You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લગ્નો માટે ઇન્સ્ટાગ્રામ હેશટેગ તૈયાર કરો, રૂપિયા બનાવો
- લેેખક, જેસિકા હોલેન્ડ
- પદ, બીબીસી
જીવનમાં એક જ વાર ધામધુમથી થતાં લગ્નમાં જો કંઈક અલગ ન હોય તો એ યાદગાર કેવી રીતે બને?
કપડાં, દાગીના, લગ્નનું ફૂડ મેન્યુ, ઇવેન્ટ્સ, ફોટોશૂટ, વીડિયોગ્રાફી, રિસેપ્શન થીમ, આ બધું જ નક્કી થઈ ગયું હોય.
આમ છતાં હજી કંઈક ખૂટતું હોય તેમ લાગે તો ટ્રાય કરો સોશિઅલ મીડિયા.
હવે લગ્નોની વિવિધ ઇવેન્ટ્સને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિઅલ મીડિયા પર, ઓનલાઇન અમર બનાવી દેવાનો અનોખો વ્યવસાય પણ વિકસ્યો છે.
લગ્નોમાં સેલ્ફી સંસ્કૃતિનું પ્રતિબિંબ ચોક્કસ પણે જોવા મળે છે.
એટલે જ હવે લગ્ન માટે ચોક્કસ પ્રકારની હેશટેગ તૈયાર કરવાનો અને સોશિઅલ મીડિયા પર છવાઈ જવામાં મદદ કરનારી કંપનીઓ હવે સારા રૂપિયા બનાવી રહી છે.
ન્યૂયોર્કમાં રહેતી 33 વર્ષીય જેસિકા લેહમેને ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મ નિર્માતા જેસી એશની સાથે તેની સગાઈનો ફોટોગ્રાફ #JessTheTwoOfUs સાથે પોસ્ટ કર્યો હતો.
તેણે આ જ હેશટેગનો ઉપયોગ મે મહિનામાં લંડનમાં કરેલી પાર્ટીના ફોટોગ્રાફ્સ પોસ્ટ કરતી વખતે પણ કર્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એટલું જ નહીં, તેણે મહેમાનોને પણ કહ્યું કે સપ્ટેમ્બરમાં થનારાં તેના લગ્નમાં તેમણે લીધેલા ફોટોગ્રાફ્સને સોશિઅલ મીડિયા પર શેર કરતી વખતે આ હેશટેગનો પણ ઉપયોગ કરે.
જેસિકા પોતે એક બ્રાન્ડ સ્ટ્રેટેજિસ્ટ છે. તેણે કહ્યું કે તેણે આ હેશટેગ તૈયાર કરવા માટે સારી એવી મહેનત કરી હતી. તે કહે છે કે લગ્ન માટેનું એક સારું હેશટેગ નવયુગલ કેવું છે, તેનો ખ્યાલ આપે છે.
મજાનાં હેશટેગ હોય તો લોકોના ચહેરા મલકાઈ જાય છે, અને એ રીતે તે યાદગાર પણ બની જાય છે.
કેવી રીતે થાય છે, લગ્નનું સોશિઅલ મીડિયા બ્રાન્ડિંગ
દરરોજ લગભગ એક અબજ લોકો ફેસબુક જુએ છે. ઇન્સ્ટાગ્રામ પર 70 કરોડ લોકો સક્રિય છે.
જ્યારે આંકડા આટલા મોટા હોય, ત્યારે યુવાનો તેમના લગ્નનાં પ્લાનિંગમાં પણ સોશિઅલ મીડિયાનો કેવી રીતે ઉપયોગ કરવો તે ન વિચારે તો જ આશ્ચર્ય થાય.
એને લીધે એક નાનો પરંતુ ઝડપથી વિકસી રહેલો ઉદ્યોગ શરૂ થઈ ગયો છે. જે લગ્નોમાં સોશિઅલ મીડિયાના ઉપયોગનાં આ ટ્રેન્ડમાંથી રૂપિયા બનાવે છે.
મારિએલ વકીમ લોસ એંજલસ મેગેઝિનનાં સંપાદક છે. તેમણે 2016 માં હેપ્પીલી એવર હેશટેગ્ડ (Happily Ever Hashtagged) કંપની બનાવી છે.
વકીમ લગ્ન માટે એક વિશિષ્ટ હેશટેગ બનાવવા માટે 2500 રૂપિયા અને ત્રણ હેશટેગ બનાવવા 5500 રૂપિયા જેટલો ચાર્જ કરે છે. એમની પાસે કોઈપણ સમયે 150 જેટલા ગ્રાહકો વેઇટિંગમાં હોય છે.
હેશટેગ્સ ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશિઅલ મીડિયા પર ચોક્કસ વિષય સંદર્ભે કરવામાં આવેલી પોસ્ટ્સને શોધવાનું એક મહત્વનું સાધન છે.
માર્ચ 2016 માં, 28 વર્ષીય ગ્રાફિક ડિઝાઈનર ઐલી બર્ટલ્સને ઓનલાઈન માર્કેટપ્લેસ એટ્સી પર સ્નેપચેટજીયોફિલ્ટર્સ લોન્ચ કર્યા હતાં.
જીઓફિલ્ટર્સ વિશિષ્ટ ફ્રેમ્સ છે. લોકો પોતાના ફોટોગ્રાફ્સ સ્નેપચેટ પર મૂકવા ઇચ્છે, ત્યારે આ જીઓફિલ્ટર્સથી તેમના ફોટોગ્રાફ્સ સાથે અવનવાં ગ્રાફિક્સ મિક્સ કરી શકે છે.
જેનાથી ફોટોગ્રાફ્સ વધુ રસપ્રદ બને છે. આ ફિલ્ટર્સ કોઇપણ બનાવી શકે છે. પરંતુ જેમને આ પ્રકારે ફિલ્ટર્સ બનાવતાં નથી ફાવતું કે જેમની પાસે સમય નથી, તે લોકો માટે બર્ટલ્સન ફિલ્ટર્સ ડિઝાઈન કરે છે.
આ ઉપરાંત તે જેમના લગ્ન થવાના છે, તેવા યુગલો અને તેમનાં મહેમાનો માટે ખાસ ફિલ્ટર્સ પણ ડિઝાઇન કરે છે. તે દરેક ફિલ્ટર દિઠ 760 રૂપિયા લે છે.
જો લોકો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર તમારા રિસેપ્શનનાં ફોટોગ્રાફ્સ અને વીડિઓ મૂકવાનાં જ હોય તો, આવી પોસ્ટની એક 'ડિજિટલ વૉલ' કેમ તૈયાર ન કરી શકાય?
આ વિચાર સાથે એમ્સ્ટરડેમનાં બે ઉદ્યોગસાહસિકો યુસેફ અલ-દાર્દિરી અને પિમ સ્ટૂરમને 2014 માં વેડિંગહેશટેગવોલ (WeddingHashtagWall) કંપનીની સ્થાપના કરી હતી.
ગ્રાહકો 4990 રૂપિયાના ખર્ચે માટે એક વર્ચ્યુઅલ "વૉલ" ઓર્ડર કરી શકે છે.
જેમાં તેમને એક નવું વેબ એડ્રેસ મળે છે, જ્યાં લગ્ન દરમિયાન મહેમાનોએ ઓનલાઇન મૂકેલા અને હેશટેગ્સથી એકબીજા સાથે જોડાયેલાં ફોટોગ્રાફ્સ, વીડિયો જેવી વિગતો સતત અપલોડ થતી જોવા મળે છે.
બધું પરફેક્ટ કરવાનું માનસિક દબાણ
એવું પણ બની શકે કે, જ્યારે આ પ્રકારનું એક વાતાવરણ તૈયાર કરીને એ ક્ષણોને ફોટોગ્રાફ કે વીડિયો સ્વરૂપે રેકોર્ડ કરવામાં વ્યસ્ત થઈ જાવ, ત્યારે તમે તેને ખરા અર્થમાં માણવાનું ચૂકી જાવ.
એમઆઈટી (મેસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી)નાં સમાજ વિજ્ઞાનનાં પ્રૉફેસર અને 'અલોન ટુગેધર' પુસ્તકનાં લેખિકા શેરી ટર્કલના મતે ફોનને કારણે થતો વિક્ષેપ ગાઢ સામાજિક સંબંધ કેળવવામાં એક અડચણ બની શકે તેમ છે.
તેનાથી સંબંધોમાં આત્મિયતા વધવાને બદલે ઉપરઉપરનાં જ રહે છે, જેને કારણે એકલતા વધે છે.
તે કહે છે, "દશકો પહેલાંથી લગ્ન સમયે ખાસ આયોજનપૂર્વક ફોટોગ્રાફ્સ લેવાતા રહ્યાં છે.
પરંતુ હવે એવા વિશિષ્ટ રેખાચિત્રોની જરૂર છે. કારણ કે જે પણ ફોટોગ્રાફ કે વીડિઓ લોકો જોશે, અને સંભવતઃ તેને અન્ય લોકો સાથે શૅર પણ કરશે, ત્યારે તે ફોટોગ્રાફ પરફેક્ટ હોય તેનું માનસિક દબાણ વધે છે."
તેમને લાગે છે કે "મોબાઇલ ફોનનો ઉપયોગ જ ન થાય તેવાં" લગ્નોનું ચલણ વધશે.
જો કે, તેમને લગ્નમાં આવતાં મહેમાનોને તેમની સોશિઅલ મીડિયા પરની પોસ્ટમાં ચોક્કસ હેશટેગનો ઉપયોગ કરવાનું કહેવામાં આવે તેમાં કંઈ ખોટું નથી જણાતું. કારણ કે એ મહેમાનો એમ પણ તેમનાં ફોનનો ઉપયોગ કરવાનાં જ છે.
આમ છતાં, પોતાના લગ્ન માટે ખાસ હેશટેગ તૈયાર કરનારી જેસિકા લેહમેન ઇચ્છે છે કે, જ્યારે લગ્નવિધિ ચાલું હોય ત્યારે તેનાં મહેમાનો તેમનો ફોન બંધ રાખે.
તે પણ તેનાં ફોનથી લગ્નનાં દિવસે દૂર રહેવા ઇચ્છે છે. તેણે કહ્યું, "તમારે ક્યાંક તો મર્યાદા રાખવી પડે છે. લોકો કહે છે કે લગ્નનો દિવસ ખૂબ ઝડપથી વીતી જાય છે.
તો તમારે એ દિવસની દરેક ક્ષણ આનંદથી માણવી જોઈએ. પણ જો તમારો ફોન તમારી પાસે હોય તો એમ કરવું ખરેખર અઘરું છે."
શું આ જરા વધારે પડતું છે?
જે સોશિઅલ મીડિયાનો વધારે ઉપયોગ નથી કરતા, તેમને આ બધું જરા અતિશયોક્તિભર્યું લાગે.
પણ જે લોકો સોશિઅલ મીડિયા પર વધારે સક્રિય છે, તેમને માટે આ માટે તેમનાં વ્યક્તિગત જીવન, તેમની ઓળખને વિસ્તારે છે.
આ ઉપરાંત તેમને તેમના વ્યાવસાયિક કે સર્જનાત્મક કાર્યોના પ્રચાર કરવાની તક પણ પૂરી પાડે છે.
'જનરેશન મી' અને આગામી 'આઇજેન' પુસ્તકોનાં લેખિકા જીન ટ્વેંગી કહે છે, "જે લોકો નિયમિત રીતે સોશિઅલ મીડિયાનો ઉપયોગ કરે છે, તેમના માટે આ લાલ જાજમ જેવું છે.”
તેમણે કહ્યું, “21મી સદીનાં લોકો ખૂબ જ સ્વકેન્દ્રી છે. તેમને લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષવાનું તેમને ગમે છે. ખાસ કરીને લગ્ન એક એવો પ્રસંગ છે, જેમાં તમે લોકોનું ધ્યાન તમારી તરફ આકર્ષો તે સહજ સ્વીકૃત છે. આ પહેલાની પેઢીમાં તેમની જ ઉંમરના લોકોમાં આ વલણ જોવા નહોતું મળતું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો