You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પુષ્પા ઝૂકેગા નહીં : કેવી રીતે બોલીવૂડને ટક્કર આપી રહી છે દક્ષિણની ફિલ્મો?
- લેેખક, પરાગ છાપેકર
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી માટે
એક સમય હતો જ્યારે હિન્દી પટ્ટાના સિનેમાપ્રેમી 'મદ્રાસી પિક્ચરો'ના નામે રજનીકાન્ત, કમલ હાસન કે ચિરંજીવીને જ ઓળખતા હતા. ક્યારેક ક્યારેક નાગાર્જુન કે વેંકટશને પણ. આજે ગામેગામ, ગલી-મહોલ્લાઓમાં પ્રભાસ અને અલ્લુ અર્જુન જેવા સ્ટાર્સનાં નામ ગુંજી રહ્યાં છે.
ધનુષ, અજિત, મોહનબાબૂ, વિજય દેવરાકોંડા, ચિંયા વિક્રમ, ચિખા સુદીપ, પવન કલ્યાણ, નાગા ચૈતન્ય, રામચરણ તેજા, જુનિયર એનટીઆર, સૂર્યા, સમાન્થા, રશ્મિકા મન્દાના, તમે નામ લેતા જાઓ, યુપી, બિહાર, બંગાળથી માંડીને એમપી અને ગુજરાત સુધી એમનો જાદુ છવાયેલો છે.
હિરોઇનોની બાબતમાં વૈજયંતી માલાના જમાનાથી હિન્દી સિનેમામાં દક્ષિણનો પ્રવેશ થયો છે.
હેમા માલિની, જયાપ્રદા, મીનાક્ષી શેષાદ્રિથી માંડીને આજે શ્રુતિ હાસન સુધી દક્ષિણની ઘણી અભિનેત્રીઓ હિન્દી ફિલ્મોમાં કામ કરીને પ્રખ્યાત થતી રહી છે, પરંતુ આ કાળખંડ બિલકુલ જુદો છે જ્યારે દક્ષિણના સ્ટાર્સ પોતાની જ ફિલ્મો દ્વારા આખા દેશમાં ચમકી રહ્યા છે.
ભરપૂર મનોરંજન, દર્શકોની રુચિ પરની સંપૂર્ણ પકડ અને આ બધાંથી આગળ વધીને છેલ્લાં 20 વર્ષોમાં અમલમાં મુકાતી રહેલી વિચારણાપૂર્વકની રણનીતિ, જેણે આજે બોલીવૂડ પર પોતાનો દબદબો જમાવી દીધો છે.
બોલીવૂડનો ગઢ કબજે કરવા માટે સાઉથવાળાઓએ અશ્વમેધનો ઘોડો છૂટો મૂકી દીધો છે. દક્ષિણ ભારતીય સિનેમાના સેનાપતિઓની આખી ફોજ બોલીવૂડમાં રાજ કરવાનું સપનું સાકાર કરવાની ખૂબ નજીક છે.
એવું ના સમજો કે માત્ર એક 'પુષ્પા'એ દેશભરમાં મચાવેલી ધમાલ અને કરોડોની કમાણીના લીધે આવું તારણ કરાઈ રહ્યું છે.
બોલીવૂડના કલાકારોના સહારે દર્શકો સુધી પહોંચવાની રણનીતિ
સાઉથના આ પ્લાનમાં હિન્દી પટ્ટાના દર્શકોને આકર્ષવા માટે 'લલચાવનારી' એક સ્ટ્રેટેજી પણ છે. સાઉથે બોલીવૂડના મોટા સ્ટાર્સને નાના નાના રોલ આપવાનું ચાલુ રાખ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પરંપરા ઇન્દિરન (રોબૉટ)માં ઐશ્વર્યા રાયથી માંડીને અમિતાભ બચ્ચન અને આવનારી ફિલ્મ આરઆરઆરમાં આલિયા ભટ્ટ અને અજય દેવગન સુધી પહોંચી છે અને આવનારા સમયમાં પણ ચાલુ રહેશે.
વાસ્તવમાં, સાઉથવાળા એ જાણી ગયા છે કે હિન્દી ફિલ્મના કલાકારો દ્વારા તેઓ એ (બોલીવૂડ) મોટા માર્કેટને સરળતાથી કબજે કરી ચૂક્યા છે જેના માટે એમણે વર્ષો સુધી મહેનત કરી છે.
એમ તો ડિપ્લોમસી અહીં પણ ઓછી નથી. 'પુષ્પા'ના અલ્લુ અર્જુને કહ્યું કે, 'બોલીવૂડવાળાનું અમારી ઇન્ડસ્ટ્રીમાં ખુલ્લા દિલે સ્વાગત છે.' પરંતુ મુશ્કેલી એ છે કે સાઉથમાં સ્ટાર્સનું સ્ટારડમ એટલું વધારે છે કે ત્યાંના દર્શકો બહારના લોકોને સ્વીકારી નથી શકતા.
સાઉથનો આ 'હુમલો' લગભગ 15-20 વર્ષથી ચાલુ છે, જેમાં પહેલાંના ફિલ્મમેકર્સે ક્યારેક ક્યારેક બોલીવૂડવાળા સાથે ફિલ્મો બનાવીને 'મદ્રાસી ફિલ્મો'ના ચસ્કે ચડાવ્યા. પછી શ્રીદેવી અને જયાપ્રદા જેવી અભિનેત્રીઓ બોલીવૂડની મેઇનસ્ટ્રીમમાં આવી.
સાઉથવાળાએ પોતાની ભાષાની ફિલ્મોમાં હિન્દી ફિલ્મોના કલાકારોને લીધા તો ખરા, પરંતુ મોટા ભાગે કૅરેક્ટર આર્ટિસ્ટ તરીકે. રાહુલ દેવ, સોનુ સૂદ, ચંકી પાંડે, વિનીત કુમાર, મુરલી શર્મા ઘણી વાર સાઉથની કોઈ ડબ ફિલ્મમાં જોવા મળે છે.
દક્ષિણ ભારતીય ફિલ્મોના નિર્માતાઓ અને ત્યાંની મોટી ફિલ્મ કંપનીઓએ ટીવી પર સાઉથની ડબ ફિલ્મોની લત લગાડવાનું પણ લગભગ બે દાયકા પહેલાં જ શરૂ કરી દીધું હતું. આજે તો મૂવી ચૅનલોનો મોટા ભાગનો ઍર ટાઇમ આવી ડબ ફિલ્મોના કારણે જ ચમકદાર છે.
એક સમય હતો જ્યારે સાઉથની ફિલ્મોના ટીવી રાઇટ્સ એકથી દોઢ લાખ રૂપિયા સુધીમાં મળી જતા હતા, અર્થાત્, સસ્તામાં ચૅનલનો ખાલી સમય ભરો. હવેની ડીલ્સ કરોડોમાં થાય છે.
પોતપોતાની ટેરિટરી કે ભાષાકીય ક્ષેત્રોમાં આ બાદશાહોએ બોલીવૂડના ગઢને કબજે કરવા માટે 'ડબ માર્કેટ'નું જે હથિયાર ઉગામ્યું હતું એ આજે યોગ્ય જગ્યાએ વાગી ચૂક્યું છે.
'બોલીવૂડને દક્ષિણની ફિલ્મોથી ખતરો'
ખ્યાતનામ ફિલ્મકાર મેહુલકુમારે કહ્યું કે, "આવું પહેલાં ક્યારેય નથી થયું. આજે જે થઈ રહ્યું છે એ નિશ્ચિતરૂપે બોલીવૂડ માટે ચેતવણી સમાન છે. એમની ડબની ફૉર્મ્યૂલા સફળ રહી છે."
એનું કારણ જણાવતાં મેહુલકુમારે જણાવ્યું કે, "સોએ સો ટકા બોલીવૂડ ખતરામાં છે, કેમ કે અહીં કન્ટેન્ટને સાઇડમાં ખસેડી દેવાયું છે. સ્ટાર મળી ગયો તો બસ, પિક્ચર બનાવો. મોટા સ્ટાર્સની દખલગીરી વધી ગઈ છે. ડાયરેક્ટરને પોતાની રીતે કામ કરવાની તક નથી મળતી."
"આજે પુષ્પા દસમા અઠવાડિયે આવી ગઈ. હું કોઈનું નામ નહીં કહું, પરંતુ એક મોટી કંપની છે, જે ગીતો ખરીદી લે છે અને પછી ડાયરેક્ટરને કહે છે કે મારી પાસે આ 10-12 ગીતો છે, જે સારાં લાગે ઉમેરી દો. આ શું છે?"
"સાઉથવાળાને એ પહેલાંથી જ ખબર છે કે બોલીવૂડમાં કન્ટેન્ટ પર કોઈ ધ્યાન નથી આપતું, તેથી એમણે દર્શકોની રુચિને ધ્યાનમાં રાખીને વાર્તા અને ગીતો પર ફોકસ કર્યું. અમે કન્ટેન્ટ જ નથી આપી શકતાં."
અગાઉનાં વર્ષોમાં સાઉથની ડબ કરાયેલી ફિલ્મોની એટલી બધી બોલબાલા હતી કે એક સમયે કોરિયન કે હોલીવૂડ ફિલ્મોની રિમેક બનાવનારું બોલીવૂડ તમિળ, તેલુગુ અને મલયાલમ પર વધારે વિશ્વાસ કરવા લાગ્યું. સલમાન ખાન અને અક્ષયકુમાર એમાં ઘણા આગળ રહ્યા.
અક્ષયકુમારના જીવનમાં સાઉથની રિમેક 'રાઉડી રાઠૌર' બનવાથી જે વળાંક આવ્યો એ કોઈનાથી અજાણ્યું નથી. બોલીવૂડ માટે સાઉથની રિમેકનો દાવ ચોક્કસપણે ફાયદાકારક જ રહ્યો છે, પરંતુ આ વાત એમને મોડી સમજાઈ છે.
આ કારણે પરિસ્થિતિ એ છે કે 'પુષ્પા'એ 14 દિવસમાં 234 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી અને ભીડ ઓછી થવાનું નામ નથી લેતી.
આની પહેલાં 'માસ્ટર'એ પણ 209.60 કરોડ, 'વકીલ સાહબ'એ 119.90 કરોડ, 'અખંડ'એ 103 કરોડ, 'અન્નાત્થે'એ 102.50 કરોડ, 'ઉપ્પેના'એ 93.30 કરોડ અને 'ડૉક્ટર'એ 81.60 કરોડ રૂપિયા પોતાના ખાતે કરી લીધા.
બાહુબલીએ હિન્દી પટ્ટાના કબજાની શરૂઆત કરી
એવું માનવામાં કશો વાંધો નથી કે પૈસાનું ઝાડ ખંખેરીને લઈ જનારી ભવ્ય-દિવ્ય 'બાહુબલી' (બંને ભાગ)એ હિન્દી પટ્ટામાં દમદાર કબજાની શરૂઆત કરી.
એમ તો એ માત્ર કન્ટેન્ટના કારણે જ નહીં, બલકે ફિલ્મનું 'લાર્જર ધેન લાઇફ' હોવું પણ એક કારણ હતું અને પાછું કટપ્પા મામા પણ તો હતા જ. 'કટપ્પા ને બાહુબલી કો ક્યોં મારા?' આ સવાલ 'શોલે'ના ડાયલૉગ જેવો અમર થઈ ગયો છે.
આખા દેશના ફિલ્મ બિઝનેસ પર તીક્ષ્ણ નજર રાખનાર ટ્રેડ નિષ્ણાત અતુલ મોહને જણાવ્યું કે, "આના પાયો તો 10-15 વર્ષ પહેલાં જ નંખાઈ ગયો હતો જ્યારે સાઉથની ફિલ્મો ડબ થઈને ટીવી પર આવવા માંડી હતી. લોકોને સિનેમાનું મનોરંજન ટીવી પર ફ્રીમાં મળવા લાગ્યું હતું અને બીજી તરફ અમે અટલે કે બોલીવૂડવાળા રિયાલિસ્ટિક સિનેમા તરફ જવા લાગ્યા હતા."
"મલ્ટિપ્લેક્સ અને અર્બન ઑડિયન્સ પર ફોકસ કરવા માંડ્યા અને સાઉથવાળાને યૂટ્યૂબ જેવું સાધન મળી ગયું."
અતુલે સમજાવતાં કહ્યું કે, "સાઉથનું કન્ટેન્ટ જોવા માટે પણ વ્યૂઅરશિપ કરોડોની હોય છે. ટીવી પર એમના શોની ટીઆરપી પણ વધી, જેનાથી અલ્લુ અર્જુન, મહેશબાબૂ, વિજય, અજિત, વગેરે લોકપ્રિય થવા લાગ્યા હતા. અમે 'ક્લાસ' બનાવવામાં પડ્યા હતા, એમણે 'માસ' એન્ટરટેઇનમેન્ટ પર ફોકસ કર્યું. સિંગલ સ્ક્રીનવાળાને એ જ જોઈએ છે અને પછી 'બાહુબલી'એ તો જુદા લેવલે જ પહોંચાડી દીધા."
તેમણે કહ્યું, "હવે માત્ર તેલુગુને જ જુઓ. એમની પાસે આંધ્ર પ્રદેશ અને તેલંગણાની ટેરિટરી છે અને માત્ર એમાંથી જ 100 કરોડ સુધીનું કલેક્શન મળી જાય છે; અને અમારા ઍક્ટર્સ આખા દેશમાંથી 100 કરોડ મેળવવામાં સ્ટ્રગલ કરે છે. ગુણાત્તરના હિસાબે બોલીવૂડનો બિઝનેસ સાઉથ કરતાં 20 ગણો વધારે હોવો જોઈએ."
અતુલ મોહનને લાગે છે કે, "સાઉથવાળા પોતાને અપગ્રેડ કરતા ગયા અને અમે ડીગ્રેડ કરતા ગયા છીએ."
તેમણે કહ્યું, "ઇન્ટેલિજન્ટ કન્ટેન્ટ જોઈએ તો મલયાલમ સિનેમા જુઓ. માસ એન્ટરટેઇનમેન્ટ જોઈએ તો તમિલ-તેલુગુ જુઓ. પરંતુ અહીં સલમાન-અક્ષય જેવા સ્ટાર એમની જ ફિલ્મોની રિમેક કરી રહ્યા છે. તેઓ ઓરિજિનલ બનાવે છે તો અમે ક્લાસિક કે આર્ટી ટાઇપ ફિલ્મો બનાવીએ છીએ."
"બાહુબલી બોલીવૂડમાં ક્યારેય ન બની, આ ફિલ્મે બધાં બંધન તોડી નાખ્યાં. તમે કહી શકો કે તેઓ હિન્દી બેલ્ટને કૅપ્ચર કરવા આવી ગયા છે. આ 10 વર્ષથી થઈ રહ્યું હતું, ધીમે ધીમે. અમને ખબર જ ન પડી."
'નૉર્થ-સાઉથ સિનેમા વચ્ચેનો ભેદ હવે ભૂંસાઈ ગયો'
અતુલ મોહને જણાવ્યા અનુસાર, "આ બોલીવૂડ માટે મુશ્કેલીભર્યો સમય છે. હવે પ્રોજેક્ટ હિન્દીમાં બની રહ્યા છે. મલ્ટિસ્ટાર મસાલા જ ચાલશે એવું તેઓ સમજી ગયા છે. એના પર ઝડપથી કામ શરૂ થઈ ગયું છે અને એનું પરિણામ આવનારાં બેત્રણ વર્ષમાં જોવા મળશે."
"હું માનું છું કે, બોલીવૂડ સ્ટાર્સે પોતાને ઓવર ઍક્સ્પોઝ કરી દીધા છે. એમણે રિઝર્વ રહેવું પડશે, ત્યારે જ સ્ટારડમ ઊભું થશે, જેવું સાઉથના સ્ટાર્સનું છે."
ફિલ્મ વિશ્લેષક કોમલ નાહટાએ જણાવ્યું કે, "બોલીવૂડની કમ્પિટિશન બોલીવૂડ સાથે જ હતી. હવે હોલીવૂડ, તમિલ-તેલુગુ સાથે પણ છે અને ઓટીટી કન્ટેન્ટ સાથે પણ છે. કમ્પિટિશન સાચે જ વધી ગઈ છે અને એમણે ઘણી મહેનત કરવી પડશે."
"કશું નવું લાવવું પડશે. કંઈ પણ બનાવી નાખો, થોડો લોકપ્રિય મસાલો ભરી દો, એ નહીં ચાલે. સામાન્ય વસ્તુઓ માટે હવે જગ્યા ઘટી ગઈ છે. સરેરાશ કરતાં ઉપરના સ્તરે કામ કરવું પડશે. લૉકડાઉનના કારણે બધાં સમીકરણો બદલાઈ ગયાં છે. હવે બોલીવૂડે ખૂબ વધારે સજાગ રહેવું પડશે."
"હવે સાઉથની નદી માટે બંધના દરવાજા ખૂલ્યા છે તો પૂર તો આવશે જ. પહેલાંથી જ પોતાના વિસ્તાર અને દુનિયાભરમાં નામ કમાઈ ચૂકેલા દક્ષિણ ભારતીય સ્ટાર્સ હિન્દી પટ્ટાના દર્શકોનાં દિલો પર રાજ કરવા માટે તૈયાર છે."
"દર્શક તો જાણે એના માટે તૈયાર જ બેઠા છે. ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે. ફિલ્મોમાં હવે નૉર્થ અને સાઉથ વચ્ચેનો ભેદ ભૂંસાઈ ગયો છે, માત્ર ઇન્ડિયન સિનેમા રહ્યું છે, અને એ જ ચાલશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો