You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
KGFના યશની કહાણીઃ 300 રૂપિયા લઈને ઘરેથી ભાગવાથી માંડીને સુપરસ્ટાર બનવા સુધી
'વાયોલન્સ… વાયોલન્સ… વાયોલન્સ! આઈ ડૉન્ટ લાઇક ઈટ. આઈ અવૉઇડ… બટ… વાયોલન્સ લાઇક્સ મી' આ ડાયલૉગ એ દર્શાવે છે કે આ કોઈ મારધાડથી ભરપૂર ફિલ્મનો સંવાદ હોઈ શકે.
આ ડાયલૉગ છે 'KGF-2'નો અને આ ફિલ્મ ઘણા સ્ટાર્સ અને એમાંની ઍક્શનના કારણે ચર્ચામાં છે; એની સાથે જ, હૅડલાઇન્સમાં ચમકે છે ઍક્ટર યશ.
વાસ્તવમાં તો આ કન્નડ ફિલ્મ છે. KGFનો પહેલો ભાગ 2018માં કન્નડ અને હિન્દી સહિત ઘણી ભાષાઓમાં રિલીઝ થયો હતો અને ફિલ્મ હિટ થઈ હતી. KGF-2માં સુપરસ્ટાર યશની સાથે સંજય દત્ત, રવિના ટંડન અને પ્રકાશ રાજ મુખ્ય ભૂમિકામાં છે.
યશની ફિલ્મી દુનિયાની સફર પણ સપાટ પટકથાવાળી ફિલ્મો નથી. એમાં ઘણા સ્તર છે - ડ્રામા છે, ઘરેથી ભાગી જવાની કહાણી છે, બૅક સ્ટેજથી લઈને હીરો તરીકે પરદે ચમકવાની વાર્તા છે.
'ફિલ્મ કમ્પેનિયન'ને અપાયેલા એક ઇન્ટરવ્યૂમાં યશે કહેલું કે, "જ્યારે હું નવો નવો આ ઇન્ડસ્ટ્રીમાં આવેલો, ત્યારે એવું જ વિચારતો હતો કે એનાથી કશો ફરક નથી પડતો કે તમે કયા બૅક ગ્રાઉન્ડમાંથી આવો છો, ક્યાંથી આવો છો. વસ્તુઓ એ વાત પર આધાર રાખે છે કે તમને તમારું કામ આવડે છે કે નહીં. દર્શકો તમારી સાથે કનેક્ટ થઈ શકે છે કે નહીં."
યશની સફર નવીનકુમાર ગૌડા તરીકે શરૂ થાય છે પરંતુ 'બોલીવૂડ હંગામા'ની સાથે રૅપિડ ફાયરમાં આ નામે સંબોધવાના એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે કોઈ જ્યારે તેમને આ નામે સંબોધે તો એમનું પહેલું રિઍક્શન હશે - 'કોણ છે એ?' કેમ કે મોટા ભાગના લોકો એમને આ નામે નથી ઓળખતા.
ફિલ્મી દુનિયાની સફરની શરૂઆત કઈ રીતે થઈ
'ધ ન્યૂઝ મિનટ'ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં યશે જણાવેલું કે એમના પિતા BMTCમાં બસ ડ્રાઇવર હતા અને તેઓ ઇચ્છતા હતા કે એમનો પુત્ર એક સરકારી અધિકારી બને. પરંતુ એમને બીજું જ કશુંક પસંદ હતું.
તેઓ નાટકો અને ડાન્સ કમ્પિટેશનમાં ભાગ લેતા હતા અને એ દરમિયાન જે સીટીઓ વાગતી એ જ એમની અંદર ઊછરતા કલાકારને ઊર્જા આપતી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યશે જણાવ્યા અનુસાર, તેઓ બાળપણથી જ ઍક્ટર બનવા માગતા હતા. નાટક અને ડાન્સમાં ભાગ લેતા હતા. દર્શકોને ખુશ થઈને તાળીઓ પાડતા અને સીટીઓ મારતા જોવા એમને ગમતું હતું અને જ્યારે દર્શક એવું કરતા હોય ત્યારે એમને લાગતું કે તેઓ હીરો છે.
એમણે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે ઍક્ટર બનવા માટે તેઓ ઘરેથી ભાગીને બૅંગલુરુ પહોંચ્યા હતા, પરંતુ ત્યાં પગ મૂકતાં જ તેઓ ગભરાઈ ગયા. એમના ગજવામાં માત્ર 300 રૂપિયા જ હતા, પરંતુ પાછા ફરવાનો વિચાર કંઈક એવો હતો કે જો પાછા વળી ગયા તો પછી ઘરના લોકો પાછો નહીં આવવા દે.
તેમણે કહ્યું કે, એમને સંઘર્ષથી બીક નથી લાગી. બૅંગલુરુમાં તેઓ થિયેટરની સાથે બૅક સ્ટેજનું કામ કરવા લાગ્યા. સાથે સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સંઘર્ષ પણ ચાલતો રહ્યો.
યશે ફિલ્મી દુનિયાની પોતાની કરિયરની શરૂઆત 2008માં બનેલી કન્નડ ફિલ્મ 'મોગિના મનાસુ'થી કરી હતી. આ ફિલ્મ માટે એમને 'બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટર'નો ફિલ્મફૅર ઍવૉર્ડ પણ મળ્યો હતો. ત્યાર બાદ તેઓ 'રાજધાની', 'ગજકેસરી', 'માસ્ટરપીસ' જેવી ફિલ્મોથી લોકપ્રિય બનતા ગયા.
જો એમના અંગત જીવનની વાત કરીએ તો એમનું લગ્ન અભિનેત્રી રાધિકા પંડિત સાથે થયું છે. રાધિકા અને યશે ઘણા ઇન્ટરવ્યૂમાં એમ કહ્યું છે કે ઘણાં વર્ષોના ડેટિંગ પછી એમણે લગ્ન કર્યું, કેમ કે એમને લાગ્યું કે તેઓ 'એક દૂજે કે લિયે' બન્યાં છે. આ દંપતીને બે બાળકો છે.
બોલીવૂડમાં નવાજુદ્દીન સાથે કામ કરવાની યશની ઇચ્છા છે કેમ કે તેમને તેઓ ઉત્તમ અભિનેતા માને છે.
શાહરૂખ ખાનને તેઓ પોતાના પ્રેરણાસ્રોત માને છે. યશ અમિતાભ બચ્ચનને 'ટ્રૂ જેન્ટલમૅન' ગણાવે છે.
યશ પોતાના જૂના ઇન્ટરવ્યૂઝમાં એવું કહી ચૂક્યા છે કે દર્શકો કદાચ એમને એટલા માટે પસંદ કરે છે કેમ કે એમની સફર ગામડેથી આવીને હીરો બનવાની સફર છે અને એ વાત દર્શકોને પ્રેરિત કરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો