ગુજરાતનાં આ ગામના પહેલવાનોએ ખિલજીને પણ હંફાવ્યો હતો!

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

તમે માની શકો કે એક જમાનામાં જેમનો ઉત્તર ગુજરાત, કચ્છ અને રાજસ્થાનમાં ડંકો વાગતો હતો તે પહેલવાનો દેશની આઝાદી પછી અધમુઆ થઈ જાય ? જી હાં, આવું જ થયું છે, ઉત્તર ગુજરાતના દેલમાલના જેઠીમલ પહેલવાનો સાથે.

અમદાવાદથી સવાસો કિલોમીટર દૂર દેલમાલ ગામમાં રહેતા પહેલવાનો સાથે આવું કેમ થયું? તેની ભીતરમાં જઈએ તો એક સમયે એમના વડવાઓનો ડંકો વાગતો હતો.

આઝાદી પહેલાં એ લોકો સૈનિકોને મલ્લયુધ્ધ શીખવતા હતા. પણ આઝાદી પછી આર્થિક રીતે અધમુઆ થઈ ગયેલા આ પહેલવાનોએ આજે પણ પોતાની પરંપરા જાળવી રાખી છે.

અહીં રહેતા યોગેશ જેઠી ખેડૂત છે અને ઘરે આવીને પિતાંબર પહેરી તેઓ અખાડામાં આવે છે.

અખાડામાં આવીને પહેલાં લીમજા માતાની પૂજા કરે છે અને પછી ગામના યુવાનો અને બાળકોને કુસ્તીના પાઠ શીખવે છે.

ગામના અન્ય વડીલો પણ અહીં કુસ્તી શીખવવા આવે છે.

બાળકોને કુસ્તીના પાઠ

આમ દિવસ દરમિયાન શાંત રહેતા આ ગામમાં સાંજ પડતાં જ કુસ્તીની ટ્રેનિંગ શરૂ થાય છે. વડીલો ગામની બહાર આવેલા અખાડે ભેગા થાય છે અને ગામના છોકરાઓને કુસ્તી શીખવે છે.

આજે પણ અહીં પથ્થરનાં વજનિયાં અને મગદળ દ્વારા યુવાનો અને બાળકોને ટ્રેનિંગ આપવામાં આવે છે.

પહેલવાનોના આ ગામમાં શિક્ષણનું પ્રમાણ 61 ટકા છે. ઘણા લોકો આ ગામ છોડીને અન્ય સ્થળોએ જતા રહ્યા છે.

મુખ્યત્વે બ્રાહ્મણી વસતિ ધરાવતા આ ગામમાં કુસ્તીની પરંપરા વર્ષો જૂની છે. રાજાશાહી વખતથી આ ગામમાં પહેલવાનો તૈયાર થાય છે.

આઝાદી બાદ પહેલવાનોની જરૂરિયાત ઓછી થઈ જતાં તેઓ બેકાર થઈ ગયા તેમ છતાં અહીં કુસ્તીની પરંપરા તો જળવાઈ રહી.

પહેલવાનોનું મૂળ મોઢેરામાં

કુસ્તીના દાવપેચમાં વજ્ર મુઠ્ઠીનો પ્રયોગ શીખવનાર આ પહેલવાનોનું મૂળ આમ તો મોઢેરા છે.

મોઢેરામાં વસતા આ પહેલવાનોની કુસ્તીની ચર્ચા છેક રાજસ્થાન સુધી થતી હતી.

વિક્રમ સંવત 1414માં મહેસાણા વસાવનારા મેસાજી ચાવડા આ પહેલવાનોની આવડત અને તાકાતથી અવગત હતા.

તેઓ આ પહેલવાનોનો ઉપયોગ રાજવહીવટ અને ન્યાય મામલે કરતા હતા.

તેમના રાજમાં ઝઘડા ના થાય અને ઝઘડાની પતાવટમાં તેઓ આ પહેલવાનોનો ઉપયોગ કરતા હતા.

જ્યારે ન્યાય માટે પહેલવાન મોકલવામાં આવતા

તેમના રાજમાં જો કોઈ ઝઘડો થાય અને તેની ફરિયાદ રાજાના દરબારમાં કરવામાં આવે તો તેના નિકાલ માટે તેઓ આ પહેલાવનોને મોકલતા હતા.

જેમની વચ્ચે ઝઘડો થયો હોય તે બંને પક્ષોના ઘરે ત્રણ ત્રણ પહેલવાનોને સુરક્ષા માટે મોકલવામાં આવતા હતા.

જેના કારણે ન્યાય માટે આવનાર લોકોને ન્યાય મળ્યાનો સંતોષ થાય, પરંતુ પહેલવાનોનો ખોરાક એટલો વધારે હતો કે તેમને ખવડાવવાથી કંટાળીને બંને પક્ષો સમાધાન કરી લેતા.

ઉપરાંત મેસાજી તેમના સૈનિકોને મલ્લયુદ્ધો શીખવાડવા માટે પણ આ પહેલવાનોનો ઉપયોગ કરતા હતા.

દેલમાલ ગામમાં રહેતા અને ખેતી કરતાં 68 વર્ષના ધીરુભાઈ જેઠી કહે છે, "અમારા વડવાઓને મહેસાણાના મહારાજા કુસ્તી માટે બોલાવતા હતા."

કુસ્તી અને સાલિયાણું

અમારા વડવાઓની મલ્લ કુસ્તીની ખ્યાતિ ચોતરફ ફેલાયેલી હતી.

મેસાજી ચાવડા પછી ગાયકવાડી રાજ આવ્યું ત્યારે પણ અમારા વડવાઓને ગાયકવાડના મહારાજા કુસ્તી શીખવવા બોલાવતા હતા અને અમને આ ગામ આપ્યું હતું.

એટલું જ નહીં સાલિયાણું પણ આપતાં હતાં, જેથી ખેતી ઉપરાંત સાલિયાણાને ઘ્યાનમાં રાખીને અમે કુસ્તીના દાવપેચ શીખતા અને શીખવતા.

પરંતુ આઝાદી પછી અમને કોઈ સાલિયાણું મળતું નથી, છતાંય કુસ્તી છોડી નથી.

આમ તો ખોબા જેવડા દેલમાલમાં રહેતા બ્રાહ્મણ પહેલવાનોનો ઇતિહાસ પણ અદ્ભુત છે.

આ બ્રાહ્મણો પહેલાંથી યુદ્ધ કલામાં માહેર હતા અને મોઢેરામાં વસતા હતા.

જ્યારે ખિલજીએ મોઢેરાના પહેલવાનોને લલકાર્યા

એમની તાકાતની વાતો જ્યારે અલ્લાઉદ્દીન ખિલજીએ સાંભળી ત્યારે ખિલજીએ તેમને હરાવવાનું કરવાનું નક્કી કર્યું હતું.

અલ્લાઉદ્દીન ખિલજીની સેના જ્યારે કનોજથી ઊંઝા જતી હતી ત્યારે આગળ વધતા મોઢેરા પહોંચી હતી.

એમણે કર્મકાંડના બદલે પહેલવાની કરનારા આ બ્રાહ્મણ પહેલવાનોને લલકાર્યા હતા.

મોઢેરામાં રહેતા આ પહેલવાનોએ લક્ષ્મણ જેઠી નામના પહેલવાનની આગેવાની હેઠળ અલ્લાઉદ્દીન ખિલજીના પહેલવાનો તો ઠીક ખુદ એના સરદાર જહાનોરોઝને પણ હંફાવ્યો હતો.

આ આખીય વાતને યાદ કરતાં 70 વર્ષનાં ચંદ્રકાન્ત જેઠીની છાતી આજે પણ ફૂલી જાય છે.

ચંદ્રકાન્ત જેઠી વડવાઓ વિશે કહે છે કે ખિલજીએ જ્યારે અમારા પર હુમલો કર્યો ત્યારે અમે જેઠીમલ પહેલવાનોએ અલ્લાઉદ્દીનની સેનાને હંફાવી હતી.

લક્ષ્મણ જેઠી નામના અમારા વડવાની આગેવાની હેઠળ અમારા બ્રાહ્મણોએ ખિલજીને ભૂ પીવડાવી દીધું હતું અને ખિલજીને પાછા જવાની ફરજ પાડી હતી એ પછી અમે અહીં દેલમાલમાં આવીને વસ્યા છીએ.

અલ્લાઉદ્દીન ખિલજીના હુમલા પછી જે રીતે બ્રાહ્મણ પહેલવાનોએ સામનો કર્યો એ જોઈ એમને મોઢેરાથી દેલમાલ વસાવવામાં આવ્યા હતા.

ત્યારબાદ પહેલવાનોનાં 200 કુટુંબો દેલમાલ આવીને વસ્યાં હતાં.

જેઠી પહેલવાનો દક્ષિણ ભારતમાં મૈસૂરમાં જને વસ્યા

કચ્છના મહારાજા અને રાજસ્થાનના રાજાઓ તેમને અંગરક્ષક તરીકે લઈ ગયા હતા. તો કેટલાક પહેલવાનો દક્ષિણ ભારતમાં મૈસૂરમાં જઈને વસ્યા છે.

આજે આ મોઢ બ્રાહ્મણ પહેલવાનો જેઠીમલના નામે પણ ઓળખાય છે.

ગાયકવાડી રાજમાં દેલમાલમાં વસેલા પહેલવાનોને ગાયકવાડ દ્વારા સાલિયાણું અપાતું હતું.

સામાન્ય રીતે કુસ્તીમાં ચાર દાવ મહત્ત્વના હોય છે. જેમાં હનુમંતી, જાંબુવંતી, જરાસંધી અને ભીમસેની દાવ અગત્યના હોય છે.

પરંતુ જેઠીમલ પહેલવાનોએ વજ્ર મુઠ્ઠી દાવની શોધ કરી હતી. જેનાથી ભલભલા પહેલવાનો ધૂળ ચાટતા થઈ જતા હતા.

જેઠીમલ પહેલવાન પર સંશોધન કરનાર ભૂતપૂર્વ ફોરેસ્ટ ઑફિસર મૂળશંકર જેઠી કહે છે કે કૃષ્ણના વખતથી તેમને વરદાન મળેલું હતું.

મહેસાણાનો ઇતિહાસ લખનાર જેસંગ બારોટના મતે લક્ષ્મણ જેઠીએ જ્યારે દેલમાલમાં લીમડો ઉખાડ્યો હતો ત્યારે એના મૂળમાંથી લિંબજા માતાની મૂર્તિ નીકળી હતી.

વજ્રમુષ્ટિ કળા શીખવા અંગ્રેજો પણ આવતા

જેઠીમલ પહેલવાનો પાસેથી વજ્રમુષ્ટિ કળા શીખવા અંગ્રેજો પણ આવતા હતા.

આ કળા અમે કોઈને શીખવી નથી. આ કળાથી અમારા વડવાઓએ ખિલજીને હંફાવ્યો હતો.

કુસ્તીની કળામાં માહિર આ નાનકડાં દેલમાલ ગામમાં રહેલા પહેલવાનો પોતાનો ભવ્ય વારસો ભૂલ્યા નથી.

નવી પેઢીને કુસ્તી શીખવતા યોગેશ જેઠી કહે છે કે એમને સરકાર તરફથી કુસ્તીની કળાને આગળ વધારવા માટે કોઈ મદદ મળતી નથી.

સરકાર દ્વારા જો અમને મદદ કરવામાં આવે તો ગુજરાતમાંથી સારા કુસ્તીબાજો તૈયાર થાય એમ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો