યા છે એ રીત ચૂંટણી જીતવા માટે ભાજપની રહી છે."
"આમ પણ હું કોંગ્રેસને કોઈ સેક્યુલર પાર્ટી માનતો નથી. પરંતુ તે છતાં મુસ્લિમોની આટલી અવગણના પહેલાં ક્યારેય કરવામાં આવતી ન હતી.
આ વખતે તો કોંગ્રેસે મુસ્લિમોને સંપૂર્ણપણે હાંસિયામાં ધકેલી દીધા છે."
ગુજરાતમાં અહેમદ પટેલ સિવાય કોઈ મુસ્લિમ સાંસદ નથી. વર્ષ 2012માં માત્ર બે જ મુસ્લિમ ધારાસભ્યો બન્યા હતા.
ભારતીય જનતા પાર્ટી જાતિય સમીકરણના આધારે ટિકિટ આપે છે.
પરંતુ મુસ્લિમોના સવાલ પર તેમનું કહેવું છે કે તેઓ ધર્મને ટિકિટ આપવાનો આધાર નથી બનાવતા.
મુસ્લિમોમાંથી કેમ કોઈ હાર્દિક કે જિગ્નેશ નથી બનતું?
મુસ્લિમોની ગુજરાતમાં આટલી અવગણના થઈ રહી છે તો તેમની વચ્ચેથી કોઈ આગળ કેમ નથી આવતું?
તેના પર કિરણ દેસાઈ કહે છે, "મને પણ લાગે છે કે મુસ્લિમો વચ્ચેથી કેમ કોઈ જિગ્નેશ મેવાણી કે હાર્દિક પટેલ બહાર નથી આવતા. પણ તેની પાછળ એક મજબૂત કારણ છે."
"પાટીદારોની સરખામણી ક્યારેય મુસ્લિમો સાથે થઈ શકતી નથી. પાટીદારો ગુજરાતનો સૌથી શક્તિશાળી સમાજ છે."
દેસાઈ કહે છે, "પછી હું દલિતોની સરખામણી મુસ્લિમો સાથે કરું છું તો લાગે છે કે એક જિગ્નેશ મેવાણી તો જન્મ લઈ શકતો હતો. પરંતુ તે આશાનો પણ કોઈ અર્થ નથી."
"દલિતો વચ્ચે એક વિચારધારા છે અને ગુજરાતનાં પાડોશી રાજ્યમાં દલિત આંદોલનની પરંપરા રહી છે તેનો પ્રભાવ સમગ્ર દેશના દલિતો પર પડ્યો છે. તેમના માટે અહીં દલિતોનું નેતૃત્વ ચોંકાવનારું નથી."
"ગુજરાતમાં તો રમખાણ બાદ મુસ્લિમો એક જ વસતીમાં સમેટાઈ ગયા છે. ગુજરાતમાં મુસ્લિમો આ માહોલમાં પોતાને બચાવી રાખવાનો પ્રયાસ કરે છે. તેવામાં નેતૃત્વની વાત છોડી જ દો."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો