ઝુલ્ફીકાર ભુટ્ટો : જ્યારે જૂનાગઢના દીવાનના દીકરાને પાકિસ્તાને ફાંસી આપી

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

જૂનાગઢ, પાકિસ્તાન, આર્મી અને અકીદત... આ ચારેય શબ્દોને એકબીજા સાથે જોડતું નામ એટલે ઝુલ્ફીકાર અલી ભુટ્ટો.

ભારતને આઝાદી મળ્યા બાદ જૂનાગઢે પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાત કરી હતી. જેને પગલે ભારત સરકાર હરકતમાં આવી અને 'આરઝી હકુમત'ની ચળવળે જૂનાગઢને પાકિસ્તાન સાથે ભળતું અટકાવી ભારતનો ભાગ બનાવ્યું.

પાકિસ્તાન સાથે ભળવાનું જૂનાગઢના નવાબ અને નવાબના દિવાન સર શાહનવાઝ ભૂટ્ટોનું સપનું અધૂરું રહેતાં બન્ને પાકિસ્તાન ભણી પોબારા ગણી ગયા.

જૂનાગઢ સ્ટેટના આ દિવાન સર શાહનવાઝ ભૂટ્ટોનું ત્રીજું સંતાન એટલે ઝુલ્ફીકાર અલી ભુટ્ટો.

ભુટ્ટો એટલે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ, પાકિસ્તાનના વડા પ્રધાન અને હત્યાના ગુના બદલ જેને ફાંસીએ ચડાવાયા એવા રાજકીય કેદી પણ.

જૂનાગઢના દિવાનના આ પુત્ર પાકિસ્તાનના કરિશ્માઈ રાજકારણી જ નહીં, પાકિસ્તાનમાં લોકશાહીના પ્રખર પક્ષધર પણ હતા. પણ ભારતમાં એમની ઓળખ '1000 વર્ષ સુધી ભારત વિરુદ્ધ લડવા'ની હાકલ કરનારા પાકિસ્તાની નેતા તરીકેની વધુ છે.

ભારત વિરુદ્ધ આક્રમક વિદેશનીતિ ભુટ્ટોના રાજકારણનું સૌથી મહત્ત્વનું પાસું હતું.

'ધ મીથ ઑફ ઇન્ડિપૅન્ડન્સ' નામના પુસ્તકમાં 'ભારત સાથે સંઘર્ષ' નામે એક પ્રકરણ છે.

એમાં ભુટ્ટો કહે છે, 'યોગ્ય સામાધાન વગર ભારત સાથે સંબંધોને સ્થિર કરવાનો અર્થ થશે કે આપણા વિસ્તારમાં ભારતના વડપણનો પાયો નાખવાનો પ્રયાસ કરવો."

"એવું થશે તો પાકિસ્તાન તથા અન્ય રાષ્ટ્રો ભારત આધારિત બની જશે.'

'જો મારી હત્યા કરી દેવાય'

1971થી 1977 સુધી ભુટ્ટો વિવિધ પદો સાથે પાકિસ્તાનમાં સત્તામાં પર રહ્યા.

સિવિલ ચીફ માર્શલ, ઍડમીનિસ્ટ્રેટર, રાષ્ટ્રપતિના પદ પર રહ્યા બાદ તેઓ પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા.

જોકે, 1979ના એપ્રિલ મહિનામાં તેમને ફાંસીએ ચઢાવી દેવાયા.

ભુટ્ટોને ફાંસી થઈ એ પહેલાં તેમણે લખેલાં લખાણોને 'ઇફ આઇ એમ અસાસિનેટેડ' નામના પુસ્તકમાં સંગ્રહિત કરાયાં છે.

પાકિસ્તાનના તત્કાલીન સૈન્યવડા જનરલ ઝિયા-ઉલ-હકે ભુટ્ટો વિરુદ્ધ શ્વેત પત્ર જાહેર કર્યું હતું. એ વખતે ભુટ્ટો રાવલપિંડીની જેલમાં કેદ હતા.

જેલમાંથી જ તેમણે શ્વેતપત્ર વિરુદ્ધ લખ્યું. પોતાના વકીલો મારફતે તેમણે લખાણ બહાર મોકલ્યું.

ભુટ્ટોનું આ લખાણ દસ્તાવેજ તરીકે પાકિસ્તાનની કોર્ટના મેજ પર મૂકવામાં આવ્યું હતું.

જોકે, પાકિસ્તાનની સૈન્ય સરકારને લીધે દેશમાં ક્યાંય તેને છાપી ના શકાયું.

આખરે ગેરકાયદે તેને યુકે પહોંચાડવામાં આવ્યું, જ્યાં તેને 'ઇફ આઈ એમ અસૅસિનેટેડ' નામે પુસ્તકનું સ્વરૂપ અપાયું હતું.

પાકિસ્તાનની સૈન્ય સરકાર પોતાને મૃત્યુદંડ આપશે તે વાતનો અંદાજ ભુટ્ટોને આવી ગયો હતો. 'ઇફ આઇ એમ અસાસિનેટેડ' પુસ્તક ભુટ્ટોની આશંકાને વાસ્તવિક્તાનું રૂપ આપે છે.

જેને જનરલ બનાવ્યા તેણે જ...

જે ભુટ્ટોએ જનરલ ઝિયા ઉલ હકને પાકિસ્તાન આર્મીના વડા બનાવ્યા હતા, એ જ જનરલે ભુટ્ટોને ફાંસીએ ચડાવી દીધા હતા.

પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં ગોટાળો કરાયો હોવાના કથિત આરોપ બાદ દેશભરમાં વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં હતાં.

પાકિસ્તાન નૅશનલ અલાયન્સ(PNA)ના નેજા હેઠળ શરૂ થયેલાં પ્રદર્શનો બાદ દેશભરમાં હિંસક ઘટનાઓએ આકાર લીધો હતો.

આખરે ઘીના ઠામમાં ઘી પડ્યું અને ભુટ્ટો PNA વચ્ચે સમજૂતી સધાવાનું નક્કી કરાયું.

આ એક એવી સમજૂતી હતી કે જેના પર હસ્તાક્ષર થતાં જ પાકિસ્તાનમાં તખ્તાપલટનું ઔચિત્ય ખતમ થઈ જાત.

જોકે, આવું થાય એ પહેલાં જ જનરલ હકે પાકિસ્તાનની લોકતાંત્રિક સરકાર ઉથલાવી નાખી અને દેશમાં સૈન્ય શાસન લાગુ કરી દીધું.

સૈન્ય સરકારે ભુટ્ટોની ધરપકડ કરી લીધી. એમના વિરુદ્ધ ત્રણ વર્ષ જૂનો હત્યાનો એક કેસ શરૂ કરવામાં આવ્યો, જેમાં આખરે તેમને ફાંસીની સજા ફટકારી દેવાઈ.

'ફિનિશ ઇટ!'

'વૉઝ ભુટ્ટો કિલ્ડ બિફૉર હૅન્ગિંગ?' નામના પુસ્તકમાં સાદિક જાફરીએ 'ફિનિશ ઇટ' નામે પ્રકરણ લખ્યું છે.

જેમાં ભુટ્ટોને ફાંસી અપાઈ એ પહેલાંના તેમના અંતિમ સમયનું વર્ણન કરવામાં આવ્યું છે.

પ્રકરણમાં પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ ઝિયા-ઉલ-હકના વાઇસ-ચીફ આર્મી સ્ટાફ કે.એમ. આરીફના શબ્દોને ટાંકીને લખાયું છે,

''ફાંસી આપતા પહેલાં ભુટ્ટો સ્વસ્થ છે કે કેમ એ ચકાસવા માટે ડૉક્ટરને મોકલવામાં આવ્યા હતા."

"ડૉક્ટરે ભુટ્ટોને ઇન્જેક્શન આપ્યું હતું, જે બાદ તેઓ વધુ સ્વસ્થતા અનુભવવા લાગ્યા હતા."

"ફાંસીના માંચડે ભુટ્ટો ખુદ ચડ્યા હતા. પોતાને જલ્લાદ તારા મસિહને સોંપી દેતાં ભુટ્ટોએ કહ્યું હતું, ફિનિશ ઇટ."

(મૂળ લેખ 5 જાન્યુઆરી, 2018ના રોજ પ્રકાશિત થયો હતો.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો