You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : લગ્નોમાં શક્તિ પ્રદર્શનના નામે થતો ગોળીબાર ક્યારે અટકશે?
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતના સુરેન્દ્રનગરમાં લગ્નનો મંડપ તૈયાર હતો. બૅન્ડવાજાંની ધૂન પર જાનૈયાઓ નાચી રહ્યા હતાં અને ચારે તરફ ખુશનુમા વાતાવરણ હતું.
એવામાં એક યુવકે શોખ શોખમાં રિવોલ્વરથી હવામાં ફાયરિંગ કર્યું. તેમની આ ફાયરિંગ કરવાની સ્ટાઇલ પર તેમના મિત્રોએ તેમની ખૂબ ખુશામત કરી.
યુવકે ફરીથી હવામાં ફાયરિંગ કર્યું અને આ વખતે મિસ-ફાયર થતાં રિવોલ્વરમાંથી નીકળેલી ગોળી તેમની પોતાની જ છાતીમાં વાગી અને તેમનું મૃત્યુ થઈ ગયું.
છેલ્લા બે વર્ષમાં બે મોત
આનંદ - ઉલ્લાસનું વાતાવરણ શોકમાં ફેરવાઈ ગયું. બૅન્ડવાજાં બંધ થઈ ગયા અને રોકકળ ચાલુ થઈ ગઈ.
સવાલ એ થાય કે શા માટે એક ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો?
ગુજરાતના પોલીસ અને કાયદાના વહીવટીતંત્ર સામે આ પ્રશ્ન ચિંતાનો વિષય બની ગયો છે.
તમને આ વાંચવું પણ ગમશે:
કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં લગ્ન કે પાર્ટીની ઉજવણીમાં ફાયરિંગ કરવાની ફેશન વધી રહી છે.
સરકારી આંકડા કહે છે કે ગત બે વર્ષમાં આવા ફાયરિંગના કારણે અહીં બે લોકોનાં મૃત્યુ થયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વાયરલ વીડિયો
જો કે ફાયરિંગ કરવાના શોખીનો કાયદો, પોલીસ અને પ્રશાસન બધાને બાજુએ રાખીને ચાલે છે.
તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ગુજરાતના આ વીડિયોને જોઈને આ હકીકત સમજી શકાય છે.
આ વીડિયોમાં લગ્ન સમારંભમાં કેટલાક લોકો હવામાં ગોળીબાર કરતાં દેખાઈ રહ્યા છે.
પોલીસતંત્રએ ગત વર્ષોમાં આ પ્રકારના કેટલાક સત્તાવાર બનાવોની નોંધ લીધી છે.
આમ છતાં શક્તિ પ્રદર્શનનાં નામે લગ્ન પ્રસંગોમાં બંદૂકને હવામાં ઉછાળી ગોળીબાર કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે.
શું કાર્યવાહી થઈ?
આ વીડિયો વાયરલ થતાં જ તેની તપાસ કરી રહેલા પોલીસ અધિકારી એમ.એસ.રાણાએ બીબીસીને જણાવ્યુ: "વિડિયો નોટિસમાં આવતા જ અમે કાર્યવાહી કરી છે."
"જેમને ત્યાં પ્રસંગ હતો તેમની પાસે લગ્નના ફૂટેજની સીડી રિકવર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે."
"વધુ તપાસ બાદ જવાબદાર લોકો સામે પગલા ભરવામાં આવશે. અમે ફરિયાદ લખી દીધી છે."
"કયા પ્રકારની બંદૂકથી ગોળી ચલાવવામાં આવી છે તેની તપાસ ચાલું છે."
"બંદૂકનું લાયસન્સ હશે તો રદ કરવાનો રિપોર્ટ કરીશું. અને લાયસન્સ નહીં હોય તો એ પ્રમાણે કાર્યવાહી કરીશું."
આ પ્રકારના ગુનાઓનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે.
એ વિશે તેમણે કહ્યું, "અગાઉ પોરબંદરમાં પણ આ પ્રકારના બે ગુના દાખલ થયા હતા. જેમાં એક મહિલા વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો."
"આ પ્રકારના કેસમાં જાહેર સમારંભમાં હાજર લોકોના જીવ જોખમમાં મુકાયો હોવાની બાબતને ધ્યાનમાં રાખી કાર્યવાહી કરવામાં આવે છે."
પોલીસની કાર્યવાહીથી આગળ વધીને આવા કેસ હવે કોર્ટ સુધી પણ પહોંચી રહ્યા છે.
ઉત્તર ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર સુધી ટ્રેન્ડ
વરિષ્ઠ પત્રકાર હરેશ ઝાલાએ કહ્યું, "બોટાદમાં લગ્નમાં ગોળીબારના કારણે એક મહિલાનું મૃત્યુ થયું હતું."
"મહિલાના પરિવારના લોકોએ ન્યાય માટે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે." આ કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે.
હરેશ ઝાલા કહે છે, "ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ આવા કિસ્સાઓ બની રહ્યા છે. અમદાવાદમાં પણ ભૂતકાળમાં આવી ઘટના નોંધાઈ હતી."
આ પ્રકારના બનાવો ઉત્તર ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર સુધી જોવા મળે છે.
એવામાં સવાલ એ છે કે લગ્નોમાં બેફામપણે ગોળીબારી કરવાનું આ કલ્ચર આવ્યું ક્યાંથી?
'શક્તિ પ્રદર્શન'નું કલ્ચર ક્યાંથી આવ્યું?
લગ્નમાં ગોળીબાર દ્વારા 'શક્તિ પ્રદર્શન' કરવાના કલ્ચર વિશે વરિષ્ઠ પત્રકાર મનોજ મિસ્ત્રીએ જણાવ્યું કે વર્ષો પહેલાં ક્ષત્રિય સમાજમાં આવી રીતે શક્તિ પ્રદર્શન કરવામાં આવતું હતું.
"ક્ષત્રિયનો ધર્મ અન્યોની રક્ષા કરવાનો હતો. એ સમયે જ્યારે ગામમાં જાન આવતી હતી, ત્યારે વૃક્ષ પર નાળિયેર બાંધવામાં આવતું હતું."
"આ નાળિયેરને તેઓ દૂરથી નિશાન લગાવીને વીંધતા પછી જ ગામમાં જાન પ્રવેશ કરતી હતી."
"આમ આવી રીતે તેઓ બહાદુરીના પ્રતિકરૂપે લગ્ન સમારંભમાં નિશાન તાકવામાં આવતું હતું."
'જાહેરમાં ગોળીબાર કરવો ગેરકાયદેસર'
તેમણે આ પ્રથા વિશે આગળ કહ્યું, "આ બધું ભૂતકાળમાં થતું હતું. પણ ખરેખર જાહેરમાં ગોળીબાર કરવો ગેરકાયદેસર છે."
"પહેલા આવું એક શુદ્ધ ઈરાદાથી કરવામાં આવતું હતું અને એ અલગ જમાનો હતો. જ્યારે હવે તે બેજવાબદારીપૂર્વક કરવામાં આવે છે અને ગેરકાયદેસર છે."
આ ગુનો જામીનપાત્ર છે અને વધુમાં વધુ છ મહિનાની સજા થાય છે.
પણ જો કોઈ વ્યક્તિને ગંભીર ઈજા કે કોઈનું મૃત્યુ નિપજે તો વધારે સજાની જોગવાઈ પણ છે.
કાયદો શું કહે છે?
જાહેરમાં જ્યાં લોકોની ભીડ હોય ત્યાં આ પ્રકારે ગોળીબાર કરવો ગેરકાયદેસર છે.
આ મામલે બીબીસી સાથેની વાતચીતમાં એડવોકેટ મનન ભટ્ટે કહ્યું કે આ પ્રકારના ગુનામાં આર્મ્સ એક્ટ અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો બની શકે છે.
તેમણે વધુમાં કહ્યું, "જો માત્ર ગોળીબારનો કેસ બને તો લાયસન્સ રદ થાય તેવી જોગવાઈ છે."
"પણ જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અથવા કોઈ ગંભીર રીતે ઘાયલ થાય તો આજીવન કારાવાસ અથવા સાત થી દસ વર્ષની સજા પણ થઈ શકે છે."
"પણ ગુજરાતમાં કોઈને આ પ્રકારના બનાવના કારણે આવી સજા થઈ હોય એવું મારા ધ્યાનમાં નથી આવ્યું. શક્યતા ઓછી છે."
"જો હથિયાર કોઈ બીજાનું હોય અને અન્ય કોઈ દ્વારા ચલાવવામાં આવેલા કિસ્સામાં જેટલી સજા મુખ્ય ગુનેગારને થાય તેટલી જ સજાની હથિયાર જેનું હોય તેને પણ થઈ શકે છે."
સમગ્ર બાબત એક ગંભીર સવાલ સર્જે છે કે શું સમાજમાં એવા લગ્ન અને સમારોહમાં શક્તિ પ્રદર્શન અને સામાજિક મોભો દર્શાવવા માટે લોકોના જીવ જોખમમાં મૂકવા કેટલાં વાજબી છે?
કોણ જવાબદાર?
ભવિષ્યમાં આવા બનાવો ન બને એની તકેદારી માટે શું કરવાની જરૂર છે અને કોણ આ માટે જવાબદાર છે?
એક યુવતીએ નામ ન જણાવવાની શરતે કહ્યું કે, તેમણે ઘણા એવા લગ્નોમાં હાજરી આપે છે જેમાં શક્તિ પ્રદર્શન થતાં હોય છે.
પણ આ પ્રકારના પ્રદર્શનમાં જોખમ વિશે તેમણે કહ્યું, "આવા લગ્નોમાં મેં ભૂતકાળમાં હાજરી આપી છે. તેમાં તલવારબાજી પણ થતી હોય છે."
"જ્યારે આ પ્રકારનું પ્રદર્શન કરવામાં આવતું હોય છે, ત્યારે મનમાં એક ડર રહેતો હોય છે."
"ડર લાગે કે કદાચ કોઈ ઈજાગ્રસ્ત ન થઈ જાય. હું ખુદ ત્યાંથી ખૂબ જ દૂર અંતરે જવાનું પંસદ કરી લઉં છું."
"આ પ્રકારના પ્રદર્શન જે લોકોના જીવ જોખમમાં મૂકે તે અર્થહીન છે અને અયોગ્ય છે."
અન્ય રાજ્યમાં કેટલું પ્રમાણ છે?
માત્ર ગુજરાતમાં જ નહીં પણ અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારના બનાવો ભૂતકાળમાં નોંધાયા છે.
ખાસ કરીને ઉત્તર ભારતમાં દર વર્ષે આવા બનાવ સમાચારની હેડલાઇન બનતા હોય છે.
લગ્નમાં આવા ગોળીબારના કારણે બાળકો, દુલ્હન અને ખુદ વરરાજાનું મૃત્યુ થયું હોય તેવી ઘટનાઓ નોંધાઈ છે.
ચોંકાવનારા આંકડા
- એક અહેવાલ મુજબ ફેબ્રુઆરી-2018માં પંજાબમાં એક પિતાએ તેમની પુત્રીના લગ્નમાં ઉજવણી વેળા હવામાં ગોળીબાર કરતા 22 વર્ષની યુવતીનું મૃત્યુ થયું હતું.
- વર્ષ 2016ના નવેમ્બરમાં એક મહિલાએ ડાન્સ ફ્લોર પરથી ગોળીબાર કરતા લગ્નમાં આવેલા એક મહેમાનનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા હતા.
- 2016માં જ ડિસેમ્બર મહિનામાં એક લગ્નમાં કેટલાક મહેમાનો કથિતરૂપે આ પ્રકારે હવામાં બેફામપણે ગોળીબાર કરતા સમારોહમાં ડાન્સ કરી રહેલ ડાન્સરને ગોળી વગી ગઈ હતી. આથી ડાન્સરનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું.
જ્યારે ફોટોગ્રાફરને ગોળી વાગી
ઉત્તર પ્રદેશમાં 2016માં એક લગ્મૃનમાં દૂલ્હાના પરિવારમાંથી કોઈ વ્યક્તિએ ગોળીબાર કરતા લગ્નમાં ફોટો પાડી રહેલા ફોટોગ્રાફરને ગોળી વાગી ગઈ હતી.
વળી દિલ્હીમાં પણ લગ્ન સમારોહમાં ગોળીબારની ઘટનાઓ ભૂતકાળમાં નોંધાઈ ચૂકી છે.
ખરેખર બહાદુરી બતાવવાનું અને સામાજિક મોભો દેખાડવાનું આવું કૃત્ય માત્ર ભારતમાં જ નહીં પણ અફઘાનિસ્તાન અને ખાડીના દેશોમાં પણ જોવા મળે છે.
આ સિવાય વિશ્વમાં ઘણી જગ્યાએ લગ્ન કે પાર્ટીઓની ઉજવણીમાં ગોળીબાર કરવાનો રિવાજ સામાન્ય છે.
ખાસ કરીને અરબ દેશોમાં પ્રકારે ઉજવણી થતી હોય છે.
જેના કારણે ત્યાં ગોળીબારીના કારણે અકસ્માતે થતો મૃત્યુદર વધી રહ્યો છે.
આ માટે લેબેનીઝ નામની એક સ્વૈચ્છિક સંસ્થાએ આ પરંપરા પર રોક લગાવવા માટે ઝૂંબેશ ચલાવી છે.
ભારતમાં પણ આના પર પ્રતિબંધ લગાવવા માટે કડક કાયદાની જોગવાઈ કરવાની જરૂર છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો