You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પીરિયડમાં હોય તેવી મહિલા મંદિરે જાય તો તેને મધમાખી કરડે?
- લેેખક, ડી. એલ. નરસિંહ
- પદ, બીબીસી તેલુગુ
તેલંગણાની નલ્લમાલા ફોરેસ્ટ રેન્જમાં આવેલા નેમાલિગુંડલા રંગનાયકા મંદિરે દર્શનાર્થે હજ્જારો ભક્તો જાય છે. અહીં લોકો એવું માને છે કે કોઈ મહિલાને માસિકસ્ત્રાવ થતો હોય તો તેને મધમાખીઓ કરડે છે.
મંદિરે દર્શનાર્થે આવતી કોઈ મહિલાને મધમાખીઓ કરડે તો તેની આસપાસના પુરુષો એવું માને છે કે એ મહિલા પીરિયડમાં છે. પુરુષો એવી મહિલા પર બરાડે પણ છે.
પીરિયડ્ઝમાં હોય તેવી મહિલાઓને મંદિર પરિસરમાં જવાની છૂટ નથી અને એવી મહિલાઓના પ્રવેશથી મંદિર અશુદ્ધ થઈ જશે તેવું માનવામાં આવે છે.
આ માન્યતાનું મૂળ મંદિરની એક પુરાણી કથામાં છે. આ મંદિર મહાવિષ્ણુ ભગવાનનું છે.
એ કથા મુજબ, મહાવિષ્ણુએ રંગા નામની એક આદિવાસી સ્ત્રી સાથે લગ્ન કર્યાં હતાં અને 1500 વર્ષ પહેલાં રંગનાયકા બન્યા હતા.
મંદિરમાંના તળાવનું સર્જન મહાવિષ્ણુએ પોતે પીવાના પાણી માટે કર્યું હતું અને તે નેમલિંગુડંમ તરીકે ઓળખાય છે.
સ્થાનિકો માને છે કે મધમાખીઓ મંદિરની પવિત્રતાનું રક્ષણ કરે છે અને કોઈ મહિલા તેના માસિકસ્ત્રાવના સમયમાં મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરે તો તેને ડંખે છે.
ભક્તો શું માને છે?
આ માન્યતા બાબતે તપાસ કરવા બીબીસીના સ્ટ્રીંગરે પૂજારી અને ગ્રામજનો સાથે વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોતાના પરિવારમાં બનેલી એક ઘટનાને યાદ કરતાં શ્રીનિવાસ રાજુ નામના એક ભક્તે જણાવ્યું હતું કે માસિકના દિવસોમાં કોઈ મહિલા મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરે તો તેને મધમાખી કરડે છે એ વાત સાચી છે.
શ્રીનિવાસ રાજુએ જણાવ્યું હતું કે તેમનાં ભાભી માસિકના દિવસોમાં એ વિસ્તારમાં ગયાં ત્યારે મધમાખીઓએ તેમના પર હુમલો કર્યો હતો.
આ માન્યતા સંબંધે મહિલાઓને પણ પૂછવામાં આવ્યું હતું.
મહિલા ભક્તોએ જણાવ્યું હતું કે માસિકના દિવસોમાં મંદિરમાં જવાનું તેઓ ટાળે છે, કારણ કે પીરિયડ્ઝ દરમ્યાન મંદિરે આવેલી મહિલાઓને મધમાખીઓ કરડી હોય એ તેમણે સગી આંખે જોયું છે.
મહિલાઓએ એમ પણ જણાવ્યું હતું કે પીરિયડ્ઝમાં હોય તેવી મહિલાઓ સાથે આવેલા પુરુષોને પણ મધમાખીઓ કરડે છે.
પૂજારી શું કહે છે?
મંદિરના પૂજારીને પૂછવામાં આવ્યું હતું કે પીરિયડમાં હોય તેવી મહિલાઓને મંદિરમાં પ્રવેશવાની છૂટ શા માટે નથી?
આ સવાલના જવાબમાં પૂજારીએ જણાવ્યું હતું કે માસિકમાં મહિલાઓના દેહમાંથી અશુદ્ધિ રક્તસ્ત્રાવ મારફત બહાર આવતી હોય છે.
માસિકસ્ત્રાવ દરમ્યાન મહિલાઓને મંદિરમાં પ્રવેશવાની છૂટ ન હોવાનું એક કારણ એ પણ છે કે મહિલાઓને પીરિયડ્ઝ દરમ્યાન બેડરૂમમાં કુદરતી હાજતે જવાની કે રસોડામાં પ્રવેશવાની છૂટ હોતી નથી.
આ નિયમ અમલી બનાવવાનું પ્રાથમિક કારણ આરોગ્ય વિષયક તકેદારી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
પૂજારીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આવી કોઈ મહિલા પ્રયાસ કરે તો પણ મધમાખીઓ તેમને મંદિર પરિસરમાં પ્રવેશવા દેતી નથી.
તળાવનું પાણી અશુદ્ધ થવાની આશંકા
જોકે, અંધશ્રદ્ધા દૂર કરવાનું કામ કરતા એક સંગઠન જનવિજ્ઞાન વેદિકાએ જણાવ્યું હતું કે આ માન્યતા અંધશ્રદ્ધા જ છે.
સમતા સંગઠનનાં એક સભ્ય સૃજનાએ જણાવ્યું હતું કે પુરુષો પર મધમાખીઓએ હુમલો કર્યો હોય તેવી ઘટનાઓ પણ બની છે.
સૃજનાના જણાવ્યા મુજબ, માસિકમાં હોય તેવી મહિલાઓને મધમાખી કરડે તેવું વૈજ્ઞાનિક રીતે પુરવાર થયું નથી.
તેમણે ઉમેર્યું હતું કે તેઓ જે સ્કૂલમાં જાય છે ત્યાં વૃક્ષો પર સંખ્યાબંધ મધપૂડાઓ છે, પણ તેમના પર મધમાખીઓએ ક્યારેય હુમલો કર્યો નથી.
સૃજના માને છે કે પીરિયડમાં હોય તેવી મહિલાઓ મંદિર પાસેના તળાવમાં સ્નાન કરશે તો પાણી અશુદ્ધ થશે એવા ભયને કારણે આ નિયંત્રણ લાદવામાં આવ્યું હશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો