You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત વિધાનસભા ચૂંટણી : પટેલ અને કોળી સમાજ હાથ મિલાવે તો ભાજપને નુકસાન થાય કે કૉંગ્રેસને?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ ગુજરાતના રાજકારણમાં નવાં સમીકરણો રચાતાં જાય છે.
એક તરફ કૉંગ્રેસ અને આપના નેતાઓનો ભાજપ તરફ ઝોક વધતો જાય છે, તો કૉંગ્રેસ પોતાની પરંપરાગત વોટબૅન્કને જાળવવા મથામણ કરી રહી છે. તો બીજી તરફ જ્ઞાતિઆધારિત સમીકરણોથી બધા પક્ષો પણ સક્રિય બન્યા છે.
ગુજરાતમાં યોજાયેલી મ્યુનિસિપલ કૉર્પોરેશન, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મિની વિધાનસભા જેવી ચૂંટણીમાં ભાજપની જીત પછી ગુજરાત કૉંગ્રેસે પોતાની પરંપરાગત વોટબૅન્ક જાળવવા જગદીશ ઠાકોરને પ્રદેશ પ્રમુખ બનાવ્યા અને આદિવાસીને વિધાનસભાના નેતા બનાવ્યા છે.
બીજી તરફ ભાજપે આ ચૂંટણીઓમાં પક્ષથી નારાજ અને દિગ્ગજ એવા કૉંગ્રેસ અને આપના નેતાઓ માટે લાલ જાજમ પાથરી છે.
પાર્ટીઓનાં સમીકરણો ગોઠવાયાં નથી પણ ગુજરાતમાં કદાચ પહેલી વાર પટેલ અને કોળી નેતાઓ એક થઈ શકે છે.
થોડા સમય પહેલાં પટેલ નેતા નરેશ પટેલ કૉંગ્રેસમાં જોડાઈ રહ્યા હોવાનું કૉંગ્રેસના નેતા એલાન કરી રહ્યા હતા, પણ નરેશ પટેલ હજી રાજકીય સોગઠાં ગોઠવી રહ્યાં છે એવો મત વિશ્લેષકોનો છે.
આ દરમિયાન કાગવડ ખોડલધામ ખાતે કોળી જૂથના આગેવાનો સાથે નરેશ પટેલે એક બેઠક કરી અને રાજકીય પાર્ટીઓને વિચારવા મજબૂર કરી દીધી.
કોળી-પટેલની બેઠક શું સૂચવે છે?
કોળી જૂથના આગેવાનોની નરેશ પટેલ સાથેની બેઠકને પણ રાજકીય રીતે જોવાઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોળી જૂથના નેતા રાજુ સોલંકીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમે પટેલ નેતા નરેશભાઈની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. અમારા સમાજનો વિકાસ કેવી રીતે થાય અને કોળી સમાજનું પણ મંદિર બને એના માટે ચર્ચા કરી હતી."
"આ ચૂંટણીમાં નરેશ પટેલ જે પક્ષ સાથે જોડાય એને કોળી સમાજ સમર્થન આપશે."
આ બેઠકમાં હાજર રહેલા પટેલ આંદોલનના નેતા અને નરેશ પટેલના સાથીદાર દિનેશ બાંભણિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "કોળી જૂથના આગેવાનોની કાગવડ ખોડલધામમાં અમારી સાથે બેઠક થઈ હતી, જેમાં કોળી સમાજના લોકોએ પટેલ નેતા નરેશ પટેલ રાજકારણમાં જોડાય તો એમને સાથ આપવાની ખાતરી આપી છે."
"ગુજરાતમાં પટેલ મતદારો 52 બેઠક પર નિર્ણાયક છે, તો કોળી મતદારો 42 બેઠક પર નિર્ણાયક છે. આ સંજોગોમાં પટેલ અને કોળી આગેવાનો એકઠા થાય તો ગુજરાતના રાજકારણમાં તમામ સમીકરણો બદલાઈ શકે છે."
ગુજરાતની આગામી ચૂંટણીમાં શું ફેર પડી શકે?
આ વાતને સમર્થન આપતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "જો પટેલ અને કોળી મતદારો એક થાય તો મોટો ફરક પડી શકે છે, કારણ કે મુખ્યત્વે ખેતી અને માછીમારી સાથે સંકળાયેલા કોળી સમાજના લોકો માત્ર સૌરાષ્ટ્રમાં નથી."
"દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ છે."
"ઉત્તર ગુજરાતના કેટલાક ઠાકોર પણ કોળી સમાજમાં આવે છે. આ સંજોગોમાં જો પટેલ અને કોળી સમાજ એક થાય તો તમામ સમીકરણો બદલાઈ જાય, કારણ કે કોળી અને ઠાકોર ભેગા થાય તો એમના વોટ 24% થાય અને આ મતદાતાઓ માત્ર સૌરાષ્ટ્ર જ નહીં, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અસર પડી શકે એમ છે."
"આ મતદારો દરેક વિધાનસભા ચૂંટણીમાં સરેરાશ 33 બેઠકો પર જીતે છે અને બીજી નવ બેઠકો પર નિર્ણાયક મતદારો છે. કારણ કે આ કૉમ્બિનેશન કુલ વિધાનસભાની 93 બેઠક પર નિર્ણાયક સાબિત થાય એમ છે.
ગુજરાતમાં જ્ઞાતિ આધારિત મતદારોનું પ્રભુત્વ
તો તાલીમ રિસર્ચ ફાઉન્ડેશનના ડિરેક્ટર અને સેફોલૉજિસ્ટ ડૉ. એમ. આઈ. ખાને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "પટેલ અને કોળી મતદારો ભેગા થતા નથી. કોળી મતદારો પહેલાંથી કૉંગ્રેસતરફી રહ્યા છે. ગઈ ચૂંટણીઓમાં પટેલોને વધુ પ્રાધાન્ય આપ્યા પછી પણ કૉંગ્રેસના 12 કોળી ઉમેદવારો જીત્યા હતા."
"તો ભાજપના 11 કોળી ઉમેદવારો જીત્યા હતા. આ જોયા પછી જ ભાજપે કૉંગ્રેસના કોળી નેતા કુંવરજી બાવળિયાને પક્ષમાં લીધા હતા. ઉપરાંત 2017ની ચૂંટણીમાં 2.57 %ના વોટ સ્વિંગથી કૉંગ્રેસની 16 બેઠકો વધી હતી. અલબત્ત, 16માંથી નવ બેઠકો પટેલની હતી."
"આ સંજોગોમાં પટેલ અને કોળી મતદારો એક થાય તો ભાજપ અને કૉંગ્રેસનાં જ્ઞાતિઆધારિત તમામ સમીકરણો બદલાઈ જાય, કારણ કે ભાજપ પહેલાંથી ઉજળિયાતોના પક્ષ તરીકે જાણીતો છે. ગુજરાતમાં જ્ઞાતિનાં સમીકરણો જોઈએ તો ઉજળિયાતમાં ક્ષત્રિય મતદારો 6 ટકા છે, બ્રાહ્મણ, વાણિયા, સોની, લોહાણા, જૈન અને ભાવસારના 11 ટકા મત છે, તો પટેલ મતદારો 16% છે."
"ઓબીસીની વોટબૅન્કમાં સૌથી મોટી જ્ઞાતિઓ કોળી અને ઠાકોર છે, જેમના 24 ટકા મત છે, જ્યારે અન્ય ઓબીસીના 16 ટકા મત છે."
"દલિત અને આદિવાસી મતબૅન્કનો સરવાળો કરીએ તો 16 ટકા થાય છે, તો મુસ્લિમ-શીખ-ખ્રિસ્તી વગેરેનો સરવાળો કરીએ તો 10 ટકા મત થાય છે, આવામાં પટેલ અને કોળી સમાજનું કૉમ્બિનેશન નવાં સમીકરણો રચે એમાં કોઈ શંકાને સ્થાન નથી."
ખાન આની પાછળનું ગણિત આપતાં કહે છે કે, "પટેલ ગુજરાતમાં ઉદ્યોગ-ધંધા, શૈક્ષણિક સંસ્થા અને નાના વેપાર ઉપરાંત ખેતી અને પશુપાલનમાં અગ્રેસર છે, જેના કારણે પટેલોનું ગુજરાતમાં 'સોશિયલ કૅપિટલિઝમ' ઊભું થયું છે, જે માત્ર ઉજળિયાત જ નહીં બીજી જ્ઞાતિઓને પણ અસર કરી શકે છે."
"તો બીજી તરફ પહેલાં કૉંગ્રેસ સાથે રહેલી બીટીપી હવે કૉંગ્રેસ સાથે નથી, એટલે આદિવાસીઓનું ધ્રુવીકરણ થશે. પહેલાં એ ઓવૈસીની એઆઈએમઆઈએમ સાથે હતી, હવે આપ સાથે હાથ મિલાવવાના મૂડમાં છે."
"ગુજરાતમાં ભાજપનું પ્રભુત્વ ધરાવતા શહેરી વિસ્તારોમાં 42 ટકા મતદારો છે અને આ વોટબૅન્કમાં આપ ગાબડું પડી શકે એમ છે. આ સંજોગોમાં કોળી અને પટેલ એક થાય તો રાજકીય સમીકરણો બદલાઈ જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી."
ઉલ્લેખનીય છે કે 8 એપ્રિલે બીટીપીના સંસ્થાપક અને દિગ્ગજ આદિવાસી નેતા છોટુ વસાવાએ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો