You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પેટ્રોલ-ડીઝલ બાદ લીંબુના ભાવ વધ્યા, રાજકોટમાં એક કિલોના 200 રૂપિયા - પ્રેસ રિવ્યૂ
સમાચાર સંસ્થા ANIના એક અહેવાલ અનુસાર ગુજરાતના રાજકોટમાં લીંબુનો ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચ્યો હતો.
અહેવાલ અનુસાર વધતા તાપમાનને કારણે વધેલી માગને કારણે આ ભાવવધારો જોવા મળ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.
માગમાં વધારાની સાથોસાથ પુરવઠામાં થયેલ ઘટાડો પણ તાજેતરના ભાવવધારા માટે જવાબદાર માનવામાં આવી રહ્યો છે.
સમાચાર સંસ્થા સાથે વાત કરતાં લીંબુના એક વેપારીએ જણાવ્યું કે, "પહેલાં અમે માત્ર 60 રૂપિયા પ્રતિ કિલોગ્રામના દરે લીંબુનું વેચાણ કરતા હતા. આ ત્રણ અઠવાડિયાં પહેલાંની જ વાત છે. પરંતુ હવે તે 200 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. પીક સિઝનમાં ભાવ આ સપાટીએ પહોંચી ગયો છે. જ્યારે માગ અને પુરવઠો ટોચ પર છે."
ગુજરાતમાં ઓમિક્રૉન કરતાં વધુ ચેપી XE વૅરિયન્ટનો કેસ મળ્યો
ધ હિંદુના અહેવાલ અનુસાર ગુજરાતમાં કોરોનાના ઓમિક્રૉન વૅરિયન્ટ કરતાં વધુ ચેપી XE વૅરિયન્ટનો પ્રથમ કેસ મળી આવ્યો છે. નોંધનીય છે કે સમગ્ર વિશ્વમાં આ વૅરિયન્ટના અત્યાર સુધી અમુક જ કેસ મળી આવ્યા છે.
અહેવાલ પ્રમાણે કોરોનાનો આ નવો વૅરિયન્ટ ઓમિક્રૉન કરતાં વધુ ચેપી છે. પરંતુ વધુ જોખમી નથી.
આ અઠવાડિયે મુંબઈના મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓએ ફેબ્રુઆરી માસમાં આઇસોલેટ કરેલ એક નમૂનો XE વૅરિયન્ટનો હોવાનું જણાવ્યું હતું.
સિક્વન્સને ટ્રૅક કરતા લૅબના નેટવર્ક, ઇન્ડિયન સાર્સકોવ2 જિનોમ કન્સોર્ટિયમ (INSACOG) અને કેન્દ્રીય આરોગ્યમંત્રાલયે હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અખબારી સંસ્થાને માહિતી આપનાર શખ્સે નામ ન જણાવવાની શરતે વધુ જણાવ્યું કે, "ગુજરાતથી મળેલ સૅમ્પલ NCDC મોકલી અપાયો છે. તેમજ આ નમૂનો મુંબઈના નમૂના કરતાં XEની વ્યાખ્યામાં બંધબેસતો લાગે છે."
INSACOGની ગુજરાત ખાતેની લૅબ, ગુજરાત બાયોટેકનૉલૉજી રિસર્ચ સેન્ટર (GBRC)એ આ નમૂનો XE વૅરિયન્ટનો હોવાની વાત કન્ફર્મ કરી છે. આ લૅબનાં પ્રમુખ માધવી જોશી સાથે અખબારે સંપર્ક સાધતાં તેમણે આ વિષય પર નિવેદન આપવાની ના પાડી હતી.
તેમજ ગુજરાતમાંથી મળી આવેલ પૉઝિટિવ વ્યક્તિ અંગે પણ કોઈ માહિતી મળી શકી નથી.
ગુજરાત લૉ યુનિવર્સિટીમાં એકસાથે 25 વિદ્યાર્થી કોરોના પૉઝિટિવ
ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર શુક્રવારે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી (GNLU) ગાંધીનગરના ઓછામાં ઓછા 25 વિદ્યાર્થીઓ એક સાથે કોવિડ-19 પૉઝિટિવ મળી આવ્યા હતા.
નવા કેસ સામે આવતાં જ ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશને (GMC) યુનિવર્સિટીના કૅમ્પસને કન્ટેઇનમૅન્ટ ઝોન જાહેર કરી દીધો છે.
શુક્રવારના કોવિડ-19ના કેસોના બુલેટિનમાં કોરોનાના 20 નવા કેસો મળી આવ્યાનું જાહેર કરાયું હતું. જે પૈકી 15 ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનના વિસ્તારમાંથી મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
GMCના કમિશનર ડૉ. ધવલકુમાર પટેલે આ અંગે જણાવ્યું હતું કે ત્રણ લોકો ગુરુવારના રોજ કોરોના પૉઝિટિવ મળી આવ્યા હતા.
"જેથી GMCની ત્રણ ટીમોએ કૅમ્પસમાં શુક્રવારે જઈને 167 રેપિડ એન્ટિજન ટેસ્ટ કરતાં 25 લોકો પૉઝિટિવ મળી આવ્યા હતા. જે બાદ વધુ પાંચ લોકોએ ખાનગી લૅબોરેટરીમાં તપાસ કરાવતાં તેઓ પણ પૉઝિટિવ મળી આવ્યા હતા."
"આમ, ગુરુવારથી હાલ સુધી કુલ 33 નવા કેસો નોંધાઈ ચૂક્યા છે. અમારી ટીમ વધુ ટેસ્ટ કરવાનું ચાલુ રાખશે, તમામ પૉઝિટિવ દર્દીઓને હૉસ્ટેલમાં આઇસોલેટ કરી દેવાયા છે."
મનીષ સિસોદિયા ગુજરાતની શાળાઓની મુલાકાત લેશે
દિલ્હીના શિક્ષણમંત્રી અને નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ શુક્રવારે કહ્યું હતું કે તેઓ સોમવારે ગુજરાતની શાળાઓની સ્થિતિ અંગે તપાસ કરવા માટે ગુજરાત આવશે.
તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેઓ છેલ્લાં 27 વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકારે પ્રાથમિક શિક્ષણક્ષેત્રે કરેલાં કામોની ગુણવત્તાની તપાસ કરવા માટે રાજ્યની મુલાકાત લેશે.
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર આમ આદમી પાર્ટીના નેતાએ શુક્રવારે એક પત્રકારપરિષદમાં આ વાત જણાવી હતી.
જેમાં તેમણે ગુજરાતના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીના નિવેદનની ટીકા કરી હતી, જેમાં તેમણે રાજ્યની શિક્ષણવ્યવસ્થાથી ખુશ ન હોય તેવા વાલીઓને અન્ય દેશ-રાજ્યમાં પોતાનાં બાળકોના શિક્ષણની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.
મનીષ સિસોદિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, "જિતુ વાઘાણીએ આ નિવેદન થકી એક પ્રકારે સ્વીકારી લીધું છે કે ગુજરાતમાં શિક્ષણવ્યવસ્થાના સુધારા માટે કંઈ કામ થયું નથી અને તેઓ તેવું કરવા પણ નથી માગતા. આ નિવેદનથી 27 વર્ષથી શાસનમાં રહેલી પાર્ટીના નેતાઓનાં મગજમાં રહેલ અહંકાર છતો થાય છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો