શાહબાઝ શરીફ : જેલવાસ, દેશવટો છતાં વડા પ્રધાનની ખુરશી સુધી કઈ રીતે પહોંચ્યા?

    • લેેખક, અભિનવ ગોયલ
    • પદ, બીબીસી સંવાદદાતા

પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના નેતા અને પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના ભાઈ શાહબાઝ શરીફને દેશના નવા વડા પ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

વડા પ્રધાનપદ માટે શાહબાઝ શરીફ પાકિસ્તાનના સંયુક્ત વિપક્ષના ઉમેદવાર હતા. સોમવારના વિશ્વાસ પ્રસ્તાવમાં વોટિંગમાં તેમનો વિજય થયો.

જાણો પાકિસ્તાનના નવા વડા પ્રધાન શાહબાઝ શરીફ કોણ છે.

"તમે બધાં જ ફૂલોને તોડી શકો છો, પણ વસંતને આવતા રોકી શકતા નથી"

ઇમરાન ખાન સૌથી મોટા રાજકીય સંકટનો સામનો કરી રહ્યા હતા ત્યારે વિપક્ષના નેતા શાહબાઝ શરીફે પાકિસ્તાનની નેશનલ ઍસેમ્બલી આ ઉક્તિ કહી હતી.

ઇમરાન ખાનનું રાજકીય ભવિષ્ય દાવ પર લાગ્યું હતું. તેમણે પોતાની સત્તા બચાવવાની હતી, પણ બચાવી શક્યા નહીં. હવે તેમની જગ્યાએ પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે શરીફની પસંદગી થઈ છે.

ફૂલોની અને વસંત આવવાની વાત કદાચ વડા પ્રધાન ચૂંટાઈ જશે એવી જ આશાથી શરીફ કરી રહ્યા હતા.

શાહબાઝ ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના ભાઈ છે. ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં ગયા હતા અને જેલમાંથી છૂટ્યા પછી નવાઝ શરીફ વિદેશમાં જ છે. વિદેશમાં તેમની સારવાર ચાલી રહી છે.

નવાઝ શરીફની સરકારને હરાવીને જ ઇમરાન ખાન પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા હતા.

પાકિસ્તાનની સત્તા સંભાળવાની અગાઉ પણ તક મળી હતી, પરંતુ શાહબાઝ શરીફે મોટા ભાઈ નવાઝને જ હંમેશાં આગળ રાખ્યા હતા. શાહબાઝ પજાબ પ્રાંતના મુખ્ય મંત્રી તરીકે લાંબો સમય રહ્યા છે અને તે પછી દેશની નેશનલ ઍસેમ્બલીમાં વિપક્ષના નેતા બન્યા ત્યાં સુધીની તેમની સફર ઘણી રસપ્રદ છે.

શાહબાઝ શરીફ પોતાનાં ભાષણો અને સભાઓમાં ઘણી વાર ક્રાંતિકારી શાયરીઓ સંભળાવે છે. જાહેરમાં બોલતી વખતે ઝુલ્ફિકાર અલી ભુટ્ટોની જેમ માઇક પછાડી દેવાની નકલ પણ કરે છે. આ વાતને કારણે જ પાકિસ્તાનની ટીવી ચેનલોમાં તેમની મજાક પણ ઉડાવવામાં આવે છે.

વેપારી પરિવારમાં જન્મ

શાહબાઝ શરીફનો જન્મ પાકિસ્તાનના પ્રતિષ્ઠિત વેપારી પરિવારમાં થયો હતો. ડેલી ટાઇમ્સની વેબસાઇટના જણાવ્યા અનુસાર શાહબાઝ શરીફ કાશ્મીરી મૂળના પંજાબી છે. તેઓ જમ્મુ-કાશ્મીરની મિયાં કબિલાના છે.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર શરીફ પરિવાર કાશ્મીરના અનંતનાગમાં રહેતો હતો અને વેપાર કરવા માટે અમૃતસર નજીક ઉમરા ગામમાં રહેવા આવ્યો હતો.

બાદમાં આ પરિવાર અમૃતસરથી લાહોર પહોંચ્યો હતો. શાહબાઝ શરીફનાં માતાનો પરિવાર પણ મૂળ કાશ્મીરના પુલવામાનો છે.

શાહબાઝ શરીફે કૉલેજ પૂરી કર્યા પછી પાકિસ્તાનમાં 'ઇત્તેફાક ગ્રૂપ' નામે પોતાનો કારોબાર આગળ વધાર્યો અને તેને ખૂબ સફળ બનાવ્યું. મૂળ તેમના પિતા મોહમ્મદ શરીફે ઉદ્યોગગૃહની સ્થાપના કરી હતી, જેને તેમણે આગળ વધાર્યું હતું.

ડૉન વેબસાઇટના જણાવ્યા અનુસાર 'ઇત્તેફાક ગ્રૂપ' પાકિસ્તાનનું સૌથી મોટું ઉદ્યોગગૃહ બની ગયું છે. પોલાદ, ખાંડ, વસ્ત્રો, બોર્ડ વગેરે ક્ષેત્રમાં તેમની કંપનીઓ છે, જેના સહમાલિક તરીકે શાહબાઝ છે.

બીબીસી સાથેની વાતચીતમાં પાકિસ્તાનના રાજકીય વિશ્લેષક સુહૈલ વરેચ કહે છે, "શાહબાઝ શરીફ જન્મ બહુ જાણીતા પરિવારમાં થયો હતો. શરૂઆતમાં તેઓ મોટા ભાઈ નવાઝ શરીફને કામકાજમાં મદદ કરતા હતા. બાદમાં ભાઈની મદદથી જ તેમણે રાજકારણમાં પ્રવેશ મેળવ્યો હતો."

રાજકારણમાં પ્રવેશ

શાહબાઝ શરીફને 1985માં લાહોર ચેમ્બર ઑફ કૉમર્સના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેમની રાજકીય સફરની શરૂઆત 1988માં થઈ અને પંજાબ વિધાનસભામાં તેઓ પહોંચ્યા.

જોકે વિધાનસભા ભંગ થઈ ગઈ એટલે ધારાસભ્ય તરીકે તેમનો કાર્યકાળ પૂરો થયો નહોતો.

ત્યાર બાદ શાહબાઝ શરીફે રાષ્ટ્રીય રાજકારણમાં પણ પ્રવેશ કર્યો. સન 1990માં તેઓ પાકિસ્તાનની સંસદ એટલે નેશનલ ઍસેમ્બલીમાં ચૂંટાયા હતા. તે વખતે નવાઝ શરીફ પાકિસ્તાનના વડા પ્રધાન હતા.

નવાઝ જેટલો સમય વડા પ્રધાન તરીકે રહ્યા એટલો સમય તેઓ પણ સાંસદ તરીકે રહ્યા હતા.

સેનાનું દબાણ વધવા લાગ્યું હતું અને તેના કારણે 1993માં નવાઝ શરીફને વડા પ્રધાનપદ છોડવું પડ્યું. તે વર્ષે શાહબાઝ શરીફ પંજાબ વિધાનસભામાં પહોંચ્યા અને 1996 સુધી વિપક્ષના નેતા તરીકે ત્યાં રહ્યા.

1997માં તેઓ ત્રીજી વાર પંજાબ વિધાનસભાની ચૂંટણી જીત્યા અને આ વખતે મુખ્ય મંત્રી બન્યા.

સેનાએ સત્તા ઊથલાવી નાખી ત્યારે ધરપકડ થઈ

શાહબાઝ શરીફ પંજાબના મુખ્ય મંત્રી તરીકે બે વર્ષ રહ્યા તે પછી સેનાએ પાકિસ્તાનમાં ફરી સત્તા ઊથલાવી નાખી અને સરકારને હટાવી દીધી.

બે જ વર્ષમાં શાહબાઝે ખુરશી ગુમાવવી પડી. 12 ઑક્ટોબર 1999ના રોજ જનરલ પરવેઝ મુશર્રફે ચૂંટાયેલી સરકારને હટાવીને સત્તા કબજે કરી લીધી હતી.

સત્તા પરથી હટાવ્યા બાદ શાહબાઝ શરીફની ધરપકડ પણ કરી લેવામાં આવી.

એપ્રિલ 2000માં તેમના મોટા ભાઈ નવાઝ શરીફને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી. જનરલ મુશર્રફના વિમાનનું અપહરણ કરીને તથા આતંકવાદને ઉત્તેજન આપવાના આરોપ સાથે નવાઝ પર ખટલો ચલાવવામાં આવ્યો હતો.

આઠ મહિના પછી પાકિસ્તાનની લશ્કરી સરકારે નવાઝ શરીફને માફી આપી અને એક કહેવાતી સમજૂતી અનુસાર તેમના પરિવારના 40 લોકો સાથે તેમને સાઉદી અરેબિયા મોકલી દેવાયા. આ 40 સભ્યોના પરિવારમાં નાના ભાઈ શાહબાઝ શરીફ પણ હતા.

રૉયટર્સ સમાચાર સંસ્થાના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં પ્રવેશ કરવાથી ફરીથી પોતાની ધરપકડ થશે તેવું જોખમ હોવા છતાં 2004માં તેઓ અબુ ધાબીથી વિમાનમાં બેસીને લાહોર આવ્યા હતા. જોકે થોડા જ કલાકમાં તેમને ફરીથી સાઉદી અરેબિયા મોકલી દેવામાં આવ્યા.

પાકિસ્તાનમાં પુનરાગમન

પાકિસ્તાનની ટીવી ચેનલ જિયો ન્યૂઝના જણાવ્યા અનુસાર 23 ઑગસ્ટ 2007ના રોજ પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો અને જણાવ્યું કે શાહબાઝ શરીફ અને નવાઝ શરીફ પાકિસ્તાન પરત ફરી શકે છે. તેમને દેશના રાજકારણમાં સક્રિય થવાની પણ મંજૂરી મળી હતી.

નવેમ્બર 2007માં નવાઝ શરીફ અને શાહબાઝ શરીફ પાકિસ્તાન પરત ફર્યા.

2008ની ચૂંટણીમાં નવાઝ શરીફના પક્ષ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)નો દેખાવ સારો રહ્યો, પણ તેમની સરકાર બની શકી નહોતી.

આ બાજુ 2008માં શાહબાઝ શરીફ ચોથી વાર પંજાબમાં વિધાનસભ્ય બન્યા અને મુખ્ય મંત્રી તરીકે આગળના પાંચ વર્ષ સુધી સત્તામાં રહ્યા.

2013માં ફરીથી પાકિસ્તાનની સંસદીય ચૂંટણીઓ યોજાઈ તેમાં નવાઝ શરીફના પક્ષને પંજાબમાં જબરદસ્ત સફળતા મળી. શાહબાઝ શરીફ વધુ એક વાર પંજાબના મુખ્ય મંત્રી બન્યા.

બીજી બાજુ મોટા ભાઈ નવાઝ શરીફ પણ ફરી વાર પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા. શાહબાઝ શરીફ પોતાને પંજાબના મુખ્ય મંત્રી ગણાવવાને બદલે ખાદમ-એ-આલા એટલે કે મુખ્યસેવક ગણાવવાનું પસંદ કરતા હતા.

લાહોરમાં બદલાયું સ્વરૂપ

પાકિસ્તાનના રાજકીય વિશ્લેષક સુહૈલ વરેચ માને છે કે શાહબાઝ શરીફ સારા વહીવટકાર છે.

બીબીસી સાથેની વાતચીતમાં સુહૈલ કહે છે, "શાહબાઝ શરીફે્ માત્ર લાહોર નહીં, પણ સમગ્ર પંજાબ પ્રાંતમાં પરિવર્તન લાવનારું કામ કર્યું. પંજાબના ડેવલપમૅન્ટ માટે તેમને જશ આપવામાં આવે છે. મેટ્રો બસ અને ઓરેન્જ ટ્રેન શરૂ કરવાનું શ્રેય શાહબાઝ શરીફને જ મળે છે."

શાહબાઝ શરીફે 'સસ્તી રોટી' અને 'લેપટૉપ યોજના' શરૂ કરી તેની બહુ ટીકા થઈ હતી, પરંતુ તેમણે આશિયાના હાઉસિંગ સ્કીમ શરૂ કરી તેનાં ખૂબ વખાણ થયાં હતાં.

સર્વોચ્ચ અદાલતના એક ચુકાદાને કારણે નવાઝ શરીફે પોતાના પક્ષનું અધ્યક્ષપદ છોડવું પડ્યું ત્યારે શાહબાઝ શરીફને વચગાળાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.

મહિનાઓ સુધી જેલવાસ

2018માં પાકિસ્તાનમાં સંસદીય ચૂંટણીઓ યોજાઈ ત્યારે પીએમએલ-એન તરફથી શાહબાઝ શરીફને વડા પ્રધાનપદના દાવેદાર તરીકે આગળ કરવામાં આવ્યા હતા.

જોકે એ ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફ (પીટીઆઈ) જીતી હતી અને તેના વડા ઇમરાન ખાનને વડા પ્રધાન બનાવવામાં આવ્યા. બીજા નંબરે આવેલા પક્ષના નેતા તરીકે શાહબાઝ શરીફ વિપક્ષના નેતા બન્યા હતા.

પાકિસ્તાની અખબાર ડૉનની વેબસાઇટમાં જણાવ્યા અનુસાર સન 2020માં શાહબાઝ શરીફે કરેલી આગોતરા જામીન અરજી કાઢી નાખવામાં આવી તે પછી મની લૉન્ડરિંગના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમને લાહોરની કોટ લખપત મધ્યસ્થ જેલમાં સાત મહિના રહેવું પડ્યું હતું.

એ વખતે ઇમરાન ખાનના સલાહકાર તરીકે કામ કરતાં શહઝાદ અકબરે તેમના પુત્રો હમઝા અને સલમાન સામે પણ નકલી ખાતાં ખોલીને મની લૉન્ડરિંગ કર્યાનો આરોપ મૂક્યો હતો.

પોતાની ધરપકડ થઈ તે પહેલાં શાહબાઝ શરીફે પણ આક્ષેપ કર્યો હતો કે ઇમરાન ખાને એક કાવતરું કરીને પોતાની ધરપકડ કરાવી છે.

ઇમરાન સામે ગઠબંધન

24 મે 2021ના રોજ નેશનલ ઍસેમ્બલીમાં વિપક્ષના નેતા તરીકે શાહબાઝ શરીફે વિપક્ષના બધા જ નેતાઓ માટે રાત્રી ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. ઇસ્લામબાદમાં રાત્રી ભોજન યોજાયું હતું અને તેમાં વિપક્ષની નેતાઓએ એકઠા થઈને ઇમરાનની સરકારને હટાવવા માટે સૌને એક થવા માટેની હાકલ શહબાઝ શરીફે કરી હતી.

આ રીતે વિપક્ષી દળો વચ્ચે એકતા કરીને ઇમરાન ખાનની સરકાર પર સતત જુદા જુદા મોરચે ઘેરવામાં આવી. પાકિસ્તાનના રાજકારણમાં આ મહિનાઓમાં સતત દાવપેચ ખેલાતા રહ્યા.

પીટીઆઈની સરકારને ટેકો આપી રહેલા નાના પક્ષોમાંથી એક પછી એક ઘણાએ સમર્થન પાછું લઈ લેવાની જાહેરાત કરી અને તે રીતે ઇમરાન ખાનની સરકારી લઘુમતીમાં આવી ગઈ હતી.

વિપક્ષે ઇમરાનની સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી તે જીતી જવા માટે 342 સભ્યોના ગૃહમાં 172 સાંસદોના સમર્થનની જરૂર હતી. આનાથી વધારે સાંસદોનું સમર્થન મળી ગયું તે પછી વિપક્ષે એક થઈને આખરે ઇમરાન ખાનને સત્તા પરથી હટાવી દીધા.

શાહબાઝ શરીફ અને સેના વચ્ચેના સંબંધો વિશે વાત કરતાં સુહૈલ વરેચ કહે છે, "મોટા ભાઈ નવાઝ શરીફથી વિપરીત શાહબાઝ શરીફ પ્રથમથી જ સેના સાથે સારા સંબંધો ધરાવે છે. તેમને લાંબા સમયનો રાજકારણનો પણ અનુભવ છે. તેઓ સારા વહીવટકાર રહ્યા છે અને અને સ્થિતિને નિયંત્રણમાં રાખવાની તેમનામાં ક્ષમતા છે."

શાહબાઝ શરીફના અંગત જીવન વિશે વાત કરતા વરેચ કહે છે, "સન 2003માં શાહબાઝ શરીફે તહમીના દુર્રાની સાથે ત્રીજી શાદી કરી હતી. આ શાદીથી તેમને કોઈ સંતાન નથી. તેમના પહેલા ખાતૂનથી તેમને બે પુત્રો છે અને બીજી ખાતૂનથી એક દીકરી છે. તેઓ વધારે સમય પોતાના પ્રથમ ખાતૂન સાથે રહે છે."

શાહબાઝ શરીફના પુત્ર હમઝા શરીફનો જન્મ 6 સપ્ટેમ્બર 1974માં લાહોરમાં થયો હતો. હમઝાએ લાહોરની ગવર્નમેન્ટ કૉલેજમાંથી સ્નાતકનો અભ્યાસ કર્યો છે. બાદમાં તેમણે લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં પ્રવેશ લઈને એલએલબીની ડિગ્રી મેળવી છે.

હમઝા શરીફ પણ 2008-13 અને 2013-18 એ બે વાર સાંસદ તરીકે રહ્યા છે. હાલમાં પંજાબ પ્રાંતની વિધાનસભામાં તેઓ વિપક્ષના નેતા તરીકે છે. તેઓ સ્પૉર્ટ્સ બોર્ડ પંજાબના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો