You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
XE વૅરિયન્ટ : ગુજરાતમાં જેનો કેસ નોંધાયો એ કોરોના વૅરિયન્ટ કેટલો ખતરનાક?
મુંબઈ પછી ગુજરાતમાં પણ કોરોના વાઇરસના XE વૅરિયન્ટનો નવો કેસ આવ્યો હોવાના અહેવાલ છે. મીડિયા અહેવાલોમાં સૂત્રોને ટાંકવામાં આવ્યા છે. ગુજરાતના વડોદરા ખાતેથી આ કેસ મળી આવ્યો હતો. નોંધનીય છે કે કોરોનાના ઓમિક્રૉન વૅરિયન્ટ કરતાં XE વૅરિયન્ટ વધુ ચેપી હોવાનું માલૂમ પડ્યું છે.
સમગ્ર વિશ્વમાં આ નવા વૅરિયન્ટના અમુક જ કેસ સામે આવ્યા છે. વધુ ચેપી હોવા છતાં પણ કોરોનાનો આ નવો વૅરિયન્ટ ઓછો જોખમી હોવાની વાત સામે આવી છે.
નોંધનીય છે કે હાલ જ્યારે દેશનાં વિવિધ રાજ્યોમાં કોરોનાનાં નિયંત્રણો હળવાં કરી કોરોના પહેલાંની સામાન્ય સ્થિતિ તરફ વળવા તેજ ગતિથી પ્રયાસો શરૂ થયા છે.
ત્યારે કોરોનાનો આ નવો વૅરિયન્ટ સ્થિતિ સામાન્ય થવાની ઝડપ પર કોઈ અસર કરશે કે કેમ તે તો તેની ગંભીરતા અને ચેપ ફેલાવવાની અસરકારકતા પરથી જ નક્કી થશે.
તેથી કોરોનાનો XE વૅરિયન્ટ શું છે તે જાણવું વધુ અગત્યનું બની જાય છે.
શું છે XE વૅરિયન્ટ?
ખરેખર કોરોનાનો નવો વૅરિયન્ટ XE એ ઓમિક્રૉનનો પેટા-વૅરિયન્ટ જ છે.
નોંધનીય છે કે ઓમિક્રૉન વૅરિયન્ટની ચેપ ફેલાવવાની અભૂતપૂર્વ ક્ષમતાના કારણે ગત શિયાળાની ઋતુમાં ભારતમાં કોરોના વાઇરસ મહામારીની ત્રીજી લહેર આવી હતી.
હવે નવા XE વૅરિયન્ટને કારણે ચોથી લહેર આવશે તેવી શક્યતા કેટલાક નિષ્ણાતો વ્યક્ત કરી ચૂક્યા છે. નોંધનીય છે કે પાછલા અમુક સમયથી ભારતમાં દૈનિક ધોરણે કોરોનાના નવા કેસો ઓછી સંખ્યામાં નોંધાઈ રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઓમિક્રૉન વૅરિયન્ટના બે સબ-વૅરિયન્ટ, BA.1 અને BA.2 મુખ્યત્વે જોવા મળ્યા હતા. જે પૈકી BA. 2 એ BA.1 કરતાં વધુ ચેપી હતો. જોકે તે વધુ જોખમી નહોતો. તેની પ્રસારક્ષમતાના કારણે જ વિશ્વના કુલ કેસો પૈકી ઓમિક્રૉનના BA. 2 વૅરિયન્ટના લગભગ 94 ટકા કેસો જોવા મળ્યા હતા.
XE વૅરિયન્ટએ એ આ BA.1 અને BA.2નું પુન: સંયોજન છે. તેનો અર્થ એ થયો કે તે BA.1 અને BA.2 વૅરિયન્ટના મ્યુટેશન ધરાવે છે. તેનો પ્રથમ કેસ જાન્યુઆરી, 2022માં યુનાઇટેડ કિંગ્ડમમાં મળી આવ્યો હતો.
XE જેવા પુન: સંયોજનવાળા વૅરિયન્ટ પેદા થવા એ અસામાન્ય બાબત નથી. વાઇરસમાં જેનેટિક મ્યુટેશન થવું એક ખૂબ જ સામાન્ય પ્રક્રિયા છે. પરંતુ આ પ્રકારના મ્યુટેશનથી વાઇરસના ચેપની પ્રસારક્ષમતા અને ગંભીરપણા પર નકારાત્મક અસર થઈ શકે છે.
WHOએ પણ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સમય પસાર થતાં નવા નવા પુન: સંયોજક વૅરિયન્ટોની પેદા થવાની શક્યતા વધુ છે.
XE વૅરિયન્ટ કેટલો ખતરનાક છે?
હાલ પ્રાપ્ત માહિતી અનુસાર XE વૅરિયન્ટ એ ઓમિક્રૉનની સરખામણીએ અલગ નથી. પરંતુ એટલું જરૂર છે કે આ વૅરિયન્ટ ઓમિક્રૉનના BA.2 વૅરિયન્ટ કરતાં 10 ટકા વધુ ચેપી હોઈ શકે છે.
પરંતુ આ વાત હજુ સુધી કન્ફર્મ થઈ શકી નથી. આ સિવાય તે ઓમિક્રૉનના અન્ય પ્રકારો કરતાં વધુ જોખમી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.
WHOના એક નિવેદન અનુસાર, "જ્યાં સુધી પ્રસારક્ષમતા અને રોગની લાક્ષણિકતાઓમાં નોંધપાત્ર તફાવત ન જોવા મળે ત્યા સુધી XE એ ઓમિક્રૉનનો જ ભાગ છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો