You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાવનગર: ટીંબી ગામમાં ઘોડી રાખવા બદલ દલિત યુવકની હત્યા
ભાવનગરથી 60 કિલોમીટર દૂર આવેલા ઉમરાળા તાલુકાના ટીંબી ગામમાં 21 વર્ષના દલિત યુવાન પ્રદીપ રાઠોડની માત્ર ઘોડી રાખવા જેવા મુદ્દે હત્યા કરી દેવાઈ હોવાની ફરિયાદ થઈ છે.
આ ઘટના ગુરુવારે મોડી બની જ્યારે પ્રદીપ રાતનું ભોજન પિતા સાથે જમવાનું જણાવ્યા બાદ તે પરત ન આવ્યો અને ગામના ટીંબા પાસેથી ઘોડી અને તેનો મૃતદેહ મળ્યો.
પોલીસે ફરિયાદ બાદની કાર્યવાહીમાં ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી છે અને વધુ આરોપીઓની શોધખોળ ચાલુ છે.
હાલ ભાવનગરની સર ટી હોસ્પિટલમાં પ્રદીપના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે.
પ્રદીપના પરિવારે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ ન થયા ત્યાં સુધી તેનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.
ક્યારે બની ઘટના?
પ્રદીપના પિતા કાળુભાઈ રાઠોડે બીબીસી ગુજરાતી માટે ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં કહ્યું, “પ્રદીપ છેલ્લાં બે મહીનાથી ઘોડી લાવ્યો હતો. તેને ઘોડી નહીં રાખવા માટે આસપાસના ગામડાંના લોકો તે ખેતરે જતો ત્યારે રોકીને ધાક-ધમકી આપતા હતા.”
“તેણે મને કહ્યું હતું કે, તે ઘોડી વેચી દેવા ઇચ્છતો હતો. પરંતુ મેં ના પાડી હતી. ગઈ કાલે સાંજે ખેતર પર ઘોડી લઈને ગયો. મને કહ્યું હતું કે વાળુ સાથે કરીશું. પણ મોડી રાત સુધી એ પાછો ન ફરતા અમે તેની શોધખોળ કરીને. છેવટે ગામના ટીંબા પાસેથી ઘોડી મળી અને તેનાથી થોડે દૂર પ્રદીપનો મૃતદેહ મળી આવ્યો હતો.”
ટીંબી ગામની વસતી 300 લોકોની છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમને આમ વાંચવું ગમશે:
પોલીસ ફરિયાદમાં કાળુભાઈ એ જણાવ્યું છે કે, પીપરાળા ગામના દરબાર જેમનું નામ તેમને ખબર નથી તેમણે પ્રદીપને સાત-આઠ દિવસ પહેલા ઘોડી પર નહીં બેસવા, તેને વેચી દેવાનું કહ્યું હતું અને તેમ ન થાય તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
શું કહે છે, પોલીસ?
ટીંબી ગામની ઘટના અંગે ભાવનગરના એસપી પ્રવીણ માલે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે પ્રાથમિક તપાસની અંદર આ મામલો ઘોડી પર સવારી કરવા બદલ સવર્ણોએ દલિતોને માર્યા હોય તેવું દેખાતું નથી.
તેમણે કહ્યું, "પ્રાથમિક તપાસમાં મળેલી માહિતી પ્રમાણે તે નાનપણથી શાળામાં ઝઘડા કરતો હતો. તેટલું જ નહીં ટીંબી ગામે જ્યારે શાળા છૂટે ત્યારે છોકરીઓની મસ્કરી કરતો, ઘોડા અને મોટર સાઇકલ દ્વારા સ્ટંટ કરતો હતો."
તેમણે કહ્યું, "આ અગાઉ તેણે એક નર્સની છેડતી કરી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે FIRમાં જે વ્યક્તિના નામ છે તથા પ્રવીણ રાઠોડના પરિવારજનોએ જેમના પર શંકા વ્યક્ત કરી છે તે તમામને પૂછપરછ માટે બોલાવાયા છે. શકમંદો પાસેથી પ્રવીણ રાઠોડની હત્યાના કોઈ પૂરાવા હજુ સુધી મળ્યાં નથી."
આ વિસ્તારના દલિત આગેવાન અશોક ગિલાધર કહે છે, “દલિતો પર આ વિસ્તારમાં લાંબા સમયથી ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે. ભૂતકાળમાં પણ તેમને મારવાના બનાવો બન્યા છે. જેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસને પણ રજૂઆતો કરી હતી. આમ છતાં આ ઘટનાઓ અટકતી નથી.”
ગુજરાતમાં દલિત અત્યાચારની ઘટનાઓ
- ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલા મોટા સમઢિયાળા ગામમાં 11 જુલાઈ, 2016ના રોજ કેટલાંક દલિત યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો હતો. મૃત ગાયને લઈને જઈ રહેલાં આ દલિત યુવાનોને કેટલાક કહેવાતા ગૌરક્ષકોએ માર માર્યો હતો.
- બનાસકાંઠાના જિલ્લાના અમીરગઢ તાલુકાના કરજા ગામે 23 સપ્ટેમ્બર 2016ના રોજ દલિત પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. દલિત પરિવારના એક સભ્યને તેના ગામના એક પરિવારે મૃત ઢોર ઉપાડી જવા કહ્યું હતું, પરંતુ દલિત પરિવારના એ સભ્યએ મૃત ઢોર ઉપાડવાની ના કહી હતી
- આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નિસરાયા ગામમાં રહેતા સૌરભ ચૌહાણ નામના દલિત યુવાને તેના બાઈક પર 'બાપુ' લખાવ્યું હતું. એ જોઈને ઉશ્કેરાયેલા તેના ગામના કેટલાંક શખ્સોએ તેના ઘરે આવી 'બાઈક પર બાપુ કેમ લખાવ્યું છે?' તેમ પૂછી અપમાનજનક શબ્દો કહી માર માર્યો હતો.
- ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના લિંબોદરા ગામે મૂછ રાખવા બદલ બે યુવાનોને હડધૂત કરવામાં આવ્યા હતા. 17 વર્ષીય દલિત યુવાન અને તેના 24 વર્ષીય મોટા ભાઈને ગત 25 સપ્ટેમ્બરના રોજ ગામના કેટલાંક યુવાનોએ મૂછ રાખવાની સામાન્ય બાબતે હડધૂત કર્યા હતા.
- આણંદ જિલ્લાના ભાદરણિયા ગામે દલિત યુવાનો રાત્રે ગરબા જોવા ગયા હોવાની બાબતે થયેલા ઝઘડામાં જયેશ સોલંકીને ઢોર માર મારતાં તેનું મૃત્યુ થયું હતું.
- નેશનલ ક્રાઈમ રેકૉર્ડ્સ બ્યૂરો (NCRB)ના વર્ષ 2015ના અહેવાલ મુજબ અનુસૂચિત જાતિ પર થતી એટ્રોસિટીઝ જેમાં ગંભીર ઈજા થઈ હોય તેવા મામલામાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા નંબરે છે. એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાતા ગુનાઓ કે જેમાં પીડિત ગંભીર રીતે ઘાયલ થયા હોય તેવા કિસ્સાઓમાં ગુનાઓનોદર (ક્રાઈમ રેટ) બિહારમાં 1.3 જ્યારે ગુજરાતમાં 1.0 છે. આ ક્રાઇમ રેટ રાજ્યમાં થતા દલિતો પરના અત્યાચારના કુલ કેસો અને તેમાં ભોગ બનેલા કુલ દલિતોના ગુણોત્તર પરથી નક્કી કરવામાં આવે છે.
- વર્ષ 2015માં ગુજરાતમાં દલિત અત્યાચારની 1046 ઘટનાઓ, વર્ષ 2016માં 1355 અને વર્ષ 2017ના ઓગસ્ટ સુધીમાં 1085 ઘટનાઓ બની હોવાનું સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોના આંકડા જણાવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો